સરોવરના સગડ/ઉમાશંકર જોશી: ગૂર્જર ભારતવાસી!

Revision as of 02:18, 6 May 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <center> 200px|Center <big><big>'''‘ઉમાશંકર જોશી : ગૂર્જર ભારતવાસી!'''</big></big> '''(જ. તા. ૨૧-૭-૧૯૧૧, અવસાન ના ૧૯-૧૨-૧૯૮૮))'''</center> {{Poem2Open}} એક દિવસ અત્યંત વ્યથિત હૃદયે. કવિવર ઉમાશંકર જોશીને પોસ્ટકાર્ડમાં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Center

‘ઉમાશંકર જોશી : ગૂર્જર ભારતવાસી!

(જ. તા. ૨૧-૭-૧૯૧૧, અવસાન ના ૧૯-૧૨-૧૯૮૮))

એક દિવસ અત્યંત વ્યથિત હૃદયે. કવિવર ઉમાશંકર જોશીને પોસ્ટકાર્ડમાં એમની જ પંક્તિઓ, માત્ર આ બે પંક્તિઓ જે લખી મોકલું છું:

મોટાઓની અલ્પતા જોઈ થાક્યો,
નાનાની મોટાઈ જોઈ જીવું છું.

સામાન્ય છાપ એવી કે ઉમાશંકરભાઈ કોઈને જલદી જવાબ ન આપે. પણ, વળતી ટપાલે જ એમનું પોસ્ટકાર્ડ આવ્યું. એમણે પણ એ જ રીતિ અપનાવી હતી. લખ્યું હતું :

‘નાનાની મોટાઈ ના ઓછી હજો,
મોટાની ખોટ્ટાઈ ખુલ્લી પડી જજો!’

આ બે પંક્તિમાં મારે માટે આશ્વાસન, આશીર્વાદ અને અભીપ્સા ત્રણેય હતાં. ખરું તો એમ, કે એ વખતે પણ; ક્યાં ઉમાશંકર ને ક્યાં હું? પરંતુ અમારી વચ્ચે આવો સંવાદ કેમ થયો એની વાત જરા લાંબી છે તે તો હમણાં કરું છું જ. ‘વિશ્વશાંતિ' અર્થે પણ, આમંત્રણ વિના ક્યાંય ન જનારા કવિ ઉમાશંકર જોશી સુરેન્દ્રનગરમાં અક્ષરશઃ અતિથિ થયેલા અને કદીયે ન ભૂલાય એવું ભાષણ કરેલું. વાત એમ હતી કે - વર્ષો પહેલાં ૧૯૭૬માં સુરેન્દ્રનગરમાં ટોલ્સટોય, શરદબાબુ અને જર્મન કવિ રિલ્કે સંદર્ભે 'ત્રિવેણીસંગમ' નામે કાર્યક્રમ, મોહમ્મદ માંકડના માર્ગદર્શનમાં ‘શબ્દલોક’ સંસ્થાએ યોજેલો. સાત દિવસના આ ઉત્સવની ઉમાશંકરને સાવ ખબર જ ન હોય એવું તો કેમ બને? ઉમાશંકરભાઈ કોઈ કામે સોનગઢ ગયેલા. ત્યાંથી વળતાં માંકડસાહેબને ત્યાં સુરેન્દ્રનગર આવ્યા. કહે કે આટલા બધા લોકો મારા પ્રિય સર્જકો વિશે બોલવાના હોય ને હું સાંભળવા પણ ન આવું? એટલો વિવેકેય ચૂકું? સામે માંકડસાહેબનો વિવેક પણ સ્વર્ગને ભુલાવે એવો હતો. પહેલાં તો અમીનાબહેને બનાવેલા લાડુ પ્રેમથી જમાડ્યા અને પછી કહે કે તમે નહીં બોલો તો એકસાથે પેલી ત્રણેય વિરાટ પ્રતિભાઓને માઠું લાગશે! એ દિવસે દેખીતી કશી તૈયારી વિના ઉમાશંકર મન મૂકીને વરસ્યા અને આ દેશનો મનીષી, હોય તો કેવો હોય, એનું એક કલાકમાં નિદર્શન આપ્યું! જો કે ઉમાશંકરભાઈ માટે સુરેન્દ્રનગર અજાણ્યું નહોતું. મને યાદ છે, મહાકવિ કાલિદાસના અને સંસ્કૃતસાહિત્યના પ્રખર અભ્યાસી કવિહૃદય વિજયશંકર કામદારના દૂધરેજ રોડ પરના નિવાસે કવિ અનેકવાર આવતા અને એમની જ્ઞાનગોષ્ઠિઓ ચાલતી. એક વાર તો શેખાદમ આબુવાલાને પણ લઈ આવેલા. અકબરઅલી જસદણવાળા પણ અનાયાસ જ આવી ગયેલા. કામદારસાહેબને ત્યાં અનૌપચારિક રીતે કાવ્યપઠન કરેલું. ફરી એક વખત ઉમાશંકર, સુરેન્દ્રનગર થઈને અમદાવાદ ગયા