બેઠો છે
મોટે ભાગે સુષુપ્ત બેઠો છે
સહુમાં એક ચિત્રગુપ્ત બેઠો છે
ભેદ એને મિલન – વિરહનો શું?
જે પ્રતીક્ષામાં તૃપ્ત બેઠો છે
સ્વપ્નમાં જેને તેં ઝલક દીધી
એ ન જાગૃત ન સુપ્ત બેઠો છે
દરિયાના પેટે પાણી પણ ન હલે
કૈંક નદીઓ છે લુપ્ત, બેઠો છે
શ્વાસ તણખા ઝર્યા કરે તોપણ
અગ્નિ અંદર પ્રસુપ્ત બેઠો છે
હો છડેચોક છો એ દીવાનો
લઈ રહસ્યોને ગુપ્ત બેઠો છે