માંડવીની પોળના મોર/સમયસંકેત

Revision as of 08:17, 12 May 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
સમયસંકેત

મને તારીખ-વાર કે સમય ભાગ્યે જ યાદ રહે. ઘણી વાર કોશિશ કરી હશે પણ સદંતર નિષ્ફળ! એને કારણે ક્યારેક સ્વજનોને માઠું લાગ્યાના દાખલા પણ બન્યા છે. કોઈને જન્મદિને યાદ રાખીને અભિનંદન આપીએ તો સહુને ગમે. પરંતુ યાદ રહે તો ને? અરે! તારીખ-વારની વાત તો દૂર રહી, સમય વિશે પણ મારા જેવો નફકરો તમને શોધ્યો નહીં જડે. મનની ઘડિયાળ અને વાસ્તવિક ઘડિયાળ વચ્ચે ઘણી વાર તો કલાકોનું અંતર પડી જાય. કોઈ યાદ અપાવે ત્યારે આશ્ચર્ય થાય. ઓહ! આટલો બધો સમય વહી ગયો? મારાં મા ભીંત ઉપર આવતા તડકાને જોઈને સમય નક્કી કરતાં. ચંદ્રની કળા જોઈને તિથિ કહી દેતાં. આંખની ઉપર હાથની છાજલી કરીને તડકો જોઈ રહે. તડકાનું શિયાળા-ઉનાળા-ચોમાસાનું અલગ અલગ અનુમાન. એક વાર મનમાં ગોઠવાઈ જાય પછી ભૂલ ન થાય. કોણાર્કના સૂર્યમંદિરના રથનાં ચક્રોના દાણા જોઈને સમયની તિથિ-વાર-વર્ષની ગણતરી થઈ શકે છે. અમારા ગામમાં ટાવરે ડંકા પડતા. આખું ગામ ડંકે જાગે, ડંકે દોડે ને ડંકે ઊંધે. ઊંઘમાંય સાંભળે ડંકા. એમનો સ્થૂળ અને સૂક્ષ્મ કાન સતત સમય સાથે કદમ મિલાવતો રહે. એ સમયે ગામેય એટલું નાનું ને સરવા સહુના કાન તે બધે ડંકા સંભળાયા કરે. પણ પછી તો સમય જતાં ટાવર પડ્યા બિમાર. કોઈનાં ચક્રો ન મળે તો કોઈની છટકી ગઈ કમાન. સમય વિના ઊભેલા ટાવરો ઠેર ઠેર નજરે પડે. ક્યાંક કલાકકાંટો ગૂમ તો ક્યાંક ઠરડાયેલો મિનિટકાંટો. કો’ક ઠેકાણે તો એકેય કાંટાનાં ન મળે ઠેકાણાં. માત્ર ચંદો જોયા કરે ચારેકોર બારેય આંખે! ટાવરની નીચે ઊભાં હોવા છતાં કોઈને પૂછવું પડે : ‘ભાઈ! કેટલા વાગ્યા હશે?’ એમાં કોઈને રમૂજ ન થતી. બધાં ટેવાઈ ગયેલાં. પછી તો સમય જતાં ટાવરેય ગોથાં ખાઈને પડ્યા. જે ઊભા હોય એનાં, ક્યાંક કાંગરા નહીં તો ક્યાંક બંગલી જેવાં ત્રિકોણિયાં ઢાળિયાં નહીં. વાહનોએ અથડાઈ અથડાઈને છોલી નાંખેલા એના પગ. ચાવી દેવા ઉપર ચઢવાનું બારણું ય ખુલ્લુંફટ્ટાસ! ભલું હોય તો એમાં કૂતરી વિયાઈ હોય ને ઉપર બખોલો-બારીઓમાં કબૂતરે માળાયે કર્યાં હોય. ક્યાંક તો સમય જોઈને આવી ચડેલાં બુલડોઝર તે ટાવરનું નામ-નિશાનેય ન મળે. પછી