અહો બત કિમ્ આશ્ચર્યમ્/અભિનવ માનવતાવાદ

Revision as of 09:02, 7 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અભિનવ માનવતાવાદ| સુરેશ જોષી}} {{Poem2Open}} જેઇમ્સ થર્બરે એક વાર અક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અભિનવ માનવતાવાદ

સુરેશ જોષી

જેઇમ્સ થર્બરે એક વાર અકળાઈને પ્રશ્ન પૂછેલો : માનવજાતિના આ ગ્રામોફોનની રેકોર્ડ પર પડી ગયેલા ખાંચામાં અટકી ગયેલી સોય ક્યાં સુધી ‘ભય ભય’, ‘હિંસા હિંસા’નો એકસરખો ચિત્કાર કર્યા કરશે?’ આ પ્રશ્ન આજે આપણે પણ આપણી જાતને પૂછી રહ્યા છીએ. જે ક્રાન્તિનું આજ સુધી કોઈ ઘેલા પ્રેમીની જેમ સંવનન કરતા હતા તે ક્રાન્તિ આવી ગઈ. અપરાધી કોણ ઠર્યું ને દંડ કોને દેવાયો? જે નીતિને નામે આ થયું તેને જ છેલ્લા દૃશ્યમાં આપણે બેહાલ અવસ્થામાં અપરાધીના પાંજરામાં ઊભેલી જોઈ. આપણા શુભ આશયોને જ દંડ દેવાયો. એ હવે નીચે મસ્તકે લજ્જિત બનીને ઊભા રહ્યા છે. કોનો જય થયો? એનો જવાબ આપવો તે પથ્થરોને પોતાની જાત તરફ આકર્ષવા જેવું છે.

આ પરિસ્થિતિમાં આપણી કૃતકાર્યતા કેટલી? આમેય તે આપણા આ જમાનામાં આપણે આપણી એક સરખી અકૃતકાર્યતા અને એને પરિણામે અનુભવાતી તુચ્છતાની લાગણીથી પીડાઈ રહ્યા હોઈએ છીએ. કોઈ વાર એની સામે આપણે માથું ઊંચકીએ છીએ અને આપણને ખબર નહીં પડે એ રીતે સોહામણાં નામે વળી અનિષ્ટ બળો આપણો કબજો લઈ લે છે. આપણે મોઢે એ બળો એનું સમર્થન કરાવે છે. આથી પેલી અકૃતકાર્યતાની લાગણી વધુ તીવ્ર બને છે. આ બધાંને અન્તે, હજી આત્મનિરીક્ષણ કરવાની સ્વસ્થતા ટકાવી રાખનારને એક પ્રકારની નિરર્થકતાની કે બેહૂદાપણાની લાગણી ઘેરી વળે છે.

વિજ્ઞાન અને કળા – બંનેએ માનવીને પોતાના કેન્દ્રની બહાર મૂકી દીધો છે. આ દરમિયાન માનવી પોતે જ આ કેન્દ્રચ્યુતિનું શું મૂલ્ય ચૂકવવું પડશે તે વિચારી રહ્યો છે. માનવીની એના કેન્દ્રમાં પુન:પ્રતિષ્ઠા એ જ કોઈ પણ માનવતાવાદી કાર્યક્રમની સૌથી પ્રથમ આવશ્યકતા છે.

આમ છતાં, આ માનવતાવાદી વલણ જ આજના સન્દર્ભમાં અસંગત લાગવા નથી માંડ્યું? માનવી પોતાને પોતાની ચેતનાથી તો અળગો પાડી નહીં શકે. આ વિકટ પરિસ્થિતિ કોઈ ને કોઈ રૂપે આજના સાહિત્ય અને કળામાં પ્રગટ થાય છે. આવું સાહિત્ય આપણને અભિનવ માનવતાવાદની સ્થાપનાની કોઈ ભૂમિકા રચી આપશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે.

