તારાપણાના શહેરમાં/વ્યક્તમધ્ય

Revision as of 00:55, 13 May 2024 by Meghdhanu (talk | contribs)



વ્યક્તમધ્ય

જળનો જ જીવ છું ફરી જળમાં વહી જઈશ
પળભર બરફમાં બંધ છું, પળમાં વહી જઈશ

મૃગજળ ભલેને ભ્રમ છે, એ જળનું જ દૃશ્ય છે
છું સ્થિર સત્યમાં છતાં છળમાં વહી જઈશ

કોરા ગગનની પ્યાસ છું, ઝાકળની જાત છું
પળભર પલાળી હોઠ અકળમાં વહી જઈશ

ઘેરી વળ્યો છું હું જ હવે હર તરફ તને
તારી તરફ ન ખેંચ, વમળમાં વહી જઈશ

પળભર મળ્યાં છે મેઘધનુ રંગ-રૂપનાં
કાજળ ન આંજ હમણાં… આ પળમાં વહી જઈશ