સ્ટેચ્યૂ/બૉલપેન

Revision as of 01:01, 2 May 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)




બૉલપેન



આજે કંઈક લખવું છે પણ બૉલપેન ચાલતી નથી. શબ્દો ચાતરીને ચાલ્યા જાય છે. કશું સૂઝતું નથી. હું બાલ્કનીમાં આવીને ઊભો રહું છું, પણ મારા ઊભા રહેવાનો કોઈ અર્થ નથી. છતાં ઊભો રહીને લિંકિંગ રોડ પરથી પસાર થતાં વાહનો જોયા કરું છું. બૉલપેનની રીફિલ ખલાસ થઈ ગઈ છે, એની મને ખબર છે પણ બેખુદીના આલમમાં કંઈ ન સૂઝે એની સૂઝ મનમાં પ્રગટે એટલે હાંઉ! કોઈ વિષય ન સૂઝે એટલે બૉલપેનનો ઘા કરવાનું મન થાય છે. પણ એમાં ઘા કરવાથી લેખણ ચાલવા લાગશે એની કોઈ ખાતરી નથી. બૉલપેનોની પણ અજબ સૃષ્ટિ છે. લિંકિંગ રોડ ઉપર કે ફ્લોરા ફાઉન્ટન પર ફરતાં ફરતાં પેનવાળાની દુકાનમાં પ્રવેશું કે તરત જ એની માયાવી દુનિયા મને ઘેરી વળે છે. શો-કેઈસમાં ગોઠવેલી બૉલપેન બોલતી નથી પણ વ્યંજનાથી ઘણું બધું કહી જાય છે. કેટલીક ઇમ્પોર્ટેડ બૉલપેનનો અહંકાર એટલો બધો સ્ટ્રોંગ હોય છે કે શબ્દ એને ત્યાં નોકરી કરતો થઈ જાય છે. એ બૉલપેન હુકમ કરે એટલે ચિઠ્ઠીના ચાકરની જેમ શબ્દ એની પાછળ ઘસડાયા કરે. આવી બૉલપેનો પાસે શબ્દ પોતાનું હૃદય ખોલતો નથી; પણ વેઠિયા મજૂરની જેમ ઢસરડા કરતો રહે છે. આવી બૉલપેનોને પનારે પડેલા શબ્દો નિસ્તેજ, નિર્વીર્ય અને હાડપિંજર જેવા લાગે છે. કેટલીક બૉલપેનો ધાકની મારી નીચું જોઈને લખતી હોય છે. તો વળી કેટલીક બૉલપેનો ડાંગની મારી ઊંચું જોઈને લખતી હોય છે. કેટલીક બૉલપેન કોઈને ખબર ન પડે એ રીતે અકાળે વસૂકી જાય છે. આવી વસૂકી ગયેલી બૉલપેનો પોતાનું અલગ ચર્ચ સ્થાપીને 'પાપવિમોચન પત્રિકાઓ' ઉપર સહી કરતી થઈ જાય છે. તમે લખતા હો ત્યારે પેનની ટાંક કે ટોચ શબ્દને વાગવી ન જોઈએ. પણ ઘણી બૉલપેન કાગળમાં ઘેટાં-બકરાં ચરાવવા નીકળી હોય એમ નીકળી પડે છે. આવી હિંસક બૉલપેનનો શબ્દ લોહીઝાણ થઈને કાગળ ઉપર પડ્યો હોય ત્યારે એને માટે એમ ન કહેવાય કે આ બૉલપેનના શબ્દમાં લોહીનો લય ભળેલો હોય છે. આપણે ત્યાં કોઈએ બહુ સારું લખ્યું તો એને માટે એમ કહેવાય છે કે એનો શબ્દ માંજેલો છે. આવા વિધાનો પ્રજ્ઞાપુરુષની આબરૂ વધારતા નથી પણ ઘટાડે છે. હું શબ્દને ક્યારેય માંજતો નથી. શબ્દ મને માંજે છે. શબ્દ ક્યારેક ગંદો કે કાટ ખાધેલો હોતો નથી. હું ગંદો હોઈ શકું છું. મને કાટ ચડી શકે છે પણ શબ્દ તો જેવો છે તેવો જ છે. પણ અહીં એક વાત ભૂલવા જેવી નથી કે બૉલપેન હોય એવો જ એનો શબ્દ હોય છે. તમે કાળિયાની હાર્યે ધોળિયાને બાંધો તો વાન તો ન આવે પણ સાન તો જરૂર આવે. ગુજરાતી ભાષાના છેલ્લા બે-ત્રણ દાયકાના શબ્દોને માઈક્રોસ્કૉપમાં મૂકીને જોવા જેવા છે. વૃદ્ધ માણસોને જેમ આંખે મોતિયો આવે છે તેમ ઘણી વાર પ્રાચીન શાસ્ત્રોને પણ મોતિયો આવે છે. આપણું કાવ્યશાસ્ત્ર શબ્દમાં અભિધા, લક્ષણા