આજે ઇચ્છીએ કે ન ઇચ્છીએ તોય માનવી પોતાને હંમેશાં સમૂહો વચ્ચે જુએ છે, આ ભેગા રહેવાનો જમાનો છે. અસ્તિત્વ પોતે જ સાથે મળીને ઉપાડેલું એક મોટું સાહસ બની રહે છે. આ જ ક્ષણે માનવીને લાગે છે કે એના પોતાના જીવનના પ્રસંગો પણ વાસ્તવમાં એના પોતાના પર આધાર રાખતા નથી. એ જેને પોતાના અનુભવો કહે છે તે કેટલે અંશે નર્યા પોતાના છે એ વિશે પણ એને શંકા થાય છે. અનુભવોને હવે માનવીથી અળગા કરી દઈ શકાય છે. સર્વસામાન્ય એવા સાંસ્કૃતિક પ્રવાહમાં એ તો માત્ર તર્યા કરતું તણખલું છે. એને પોતાની કોઈ આગવી દિશા કે લક્ષ્ય નથી. એ પોતાના આદર્શોની વાતો કરતો હોય છે ત્યારે પણ એને ઊંડે ઊંડે એનું ભાન હોય છે. ગુરુત્વાકર્ષણબિન્દુ હવે વ્યક્તિમાં રહ્યું નથી પણ વસ્તુ વસ્તુ વચ્ચેના અન્વયમાં રહ્યું છે.

આ આપણા જીવનની એક અદ્ભુત સ્વરૂપની નિયતિ છે. આપણું ભાવિ નિર્માણ કરનારાઓના મુખ પર જે ઉદાસીનતા આવી છે તે એક મહોરું છે. આપણું જીવન કેટલીક ક્રિયાઓનું અનૈચ્છિક પુનરાવર્તન બની રહે છે. આપણે પોતે પણ અમુક સર્વસામાન્ય પ્રકારની સામગ્રીમાંથી અમુક કાર્યક્ષમ ગણાતી પ્રક્રિયાને પરિણામે નિપજાવેલી વસ્તુના જેવા છીએ. આમ આપણા અસ્તિત્વની પાછળ કશોક દોરીસંચાર ચાલી રહ્યો છે એવું લાગે છે, પણ એ દોરીસંચાર છે કોનો? આ પ્રશ્ન એ દોરીસંચાર પ્રમાણે વર્તી ચૂક્યા પછી આપણે આપણી જાતને પૂછતા હોઈએ છીએ.

વાસ્તવિકતાની દૃષ્ટિએ આપણે ઘણું જમા કરતા હોઈએ છીએ એવું બતાવીએ છીએ, પણ સ્વપ્નોને પાંગરવાની ભૂમિ હવે રહી નથી. ઉત્તરોત્તર આપણી જવાબદારીનું ભાન આપણા દરેક કાર્ય સાથે ઘટતું જાય છે. સદ્ગુણ અને દુર્ગુણ એ આપણા અભિપ્રાય, ઇચ્છા કે નિર્ણાયક બુદ્ધિ પર આધાર નહીં રાખતાં હોય ત્યારે એકસરખા તુચ્છ બની રહે છે. આમ વ્યક્તિગત જવાબદારી જ જો વિક્ષિપ્ત થઈ જતી હોય તો આપણા અસ્તિત્વનું ગૌરવ જ શેમાં રહે?

તન્ત્રવાહકોના વ્યક્તિત્વને વિશિષ્ટ પ્રકારે અમાનવીય બનાવી દેવાતું હોય છે. એ લોકો વ્યૂહ રચે છે, નીતિઓ ઘડે છે. આ બધું જે સમિતિમાં થતું હોય છે તેમાં છૂપાં કાવતરાંને રૂપે ઘડાતું હોય છે. એ સમિતિનો દરેક સભ્ય એકબીજાને ઠગવા મથતો હોય છે. એના અન્તિમ નિર્ણયોને કશી વ્યક્તિગત જવાબદારી સાથે કશો સમ્બન્ધ હોતો નથી.

કાર્યોના ભેદ પાડવામાં આપણે ઉત્સાહી છીએ. વર્ગીકરણનાં કોષ્ટકો આપણે ખંતથી બનાવીએ છીએ, પણ આ કાર્યો વચ્ચેના સમ્બન્ધો જોડવામાં મુશ્કેલી ઊભી થાય છે. એ સમ્બન્ધોને દૃઢ બનાવવા માટેની સંસ્થાઓ આપણે ઊભી કરી શકતા નથી. આમ આપણે કરુણાન્ત કાર્યોનો ઢગલો કરતા જઈએ છીએ. એને પરિણામે થતાં મરણોને પણ આપણે શણગારીએ છીએ, આપણી નિષ્ફળતાને પણ આપણે રૂપાળે રંગે રંગીને જોઈએ છીએ. આપણે આપણા અન્તરાત્માને બહુમતિના નિર્ણય જોડે બંધબેસતો કરવાની પ્રવૃત્તિમાં મચ્યા રહીએ છીએ. આ માનવીની કેન્દ્રોત્સારી વૃત્તિ બહેકી ઊઠી છે. હવે માનવી જ ધીમે ધીમે લુપ્ત થતો જાય છે.

