હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/સ્મરણાં

Revision as of 15:47, 3 June 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સ્મરણાં


દોડેદોડી અટકેઅટકી
દોડી દોડી આવે
આવે ચટાપટાળાં સ્મરણાં
હમણાં
થડ પર થડથી ડાળે
ડાળી પરથી પાછી પુષ્ટ સુંવાળી પુચ્છ ઉઠાવી
હળુ હવામાં જાણે તરતાં
ધરતી સરસા ઊતરી આવે
બોર ધરીને બે પગ વચ્ચે
ટોચે
ચાવે પાન પડેલાં
કૂદે
કૂદીકૂદી કરડે કાચી કૂંપળ કૂણા કોંટા
વચ્ચે વચ્ચે
ડાબેજમણે જાણે ખળખળ જેવું થઈથઈ દોડી દોડી પડતાં
ચંચળ સ્મરણા
હમણાં

સ્મરણને કોઈ રૂપ હોતું નથી
નથી હોતો એને કોઈ રંગ
પાતળું પાણી જેમ હવા જેમ પોચું
ઢાળો તેમ ઢળે વળે વાળો તેમ
વળી આપમેળે
આછું સ્મરણ જોતાં જોતાં ઘેરું થઈ જાય
જોતજોતામાં આછું આછું થતાં થતાં
ઘેરું સ્મરણ લાગે ધોળુંધબ
ધબાક ચોમાસું વરસ્યે લીલુંછમ
છરકતું સ્મરણ ઝાલી લેવાય

ઝાલીને ઉછાળી દેવાય
ઉછાળીને ઝીલી શકાય
ઝીલીને જોવું હોય તેમ જોવાય મેઘધનુષી
સંભળાય સાંભળવું હોય તેવું છનન છનન
દિવસે રાતરાણી કહી શકાય
આંગળીઓને ટેરવે ટેરવે રમતું રમતું ગમતું ચાખી શકાય

રમતાં રમતાં
વચેવચાળે હાશ કરીને ઠામ ઠરીને ચપટી શમતાં
ઓઢી ઊની અંધારાને
પળ બે પળની લાંબી નીંદર વણી વણી ના
ત્યાં તો કૂણો ઉજાસ ખૂલે
કરેણ ઝૂલે કરેણ ઝૂલે
ઝૂલણમાંથી ઠેકો દેતાં
પટાચટાળી રમણા રમતાં રમતાં રમણે ચડતાં
ચડતાં ઊંચે ઊંચે સ્મરણાં
હમણાં