ઊભાં થયાં સર્કલો. જૂની પેઢીનાં કોઈ કોઈની આંખોમાં હજીય ડોકાયા કરે ટાવર ને કાનમાંથી ડંકાઓનું લશ્કર થતું રહે પસાર. ધીરે ધીરે લોકોને ટાવરની ઊંચાઈને બદલે સર્કલોની પહોળાઈ માફક આવી ગઈ. પછી આવ્યાં મિલનાં ભૂંગળાં. ક્રાંતિ કોટન મિલમાં આઠ કલાકની પાળી. ચોવીસે કલાક મિલ ધણધણે ને ફિણોટા જેવા ધોળા કાપડના વીંટ્યા કરે તાકા. દર ચાર કલાકે ભૂંગળું ભૂલ્યા વિના કરાંજે. પરોઢે ચાર, સવારે આઠ, બપોરે બાર, સાંજે ચાર, રાત્રે આઠ ને મધરાતે બાર! એમ સમયનું ચક્કર ચાલ્યા કરે. સમયનો પ્રવાહ કેવો તો ગોળ ગોળ છે એનું ભાન કરાવ્યા કરે. પહેલાં જે કામ ડંકે થતાં એણે હવે ભૂંગળાની ચીસનો આશરો લીધો. અમે નાનાં તે ભૂંગળાનો કાં ફાડી નાંખે એવો અવાજ સહન ન થાય. બેય કાં ઉપર હથેળી મૂકી દઈએ એટલે જાણે અડધો સમય આપણી અંદર ઊતરી ગયો. ત્રેવડ નહીં પણ ઉત્સુકતા ઘણી, તે વચ્ચે વચ્ચે હથેળીઓ ઢીલી-પોચી કર્યા કરીએ. કર્કશ અવાજના પણ આરોહ-અવરોહ હોઈ શકે એવી ખબર ન હોવા છતાં સંગીત સાંભળ્યાનો આનંદ થતો. ભૂંગળાનો જોરદાર અવાજ રોમેરોમમાં ફરી વળતો. શરીરમાં રોમાંચને અમે હરતો ફરતો જોઈ શકતા. ભૂંગળાની લાંબી વ્હિસલમાં ટાવર જેવો રણકાર નહીં, એકલો એંકાર. મિલમજૂરો અને એમનાં ઘર માટે એ મિલન-વિરહની ઘડીઓ. ઝાંપામાંથી જેટલા મજૂરો નીકળે લગભગ એટલા જ અંદર જાય. કોઈ બદલીમાં તો કોઈ ઓવરટાઈમમાં. કેટલાક તો એવી ભીડમાં કે રાત્રે ઘરે આવે ને ચાર કલાકમાં તો પાછા મિલને ઝાંપે હાજર! એમનો સમય સાથેનો વ્યવહાર જુદો. જાગે ત્યારે માગે! ઘરવાળી પોતાની કૂખ જેમ ટિફિન માંજે, લૂછે ને પાછું ભરી આપે! મિલમજૂરને કામ નહીં, કલદાર દેખાય. સંસારના રથનું એક ચક્ર જાય મિલમાં ને બીજું રાહ દેખ્યા કરે બીજા ભૂંગળાની! આ તો થઈ સાર્વજનિક ઘડિયાળની વાત. સાર્વજનિક ઘડિયાળનું એક સુખ. સહુનો સમય સરખો. પગારને દિવસે ભૂંગળું વહાલું લાગે ને બાકીનાં ભૂંગળાં વચગાળાના ઉપાડ જેવાં. સુખી લોકોને ઘેર પોતાનાં ટાવર ઘડિયાળો દિવાલો શોભાવે. આજે તો મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક્સ ઘડિયાળનો જમાનો આવી ગયો છે, પણ જ્યારે વિજાણુપટ્ટીની શોધ નહોતી થઈ ત્યારે આ ટાવર ઘડિયાળો ઘરને ગૂંજતું રાખતાં. અડધા કલાકે એક ડંકો થાય ને વચ્ચે વચ્ચે