હવે વિજ્ઞાનમાંથી પણ કાર્યકારણનાં માળખાં ગયાં છે, નિશ્ચિતતાનું સ્થાન સમ્ભવિતતાએ લીધું છે. સમાજમાં પણ જ્યાં જુઓ ત્યાં મધ્યમ કક્ષાનાં માનવીઓ જૂથબંધી કરીને પોતાનાં હિતોનું રક્ષણ કરવા મથી રહેલાં દેખાય છે. જો હું અને તું વચ્ચેનો સંવાદ ચાલે એ માટેની કોઈ ભૂમિકા જ ન હોય તો આપણું વ્યક્તિત્વ ‘સમાજ’ નામની અમૂર્ત સંજ્ઞાથી લેપાઈ જાય. રોમેન્ટિક વલણ વ્યક્તિત્વો ઉપજાવીને ભૂંસી નાખવામાં આનન્દ માણે છે.

આપણો ક્રાન્તિવીર એ રોમેન્ટિક હીરો છે. એ ક્રાન્તિમાં ભાગ લેવા અધીરો બને છે, એમાં ઝંપલાવે છે. અને આખરે સમાધાન સ્વીકારીને પદપ્રતિષ્ઠા સાથે બેસી જાય છે. ક્રાન્તિઓ ક્રાન્તિ કરનારાને ભૂંસી નાખીને જ પૂરી થાય છે. પ્રતિકાર કરનાર કેવળ પડકાર ફેંકીને અટકી જાય તે ઇષ્ટ નથી, એણે પોતાના વ્યક્તિત્વને એથી વધારે આગળ લઈ જવાનું રહે છે. બીજી પેઢીના મવાળો આગલી પેઢીના ક્રાન્તિકારીઓના પ્રથમ શિષ્યો બની રહે છે. સ્વતન્ત્રતાના સંકેત પણ આવી પરિસ્થિતિમાં બદલાઈ જાય છે. માનવી માનવી સાથેના સમ્બન્ધોમાંથી મુક્તિ પામે તેનું નામ સ્વતન્ત્રતા એવું માનવામાં આવે છે. આથી આવી મુક્તિ કોઈ એકલદોકલ છૂટુંછવાયું પરાક્રમ કરીને મેળવી શકે નહીં. પછીથી વ્યક્તિ એક આંકડો કે સંખ્યા બની રહે. જે બહુમતિ છે તેની પડછે આપણે આપણા પ્રમાણભૂત ગણી શકાય એવા અસ્તિત્વને પામવાનું રહેશે. આજે આપણને આપણું જુદું નામ છે. પણ નામ આપણી વિશિષ્ટતા નથી. મારી સહીસલામતી માટે મારે કોઈ પક્ષ કે કોઈ જૂથ શોધી જ લેવાનાં રહે છે. પછી મારે આગવી પ્રમાણભૂતતાની ચિન્તા કરવાની રહેતી નથી. એ બધું હું જૂથને કે પક્ષને સોંપી દઉં છું.

જો પરિસ્થિતિ આવી હોય તો મારે માટે એક જ નૈતિક પ્રકારનું મૂલ્ય રહે છે. મારા જૂથ પ્રત્યેની આંધળી વફાદારી, જે મારું જૂથ આચરે તે જ મારો સદાચાર. રાજતન્ત્ર એ પણ એક જૂથ હોય છે. સમાજ પણ અમુક વર્ગ ધરાવનાર જૂથનો બનેલો હોય છે. આવી પરિસ્થિતિમાં હું ડગલે ને પગલે અગવડરૂપ બનતાં મારાં વ્યક્તિત્વથી છૂટવાના પ્રયત્નને સ્વતન્ત્રતા માટેનો પુરુષાર્થ કહું તેમાં નવાઈ શી?

29-3-74