તારાપણાના શહેરમાં/મોંઘી પડી

Revision as of 02:39, 14 May 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મોંઘી પડી

દૂરતા કોઈ વખત મોંઘી પડી
પણ નિકટતા તો સતત મોંઘી પડી

જીવવા જેવું જ જિવાયું નહીં
જીવવાની આવડત મોંઘી પડી

મ્હેક તારા શહેરમાં સારી હતી
શ્વાસમાં ગઈ કે તરત મોંઘી પડી

આમ તો ઘરમાં કશું નહોતું છતાં
બ્હાર રહેવાની શરત મોંઘી પડી

શક્યતાઓમાં સતત સળગ્યા કર્યો
શબ્દ સાથેની રમત મોંઘી પડી