સરોવરના સગડ/જગદીશ વ્યાસ: એક વાવાઝોડું

Revision as of 05:20, 24 June 2024 by Meghdhanu (talk | contribs) (+ Image)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Center

જગદીશ વ્યાસ : એક વાવાઝોડું

(જ. તા. ૧૮-૮-૧૯૫૯, અવસાન તા. ૧૬-૧૨-૨૦૦૬)

કવિમિત્ર જગદીશ વ્યાસ કાયમી ધોરણે ગુજરાત છોડીને અમેરિકા ગયો એ મને પસંદ નહોતું પડ્યું એની એને જાણ હતી. એટલે એ બાબતે મારો સામનો કરવાનું ટાળતો. પણ, ક્યારેક એનાથી રહેવાય નહીં ત્યારે ફોન કરી બેસતો. એની સાથે વાત થતી, પણ લગભગ ઔપચારિક અને એકબીજાનો અવાજ સાંભળવા પૂરતી જ. એક દિવસ મિત્ર મનસુખ ભટાસણા પાસેથી જાણવા મળ્યું કે જગદીશને કેન્સરનો વ્યાધિ થયો છે. હાલ સારવાર ચાલે છે. લાગે છે કે રહેતાં રહેતાં સારું થઈ જશે. સ્વાભાવિક જ મારો જીવ ઊંચો થઈ ગયો. ચોવીસે કલાક એના ઉચાટ થાય. એ વખતે અમેરિકા ફોન કરવાનું આટલું સરળ નહોતું. મેં મનસુખને અને પ્રવીણ પંડ્યાને કહ્યું કે તમારી સાથે વાત થાય તો કહેજો કે મને ફોન કરે. એ પછી લગભગ પંદરેક દિવસે, જગદીશની પત્ની રંજનનો ફોન આવ્યો. એણે રડમસ અવાજે, પણ સ્વસ્થતાથી બધા સમાચાર આપ્યા કે એનું ઓપરેશન થયું છે ને હાલ હોસ્પિટલમાં છે. બોલવાની સદંતર મનાઈ છે. જગદીશની લાળગ્રંથિ કાઢી નાંખવી પડેલી. એટલે થોડું બોલે તોય ગળું સુકાય. એકાદબે વખત ટૂંકી વાત પણ થઈ હશે. એક દિવસ અમદાવાદથી જગદીશનો ફોન આવ્યો: ‘હર્ષદ, હું અમદાવાદ આવ્યો છું. તારા ઘરે મળવા આવવું છે. ક્યારે આવું?’ 'અરે ભાઈ! અત્યારે જ. તું ક્યાં છું એ કહે. હું તને લેવા આવું.’ ‘આજે તો નહીં મેળ પડે. તું કાલે લેવા આવ. હું મનસુખ ભટાસણાના ઘેર છું.’ આટલું બોલીને એણે મનસુખને ફોન આપ્યો ને સરનામું લખાવ્યું. ભોજન વિશેની સૂચના આપી. એને હું મારે ઘેર લઈ આવ્યો, સાથે મનસુખ પણ હતો. જગદીશ બહારથી સ્વસ્થ લાગતો હતો. થોડી થોડી વારે ટીપું ટીપું પાણી પીએ અવાજ પહેલાં જેવો જ. પણ એમાં પડેલી તિરાડો મને સંભળાતી હતી. મારું આખું ઘર ફરી ફરીને એણે જોયું. એની નજર શું શોધતી હતી એનો ખ્યાલ હજી સુધી નથી આવ્યો. અમે એકસાથે પાછલાં પચીસ-ત્રીસ વર્ષ વાગોળ્યાં. ઘરમાં બિન્દુ અને જયજિત ઉપરાંત મનસુખની હાજરી હતી, પણ એ લોકોએ અમને વસ્તુઓ લેવાદેવા સિવાયનું એમનું અસ્તિત્વ લગભગ ઓગાળી નાંખ્યું હતું. અમને બંને મિત્રોને ભાવથી અને ચિંતાથી જોયા કરે. એ જમતો હતો ત્યારે કેટલોક ખોરાક એના મુખમાંથી બહાર આવી જતો હતો. મારાથી જોયું ન ગયું. મેં ઊભા થઈને નાના બાળકને જમાડીએ એમ ચમચીથી… જમ્યા પછી ટેબલ ઉપર જ, જગદીશે મન મક્કમ કરીને વાત શરૂ કરી. મારી આંખમાં આંખ પરોવીને કહે, ‘ધ્યાનથી સાંભળ!’ ‘.....’ 