પ્રથમ પુરુષ એકવચન/જાતને ખોવાનું પર્વ
સુરેશ જોષી
સાંજ ઢળે છે. દક્ષિણ તરફની બારી પાસે ખીલેલ ચમ્પાની આછી સુગન્ધ હવામાં લહેરાયા કરે છે. મારાથી અણજાણપણે મનમાં વિષાદની કળીઓ બેઠી હતી તે સાંજ વેળાના એકાન્તમાં ખીલી ઊઠે છે. એની હવામાં લહેરાતી વાસથી કોઈનું મન ભારે નહીં થાય એમ હું ઇચ્છું છું. વિષાદને વાચાળ બનીને હળવો કરી નાખવાનું મને ગમે છે. એનો ભાર આંખમાં ઘુંટાયા કરે કે મુખ પર ગ્લાનિની છાયા અંકાઈ જાય તે મને પસંદ નથી. છતાં હૃદય ક્યાં હંમેશાં આપણને વશવર્તતું હોય છે.
અત્યન્ત પરિચિત છતાં અજ્ઞેય એવા માનવીઓ વચ્ચેથી રસ્તો કરતાં મન કોઈક વાર અકળાઈ જાય છે. કદાચ મનને એની દિશાસૂઝનું ખોટું અભિમાન હોય એમ પણ બને. કોઈ વાર સફળતા કાચી હોવા છતાં ખરી પડે છે. તેનું દુ:ખ થાય છે; તો કોઈ વાર પુરુષાર્થનું ફળ જેના પર પ્રગટવાનું છે તે વૃક્ષને જ ઝંઝાવાત મૂળમાંથી હચમચાવી નાખે છે. જે ભૂમિભાગ મને દૂરથી સુન્દર લાગતો હતો તે હવે મારા વિષાદના ધુમ્મસથી ધૂંધળો બની ગયો છે, અને અને ઉછીના સૂર્યથી કામ ચલાવી લેવાનું નથી.
લેખાંજોખાં કરવાનો મારો સ્વભાવ નથી, પણ અનુભવે હવે જાણું છું કે કશુંક ખોઈ બેસવાનો ડર ખોટો છે. જેને આપણે આત્મસાત્ નથી કરી શક્યા તે આપણને ભારરૂપ જ બની રહે છે. તેઓ કેવા હળવા ને મોકળા બની જઈ શકે છે. દૃષ્ટિપાતથી, હાથમાં ગુંથાતા હાથથી, આપણે સામી વ્યક્તિને ધરીએ તો કેટલું બધું આપી દઈ શકીએ છીએ! મારી આંખમાં મારાં જ આંસુ સંઘર્યાનું મને અભિમાન નથી. આ ચાર દીવાલ વચ્ચેની નિષ્ક્રિય કંજૂસાઈ મારે માટે અહંકારનો વિષય નથી. એમાં તો છીંડા પડેલા જ સારા! એક વાર જે સુખની કે દુ:ખની છોળ આવી તે બીજી વાર આવવાની નથી તે આપણે જાણીએ છીએ, તો પછી ભવિષ્યની ક્ષણને પણ એની આગળ અદ્વિતીયતા હશે જ તે શા માટે નહીં સ્વીકારીએ?
એક વાર પોતાનાથી દૂર દૂર નીકળી જવાનો જ નશો ચઢ્યો હતો. એવું કરવા જતાં જ સમજાયું કે એ પણ આત્મઘાતનો જ એક પ્રકાર હતો. પછી કોઈક કલ્પનામાં, વિચારમાં કે કાર્યમાં જાતને ખોઈ નાખવાનું પર્વ આવ્યું. એમાંય જોયું કે એ પણ પોતાનો જ સવિશેષ પરિચય કરવાનાં જ નિમિત્તો હતાં. સુખ છીછરાં હતાં. એમાંય જાત ઓગાળી શકાઈ નહીં. દુ:ખ પણ ઊણાં હતાં, એથીય આત્મસંવિત્તિની તીવ્રતાનો અનુભવ થયો નહિ. હવે કોઈક વાર હું પોતાને કોઈક બીજું બોલતું હોય તેમ સાંભળું છું તો સુખ થાય છે. ચાલતી વેળાએ હું પોતે જ મારી પાછળ પાછળ ચાલતો મારા રંગઢંગ જોયા કરું છું.