અને વ્યંજનાથી આગળ કશું જોઈ શકતું નથી. એક સમય એવો હતો કે કાવ્યમાં વ્યંજનાનો મહિમા વિશેષ થતો હતો. એટલે એ યુગના સર્જકો વ્યંજના ઉપર ભૂખ્યા વરુની જેમ તૂટી પડ્યા. આનું પરિણામ એ આવ્યું કે વ્યંજના વાચ્ય બની ગઈ છે. આજે તમે ઝીણવટથી જોશો તો ગુજરાતી તમને અભિધા, લક્ષણા, વ્યંજના ઉપરાંત અભિનય વિશેષ દેખાશે. આ અભિનિત શબ્દ તરગાળાની જેમ જુદા જુદા વેશ કાઢીને આપણી પાસે આવે છે. કેટલાક શબ્દોની અભિનયશક્તિ એટલી બધી જીવંત હોય છે કે કાગળના સફેદ સ્ક્રીન ઉપર એ છવાઈ જાય છે, યુગપ્રવર્તક બની જાય છે. મને બરાબર યાદ છે કે એકવાર મારા શબ્દો ગાંધીજીનો વેશ કાઢીને નીકળી પડ્યા હતા. ત્યારે ભોળા ભાવકો જેમ ધાર્મિક સિનેમામાં પ્રેમઅદીબને સાચુકલા રામ માનીને પગે લાગતા એમ મારી બૉલપેનનો ચરણસ્પર્શ કરવા લાગ્યા. રાતોરાત મારી બૉલપેન ભગવાન બની ગઈ. એ બૉલપેન પોતાનો વેશ પૂરો કરીને ગ્રીનરૂમમાં જઈને મૅક-અપ ઉતારતી ત્યારે ગ્રીનરૂમના અરીસાઓ તેને ફાડી ખાતા. એકાંત બટકાં ભરતું. આજે એ બૉલપેનની રીફિલ ખલાસ થઈ ગઈ છે છતાંય એ લખ્યા કરે છે. એને કોણ રોકે? મારી પાસે એવી બૉલપેન આવી છે કે તે જન્મી છે શહેરમાં પણ ગામડાનો વેશ કાઢીને ભવાયાની જેમ કાગળો બગાડ્યા કરે છે. આ બૉલપેને ગામડાનું ડાચુંયે નથી જોયું છતાં તળપદા શબ્દોને એણે નોકરીએ રાખી લીધા છે. બૉલપેનના શબ્દને સ્પર્શીએ છીએ ત્યારે ચામડીનો સ્પર્શ નથી પણ સનમાઈકાનો સ્પર્શ થાય છે. યુગચેતના જ કંઈક એવી ઘડાઈ છે કે બધું જ પરફોર્મ કરવું પડે છે. આ યુગમાં જેટલું સંવેદન નથી વિકસ્યું એટલો અભિનય વિકસ્યો છે. મને એક વાતની બહુ નવાઈ લાગે છે કે કેટલાક શબ્દો મીરાંબાઈનો વેશ કાઢીને મારી પાસે આવે છે ત્યારે હું એને ભક્તિભાવપૂર્વક સાંભળું છું. પણ એ મીરાંનો વેશ કાઢેલી બૉલપેનના સ્ટ્રક્ચરમાં નર્યું મેવાડ ભર્યું હોય છે. એ બૉલપેનની ચામડી ખોતરો તો એમાંથી ઝંખેલું મેવાડ નીકળે છે. લોકેષણાઓ નીકળે છે. શબ્દોને મીરાં કે નરસિંહનો મેક-અપ કરીને જિવાડી શકાય નહીં. શબ્દને પામવો એ જુદી વાત છે અને શબ્દ બની જવું એ અલગ વાત છે. આપણે બધા શબ્દોને પામવા મથીએ છીએ પણ શબ્દ બની જવાનું આપણું ગજું નથી એટલે કોરા કાગળ ઉપર બૉલપેનનો ફિયાસ્કો થાય છે. મને બરાબર યાદ છે કે હું બોલતા શીખ્યો ત્યારે પહેલો શબ્દ ‘મા’ બોલ્યો હતો. ‘મા' શબ્દમાં કોઈ જોડાક્ષર નથી પણ અઘરી સરળતા છે. આ એકાક્ષરી શબ્દમાં કોઈ અભિનય નથી, કોઈ મૅક-અપ નથી એટલે જ 'મા' શબ્દને કાળક્ષય નથી. મા એટલે ઈન્વૉલ્વમેન્ટ. એ પોતાની અલગતા ઑગાળીને શબ્દ બની જાય છે, એટલે જ એ જીવી જાય છે. હું ચોથી ચોપડી ભણતો હતો ત્યારે અમારા મકાનમાં છજામાં કબૂતરે માળો બાંધ્યો હતો. કબૂતરના ફફડાટથી આખો ઓરડો પીછાં પીછાં થઈ જતો. એ કબૂતરોને કાઢવા માટે ઘણા પ્રયત્નો કર્યા પણ કબૂતરો ગયાં