'ડોકટરે મને ત્રણ મહિના આપ્યા છે. હું ઈચ્છું કે ડોક્ટર ખોટા પડે. પણ, એવું લાગતું નથી. તો મને થયું કે આ ત્રણ મહિનાનો હું સારામાં સારો ઉપયોગ શું કરી શકું? પહેલો વિચાર તો એ આવ્યો કે બધા મિત્રોને હરુભરુ થતો આવું સુરેન્દ્રનગર પણ જવું છે. આપણી એકેએક જગ્યાએ ફરી વળવું છે. ધોળીધજા ડેમ જોવા જવું છે. મરવાની ઈચ્છા નથી, હર્ષદ, મારે ખૂબ જીવવું છે. પણ જો આયુષ્ય નથી તો હું હસતા મુખે જવા ઈચ્છું છું. એમ કહીને એની જાણીતી અદામાં સલામ કરી. આ બધી એની ઇચ્છાઓની સામે વાસ્તવિકતા કરડિયાં કરતી હતી. મારી આંખની ધારા રોકી રોકાય નહીં ને સાક્ષાત્ મૃત્યુએ એની આંખોમાં ભેજ રહેવા દીધો નહોતો. અમે બેઠા બેઠા વારંવાર એકબીજાના હાથ હાથમાં લેતા હતા. એક વાર તો સહજ જ મેં એના માથે હાથ મૂકી દીધો ને થોડી વાર આંખો બંધ કરી રાખી. પછી એણે થેલામાંથી પોતાના દીકરા-દીકરીને ઉદ્દેશીને હસ્તાક્ષરમાં લખેલી બે ગઝલો આપી. જાણે કહેતો ન હોય કે, ‘હું ન હોઉં ત્યારે ‘શબ્દસૃષ્ટિ'માં છાપજે!’ નર્મદા કેનાલ મારા ઘરની સાવ નજીક છે એવું જાણ્યું એટલે મને કહે – ‘ચાલ આપણે કેનાલ જોવા જઈએ. ધોળીધજા નહીં તો નર્મદા!’ અમે ત્યાં ગયા. પાણીનો ધસમસતો પ્રવાહ જોઈને રાજી રાજી થઈ ગયો. હવા ખૂબ હતી, એટલે થોડી જ વારમાં અમે પાછા આવ્યા. યાદ કરું છું આ જગલો મને પહેલવહેલો ક્યારે મળેલો? હું પ્રિ.આર્ટ્સમાં હતો ત્યારે જગદીશ એસ.એસ.સી.માં હતો. હજી એને કોલેજમાં આવવાને એક વર્ષની વાર હતી. એક વાર અમે જિલ્લા પુસ્તકાલયના પગથિયે મળી ગયા. ‘સમય’માં એણે મારી કવિતા વાંચેલી. ત્યારના અમે મિત્રો. જગદીશ સાવ નાનકડો લાગે, પણ પૂરો બારકસ. વડનાં વાંદરાં પાડી આવે કે હાથીને ય પાછળ જઈને સળી કરી આવે એવો ખેપાની. એ વખતે ઘરમાં હાફપેન્ટ પહેરે. બહાર નીકળે ત્યારે પેન્ટ પહેરે. ગળામાં બુકીઓ બાંધે એવો રૂમાલ બાંધે. શર્ટનાં ઉપરનાં બે બટન ખુલ્લાં જ હોય. બાહ્ય દેખાવથી સજ્જન હોવાની છાપ ન પડે, ટપોરી જેવો લાગે. અમે એકબીજાના ઘરે જતા-આવતા થયા. પછી તો એવો ય સમય આવ્યો કે અમે ચોવીસમાંથી આઠદસ કલાક સાથે હોઈએ. ગમે ત્યારે ગમે તેના ઘરે જમી લઈએ. એ બોલવામાં એકદમ બરછટ. વાતવાતમાં ગાળ કાઢે. ક્યારે શું કરશે એની એને પોતાને પણ ખબર ન હોય. ત્યારે મારી કવિતાઓની શરૂઆત જ ગણાય. પણ નહીં નહીં તોય મેં ચાલીશેક જેટલી કાચીપાકી કવિતાઓ લખી પાડેલી. એ મારી રચનાઓ સાંભળે અને મુગ્ધ નજરે જોયા કરે. પછી તો એ ‘કેલિડોસ્કોપ'માં પણ આવતો થયો. કેલિડોસ્કોપની બેઠક ડૉ. જે.કે. દવેસાહેબના દવાખાને રવિવારે મળતી. એક બેઠકમાં ડોકટરે પણ કવિતા વાંચી. થોડીક ચર્ચાને અંતે મૂકેશ માલવણકરે કહ્યું કે - ‘તમે અમને બેસવા માટે આ જગ્યા આપો છો, ચા પીવડાવો છો અને અમને સાંભળો છો એટલી સાહિત્યસેવા પૂરતી ગણાય! આ ઘટના પછી એક દિવસ જગદીશ મને પૂછે : ‘હું કવિતા લખું?' ‘લખને...!' 'આવડે તો…’ એ શબ્દો હું ગળી ગયો. બીજે કે ત્રીજે દિવસે ‘ગઝલ’ એવા શીર્ષક સાથે એક કાગળ મારા હાથમાં મૂક્યો. નીચે પોતાના નામમાં હૃસ્વ ઈ કરી હતી! હું વાંચી ગયો. પ્રાસ વગેરે બધું ઠીક હતું, પણ છંદ નહોતો. મેં કહ્યું: ‘આમાં આગળ વધવું હોય તો છંદ શીખવા પડે…ખૂબ વાંચવું પડે!’ તે વખતની મારી જાણકારી મુજબ મેં એને ગીત અને ગઝલના સ્વરૂપનો ભેદ સમજાવ્યો અને ગઝલના બે છંદો લખી આપ્યા. લઘુ-ગુરુ વગેરેની થોડી સમજ આપી. થોડાક જ દિવસમાં એ બંને છંદમાં એકેક ગઝલ લખી આવ્યો. નીચે પોતાના નામની જગ્યાએ ‘બેદિલ' વ્યાસ એવું લખ્યું હતું! પણ, મેં જોયું કે એની ગ્રહણશક્તિ ગજબ હતી. છંદ અને રદીફ-કાફિયામાં ક્યાંય ભૂલ નહીં! તિર્યક્તા હતી પણ કવિતાસિદ્ધિ બાકી હતી. અમે થોડીઘણી ચર્ચા કરી ને અંતે ઠરાવ્યું કે આવતા રવિવારે, બધાની સાથે એ પણ વાંચે. કેલિડોસ્કોપની સભા શરૂ થાય એ પહેલાં જ મેં મૂકેશભાઈને કહી દીધું કે જગદીશે ગઝલ લખી છે તો એને વાંચવાનું કહેજો. એની સામે હાથ લંબાવીને એ હસી પડ્યા. કહે કે - ‘આણે લખી છે? બીજા કો’કની કાગળમાં લખી લાવ્યો હશે!’ આવું સાંભળીને પણ છોભીલા પડે એ બીજા! શરૂઆત જ એનાથી થઈ. એક જ રચના વાંચવાની હતી એટલે એણે મને પૂછ્યું : 'પહેલી કે બીજી?' હું જવાબ આપું એ પહેલાં એહમદ વાડિયા ધીમેથી બોલ્યા : 'અરે યાર! બેય વાંચ ને! તને છૂટ છે...’ એની ગઝલ સાંભળીને બધાને એકદમ આશ્ચર્ય થયું. સલાહ, સૂચન, વખાણ બધું જ કર્યું ને આમ ગુજરાતી કાવ્યાકાશે કવિ જગદીશ વ્યાસ 'બેદિલ' નામના તારકને ઊગવા માટે જગ્યા કરી આપી! 'બેદિલ' ઉપનામ એને કોણ જાણે ક્યાંથી સૂઝ્યું હશે? પણ, ઉપનામ બાબતે એ મક્કમ હતો. અધૂરામાં પૂરું જુગલકિશોર દૂધરેજિયાસાહેબે મહોર મારી. ઉદ્યોગપતિ અને સાહિત્યરસિક એવા અરવિંદ પરમારના સૌજન્યથી, એમના જ સંપાદન ‘ગઝલો ફૂટી ગુલમહોરને’માં તે વખતના અન્ય જાણીતા કવિઓની સાથે અમારા બંનેની રચનાઓ ફોટા સાથે છપાઈ એનો કેફ અમને ને ગામને લાંબા સમય સુધી રહેલો. બાબુ રાણપુરા અને ડોલર ગઢવી મને મોટી ગઝલ ને જગાને નાની ગઝલ કહીને જ બોલાવે. એ વખતે ‘અઘોર નગારાં વાગે' ફેઈમ મોહનલાલ અગ્રવાલ મર્માળુ મર્માળુ હસ્યા કરે. -પછી તો એ એવો વાંચવે ચડ્યો કે ન પૂછો વાત. લાયબ્રેરીમાંથી નિયમ પ્રમાણે અમને બંનેને એકેક પુસ્તક મળે. પણ, જગદીશને એક ઓછું પડતું હતું. એને આખી લાયબ્રેરી પોતાની અંદર ઉતારી લેવી હતી. મારી જાણ બહાર એક દિવસ એણે પરાક્રમ કર્યું. હું બદલાવેલી ચોપડી લઈને બહાર ઊભો ઊભો એની રાહ જોતો હતો. એને વાર લાગી. થોડી વારે એ આવ્યો. એના હાથમાં હરીન્દ્ર દવે સંપાદિત ‘મધુવન’ હતું. મેં કહ્યું, ‘આ સારું કર્યું!’ તરત એણે શર્ટ ઊંચું કરીને પેન્ટમાં સંતાડીને લાવેલો એ બેફામસાહેબનું 'ઘટા' પુસ્તક કાઢી બતાવ્યું! મને કહે – ‘આ લટકામાં!' હું બીજી વાર 'આ સારું કર્યું!' એમ ન કહી શક્યો. મારા મુખભાવ વાંચીને મને પટાવતો હોય એમ બોલ્યો: ‘પાછું જમા કરાવી દઈશ ને!’ ‘કેવી રીતે જમા કરાવીશ?’ ‘જેવી રીતે લાવ્યો એવી રીતે!’ એક જગદીશમાં જાણે અનેક જગદીશો વસતા હતા એનું આ પ્રમાણ. પણ, જગદીશનું કવિવ્યક્તિત્વ અચાનક જ ખીલી ઊઠયું હતું. એમ લાગે કે આ ગઝલો- ગીતો-ગદ્યકાવ્યો એ નથી લખતો. કોઈ એની પાસે લખાવે છે. પછી તો સમયાંતરે એણે બે કાવ્યસંગ્રહો આપ્યા, ‘પાર્થિવ’ અને ‘સૂરજનું સત’. પહેલો સંગ્રહ ‘કવિલોક'માંથી અને બીજો કૃતિ પ્રકાશનમાંથી પ્રગટ થયો. બંને માતબર સંગ્રહો. નવા કવિમાં હોય એવી કચાશ ભાગ્યે જ જોવા મળે. પીડા એનો સ્થાયીભાવ પ્રેમની, અસ્તિત્વની, રૂઢિઓ તોડવાની અને શરીરની પીડા. કુદરતે કવિતા લખવાનાં નિમિત્તો આપવામાં પાછું વાળીને જોયું નહોતું. કમાતો થયો પછી તો એ મોંઘાં પુસ્તકો પણ ખરીદી લેતો. જગદીશના પિતા છેલશંકર – સી. કે, વ્યાસ, રેલવેમાં ગાર્ડ, બ્રહ્મસમાજ સાથે ચુસ્ત રીતે જોડાયેલા. રેલવે મજદૂર યુનિયનમાં ભારતીય કક્ષાએ સેક્રેટરી હતા એટલે રેલવેમાં તો એમના નામનો સિક્કો પડે. એમના નામે અમે રેલવેમાં ઘણી મુસાફરીઓ મફત કરેલી. અમદાવાદ, સૂરત, રાજકોટ, જૂનાગઢ, ભૂજ, વડોદરાના સાહિત્યકારોનાં દર્શને જતા. કોઈ પણ ટ્રેઈનમાં અમારી અનુકૂળતા પ્રમાણે ચડી બેસતા. એક વાર તો ભારખાનામાં પણ..... રોજ એમના ઘરે રેલવેના કર્મચારીઓની લાઈન લાગે. એ બધાના પ્રશ્નો સમજીને છેલુમાસા અંગ્રેજીમાં રેલવે મંત્રાલયને કાગળ લખી દે. એક પાઈનીય અપેક્ષા વિના એ બધા ગરીબ માણસોના કેસ છેક દિલ્લી સુધી લડે. એમની ઈચ્છા જગદીશને રેલવેમાં લગાડવાની હતી. પણ આ ભાઈએ તો કહી દીધું કે મારે તો કોલેજમાં પ્રોફેસર જ થવું છે. એ થયો પણ ખરો. ધરમપુર કોલેજમાં ઘણો સમય રહ્યો, કવિશ્રી પ્રિયકાંત મણિયારની કવિતાઓ ઉપર અભ્યાસ કરીને પીએચ.ડી. થયો. એ પછી ગૂજરાત વિદ્યાપીઠમાં કવિશ્રી ચંદ્રકાંત શેઠના જ હાથ નીચે રહ્યો. છેલ્લે તો એ રીડર પણ થયેલો. બધું સરસ હતું ત્યારે જ અચાનક એને વિદેશ જવાનું સૂનકું ઊપડ્યું. એ અને રંજન બંને અધ્યાપકની પ્રતિષ્ઠાવાળી કાયમી નોકરી છોડીને પરદેશ જતાં રહ્યાં. મને ખબર છે એ માત્ર અને માત્ર રંજનને રાજી રાખવા ખાતર જ ગયેલો. જતી વખતે મને તો એણે પૂછયું જ નહોતું. પણ, મનસુખે સલાહ આપેલી કે નોકરી છોડ્યા વિના લાંબી રજા લઈને જાવ. પછી ન ફાવે તો પાછાં આવી શકાય. પણ એનો જવાબ એવો કે – 'તો’ તો મારું મન અહીં જ રહે. હું ક્યારેય ત્યાં ન ગોઠવાઈ શકું!' ત્યાં જઈને શરૂઆતમાં એણે પેટ્રોલપંપ પર નોકરી કરી. જગદીશને જે જોઈએ તે પૂરેપૂરું જ જોઈએ. ધારેલું મેળવવા માટે એના જેવી જિદ મેં બીજા કોઈમાં જોઈ નથી. રંજનને મેળવવાનો સંઘર્ષ નાનો નહોતો, બલ્કે અકલ્પ્ય હતો. પૂરાં સાત વર્ષ એ સુપ્રિમ કોર્ટ સુધી લડેલો. એ યાતનાપૂર્ણ પ્રેમપ્રકરણની વાત અહીં કરવી ઉચિત નથી. કેમકે એ સિવાય જગદીશના જીવનમાં બીજું ઘણું હતું. અમે એમ.પી.શાહ કોલેજ, સુરેન્દ્રનગરમાં ભણતા ત્યારે, સેકન્ડ યરમાં મેં વર્ગ પ્રતિનિધિની ચૂંટણી લડવાનું નક્કી કર્યું. મારી સામે એક દરબારે ઉમેદવારી કરી હતી. પણ, મારી લોકપ્રિયતાએ એમને ડરાવી દીધેલા. દરબારની ગણતરી એવી કે જો હું બેસી જાઉં તો એ બિનહરીફ આવી જાય. પહેલાં મને બેચાર બાપુઓએ, બાપુઓને આવડે એવી ભાષામાં વિનંતી કરી. પછી એમણે ઝાલાવાડી રસમ અપનાવવાનું નક્કી કર્યું. એક બાપુએ કારસો કર્યો. મને કહે કે-‘બપોરે હોસ્ટેલની રૂમ પર વાત કરીને નક્કી કરીએ.' વાત કરવાની હતી એટલે હું ગયો. પણ, ત્યાં પરિસ્થિતિ જુદી હતી. છ જણ સામે હું એકલો હતો. એક દરબાર મારી સાથે વાત કરતા જાય ને થોડી થોડી વારે પેન્ટ ઊંચું ચડાવતા જાય. એમના પગના