જેટલા વાગ્યા હોય એટલા ડંકા વાગે. વાગતાં પૂર્વે એકાર્ધ મિનિટ અગાઉ એક કટકારો થાય. અમને ડંકા વાગે એ કરતાં એ કટાકારો સાંભળવાની લ્હાય. કટાકારે ચહેરા ખીલી ઊઠે. હમણાં ડંકા થશે એનો ઇન્તજાર. ટાવર ઘડિયાળેય જાતભાતનાં. ગોળ, ષટ્કોણ, ચતુષ્કોણ. ચંદા ઉપરના ગોળ કાચનું સોનેરી ફ્રેમવાળું ઢાંકણ જુદું. નીચે લોલકનું નાનું ઢાંકણ, તોરણના પાંદડા જેવું. પછીનાં ઘડિયાળોમાં સળંગ કાચ આવ્યો. નીચેના ભાગમાં કાચ ઉપર એમ્બોસ કરેલી ડિઝાઈન. મોટેભાગે ફૂલ-વેલના બુટ્ટા ને માથે બેઠેલાં બે-ત્રણ પંખી. ક્યાંક વહેતી નદીના તરંગો ને દૂર ઊગતો કે ડૂબતો નક્કી ન થઈ શકે એવો સૂરજ. મજા તો એ કે દરેક ઘરમાં ઘડિયાળ નીચે સમજણ અને આવડત મુજબ ચાવી આપવાનો વાર લખ્યો હોય. નાના-મોટા વાંકાચૂંકા અક્ષરે લખ્યું હોય : ‘મને દર મંગળવારે ચાવી આપો’ અથવા ‘દર શનિવારે અચૂક ચાવી આપવી’. કોઈ કોઈ ઠેકાણે તો ચાવી આપવાની સૂચના નીચે ‘ફલાણાં માતાજી સત્ય છે’, ‘હર હર મહાદેવ’, ‘ફલાણા બાપાનો જય હો’ જેવાં લખાણો મળી આવે તે તો વધારામાં. કદીક ચાવી આપવાનું વિસરાઈ જાય તો માણસના હૃદયની જેમ ઘડિયાળ ધીમી થતી થતી કોઈ એક ક્ષણે અટકી જાય. ઘરડા અને માંદા માણસો માટે તો આવાં ઘડિયાળ આશીર્વાદરૂપ. સમયને પસાર થતો જોવાનો કટકારે કટકારે ને એ મુજબ દવાઓ લીધા કરવાની. કેટલાક લોકો સતત ભૂતકાળમાં જીવ્યા કરે. ટકોરે ટકોરે આ મતલબનું બોલ્યા કરે. ‘કાલે તો આવા ટાણે આપણે આમ કરતા’તાં ને તેમ કરતાં’તાં!’ વળી કોઈ ટકોરે ટકોરે ‘હે ભગવાન! હવે તો દોરી ખેંચી લે તો સારું!’ એવું એવું બોલ્યા કરે. સમય તો અનાદિકાળથી દોડ્યા કરે છે પણ, આપણે ખંડખંડમાં વહેંચવા ટેવાયેલાં તે આવું આવું થયા કરે. સહસ્રાબ્દિઓથી દોડ્યા કરતા સમયે આદિ માનવયુગ, આદિ પાષાણયુગ, નૂતનયુગ, પ્રસ્તરયુગ, સૂક્ષ્મ પાષાણયુગ, કાંસ્યયુગ, તામ્રપાષાણયુગ-થી માંડીને યંત્રયુગ કે અત્તારઘડીની આપણી યાત્રા જોઈ છે. નથી મેળવી શક્યાં આપણે સમયનો છેડો એટલે નદીના પ્રવાહ સાથે સરખાવીને અનંતકાળના સંદર્ભમાં જોતાં થયાં. પણ, માણસ છેવટે તો ઠરે છે કોઈ ક્ષણમાં. ક્ષણાર્ધ માટે પણ જો ઠરવાનું ઠેકાણું મળ્યું તો એને માટે એ શાશ્વત સમય. એક ક્ષણને સાટે આખી જિંદગી કુરબાન! ઘડિયાળો નહોતાં ત્યારે રેતની