વેદનાનો ઝોલો ક્યાંક કશાક અદ્ભુતને સ્પર્શી આવશે એવા લોભથી જ શું ચગાવ્યો નહોતો? એ જ્યારે વળ્યો ત્યારે તો જે વેદના પરિચિતતાને કારણે સહ્યા લાગતી હતી તે પણ અપરિચિત બનીને મૂંઝવવા લાગી! આથી મને સમજાયું કે હજી કેવળ ઝૂલવાનું સુખ મેં જાણ્યું નથી. ઝોલો ક્યાં જશે ને શું દેખાશે તેની ચિન્તામાં ઝૂલવાનું સુખ માણવાનું જ રહી ગયું! સ્થિતિનો આનન્દ માણવા માટે તો એક જ બિન્દુમાં ગતિના સહસ્ર આવર્તોને શમાવવાનું ગજું જોઈએ. એથી ગતિનો મહિમા આપણે તો ગાવો. રાતે જે આંખ ખૂલી જાય છે તે હંમેશાં મારી જ હોય છે, એવું વિચારવાનું પણ મને સૂઝતું નથી. બારીમાંથી મારી પથારી પર રેલાતી ચાંદની સાથે એ અભિન્ન બનીને પ્રસરી જાય છે. બહાર લીમડા અને આસોપાલવની શાખાઓ મારા શરીરથી અભિન્ન બની જાય છે. નિદ્રા અને તન્દ્રા વચ્ચેની સ્થિતિમાં અહંકાર તળિયે બેસી જાય છે. મને આધ્યાત્મિક ભાવાવસ્થાનો અનુભવ નથી. પણ આ અનુભવ માણવા ગમે છે, પણ સવાર થતાં અહમ્ના કોશેટાનો કીડો મમત્વનો તાર કાંતવા માંડે છે એને થોડું પોતીકું સુખ ને થોડું પોતીકું દુ:ખ જોઈએ છે. જગત સાથેના સમ્બન્ધના તાણાવાણા એ ગૂંથ્યા કરે છે. ઘણું ગૂંચવે છે, પણ આ ગૂંચ ઊભી કરવી અને ઉકેલવી એ જ મહત્ત્વની પ્રવૃત્તિ બની રહે છે.
મધરાત પછીનો પ્રહર છે. સૂતો સૂતો સાંભળું છું. હમણાં જ એક ગાડી ધસમસતી સ્ટેશનમાં પ્રવેશી છે. એમાંના મુસાફરોના ચહેરાઓ નજર સામે તરવરે છે. દૂર દૂરના લાલ લીલા સિગ્નલના દીવાઓ મારી આંખમાં ટમકવા માંડે છે. દૂર દૂર દોડી જતા પાટાઓ નવી ક્ષિતિજોને ઉખેળતા આવે છે. વચમાં આવી ગયેલી માંદગી મને એવા કોઈક સ્થાને ધકેલી લઈ ગઈ હતી, જ્યાંથી મૂળ સ્થાને પાછા ફરવાનું અશક્ય બની રહ્યું છે. હું પણ અજાણ્યા સ્ટેશને ઊભા રહી ગયેલા મુસાફરની જેમ હવે મને પોતાને વિસ્મયથી જોયા કરું છું. મારાં જ સુખદુ:ખ મારામાં સંપીને રહ્યાં નથી. જો એ સંપીને રહ્યાં હોત તો એને ઢાંકવા શું કરવું તે ન સમજાતાં હું પોતે જ મારામાંથી બહાર છટકી જવાનો રસ્તો શોધું છું. આ નવી પ્રકારની કાયરતા મને રુચતી નથી. મારી નિદ્રાનો છેડો બહારના લીમડાના થડ સાથે અથડાઈને પાછો આવે છે.
સમયના વ્યાપમાં સંગીત થઈને વસવું એ એક આદર્શ હતો. જો એવું બની શકે તો સમય કઠે નહિ, સમય કાળ બનીને ડરાવે નહિ, પણ સમય એટલે સાતત્ય એમ માનવું તેથી મરણથી છળી મરવા જેવું થયું. મરણે સમયને ચક્રાકાર બનાવ્યો, જેથી જન્મમરણના આરમ્ભઅન્તનો ઝઘડો ટાળી દઈ શકાય. પણ ચક્રમાં ફર્યા કરવાનોય ક્યાંક અન્ત આવવો જ જોઈએ ને!
રાતે કોઈક વાર જાગું છું ત્યારે કોઈકે સુખપૂર્વક હાથમાં હાથ મૂક્યો હોય તેવો હવાનો સ્પર્શ થાય છે. બોલવા છતાં બોલેલું ખાનગી રહે એવી રીતે કોઈક કશું કરી રહ્યું હોય એવો ભાસ થાય છે. ખુલ્લા બારણામાંથી કશીક અશરીરી છાયા ઓરડામાં પ્રવેશે છે. મને લાગે છે કે જાણે એની જ ઘણા વખતથી રાહ જોતો હતો. પણ સવાર થતાં તો હું એ સૃષ્ટિમાંથી હદપાર થઈ જાઉં છું. આથી કોઈકનો હાથ જોતાં હું એકાએક બધું નજર સામે તાદૃશ કરીને અન્યમનસ્ક બની જાઉં છું.
27-3-81