મોજામાં છરી હતી એ મેં જોઈ. મેં મક્કમતાથી કહ્યું કે-‘તમે બધા ભેગા થઈને મારા ટુકડા કરી નાંખશો તોય મારો એકેએક ટુકડો બોલતો હશે કે હું ઉમેદવાર છું. છું અને છું!' હું હોસ્ટેલમાં છું એની જાણ જગદીશને પિરિયડ પૂરો થયા પછી થઈ હશે. એ દોડતો જ આવ્યો. આવીને જોયું હશે ને મામલો પામી ગયો હશે તે એણે આવતાંવેંત બારણું ધબધબાવ્યું પણ ઊઘડ્યું નહીં એટલે દસ ડગલાં દૂર ગયો ને દોડીને જોરથી પાટુ માર્યું. હોસ્ટેલના બારણાંની સ્ટોપર આમેય નકામા જેવી જ હોય. બારણું ખૂલી ગયું. જગદીશમાં કોણ જાણે ક્યાંથી ઝનૂન ચડ્યું... તે એણે કોઈને નહીં ને પેલા ઉમેદવારને જ એકબે અડબોથ કાન ઉપર ઝીંકી દીધી. બાપુનાં તમરાં ઉડાડી દીધાં. પાંચ મિનિટમાં તો બધાં તિતરબિતર! સાહસ એ એનો સ્વભાવ હતો. વળી, એ વખતે અમિતાભ બચ્ચનની ‘એન્ગ્રી યંગમેન’ વાળી ફિલ્મો અમે ખૂબ જોતા. તદ્દન અભાનપણે જ એ મોટી હિંમત કરી બેઠો હતો. બીજે દિવસે એના પગ ઉપર સોજો હતો. થોડું વાગ્યું પણ હતું. સદ્ભાગ્યે એ બાપુ પ્રકરણ લાંબું ન ચાલ્યું. મેં કહ્યું, ‘આવું કરવાની શી જરૂર હતી?’ ‘હું જીવતો બેઠો હોઉં ને મારા ભાઈબંધને કોઈ આંગળિએ અડાડી જાય?’ અમે બંને ભેટી પડ્યા. અમે ઘેર ખબર ન પડે એ રીતે ફિલ્મો જોવા જતા. જગદીશનું ઘર મહાલક્ષ્મી ટોકિઝની પાસે અને રામટોકિઝની સામે. એણે યુક્તિ શોધી કાઢેલી. છથી નવના શોની એક ટિકિટ લે. ઘેરથી સાડા પાંચે નીકળી જાય. સાડા સાતે ઈન્ટરવલ પડે એટલે એ બહાર આવે ને પીળો પાસ મને આપી દે. હું ફિલ્મનો બાકીનો ભાગ જોઉં અને એ ઘેર જતો રહે. બીજે દિવસે મારે ટિકિટ લેવાની. હું આરંભનો, એટલે કે ઈન્ટરવલ સુધીનો ભાગ જોઉં. સાડા સાતે એ હાજર હોય. પાસ લઈને અંદર જાય. બે દિવસે અમારી એક ફિલ્મ પૂરી થાય ને ઘેર કોઈને વહેમ પણ ન જાય! અમારો મિત્ર કાંતિ ટમાલિયા સારો અભિનેતા અને દિગ્દર્શક. યુવક મહોત્સવમાં જયાનંદ પંડ્યાની રાહબરીમાં રમેશ શાહનું એબ્સર્ડ નાટક 'ચોપગું’ ભજવેલું. નંબર પણ આવેલો. એમાં જગદીશે અભિનય કરેલો. કોલેજમાં અમે મેઘાણી જયંતીની ઉજવણીમાં ગીતો ગાયેલાં. મેઘાણીને શ્રદ્ધાંજલિ અર્પતી ગઝલો પણ લખેલી. એ પછી, અમને કવિતાનું એક સામયિક કાઢવાની ઈચ્છા થઈ. સાથે બેસીને નામ નક્કી કર્યું 'સંક્રમણ’. આરંભમાં તો અમને કોણ પૈસા આપે? લવાજમ રૂપિયા ત્રણ. પણ એ જમાનો લઘુસામયિકોનો હતો. વળી અમારો ઉદ્દેશ સ્પષ્ટ હતો. અમે સંપાદકોએ અમારી એક પણ રચના નહીં છાપવાનું નક્કી કરેલું. એ રીતે એટલી નાની ઉંમરમાં પણ આજના પીઢ સંપાદકો કરતાં અમારાં ધોરણો ઊંચાં ગણાય! જગદીશ આજે હયાત હોય ને હું આવું લખું કે બોલું તો કોલર ઊંચા કર્યા વિના ન રહે! સુરેન્દ્રનગરના બે ઉદ્યોગપતિ શ્રી અનિલ દક્ષિણી અને અરવિંદ પરમારને અમારામાં વિશ્વાસ બેઠેલો. કહે કે -‘તમારી રીતે કરો. મુશ્કેલી પડે ત્યારે આવી જવાનું!’ તમને આશ્ચર્ય થશે, અમદાવાદ ભણવા જવાનું હોવાથી, અમે ચારપાંચ અંકો કાઢીને વીરમ્યા ત્યારે આર્થિક ખોટ એક રૂપિયાની ય નહોતી. અમે જાહેરખબરો મેળવી લેતા! કવિતાઓ પણ કેવી? તો તે વખતના પ્રતિષ્ઠિત કહેવાય એવા કવિઓ - રાજેન્દ્ર શુક્લ, રમેશ પારેખ, શ્યામ સાધુ, જયદેવ શુક્લ, મણિલાલ હ. પટેલ, વિનોદ જોશી, જયેન્દ્ર શેખડીવાળા, હરીશ મીનાશ્રુ, બાબુ સુથાર, વિનોદ ગાંધી, હર્ષદેવ માધવ, ભરત યાજ્ઞિક, હનીફ સાહિલ, કરસનદાસ લુહાર વગેરે કવિઓ એમાં સંક્રમિત થયેલા! સંપાદક તરીકેના પદાર્થપાઠ અમને ત્યાંથી મળેલા. અચાનક જ જગદીશના ડાબા હાથના ખભા નીચેનું હાડકું સડવા માંડ્યું. સુરેન્દ્રનગરમાં સારવાર લીધી. પણ કંઈ ફેર ન પડ્યો. એ વખતે એના મોટાભાઈ (પિતાજી) બહારગામ હતા અને ઘણા દિવસ પછી આવવાના હતા. માસીએ અમને પૈસા આપ્યા ને અમે આવ્યા અમદાવાદ. લાલ દરવાજા, પારેખ્સમાં ડૉ. દિનુભાઈ પટેલનું દવાખાનું, હાથ જોઈને ગુસ્સે ભરાયા. કહે કે – ‘આનું તો તાત્કાલિક ઓપરેશન કરવું પડશે! સમય જશે તો હાથ...’ અમને છોકરડા ભાળીને ડોક્ટર પૂછે : 'તમારી સાથે કોઈ વડીલ નથી?’ જગદીશે મારી સામે જોઈને કહ્યું: 'આ મારો મિત્ર, મારા કરતાં બરાબર એક વર્ષ મોટો છે. એટલે એને વડીલ ગણી શકાય! એની જન્મ તારીખ ૧૮- ૮-૧૯૫૯ ને મારી ૧૭-૭-૧૯૫૮. મેં સહી કરી અને એનું પ્રમાણમાં ભારે કહેવાય એવું ઓપરેશન થયું. એને બેભાન હાલતમાં બહાર લાવ્યા. હાથ માટે કમરના હાડકામાંથી પણ થોડો ભાગ લેવો પડેલો. એ ભાનમાં આવ્યો પછી મેં પાણી પીધું. જે બૂમબરાડા પાડે... ગભરાટને કારણે નહીં, એનેસ્થેશિયાની અસરને લીધે! બીક શું કહેવાય એની અમને બેમાંથી એકેયને ખબર જ નહીં. માઉન્ટ આબુ ખાતે યોજાનાર સાહિત્યશિબિરની જાહેરખબર આવી. આદરણીય રઘુવીર ચૌધરી એના સરસંચાલક. એ વખતે રઘુવીરભાઈ 'સંદેશ'માંની એમની કોલમમાં અમારા 'સંક્રમણ' વિશે લખી ચૂક્યા હતા. અમે બંને પસંદ થયા. અમારા કામ ઉપરથી એમને લાગેલું કે ધીરગંભીર હોઈશું. એમની એ માન્યતા ધરાર ખોટી પાડવા અમે કૃતનિશ્ચયી હતા. જગદીશ મારા કરતાં વધારે ચંચળ હું એના કરતાં વધારે ગંભીર, પણ તે વખતે હોઈએ એવા દેખાવાની ઉંમર નહોતી! આખો દિવસ વાંચીએ પણ અમારી રીતે. ટાઈમટેબલવાળું અમને ઓછું ફાવે. એ શિબિરમાં જગદીશે ભગવતીકુમાર શર્માની ગઝલનો આસ્વાદ કરાવેલો ને મેં રાજેન્દ્ર શાહના ‘ધ્વનિ' સંગ્રહ વિશે પરિચયાત્મક લઘુલેખ કરેલો. 'રઘુપતિ કિન્હી બહુત બડાઈ!’ ખુશ થયેલા. અમે પહેલવહેલા અમદાવાદ આવ્યા ત્યારના બે રમૂજી કિસ્સા છે : અમારે મન કાલુપુર અને લાલ દરવાજો એટલે અમદાવાદ. બીજું કંઈ ખાસ જોયેલું નહીં. પહેલી વખત ગુજરાત યુનિવર્સિટી જવા માટે, જીવરાજપાર્કથી સાયકલ લઈને લાલ દરવાજા થઈને પૂછતા પૂછતા યુનિવર્સિટી ગયેલા! આંતરડાં ઊંચાં થઈ જાય એમ અમે અમદાવાદમાં સાયકલ ચલાવી છે. લાલ દરવાજા, જીવરાજપાર્ક, યુનિવર્સિટી, એચકે, વિદ્યાપીઠ, ટાઉનહોલ-એમ.જે., પરિષદ.. ક્યાં નહીં? નિરંજન ભગત સંદર્ભે લખતી વખતે લખેલો પ્રસંગ જગદીશ સંદર્ભે પણ એટલો જ જરૂરી હોવાથી પુનરુક્તિદોષ વહોરીનેય કહું કે - ‘એક વાર પરિષદના કોઈ કાર્યક્રમમાંથી નીકળીને અમે સાયકલ લઈને જતા હતા. માઉન્ટ કાર્મેલના બસસ્ટેન્ડે ભગતસાહેબ એટલે કે નિરંજન ભગતને હાથમાં ચોપડી દબાવીને ઊભેલા જોયા. એકદમ સાયકલ ઊભી રાખી. જઈને આદરપૂર્વક વંદન કર્યા. ભગતસાહેબે પરિચય પૂછ્યો. કહ્યું કે -‘ગુજરાતી વિષયમાં એમ.