ત્યારે આર. એસ. ત્રિવેદીએ એમને પૂછ્યું: ‘ત્યાં ગયા'તા તો 'બાલાશ્રમ'માં ગયા હતા કે નહીં?' કશુંય ભૂલે તે ઇડરિયોગઢ નહીં! બીજી વાર જવાનું થયું તો 'સમય'વાળા ભાનુભાઈ શુક્લ દ્વારા, સામે ચાલીને ‘બાલાશ્રમ'માં ગયા. નાગજીભાઈ અને શાંતાતાઈ ધન્ય ધન્ય! ઉમાશંકર અમારે આંગણે ક્યાંથી? બાલાશ્રમનો ખૂણેખૂણો ફરી વળ્યા પછી નાગજીભાઈને ઉમાશંકર કહે કે- ‘જુવાન! તારી હિંમતને દાદ આપું છું!’ તાબડતોબ સભા ગોઠવાઈ. ઉમાશંકર એ અનાથ બાળકોની આંખો વાંચી ગયા હતા. ભાષણ કરવાને બદલે સંવાદ કર્યો. સહુનાં નામ જાણ્યાં અને ‘ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા’ ગાયું ને ગવડાવ્યું! એ બાળકોય હવે તો શિક્ષક તરીકે કામ કરીને નિવૃત્ત થઈ ગયાં છે ને છતાંય આ પાર્વતી-પરમેશ્વરના સાયુજ્ય જેવા ઉમાશંકરને ભૂલ્યાં નથી! ઉમાશંકરે પણ ખાદીની જેમ જ, જીવ્યા ત્યાં લગી એ નાતો કાયમ રાખેલો. પછી તો બે-ત્રણ વાર એમણે બાલાશ્રમ'ની મુલાકાત લીધેલી એવું નાગજીભાઈએ હમણાં જ કહ્યું. કિન્તુ એ મહામનીષીનું પ્રથમ દર્શન મને ક્યારે થયું? યાદ કરું છું ને મારી દસેક વર્ષની આંખે જોઉં છું તો - લીમલીના અમારા ઘરની લાંબી ઓશરીમાં, વિદ્યાર્થીઓએ કાંતેલા અને વણેલાં વાદળી રંગના લાંબા લાંબા આસનપટ્ટા પર કવિવર ઉમાશંકર જોશી, કાશીબહેન સમેત ઈશ્વર પેટલીકર, ઝીણાદાદા એટલે કે 'સ્નેહરશ્મિ', તે વખતના રાજ્યપાલ શ્રીમન્નારાયણ, તેમનાં પત્ની મદાલસાબહેન, ગોરધનદાસ ચોખાવાળા અને ચિમનભાઈ પટેલ, શાંતિલાલ ફૂલચંદ શાહ ‘દિગંત’ ઉપરાંત બીજા કેટલાક મહાનુભાવો જમવા બેઠાં છે. બાજરીના રોટલા, માખણ, ખીચડી, કઢી, શાક વગેરેનું દેશી ખાણું નક્કી થયેલું. મને લીલી ચટણી પીરસવાનું સોંપાયેલું. ત્યારે તો કોઈનીય સામે જોવાની કે વાત કરવાની હિંમત કે સૂઝેય ક્યાંથી હોય? જો કે બાપુજીએ શરૂઆતમાં જ મને અને અરવિંદભાઈને, બંને ભાઈઓને સહુની ઓળખાણ કરાવેલી. હું બધાંને વાંકો વળી વળીને પગે લાગતો હતો એ યાદ છે. ઉમાશંકરને પગે લાગતી વખતે ‘ત્રણ વાર ન્હાય ને એક વાર ખાય !’ એ પંક્તિઓ મનમાં આવેલી, કેમ કે એમનું કાવ્ય 'વૃષભાવતાર' મેં નંદીની જેમ ડોક ડોલાવતાં ડોલાવતાં એકથી વધુ વખત વાંચ્યું હતું. આપણને ખબર નથી હોતી કે કોના પ્રતાપે ને પ્રભાવે, ક્યાં ક્યાંથી શબ્દ પ્રાપ્ત થાય છે. આજે વિચારું છું તો લાગે છે કે અનેક પવિત્ર ક્ષણોએ મને શબ્દપાથેય બંધાવવામાં ભાગ ભજવ્યો હશે. એના સરવાળા ગુણાકાર માંડવાનું શક્ય નથી. એ પ્રસંગ હતો. પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીનો. પંડિતજી લીમલીમાં જન્મ્યા હતા. જિલ્લાના આગેવાનોને વિચાર આવ્યો કે પંડિતજીને નિમંત્રણ આપીને બોલાવીએ અને એમના જ ગામમાં ભવ્ય સન્માન કરીએ. આમંત્રણ આપવા ગયેલા પ્રતિનિધિઓમાં બાપુજી પણ હતા. પંડિતજીએ જાણ્યું કે આ મુખ્યશિક્ષક તો કવિ પણ છે એટલે, ત્યાંથી લાવવાનું ય અઘરું પડે એટલાં બધાં પુસ્તકો ભેટ આપેલાં. રાજી થઈને સન્માનકાર્યક્રમની હા પાડી હતી. પણ, કાર્યક્રમ આડે પંદરેક દિવસ બાકી હતા ને પંડિત સુખલાલજીની તબિયત લથડી. રાજ્યપાલથી માંડીને ઘણા બધા મોટા મોટા માણસોની સંમતિ લઈને તારીખ નક્કી થયેલી. આડા ત્રણ જ દિવસ હતા ને પંડિતજીનો સંદેશો આવ્યો કે શરીરે બહુ નબળાઈ વરતાય છે એટલે, કાર્યક્રમમાં પોતે નહીં જ આવી શકે પણ, પેલા શિક્ષકને તાત્કાલિક અમદાવાદ મોકલો. વિરમગામથી ગાડી બદલીને બાપુજી અમદાવાદ ગયા ત્યારે પંડિતજી વાતચીત કરી શકતા હતા. એમણે કહ્યું કે - ‘હું તો નહીં આવી શકું પણ મારે બદલે આ તૈલચિત્ર લઈ જાવ!' એમ કરીને એમણે પોતાનું, કોઈ કલાકારે તાજું જ બનાવી મઢી આપેલું રંગીન ચિત્ર આપ્યું. વધારામાં વાતચીતમાં અને લખી મોકલેલા પ્રવચનમાં લીમલીની શેરીએ શેરી અને તળાવ-કૂવાને યાદ કર્યાં હતાં. કાર્યક્રમ તો આખા દિવસનો, અદ્ભુત થયો. પંડિતજીની ગેરહાજરીમાં, એ હાજર જ છે એમ માનીને, ઢોલ-નગારાં સાથે, શણગારેલાં સાતેક બળદગાડામાં મહેમાનોને બેસાડીને વાજતેગાજતે બહુ મોટી શોભાયાત્રા કાઢેલી અને પેલી તસવીરનું અનાવરણ શ્રીમન્નારાયણના વરદહસ્તે થયેલું એ દૃશ્ય અક્ષરશઃ યાદ છે. પંડિતજી પોતે તો એ ચિત્ર જોઈ શકવાના નહોતા પણ. ઉમાશંકરે એમની અંદરની આંખે જોયું. પંડિતજીની સંવેદનશીલતા અને સજજતાની વાત તો કરી જ પણ, એમણે વિશેષે કરીને એ તૈલચિત્ર સાથે પંડિતજીના વ્યક્તિત્વનો મેળ કેવી કેવી રીતે બેસે છે એ અંગે આંગળી લાંબી કરી કરીને કવિતા જેવું વક્તવ્ય આપ્યું હતું. એમ બાપુજી કહેતા. લીમલીની શાળામાં મુકાયેલું એ ચિત્ર આટલાં વર્ષે સ્વાભાવિકપણે જ થોડું ખરાબ થઈ ગયું હતું. હમણાં મેં, એ શાળાના શિક્ષક, ભાઈ મેહુલ નરેન્દ્રકુમાર ત્રિવેદી દ્વારા એની ભાળ મેળવી, અને એના પરથી નવું બનાવરાવીને ફરી વાર મારી શાળાને, એટલે કે પંડિતજી જેમાં ભણેલા એ શાળાને ભેટ આપ્યું. સાથે હતા મિત્ર ડંકેશભાઈ-ભારતીબહેન અને બિન્દુ. એ વખતે રાજ્યપાલશ્રીની સૂચનાથી ‘પંડિત સુખલાલજી સંઘવી પ્રાથમિકશાળા' એવું નામ પણ આપવામાં આવેલું. પછીનાં વર્ષોમાં કઈ રીતે એમનું નામ નાબુદ થઈ ગયું અને શાળા અચાનક જ ‘સરકારી કુમારશાળા અને હવે તો 'પ્રમુખસ્વામી પ્રાથમિક શાળા’ થઈ ગઈ એ સમજાતું નથી! વર્ષો પછી, એક વાર એટલે કે પહેલીવાર, હું અને ડંકેશ ઓઝા ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થસમિતિમાં ઉમેદવારી કરીએ છીએ. યાદીમાં મારું નામ જોઈને રઘુવીરજી મને પૂછે : 'તારાં પત્ની પરિષદના આજીવન સભ્ય છે?’ ‘ના...’ ‘તો તો તને, તારો પોતાનો એક જ મત મળશે અને તે પણ, રદ નહીં થાય તો!’ કટાક્ષાયુધો આનંદપૂર્વક કેવી કેવી રીતે ઝીલી શકાય એનું શિક્ષણ આપવાનું એમણે શરૂ કર્યું હતું! એ ચૂંટણીમાં, રઘુવીરભાઈએ આપેલા અમી-આશીર્વાદ ફળ્યા હતા. મને ૪૭૩ કે એની નજીકની સંખ્યામાં મત મળ્યા હતા અને ચૂંટાયેલાઓની યાદીમાં મારા પછી કેટલાક ખરેખર મોટા માણસોનાં નામ હતાં! હું અને ડંકેશભાઈ બંને મધ્યસ્થસમિતિમાં સારી રીતે ચૂંટાયા હતા. એ પછીના જ્ઞાનસત્રના વિષય અને વક્તાઓ નક્કી કરવા માટે મિટિંગ મળવાની હતી. ખરા બપોરે ત્રણ વાગ્યે અમે બધાં મધ્યસ્થીઓ શ્રી બી. કે. મજમુદારખંડની આસપાસ ટોળટપ્પાં કરી રહ્યાં હતાં. ઉપર કાર્યવાહકસમિતિ ચાલી રહી હતી. અમને સહુને ઇન્તેઝાર કે ક્યારે આકાશગંગાનાં નક્ષત્રો નીચે ઊતરી આવે? ક્યારે ધન્ય થઈએ? એ સમયે પરિષદમાં જેટલાં પેન્ટશર્ટ એટલાં જ, એકબીજાની શુભ્રતા સામે સ્પર્ધા કરે એવાં ધોતીઝભ્ભા પણ હતાં! પછી તો થોડી વારમાં જ ભોળાભાઈ અને નરોત્તમ પલાણનું અટ્ટહાસ્ય સંભળાયું! વસુબહેન અને વિનોદ ભટ્ટ હાથમાં હાથ નાંખીને નીચે ઊતરતાં દેખાયાં. વિનોદ અધ્વર્યુએ એ દિવસે ધોતીઝભ્ભો પહેરેલાં પણ થોડા ઉશ્કેરાટમાં હોય એવું સહુને લાગ્યું. થોડીક જ ક્ષણોમાં, જાતભાતના અવાજો કરતી લોખંડની ખુરશીઓમાં બધાં ગોઠવાયાં. આરંભમાં – થયેલાં કામોની નોંધ અને બીજા બધા નિર્ણયો, વ્યવસ્થાની સરસ વાતો થઈ. છેલ્લે મુદ્દો આવ્યો જ્ઞાનસત્રનો. બધું ઉપરથી નક્કી થઈને આવ્યું હતું. આખી મધ્યસ્થસમિતિએ હા માં હા ભણીને ધન્યતા અનુભવવાનો એ ‘અપૂર્વ અવસર' હતો. શરૂઆતની એક-બે બેઠકોવાળું તો બરોબર ચાલ્યું. પણ, પછી વારો આવ્યો વિવેચન-સંશોધનની બેઠકનો. ભોળાભાઈએ એ બેઠક માટેના અધ્યક્ષ અને વક્તાઓનાં નામનો પાઠ કર્યો અને પૂછ્યું કોઈએ કંઈ કહેવું છે? અને બે આંગળીઓ ઊંચી થઈ! તરત જ કેટલાકની આંખ્યું ઓડ્યે ગઈ! પહેલું તો ડંકેશભાઈએ એમ પૂછ્યું કે - ‘સ્થળ, વિષય અને અધ્યક્ષ સમેત વક્તાઓ નક્કી કરવાનું કોની ફરજમાં આવે?' ‘આમ તો એ અખત્યાર મધ્યસ્થસમિતિનો ગણાય!’ યશવંતભાઈ ઉવાચઃ ‘તો પછી તમે બધું નક્કી કરીને કેમ આવો છો?’ હું તાડુક્યો. વરિષ્ઠે કહ્યું કે કાર્યવાહકમાં આ બધો વિચાર કરીને એટલે આવીએ છીએ કે અહીં આપનો સમય બચે! એમણે 'આપણો' ને બદલે ‘આપનો’ કહીને શબ્દની ધાર કેવી હોઈ શકે એ બતાવ્યું! હું અને ડંકેશભાઈ તૂટી પડ્યા. મોટા અવાજે કહ્યું કે તમારી યાદી વાંચીને પણ આ સભાને પ્રભાવિત ન કરો. બધી જ ચર્ચા અહીંથી શરૂ થાય અને નિર્ણયો પણ અહીં જ લેવાય એવી અમને અપેક્ષા છે. કાર્યવાહકસમિતિએ કરેલું લેસન અમે સાંભળવાની પણ ધરાર ના પાડી. એકડે એકથી નવેસર ચર્ચા શરૂ થઈ. મોવડીમંડળે વિવેચન-સંશોધનની બેઠક માટે અધ્યક્ષપદે ઈશ્વરલાલ ૨. દવેનું નામ નક્કી કરી રાખ્યું હતું. એની સામે અમે ભોગીલાલ સાંડેસરાનું નામ મૂક્યું અને મામલો બિચકયો. હોદ્દેદારોએ ઈ.૨.દ.નો જ આગ્રહ રાખ્યો. અમારો અભિપ્રાય એવો થતો હતો કે અમને દવેસાહેબના નામ સામે કશો વ્યક્તિગત વાંધો નથી, પણ સાંડેસરાસાહેબ વિદ્વતા અને ઉંમર બંનેમાં મોટા છે. આજે આપણે એમને આ ગૌરવ નહીં આપીએ તો ક્યારે આપીશું? અવસર ચૂક્યા મેહુલા....! ચર્ચામાં એક તબક્કો એવો આવ્યો કે હું બોલી પડ્યો: 'ચાલો મને સમજાવો! દવેસાહેબનું સાહિત્યકાર્ય કઈ રીતે સાંડેસરા કરતાં મોટું અને મહત્ત્વનું છે? ચિમનલાલ ત્રિવેદી ઊભા થયા અને ભોળેભાવે એમનાં કાર્યો તથા ગ્રંથોની મંત્રમાળા શરૂ કરી. યશવંતભાઈ આખી પરિસ્થિતિ સમજી ગયા હતા. ઈશ્વરભાઈ ક્ષોભજનક અવસ્થામાં ન મુકાય તે માટે એમણે રસ્તો કાઢ્યો કે 'આ સભામાં જ ઈશ્વરભાઈ હાજર હોય અને આપણે એમના બારામાં ચર્ચા કરીએ તે યોગ્ય ન ગણાય. ઔચિત્યભંગ થાય.’ અમે એમની વાત પકડી લીધી. કહ્યું કે, બરોબર છે. આ નિર્ણય થઈ રહે એટલી ઘડી એમને ગૌરવભેર બહાર મોકલવા જોઈએ, જેથી પારદર્શક ચર્ચા થઈ શકે. વાત સ્વીકારીને દવેસાહેબ થોડીવાર માટે પગથિયાં ચઢીને બાજુની ઓફિસમાં જઈને બેઠા. ચર્ચાએ થોડી ઉગ્રતા પણ ધારણ કરી. રઘુવીરભાઈએ ગુરુપદને આગળ કરીને કહ્યું: ‘હર્ષદ તું હમણાં બેસી જા! પછી હું તને સમજાવીશ.’ ‘ના સાહેબ! જાહેર નિર્ણયની ચર્ચા જાહેરમાં જ થવી જોઈએ! પછીથી સમજાવવાને બદલે અહીં બધાંની હાજરીમાં જ ભણાવોને જે ભણાવવું હોય એ! હું ભણવા માટે તૈયાર છું!’ ગુરુજીનો ખૌફ મારા પર ઊતરે એ પહેલાં જ સહુના આશ્ચર્ય વચ્ચે ઉમાશંકર ઊભા થયા. વાતાવરણ સ્થિર થઈ ગયું. એમની આંખો અને હોઠ ભીડાયાં. પછી શબ્દેશબ્દ છૂટ્ટો પાડીને કહે: ‘રઘુવીર! હર્ષદ સાચું કહે છે!' અને એક સન્નાટો! છેવટે સાંડેસરાસાહેબના શિરે અધ્યક્ષપદનો અભિષેક થયો. હકીકત એ હતી કે મેં તો આ પૂર્વે કદી દવેસાહેબ કે સાંડેસરાસાહેબ સાથે સંવાદની વાત તો ઘણી દૂર… એમનાં દર્શને ય નહોતા કર્યાં! ત્યારે પણ, વિદ્વત્તા અને અનુભવની સ્થાપના માટે આટલું મથવું પડતું હતું! સભા પૂરી થઈ. બધાં ધીમે ધીમે બહાર નીકળતાં હતાં. અચાનક મારા ડાબા ખભે કોઈની મુલાયમ છતાં દાબ અનુભવાય એવી હથેળીનો સ્પર્શ થયો. એ ઉમાશંકરનો જમણો હાથ હતો! ફરી એ જ બુદ્ધમુદ્રા અને મક્કમ સ્વરે બોલ્યા: 'યંગ ટર્ક!' એ ક્ષણ, મારે માટે બીજી વારના યજ્ઞોપવિતની હતી! પેલાં પોસ્ટકાર્ડ આવાગમનની ભૂમિકા આ ઘટનાના અજવાળામાં જોવી. ત્યારે સહજ રીતે જ પ્રાપ્ત થયેલા કવિશ્રી અમદાવાદમાં જ અમને જડ્યા નહીં એ કિસ્સો યાદ કરવા જેવો છે, કેમકે તે અતીવ કરુણ અને અમારા ભોટપણને ઉજાગર કરનારો છે. બન્યું'તું એવું કે થાણેસ્થિત કવિ શ્રી દિલીપ ઝવેરી અમદાવાદ આવ્યા હતા. બૃહસ્પતિસભા, ગાંધીનગરના સહુ મિત્રોએ તક ઝડપી દિલીપભાઈને સાંભળવાની! એમને વિશે સાંભળેલું કે બહુ સરસ અને તાકાતવાળા અવાજે શબ્દેશબ્દમાં જીવ રેડીને આ કવિ કાવ્યપાઠ કરે છે. સેક્ટર-૧૭ના ગ્રંથાલયની લોનમાં, પંખીઓના કલરવની સાક્ષીએ એમનો કાવ્યપાઠ ગોઠવ્યો. એમને જમાડવાની જવાબદારી ભાઈ કિરીટ દુધાતે સ-હર્ષા સ્વીકારી હતી. મને કહ્યું કે મારે અમદાવાદથી એમને લઈ આવવા. હું તો સ્કૂટર લઈને ઊપડ્યો. ઉત્સાહમાં દોઢેક કલાક વહેલો પહોંચી ગયો! દિલીપભાઈએ પણ અવસર શોધ્યો. મને કહે, ગાંધીનગર પહોંચવામાં વાર નહીં થાય. થોડોક સમય છે તો ચાલો આપણે ઉમાશંકરભાઈને મળતા જઈએ. અગાઉથી જણાવ્યું તો નથી. પણ મળી જાય તો આપણાં અહોભાગ્ય! આપણે એક ચાન્સ તો લઈએ જ. એમને ને મને સરદાર પટેલ એટલું જ યાદ. બેમાંથી એકેયે આ અગાઉ ‘સેતુ' બંગલો જોયો નહોતો. વળી, સરદાર પટેલનગર અને સરદાર પટેલ કોલોની બંને અલગ અસ્તિત્વ ધરાવે છે એવું અભિજ્ઞાન પણ તે વખતે તો નહીં જ! એટલે પૂછતાં પૂછતાં જ પંડિત થવા સરદારના બાવલે પહોંચી ગયા. ખૂણા પરના બિલ્ડિંગ ઉપર મોટા અક્ષરે ‘સરદાર પટેલ કોલોની' વાંચ્યું ને હરખનો તો પાર નહીં. પણ, ક્યાંય ઉમાશંકરનો નિવાસ ન દેખાય. કોઈ કહે કે આમ જાવ ને કોઈ કહે કે તેમ જાવ. લગભગ એકાદ કલાકની પૃથ્વીપ્રદક્ષિણા પછી પણ ‘ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું!” સમય થઈ ગયો હતો, એટલે રાજ્જા દિલીપ એવું વદ્યા કે ચાલો મિત્ર! હવે ગાંધીનગરની વાટ પકડો! ઉમાશંકર નસીબમાં હશે તો ફરી ક્યારેક! અને એ ‘શોધ' ત્યાં તો અધૂરી જ રહી... પછીનાં વર્ષોમાં અમારો ભાગ્યોદય થયો ને એક વખત હું ભોળાભાઈ પાસે કૈંક કામે ગયો. એ બહાર નીકળવાની તૈયારીમાં જ હતા. સહસા જ બોલી પડ્યાઃ ‘ચાલો, આવવું છે ઉમાશંકરને ઘેર?’ ‘તમને વાંધો ન હોય તો આવવું જ છે...' મનમાં એક સેતુ અધૂરો રહી ગયાની વાત ભોળાભાઈને તો ન કરી, પણ તક ઝડપી લીધી. અમે ગયા ત્યારે, ઉમાશંકર એકલા જ હતા ઘરમાં. ડાઈનિંગ ટેબલ ઉપર પણ અસંખ્ય પુસ્તકો પડ્યાં હતાં. ભોળાભાઈએ ઓળખાણ કરાવી તો કવિશ્રી કહે કે- ‘જાણું છું. એ યંગ ટર્કને!’ મેં વંદન કર્યાં અને એ લોકો અંદરના રૂમમાં ગયા. જતાં જતાં કવિશ્રી મને છૂટ આપતા ગયા કે અહીં પુસ્તકો પડ્યા છે એ નિરાંતે જોઈ શકશો! નીકળતી વખતે. ઉમાશંકરભાઈ કહે કે ચા પીને જાવ. પણ ભોળાભાઈએ ના કહી મેં પણ જો તેઓને પીવી હોય તો બનાવી આપવાની તૈયારી બતાવી! ઉમાશંકર કહે : 'આ તો તમારા માટેની જ વાત છે...’ અને અમે નીકળ્યા. કવિ દિલીપ ઝવેરી સાથે, ‘સેતુ’માં નહોતું જઈ શકાયું તે ચક્ર ભોળાભાઈ સાથે પૂરું થયું! હવે તો જગત આખું જાણે છે કે ઉમાશંકરને એવી આદત હતી કે જેને ઘેર જાય ત્યાં ઓતપ્રોત થઈ જાય. પરિવારજનો સાથે પણ મુક્તમનથી આત્મીય સંવાદ કરે. દરેકને નામજોગ જાણવાનો પ્રયત્ન કરે. બહુબધા લોકોનાં નામ એમને વિના પ્રયત્ને યાદ રહેતાં. મેં એક કિસ્સો સાંભળ્યો છે: એક વખત તેઓ વડોદરામાં કોઈ મોટા વિદ્વાનને ઘેર ગયેલા. થોડું નિરાંતે રોકાયેલા. વાતચીત અને ચર્ચામાં દુનિયાભરનાં સાહિત્યના સંદર્ભો આવતા જાય ને બંને વિદ્વાનો જ્ઞાનગોષ્ઠિમાં મગ્ન અચાનક, ગોષ્ઠિ અટકાવીને યજમાન કહે કે હું પાંચ-દસ મિનિટમાં સ્નાતક થતો આવું! એ નહાવા ગયા ને કવિવરે કોઈ પુસ્તક હાથમાં લીધું. હજી બે-ચાર પાનાં જ આમતેમ ફેરવ્યાં હશે, ત્યાં તો યજમાનપુત્ર કંઈ કામ અર્થે એ રૂમમાં આવી ચડ્યો. ઉમાશંકર માણસને પ્રથમ ક્રમે મૂકે. એટલે સહજભાવે જ પુસ્તકને બાજુ પર મૂક્યું અને યજમાનના દીકરાને પોતાની પાસે બોલાવ્યો. એના ભણતર અંગે પૃચ્છા કરી તો કહે કે - ‘આવતે વર્ષે એસ.એસ.