શીશીનું ઘટિકાયંત્ર રહેતું. દરેક મોટા માણસના મેજ પર આવું યંત્ર પડ્યું હોય. બધી રેતી નીચે આવી જાય એટલે પળના ય વિલંબ વિના યંત્રને ફેરવી દેવાનું. વળી પાછો પ્રવાહ ચાલુ. જાણે નવો અવતાર! ચૂક્યા તો ગયે કામ સે. સમય કોઈની ય રાહ નથી જોતો. કહેવત છે કે અણીનો ચૂક્યો સો વરસ જીવે! અમને સમય કરતાં રેતની પાતળી ધાર જોવાનો ભારે અભરખો. મટકું ય માર્યા વિના જોયા કરીએ, ત્રાટક કરતાં હોય એમ! આંખે પાણી આવી જાય ત્યારે એમાં થોડો વિક્ષેપ પડે... મારે માટે સંધિકાળ, વચગાળાનો સમય હમેશાં વિહ્વળતાનો. બેચેન કરી મૂકે. ક્યાંય મન ન લાગે. ઘરમાં હોઈએ તો બહાર ચાલ્યા જવાનું મન થાય ને બહાર હોઈએ તો એમ થાય ક્યારે ઘર આવે! ઉદ્વિગ્ન કરી મૂકે આ સાંધ્યસમય. સતત ભાગી છૂટવાનું મન થયા કરે પણ ભાગીનેય જાવ ક્યાં? ફિર વોહી રફતાર... સમયના સાંચા તો બધે ય સરખા! સૂર્ય અસ્તાચળે જતો હોય, પંખીડાં માળા ભણી પાંખો ફફડાવતાં હોય, અજવાળું ધીરે ધીરે ઘરે જતું હોય, અકળાવી મૂકે આ બધું. આમેય બદલાતો સમય દુઃખકર જ હોય છે. ભલભલા સત્તાપલટાઓને આ સંદર્ભમાં જોઈ શકાય. ન સાંજ ન સવાર, ન દિન ન રાત્રિ, સૂર્ય અને ચંદ્ર બંનેની ઝાંખી હાજરી કોઈની યાદ આપી જાય. વિસરાયેલાં હૈયે ચડી આવે. પ્રિય હોય ને પાસે ન હોય એનું દુઃખ તો રામચંદ્રજી જાણે તો જાણે! કોઈને તો વળી, પ્રિય ન હોવાનું દુઃખ. ચાલ્યાં ગયેલાંઓનું દુઃખ તો ક્યારેક વળી, આવી મળેલાંઓનું દુઃખ. બસ એમ જ સાંજ અકારણ ભેંકાર બની જાય! સદ્ગતોની સ્મૃતિ ઘેરી વળે. જિવાયેલી બધી જ ક્ષણો એકસામટી ભેગી થઈને મચાવે કોલાહલ. કરુણતા એટલી જ કે આપણે એમાંનું કશું જ ન ઝીલી શકીએ, ને તોય વારંવાર એવી ક્ષણોનો સરવાળો કરવાનું મન થયા કરે. ધીમે ધીમે ઊતરી આવેલા અંધારાને ઓગાળવા ક્યાંક દીવો ટમટમે ને હાશ થાય. જાણે જીવવા માટે મળી ગયો એક આધાર. ફરી સમયના ચક્કર ઉપર સવાર થઈને ઘૂમ્યાં કરવાનું. હજી પણ ઘરમાં ટાવર ઘડિયાળ સાબૂત છે ને એને દેવાની ચાવી નિયમસર લખ્યા મુજબના વારે દેવાય છે. સેલવાળાંમાં દર વર્ષે સેલ બદલાય છે. જે કરવું પડે તે કરીને સમયને દોડતો રાખીએ છીએ. ક્યારેક થાય કે સમય આપણે લીધે જ ચાલે છે. સો ટચની વાત! જે પળે આપણું ઘડિયાળ બંધ થયું, બસ ધબ્બ કરતું બધ્ધુંયે બંધ!