એ. કરવા આવ્યા છીએ. કવિતાઓ લખીએ છીએ….વગેરે વગેરે.’ બધી બહુ સરસ વાતો થઈ. જતી વખતે જગદીશને શી કમત સૂઝી તે કહે કે -તમારે ક્યાં જવું છે? જ્યાં જવું હોય ત્યાં અમે મૂકી જઈએ....' ‘તમારી પાસે શું વાહન છે?’ ‘છે ને આ સાઈકલ! તમે પાછળ બેસી જાઓ...' અને ભગતસાહેબે અમને ઝાડી નાંખ્યા! ટૂંકસાર આવો હતો... ‘મારે જ્યાં જવું હોય ત્યાં… તમારે એ જાણીને શું કામ છે? તમને કાયદાની કંઈ ખબર છે? અમદાવાદમાં ડબલસવારી સાઈકલ ચલાવવાની મનાઈ છે એ જાણો છો? આવું કૃત્ય કાયદા વિરુદ્ધ ગણાય એ તમે જાણો છો? પોલીસ પકડે તો શું થાય? તમારે આ અમદાવાદમાં મારો વરઘોડો કાઢવો છે? શું સમજો છો તમારા મનમાં? અને હું શા માટે તમારી સાઈકલ પાછળ બેસું? મને બસના ભાડાના પૈસા નથી મળતા? હું આ રીતે તમારું શોષણ કરું? અને હું, મારે જ્યાં જવું છે ત્યાં મારી ગરજે જાઉં છું. મારા કામે જાઉં છું. તમારે શા માટે ચિંતા કરવાની? જાવ ભાગો....’ અમે તો એવા ડઘાઈ ગયા કે ક્યાંય સુધી એકબીજાની સામે પણ ન જોઈ શક્યા. પગ અને પૈડાં ફરતાં રહ્યાં. નવરંગપુરા પોસ્ટઓફિસ પાસે આવીને ઊભા રહ્યા. પરસેવો લૂછ્યો. હું જગદીશને વઢ્યો: 'સાલા! તને આવું ડહાપણ કરવાનું કોણે કીધું હતું? એટલું ય ભાન નથી કે આવડા મોટા માણસને...' 'હર્ષદ! હવે તું ન વઢ! ભગતસાહેબ પૂરતું વઢી ચૂક્યા છે. પણ, સાલું મને એમ થાય છે કે એ આ બધું અંગ્રેજીને બદલે ગુજરાતીમાં બોલ્યા હોત તો કંઈક સમજણેય પડત!’ એમ કહીને લુચ્ચુંલુચ્ચું હસી પડ્યો....’ એક વાર છેલુમાસાની નજર એના ખુલ્લા શરીર પર ગઈ અને પૂછ્યું : 'એલા, તારી જનોઈ ક્યાં? જનોઈ બાબતે બાપ-દીકરા વચ્ચે થોડી ચડભડ પણ થઈ. એ દિવસથી જગદીશે જનોઈની આમન્યામાં ન આવે એવું બધું જ કરવાનું નક્કી કરી લીધું! ખાવાપીવાથી માંડીને તમામેતમામ બાબતોમાં કોઈ પણ જાતના છોછ કે અરેકારા વિના રૂઢિઓ તોડવી એ જ એનો સ્વભાવ થઈ ગયો. એ કંઈ પણ કરી શકે એવો સાહસિક. જરૂર પડે ત્યારે એ કોઈ પણ રસ્તેથી પૈસા ઊભા કરી શકે. છેલુમાસા નખશિખ બ્રાહ્મણ અને ચંદ્રિકામાસી, એટલે કે જગદીશનાં માતુશ્રીને અંબાજીમાં ખૂબ જ આસ્થા. જગદીશ સુધરે એ માટે બાધાઓ રાખે. મને યાદ છે જગદીશના બાવડે એમણે મંત્રેલો કાળો દોરો પરાણે બંધાવેલો. બધું જ પરંપરાગત. પણ, જગદીશમાં એક છૂપો વિદ્રોહી બેઠેલો, એ છડેચોક પોતાની રીતે વર્તે. એ કારણે કુટુંબથી પણ ઉખડેલો ઉખડેલો રહેતો. એના મગજમાં ઘણી બધી વિચિત્ર અને આમનેસામને કહી શકાય એવી સંકુલતાઓએ માળો બાંધ્યો હતો. એક માત્ર કવિતાનું ક્ષેત્ર એવું હતું, જેમાં જગદીશ પૂરી નિસબત, પૂરી શિસ્ત અને પૂરા સંયમથી વર્તતો. બાકી મોટેભાગે તો ઉડઝૂડ કહેવાય એવું જ જીવ્યો. સ્થૂળ અને સૂક્ષ્મ સંઘર્ષ. જાણે એ સિવાય એના જીવનમાં બીજી કોઈ બાબતને માટે જગ્યા નહોતી! એ પીએચ.