સ્ટેચ્યૂ/અંધારું

Revision as of 01:18, 2 May 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)




અંધારું



મને અજવાળા કરતાં અંધારાનું વિશેષ આકર્ષણ છે. હું બહુ જ નાનો હતો ત્યારે મને અંધારાની બહુ બીક લાગતી. હવાની એક ઝાપટથી ફાનસ ઠરી જાય અને અંધારાની કાળી બિલાડીઓ ઘરમાં ધસી આવે ત્યારે હું બીકનો માર્યો ફાટી પડતો. મોટા મોટા ભેંકડા તાણીને રોવા માંડતો. આપણી આંખ સામે અંધારું છવાઈ જાય ત્યારે ફાનસ ઠરી ગયું છે એમ કહેવા કરતાં આપણે ખોવાઈ ગયા છીએ એમ કહેવું વધારે ઉચિત લાગે છે. આપણે જેટલો પ્રકાશનો મહિમા કરીએ છીએ એટલો અંધારાનો મહિમા કરતા નથી. અંધારાને મેં વિવિધ સ્વરૂપે જોયું છે ને માણ્યું છે. ગામને પાદર તળાવ સુકાઈ ગયું હોય અને ઘરના નળમાં પાણીનું એક ટીપુંય ન આવતું હોય એ નળના પાઈપમાં સૂતેલું અંધારું મેં જોયું છે. દીવાસળીની ટોચ ઉપર અજવાળાનો વેશ કાઢીને બેઠેલું અંધારું મેં જોયું છે. આપણા ઘરમાં ટ્યૂબલાઈટો ઝળહળતી હોય પણ ઇલેક્ટ્રિકના વાયરના પોલાણમાં સરકતું અંધારું મેં જોયું છે. આકાશનાં નક્ષત્રો જોવા સાથે સાથે બે તારાઓ વચ્ચે લબકારા મારતું અંધારું મેં જોયું છે. અને કોઈ તાજા જન્મેલા બાળકનાં પોપચાંમાં પોઢેલું નવજાત અંધારું પણ મેં જોયું છે. અંધારાની વાત કરીએ છીએ ત્યારે પ્રકાશનો અનાદર નથી કરતા; પણ પ્રકાશને ધારણ કરવાની શક્તિ જેટલી અંધારામાં છે તેટલી શક્તિ આપણી કાચની આંખમાં નથી. જો અંધારું ન હોત તો ગોખલામાં પ્રગટાવેલા દીવાનો કોઈ મહિમા ન હોત. જો અંધારું ન હોત તો બાળપણના દિવસોમાં આંધળો-પાટો રમવાની મઝા મારી જાત. અમારી શેરીમાં આંધળો-પાડોની રમત ખૂબ પ્રચલિત હતી. એની મઝા એ છે કે એમાં તમારે અંધારામાં ડાફોળિયાં માર્યાં કરવાનાં હોય છે. એમાં કોઈની મદદ લીધા વિના કોઈકને શોધવાના હોય છે. દિવાળીના વેકેશનમાં અમારી શેરી નવરી પડે એટલે તરત આંધળોપાડો રમવામાં પ્રવૃત્ત થઈ જતી. જેની ઉપર દાવ આવ્યો હોય એની આંખ પાટો બાંધી દેવામાં આવે અને દાવ લેનારા છોકરાઓ આઘાપાછા થઈ જાય. કોઈ આંધળો માણસ જે રીતે ડાફોળિયાં મારે એ રીતે દાવ દેનાર ફળિયામાં ડાફોળિયાં મારવા લાગે. મને હંમેશાં એમ લાગ્યું છે કે ઈશ્વર સાથે આપણે આંધળોપાડોની રમત રમીએ છીએ. આપણી કાચની આંખો જે જુએ છે એમાં ઈશ્વર દેખાતો નથી પણ વસ્તુઓ અને પદાર્થો દેખાય છે. જે આંખ ઈશ્વર ન જોઈ શકે તે આંખને દેખતી આંખ કઈ રીતે કહી શકાય! આપણે બધા જ નરી આંખે જે દેખાય છે તેનો આધાર લઈને સત્ય શોધવાનો ઢોંગ કરીએ છીએ. આપણા હાથમાં સત્યનો થોડોક અંશ આવે એટલે તરત જ આપણે સત્યનું અજવાળું પથરાઈ ગયું એવું રૉમેન્ટિક વાક્ય બનાવી નાખીએ છીએ. અહીં મારે એ કહેવું છે કે સત્યનું અજવાળું ક્યારેય હોતું નથી, સત્ય એ આ અંધારાનું ફરજંદ છે. અંધારાના જે ઘોર વાતાવરણમાં કોઈ આગિયો ઊડતો દેખાય તો એ આગિયાને સત્ય કહેવાનું સાહસ પ્રાજ્ઞ-પુરુષો કરતા નથી. મેઘલી રાતે વીજળીનો ઝબકારો થાય એ ઝબકારો સત્ય નથી પણ ઝબકારો અંધારી રાતનો છડીદાર છે. આપણે જીવનમાં ખૂબ નિરાશ થઈ ગયા હોઈએ ત્યારે આપણી સામે એવું આશ્વાસન વાક્ય ધરી દેવામાં આવે છે કે દરેક કાળા વાદળાને રૂપેરી કિનાર હોય છે. અહીં તમે જોઈ શક્યા હશો કે આ વાક્યમાં કાળા વાદળાના સત્યને નકારીને રૂપેરી કિનારનો મહિમા કરવામાં આવ્યો છે. હકીકતમાં તો અંધારું જેટલું સત્યની નજીક છે તેટલું અજવાળું નથી. ફાનસ સળગે છે એ ઘટના નથી પણ ફાનસ ઠરી જાય છે એ ઘટના છે. દીવો પ્રગટાવવો જેટલો સરળ છે તેટલું અંધારું પ્રગટાવવું સરળ નથી. આપણે ભાષાની વાત કરીએ તો કોઈ શબ્દના દીવડા પ્રગટાવે અને શબ્દને દીવો માનીને ખોળો પાથરીને પગે પણ લાગે. અહીં મને લાગે છે કે શબ્દ એ દીવો નથી પણ ગોખલો છે. તમે શબ્દના ગોખલામાં નજર કરો તો એમાં પણ તમને અંધારું દેખાય. આપણે જે બોલીએ છીએ એ બોલીભાષાની પાછળ પણ લોકજીવનનું અંધારું પડ્યું છે. આપણી જીભ ઉપર ભાષાની બારાખડી ટૂંટિયું વાળીને બેઠી છે. આપણા હોઠ ૫, ફ, બ, ભ, મ સિવાય કંઈ બોલી શકતા નથી. આપણા દાંત ત, થ, દ, ધ સિવાય મૂંગામંતર છે. હોઠ પાસે ત, થ, દ, ધ, ન-નું અંધારું છે ને દાંત પાસે ૫, ફ, બ, ભ, મ-નું અંધારું છે. અહીં મારો કહેવાનો મુદ્દો એ છે કે માણસના જીવનમાં કોઈ ને કોઈ અંધારો ખૂણો શાશ્વત અંધારિયા ખૂણાની કવિતા કરવી હોય તો કરી શકાય. આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ ત્યારે ઠાવકું મોઢું રાખીને બે કર જોડીને ઊંચા સ્વરે ગાઈએ છીએ : તમસો મા જ્યોતિર્ગમય - ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈજા. આ પ્રાર્થનામાં અંધારામાંથી પ્રકાશમાં જવાની માગણી છે. અહીં મઝાની વાત એ છે કે અંધારાને નકરા અંધારા તરીકે લેવામાં નથી આવ્યું પણ અંધારું એટલે અજ્ઞાન એવો અર્થ કાઢીને અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ લઈ જવાની વાત તાર સ્વરૂપે કરવામાં આવી છે. મેં આગળ કહ્યું તેમ આપણે શબ્દને જો દીવો માનતા હોઈએ તો તમસ અને અંધારું એ બે શબ્દોને શું કહેશો. તમે જોઈ શક્યા હશો કે ઊંડા અંધારેથી તેજના પ્રદેશમાં જવાની વાત સાચી ઠેરવવા માટે આપણે તમસ અથવા અંધારાને અજ્ઞાન જેવા ઉપજાવી કાઢેલા અર્થનાં મૅક-અપ કરીએ છીએ. રસોઈ બનાવવાના અંધારિયા ટોપને આપણે અજ્ઞાનને ઢોળ ચઢાવીએ છીએ. આપણે બધા જ અર્થઘટનોના જંગલમાં ડાફોળિયાં મારતાં પામર જીવો છીએ. અંધારને કેવળ અંધારા તરીકે જોવાની આપણી દૃષ્ટિ નથી. ચોમાસાના દિવસોમાં રાત પડે અને ઘરમાં બત્તીઓ કરીએ એટલે તરત ખૂણેખાંચરે ભરાયેલા મચ્છરો વીજળીના બલ્બની આસપાસ ઘૂમરાવા લાગશે. બત્તીની આસપાસ ઘૂમરી લેતાં જીવડાંઓને જોઈને એમ ન કહી શકાય કે આ અજવાળાનો રાસ છે. બત્તીનું અજવાળું થયું અને અંધારું ડિસ્ટર્બ થયું. દરેક પ્રગટતો દીવો કે સળગતી બત્તી અંધારાનું ડિસ્ટર્બન્સ છે. અજવાળાના ડિસ્ટર્બન્સથી ઈશ્વર એટલો બધો ત્રાસી ગયો છે કે આપણાથી જોજનો દૂર કોઈ અંધારિયા ખૂણામાં જઈને બેઠો છે. આરતીના ઘંટનાદો અને અવાજથી આપણા કાન એટલા બધા બહેરા થઈ ગયા છે કે આપણે કાનના પોલાણમાં પણ અંધારું ઉછેરી રહ્યા છીએ. શ્વાસ લઈ લઈને આપણું નાક પણ એટલું બધું વેપારી થઈ ગયું છે કે શ્વાસની લેતીદેતીમાં નાક પણ આંધળું થઈ ગયું છે. અંધારાનો ઘટ્ટ પ્રવાહ આપણી નસોમાં વહેતો હોય ત્યારે અજવાળામાં ફાંફાં મારવાના આપણા ધમપછાડા હાસ્યાસ્પદ લાગે છે. દિવાળીના દિવસોમાં હજારો દીવડા પ્રગટાવીને આપણે અંધારાને દેશવટો આપી શકતા નથી. દિવાળી એ પ્રકાશનું પર્વ નથી પણ અંધારાનું પર્વ છે. આ વાત દિવાળી જેટલી જાણે છે એટલી આપણે જાણતા નથી. સમયના વિશાળ ફલકમાંથી દિવાળીએ આવવા માટે પૂનમનો દિવસ પસંદ કર્યો નથી પણ અમાસનો દિવસ પસંદ કર્યો છે. આ કાળી ભમ્મર અમાસ આપણા માથા ઉપર ઊભી છે. અંધારાનો ગોવર્ધન દીવાની ટચલી આંગળીએ ઊંચકી શકાય પણ ગોવર્ધન નકારી શકાય નહીં. કાળી ચૌદશને દિવસે આપણે આંખમાં મેશ નથી આંજતા પણ અંધારું આંજીએ છીએ. જેની આંખ અંધારું આંજીને બેઠી હોય એ આંખને અજવાળા-અંધારાનો કોઈ ફેર નથી. અંધારું એક દુરીત છે અને અજવાળું એક કલ્યાણકારી છે એવા ભેદ મનુષ્યબુદ્ધિને યશ આપતા નથી. સત્-અસત્, અંધારું-અજવાળું, સારું-ખરાબ અને પવિત્ર-અપવિત્ર જેવા ભેદો પાડીને બુદ્ધિને ઘણો અપયશ અપાવ્યો છે. મને અજવાળામાંથી અંધારાની વાસ આવે છે. અંધારામાં અંધારું દેખાય છે. દિવાળીના અંધારા દિવસે મારી અંધારી મા ફરવા નીકળે છે ત્યારે આકાશમાં નક્ષત્રના દીવડાઓ પ્રગટે છે. આકાશમાં સપ્તર્ષિ અને આકાશગંગાની હાજરી હોવા છતાં મારી અંધારી માનું અંધારું નામશેષ થતું નથી. દિવાળીના સપરમાં દા'ડે હું ખોબોક અંધારું લઈને આવ્યો છું. એ અંધારું ફાઉન્ટન પેનના પોલાણમાંથી નીકળીને કાળી શાહી રૂપે ઢોળાઈ જાય છે. અજવાળાનો કોરો કાગળ પણ શ્યામ બની જાય છે. અક્ષરો, કાગળ પણ શ્યામ બની જાય છે. અક્ષરો લિપિબદ્ધ થાય છે ત્યારે અંધારું બોલતું થાય છે. કાગળ પરનું લખાણ અંધારાની કડીઓ જેવું લાગે છે. અંધારું કંપોઝ થઈને બહાર પડે છે ત્યારે સવાર પડે છે અને સવાર પણ બપોરની આગમાં બળીને સાંજને ઉંબરે પહોંચે છે ત્યારે અંધારું એની રાહ જોઈને ઊભું જ હોય છે. પૂર્વમાં ઊગતો સૂર્ય પણ અંધારાની આમન્યા રાખવા પશ્ચિમ દિશામાં નિસ્તેજ બનીને ઢળી જાય છે. સૂરજ જેવો સમયનો છડીદાર પણ કરોડો વર્ષથી અંધારાની સંજવારી કાઢ્યા કરે છે પણ અંધારું હજી સુધી ગયું નથી. અંધારું શાશ્વત છે, અંધારું કાયમ છે. દિવાળીની રાત આપણે દીવો પ્રગટાવીને અજવાળું નથી કરતા પણ અંધારાને કન્ફર્સ કરીએ છીએ.