સી થઈ જઈશ.' તરત જ બીજો પ્રશ્ન : 'ક્યા ક્યા વિષયોમાં રસ પડે? આગળ ઉપર શું ભણવાનો વિચાર કર્યો છે? કઈ લાઈન વધુ ગમે?' વગેરે વગેરે! ઉમાશંકરે પોતાની ઉંમર અને વિદ્વત્તા પરહરીને એની સાથે, ખભે હાથ મૂકીને એક વત્સલમિત્રની અદાથી, કિશોરસહજ ચર્ચાઓ કરી. એની કારકિર્દીમાં ખૂબ રસ લીધો. આગળના રસ્તાઓ પણ બતાવ્યા! એ પછી ઉમાશંકર તો ત્યાંથી નીકળી ગયા. પણ, બીજે દિવસે બોમ્બ ફૂટ્યો! દીકરાએ પોતાના પિતાને નિર્ભેળ રીતે કહ્યું: ‘તમે ક્યારેય મને પૂછ્યું છે મને શેમાં રસ પડે છે તે અંગે? તમે ક્યારેય મારા અભ્યાસ, કારકિર્દી કે ભવિષ્ય બાબતે અમથી વાતેય કરી છે? તમારા કરતાં તો… તમે રાતદિવસ જેમની ખોદણી કરો છો એ ઉમાશંકર સારા! એમણે મારી કેટલી બધી ચિંતા કરી. પાછા જતાં જતાં કહેતા પણ ગયા કે આગળ ઉપર પણ કંઈ વાત કરવી હશે તો આપણે ચર્ચા કરીશું!' અને પિતાશ્રીનો પિત્તો ગયો. ક્ષણ વાર માટે પિતા મટી ગયા! સગો બાપ પોતાના દીકરાને લાલ આંખ કરીને ભયંકર ગુસ્સામાં કહે છે : ‘એવું કર.. કાલે સ્કૂલે જઈને તારા નામની પાછળ મારું નામ લાગે છે એ બદલીને ઉમાશંકરનું લખાવી દે!’ એક વાર શિરીષ પંચાલ, જયદેવ શુક્લ અને સનત ભટ્ટ વડોદરાની બજારમાં ફરતા હતા. અચાનક ત્રણેયનું ધ્યાન બ્રેડબિસ્કિટની દુકાનના પાટિયા પર પડ્યું: ‘ઉમાશંકર બેકરી'. અને કવિ જયદેવ હસતાં હસતાં કહે – ‘જુઓ! વડોદરામાં તો સુરેશ બેકરી જ હોવું જોઈએ ને? અહીં પણ સુરેશભાઈને સ્થાન નહીં?’ રાધેશ્યામ શર્માએ ‘ફેરો' નવલકથાની પ્રત વાંચવા ને અભિપ્રાય આપવા એમને આપી હતી. ઉમાશંકરે અસાધારણ કહેવાય એવો વિલંબ કર્યો. પણ, પછી તો એ જોઈ-સાંભળી ગયા. શર્માજી પૂછે છે: ‘પ્રગટ કરવા જેવી લાગે છે? નહીંતર...’ ઉમાશંકરે કહ્યું : 'પ્રગટ કરવાની છે એટલું જ નહીં, હું એની પ્રસ્તાવના લખીશ અને જ્યાં સુધી ન લખું ત્યાં સુધી ચોપડી બહાર નહીં પાડવાની!’ પોતે નવી પેઢીનાં સાહિત્યસર્જનમાં એ કક્ષાનો રસ લેતા! ઉમાશંકર કોઈનાય સાચા શબ્દની સરાહના કરવામાં પાછા ન પડતા એનું આ એક ઉદાહરણ. બાકી તો એમણે, 'સ્વપ્નપ્રયાણ', 'બારી બહાર' કે ‘ધ્રૂજતી પ્યાલી' સમેત જે જે પ્રસ્તાવનાઓ લખી છે તે ધ્યાનથી વાંચીએ તો ય એમના પ્ર-ભાવનો ખ્યાલ આવે. કોઈ જેમની સાથે છૂટછાટ ન લઈ શકે એવા, એક આખા યુગ ઉપર પ્રભાવક બળ સમાન ઉમાશંકર અંગે પણ નિરંજન ભગત અને વિનોદ ભટ્ટ જેવા નર્મોક્તિઓ કરી શકતા. એક વખત કવિશ્રીએ 'પુષ્પોની સાથે વાત કરવાનો સમય રહ્યો નહીં' એ કાવ્ય વાંચ્યું ને નિરંજન ભગત બોલી પડ્યા : ‘તે આખો દહાડો વિમાનમાં જ ઊડ્યા કરો તો ક્યાંથી સમય રહે?’ એમનો ઈશારો ઉમાશંકરની વધુ પડતી વ્યસ્તતા સંદર્ભે હતો.... બચુભાઈવાળા 'કુમાર'માં વિનોદ ભટ્ટ દર મહિને કોઈ એક સાક્ષરની નજર ઉતારતા. ઉમાશંકર જેવા ઉમાશંકર પણ, જાહેર વ્યક્તિ બન્યા પહેલાં, એક વાર કોઈ સગાને મારવા પુષ્પને બદલે ઈંટ ઉપાડી બેઠેલા! એ કિસ્સો વિનોદી આયનામાં પણ ઝિલાયેલો. પછીથી, કોઈએ વિનોદભાઈને કહ્યું કે, ઉમાશંકર કહેતા હતા : ‘વિનોદે મારી ઈમેજનો તો વિચાર કરવો જોઈએ ને?’ વિનોદભાઈએ બીરબલની અદાથી કહ્યું: 'જહાંપનાહ! એ તો એમણે ઈંટ ઉપાડતાં પહેલાં વિચારવું જોઈએ ને?’ અઠ્યાશીના ડિસેમ્બરની ઓગણીસમી તારીખે મુંબઈની હોસ્પિટલમાં એમણે છેલ્લા શ્વાસ લીધા. એમના અવસાનના સમાચાર સાંભળીને જે સોપો મનમાં પડી ગયેલો એ આજે પણ ઓછો થયો નથી, બલકે દિવસે ને દિવસે એમની સ્મૃતિ વધુ ને વધુ સતેજ થતી જાય છે. યાદ કરું છું તો-અમદાવાદની વાડીલાલ હૉસ્પિટલ પાછળના શ્મશાનમાં સમાજના તમામ ક્ષેત્રના લોકોનું કીડિયારું ઊભરાયું છે. સહુ વંદન કરીને કે ફૂલમાળા પહેરાવીને, વીલે મોંએ દૂર જઈને ઊભાં રહે છે. આખા નગર ઉપર જાણે કે રાંક થઈ ગયાનો ભાવ પ્રવર્તે છે. બધાંને બધું છિન્નભિન્ન થયેલું અનુભવાય છે. કોઈને પણ શું બોલવું એ સમજાતું નથી. બીજા કેટલાકોની સાથે, મન કઠણ કરીને, મિત્ર રમેશ ર. દવે અને હું એમની અંત્યેષ્ટિના કાર્યમાં લાગી જઈએ છીએ... આજે પણ કોઈ સવારે, ઊગતા સૂર્યની કેશરિયા ટશર નિહાળતી વખતે, એ પાવકજ્વાળાઓ યાદ આવે છે અને હું મને પૂછી વળું છું: 'કાલે હતો તે તડકો ક્યાં છે?' ગુજરાત સાહિત્ય અકાદમીએ ઉમાશંકરનું મૂર્ધન્ય સાહિત્યકાર તરીકે સન્માન કરવાનું ઠરાવ્યું અને એમને જાણ કરી તો ઉમાશંકર કહે કે - 'સત્તાવાર પત્ર મોકલો!' એ પછીની ઘટનાઓ જાણીતી છે એટલે, અહીં એનું વર્ણન નથી કરતો. પણ, આપણે છાશવારે, મોઢું ભરાઈ જાય એમ, ગૌરવભેર જાહેરમાં આ મતલબનું બોલતા હોઈએ છીએ કે- ઉમાશંકરે કટોકટીનો વિરોધ કરેલો. એક વખતે, ‘ઇન્દિરા ઇઝ ઇન્ડિયા' કહેવાતું એ ઇન્દિરા ગાંધીને પણ આપણા આ કવિ રાજ્યસભામાં રોકડું પરખાવી દેતાં અચકાયા નહોતા! ‘સંસ્કૃતિ'ના તંત્રીલેખવાળું પાનું કોરું રાખેલું! દિલ્હીમાં, ઈન્દિરાજીનો કાફલો નીકળતો હતો ત્યારે એમનું મોઢું જોવું ન પડે એ માટે પોતાનું મોઢું દીવાલ ભણી ફેરવી લીધેલું. જે સમયે જે કોઈ સત્તાધીશને જે કહેવા જેવું લાગે તે અભય બનીને કહી દેતા! આવું કહેવા માટે જેલમાં જવાની પણ એમની તૈયારી રહેતી. આ ઉમાશંકરની અડગ, પ્રામાણિક અને પારદર્શક તાસીર-તસવીર હતી. કદાચ એટલે જ એમનો પડ્યો બોલ ઝિલાતો હતો! ઉમાશંકર માત્ર કવિ કે 'સંસ્કૃતિ'ના તંત્રી જ નહોતા. એ આપણા જાગ્રત પ્રહરી અને લોકશાહી-સંસ્કૃતિના ખરા પ્રતિનિધિ અને રક્ષક હતા. એમને દેશવિદેશના અનેક ક્ષેત્રના મોટા મોટા માણસો સારી રીતે ઓળખતા હતા. ચારેબાજુ છવાઈ જવા માટે એમની મેધાવી પ્રતિભા પૂરતી હતી, એ માટે એમને કોઈ પેરવી કરવાની કે પોતાના સમયમાં ગેરહાજર રહેવાની જરૂર નહોતી! અમારે માટે તો ઉમાશંકર નોળવેલ જેવા છે. જ્યારે પણ ભીડ પડે કે સારાસારનો ભેદ કરવાનો થાય છે ત્યારે - એમના શબ્દ પાસે પોતાની ગરજે જઈએ છીએ અને એ સમયનો રંગ બદલવાની પ્રક્રિયામાં આજે પણ તાકાત અને આશ્વાસન આપે છે. કોઈ પણ ક્ષણે ઉમાશંકર આપણને પૂછી શકે છે: ‘દેશ તો આઝાદ થાતાં થઈ ગયો.. તેં શું કર્યું?’