હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/મોરાની

Revision as of 15:39, 3 June 2024 by Meghdhanu (talk | contribs)


મોરાની


બાપુ તમે આવું મને કાં કહો છો?
માડી તું તો બાપુને હજીયે કશું કહી જોને
સિંહનો શિકાર હું શા માટે કરું?
સિંહે મારું શું બગાડ્યું છે કે બાપુ એનો હું શિકાર કરું?
તમે મને શીખવી છે તે આપણી મસાઈજાતિની આદિ પ્રાર્થનામાં
સિંહ અને વાઘ અને વરુ અને દીપડાને
સાથી કહ્યા છે આપણા
આ બધાયે શિકારી ને શિકારી આપણે પણ
આપણે બધાયે જંગલના જાયા જંગલના ખોળે ખોળાના હેવાયા
આ જંગલ આપણું છે એટલું છે એમનુંયે
અને વળી જંગલમાં કેટલીયે વેળવેળા કેટલાયે સિંહબાળ ભેળાભેળા
રમ્યો’તો ને ભમ્યો’તો ને જમ્યો’તો ને
રમી કરી, ભમી કરી, જમી કરી ઊંઘી પણ ગયો’તો હું
અને વળી સાથસાથે ધોધવોમાં ધુબાકાયે માર્યા’તા ને
ટેકરીના ઢાળેઢાળે ઢળીઢળી ગોટીમડાં પણ તન ભરીભરી
ખાધા’તા કંઈ, ખાધા’તા કંઈ, ખાધા’તા કંઈ
આજના આ ડાલામથ્યા સિંહ છે એ
મારા એક સમયના ‘ભાઈભેરુજન’ હતાં
આજે હવે તો પછી હું
વિના કોઈ કારણે શું
સિંહનો શિકાર કરું?

મને મસાઈબચ્ચાને તે વળી શિકારની ક્યારે કશી નવાઈ હતી કે કદી હોય? નાનો હતો ત્યારે પણ હું કેવો ગામલોકો ભેગોભેગો નાગોપૂગો શિકાર કરવા દોડી જતો હતો? ભૂખ લાગે ત્યારે શિકાર કરીને માંસ ખાવાનું. પેટ ભરાવ એટલું માંસ ખાવાનું. માંસ ખાઈને પેટ ભરવાનું. માંસ શેકેલું પણ, માંસ કાચું પણ, કાચું પણ, કાચું કૂણું માંસ તો બહુ ભાવે. તેતર, બટેર, કૂકડાની પાંખ આમ, પૂછડી તેમ, માથું ક્યાંય અને બાકીનું આખું શરીર મોઢે, આખેઆખું મોઢે, કાચેકાચું મોઢે, દાંતેદાંત બેસાડી બેસાડીને કરડી ખાઉં સસલાંના, હરણબાળના ઢાળી દીધેલાં, હજી તરફડતાં શરીરમાં નખાળવા આંગળાં ભોંકીભોંકીને ખેંચી કાઢેલા માંસના લોચા, લોહિ નીંગળતા લોચા, બે હાથે પકડીને ચસચસ ચૂસતાં ચૂસતાં ખાઈ જાઉં. તરસ લાગે ત્યારે બકરાના ગળે ચાકુથી કાપ મૂકીને, ધબકતા હૃદયના ધબકારે ધબકારે ધમનીમાંથી બહાર ધકેલાતું લોહી, આછોતરા ઉછાળ સાથે આવતું લોહી, હુંફાળુ, ઘટ્ટ, ચીકણું લોહી, કાપ પર મોઢું દાબીને, ઘટકઘટક પી જાઉં. ખાવા માટે ફળ, પીવા માટે પાણી પણ હોય, પણ અસ્સલ ખાવાનું તો બસ માંસ અને અસ્સલ પીવાનું તો બસ લોહી. ભૂખતરસ લાગે ત્યારે આમ શિકાર કર્યો નથી કે તેમ માંસ ખાધું નથી. આમ ગળે કાપ મૂક્યો નથી કે તેમ લોહી પીધું નથી. ભૂખતરસ લાગે ત્યારે મને મસાઈબચ્ચાને તે વળી શિકાર કરવાની ક્યારે કશી ના હતી કે કદી હોય.


પણ આપણે કદીયે સાથી પશુઓનું માંસ ખાતા નથી.
કે તેમનું લોહી કદી પીતા નથી.
તો શું બસ પુરુષ છું એટલું ગણાવા માટે
એટલું જણાવા માટે સિંહનો શિકાર કરું?
સિંહનો શિકાર જો ન કરું તો શું હું પુરુષ કદી નહીં કહેવાઉં?
પુરુષ તો આજે પણ છું હું બાપુ
મારું પુરૂષાતન તો
મારી આ બે ફફડતી ફૂત્કારતી ફૂંફાડાઓ મારતી ભુજાઓમાં છે
મારું શૂરાતન તો આ
મારી કસાયેલી છાતીભર ધબ ધબ ધબ ધબકે છે
આ ભાલાના ફણા પર ઊગતા સૂરજનેયે રોકી રાખું
એ આખોયે રાતોચોળ થાયે તોયે રોકી રાખું
નદીપટે પગ પછાડીને ઊભો રહું ત્યારે
ઊછળતું ધસધસ આવી જતું ઘોડાપૂર
પાનીએથી વેંત છેટું રહી સરે સરી જાય
શિયાવિયા થતું થતું ગુપચુપ સરી જાય
મારા પુરૂષાતનને કોઈ કહેતા કોઈ ના ન પાડી શકે
કે ના રોકી શકે કે ના ટોકી શકે
તો પછી શા માટે આવું
આખેઆખો જીવ સાથ આડેધડ કોચવાય એવું કરું?
ના બાપુ ના
બાપુ તમે આવું મને કાં કહો છો?
માડી તું તો બાપુને હજીયે કશું.....
-ન-

  • આફ્રિકાની મસાઈ જાતિમાં કિશોર ૧૫ વર્ષ પૂરા કરે ત્યાર બાદ એને સિંહના શિકારે જતી ટોળીમાં સાથે લઈ જવામાં આવે. સિંહના શિકાર બાદ એ મોરાની – યુવાન યોધ્ધો – કહેવાય, પુરુષ ગણાય.