ડી. કરતો ત્યારે ય એનાં તોફાનો ઓછાં નહોતાં. હા, તોફાનની રીતો બદલાઈ હતી. કવિશ્રી ચંદ્રકાંત શેઠ એના માર્ગદર્શક, જગદીશ સમય પ્રમાણે કામ ન કરે એટલે શેઠકાકા ગુસ્સે થાય. વારેવારે રજિસ્ટ્રેશન રદ કરી નાંખીશ એવી ચીમકી આપે. જગદીશ એમના વિશ્વાસુપણાનો ને વ્યસ્તપણાનો લાભ લે. અઢાર તારીખે બે પ્રકરણો ફાઈનલ કરીને આપવાનું કહ્યું હોય ત્યારે આ ભાઈ બે દિવસ વહેલા એટલે કે સોળ તારીખે પહોંચી જાય. શેઠસાહેબ પૂછે એટલે કહે કે - ‘બસ, ફેર કરવાનું જ બાકી છે. અઢારના બદલે કદાચ એકવીસ થાય એટલું જ!' અને સાહેબ અકળાય રોષે ભરાય: ‘અઢારમી એટલે અઢારમી. એકવીસમી તો ચાલે જ કેવી રીતે? જો ભાઈ હવે હું કશું જ ચલાવી લેવાનો નથી...’ છેવટે જગદીશ રોતલ મોઢે પોતાની મુશ્કેલીઓ વર્ણવે. માર્ગદર્શકમાં બેઠેલા વૈષ્ણવ-કવિ થોડાક પીગળ્યા છે એવું લાગે એટલે જગદીશ અવાજ બદલીને કહે : ‘ગમે તે થાય, ઉજાગરા કરીને પણ અઢારમીએ આપી જઈશ.' પરિસ્થિતિ જ એવી ઊભી કરે કે ખુદ શેઠસાહેબ એને આશ્વાસન આપવા લાગે! વાતવાતમાં જાણી પણ લે કે શેઠસાહેબ અત્યારે કેવા ગળાડૂબ કામમાં છે એટલે ધારો કે જગદીશ પ્રકરણો આપી આવે તોય મહિનો બે મહિના એ જોવાનો એમને સમય મળવાનો નથી. નક્કી કર્યા પ્રમાણે, બે પ્રકરણોની સરસ મજાની બે ફાઈલો બનાવે. બંને ફાઈલમાં આગળના ને પાછળના બે બે કાગળ છૂટા છૂટા અક્ષરે લખેલા હોય. બાકી વચ્ચેના બધા કોરાધાકોર...! જઈને વટથી કોઈ જાદુગરની જેમ સાહેબને આગળનાં ને પાછળનાં પાનાં દૂરથી બતાવે! પછી પૂછે : 'ક્યાં મૂકું?’ શેઠસાહેબ સામેનો ઘોડો બતાવીને કોઈ થપ્પી ચીંધે. એમાં મૂકવાનું કહે. આ ભાઈ થપ્પીની ઉપર ન મૂકે. સિફતપૂર્વક થપ્પીની વચ્ચે ઘુસાડી દે અને 'આવજો' કહીને નીકળી જાય! પછી ખરેખર જેમ જેમ લખાતું જાય એમ એમ, સાહેબ ન હોય ત્યારે કોરા કાગળ કાઢતો જાય અને લખેલા ઉમેરતો જાય! સાહેબના હાથમાં આવે ત્યારે બધું જ આપમેળે સબ સલામતની આલબેલ પોકારે! જગદીશ એટલે વાવાઝોડું. એના પગમાં અને મગજમાં વંટોળ જ વંટોળ ફનાગીરી એની રગેરગમાં ફરતી હતી. અમારી ભાઈબંધી પાકી હતી. એક સમયે તો બે શરીર ને એક આત્માની મુગ્ધતા હતી અમારામાં. મિત્રો માટે એ કંઈ પણ કરી શકે. બાપુભાઈ ગઢવી તો હવે નથી. પણ, પૂછો હરીશ ધોબીને! એને ઓછા સમયમાં ઝાઝું જીવી લેવું હતું. એમ લાગે છે કે એ સોળેય સરાવીને આ જગતમાં આવ્યો હતો. અનુભવના સ્તરે જે કંઈ થોડુંઘણું બાકી રહી ગયું હતું એ પૂરું કરવા આવ્યો હતો. પત્યું કે તરત ચાલી નીકળ્યો. તા. ૧૬-૧૨-૨૦૦૬ના રોજ જગદીશના જવાથી, પત્ની રંજન, દીકરી રોહિણી અને દીકરો પ્રણવ બધાં જ નોંધારા થઈ ગયાં. જગદીશ જીવતો હતો ત્યારે એણે મારા દીકરા માટે એક શર્ટ અને બિન્દુ માટે પર્સ ખરીદી રાખ્યાં હતાં. એ અમારા સુધી પહોંચાડવાની રંજનને ભળામણ કરીને ગયો હતો. એના અવસાન પછીના એક વર્ષે રંજન અમદાવાદ આવી. રૂબરૂ તો ન મળી શકી પણ વસ્તુઓ પહોંચાડીને કંઈક ભાર હળવો કર્યો. હું મનોમન બોલ્યો: 'એલા જગલા! મેં તને કપરાકાળમાં એક જોડી કપડાં અપાવ્યાં હતાં એ વાત હું તો ભૂલી જ ગયેલો, પણ તેં આમ યાદ રાખ્યું?’