નહીં. એ કબૂતરોને માળામાં પડેલા સફેદ ઈંડાંનું ખેંચાણ હતું એટલે એ ડાંગે માર્યા પાણી છૂટાં પાડતાં નહોતાં. પણ જેવાં ઇંડાં છજા ઉપરથી પડીને ફૂટી ગયા કે કબૂતરો ગાયબ થઈ ગયાં. ઓરડો સૂમસામ થઈ ગયો. એક દિવસ મને એવો તુક્કો સૂઝ્યો કે ટેબલટેનિસ રમવાનો દડો લઈને મેં કબૂતરના માળામાં મૂકી દીધો. હું બારણાં પાછળ છુપાઈને કબૂતરની રાહ જોવા લાગ્યો. એવામાં એક કબૂતર ઊડતું ઊડતું આવીને માળામાં બેસી ગયું અને ટેબલટેનિસના દડાને ઈંડું માની સેવવા લાગ્યું. ઘૂઘવા લાગ્યું, પણ આ પપેટ શો બહુ લાંબો ચાલ્યો નહીં. કબૂતરની પાંખના એક આછા હડદોલાથી ટેબલટેનિસનો દડો માળામાંથી નીચે પડીને ઊછળ્યો. કબૂતરે આ જોયું ને સડસડાટ બારીમાંથી ઊડી ગયું. કબૂતરની આ ક્ષણ નિભ્રાંતિની ક્ષણ હતી. આવી જ કંઈક કથા આપણા શબ્દોના જન્મોત્સવની છે. અહીં શબ્દને સેવવાની વાત નથી પણ શબ્દને જન્મ આપવાની વાત છે. ઘણીવાર આપણે શબ્દને જન્મ આપવાને બદલે એની ઑર(પ્લેસન્ટા)ને સેવ્યા કરીએ છીએ. આનું પરિણામ એ આવે છે કે અસંખ્ય જણતર કરવા છતાંય બૉલપેન વાંઝણી રહી જાય છે. બહુ બોલ બોલ કર્યા કરતી બૉલપેનની વળી જુદી જમાત છે. આ બૉલપેનો મૌન વિશે સતત બોલ્યા કરે છે. એક બૉલપેનને જન્મજાત ડાયાબિટીસ છે. આ બૉલપેન ઝંઝાવાતનું વર્ણન કરતી હોય ત્યારે એનો ઝંઝાવાત લાસ્યનૃત્ય કરતો દેખાય. આપણી ગુજરાતી ભાષા સ્વાન્તઃ સુખાય ભાષા છે. આ ભાષામાં ઊંચે સાદે બોલી શકાતું નથી. અહીં બધું મંદ મંદ ચાલે છે. જે ઊંચે સાદે બોલે છે એનો અવાજ ઘોઘરો થઈ જાય છે કે ફાટી જાય છે. પછી તો 'વેણને રહેવું ચૂપ.' સર્જક ક્યારેક શબ્દનો સ્વામી નથી હોતો, પણ શબ્દનો સહૃદય હોય છે. શબ્દને પોતાના સર્જકમાં સલામતી લાગવી જોઈએ. સર્જકતાનો અશ્વ હણહણાટી કરતો ખુલ્લા મેદાનમાં પૂંછડું ઉછાળીને દોડતો હોય છે ત્યારે જ શબ્દ એનામાં ઠરીને બે પાંદડે થતો હોય છે. પણ સર્જકતાનો એ અશ્વ ખુલ્લા ઘાસલિયા મેદાન છોડીને ઘોડાગાડીમાં જોડાઈ જવાનું પસંદ કરે છે ત્યારે એનો શબ્દ ઓશિયાળો બની જાય છે. એ નીરણનો માર્યો નીચું જોઈને દોડે છે. એ અશ્વની આંખની આડે ડાબલા ચડાવીને એને સીધું જોવાની ફરજ પાડવામાં આવે છે. ઘોડાગાડીનો આ અશ્વ હણહણતો નથી પણ હણહણવાનો અભિનય કરે છે. અત્યારે હું જે બૉલપેનથી આ નિબંધ લખી રહ્યો છું એ બૉલપેન કાંઈ ઓછી માયા નથી. એણે ઠાવકાપણાનો વેશ કાઢ્યો છે. ઉપદેશકનો વેશ કાઢ્યો છે. આ બૉલેપનોનો કોઈ ભરોસો નથી. ક્યારેક એ બૉદલેર બની જાય છે તો ક્યારેક 'બહોત લહેર' બની જાય છે. અત્યારે મને કોઈ ક્વૉટેશન યાદ આવતું નથી. પણ જો યાદ આવી ગયું હોત તો તમારા માથામાં માર્યા વિના હું રહેત નહીં. જેમ મા વિના સૂનો સંસાર એમ ક્વૉટેશન વિના સૂનો નિબંધ. પણ આપણી ગુજરાતી ભાષા કોઠાડાહી ભાષા છે. એ કોઈને મરતાને મર્ય કહેતી નથી. મા એ મા, બીજા બધા વગડાના વા.