પ્રારંભિક
એકત્ર ફાઉન્ડેશન : USA
તંત્રસંચાલન :
અતુલ રાવલ (atulraval@ekatrafoundation.org)
રાજેશ મશરૂવાળા (mashru@ekatrafoundation.org)
અનંત રાઠોડ (gazal_world@yahoo.com)
સંચયન : બીજો તબક્કો (સેકન્ડ ફેઝ): ૨૦૨૩
અંક - ૪: જૂન ૨૦૨૪
(સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
સંપાદન : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ
આવરણ ચિત્ર : કનુ પટેલ
મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચના
શ્રી કનુ પટેલ
લજ્જા પબ્લિકેશન્સ
બીજો માળ, સુપર માર્કેટ, રાજેન્દ્ર માર્ગ,
નાનાબજાર, વલ્લભ વિદ્યાનગર-૩૮૮૧૨૦
ફોન : (૦૨૬૯૨) ૨૩૩૮૬૪
આ અંકનું પ્રકાશન : તા. ૩૦/૦૬/૨૦૨૪
એકત્ર ફાઉન્ડેશન
અધ્યક્ષ : સિતાંશુ યશશ્ચંદ્ર
મુદ્રિત સાહિત્યનું વીજાણુ સાહિત્યમાં રૂપાંતર અને વિસ્તાર ઝંખતી સંસ્થા
(પ્રારંભઃ ઓગસ્ટ, ૨૦૧૩)
બીજો તબક્કો : ઓગસ્ટ : ૨૦૨૩
એકત્ર ફાઉન્ડેશન : USA
https://www.ekatrafoundation.org
આ વેબસાઈટપર અમારાં વી-પુસ્તકો તથા ‘સંચયન’નાં તમામ અંકો વાંચી શકાશે.
તંત્રસંચાલન : શ્રી રાજેશ મશરૂવાળા, શ્રી અતુલ રાવલ, શ્રી અનંત રાઠોડ
(ડિઝિટલ મિડયા પબ્લિકેશન)
સંચયન : દ્વિતીય તબક્કો (સેકન્ડ ફેઝ) (સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
સંપાદન : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ
મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચનાઃ શ્રી કનુ પટેલ
લજ્જા કોમ્યુનિકેશન્સ, બીજો માળ, સુપર માર્કેટ, નાના બજાર, વલ્લભ વિદ્યાનગર - ૩૮૮ ૧૨૦
આ અંકનું પ્રકાશન : તા. ૩૦/૦૬/૨૦૨૪ (ઓગસ્ટ, ૨૦૨૩)
જેને જેને ‘સંચયન’ મેળવવામાં રસ હોય એમના ઈ-મેઈલ અમને જણાવશો.
સૌ મિત્રો એને અમારી વેબસાઈટ પર પણ વાંચી શકશે.
તમારાં સૂચનો અને પ્રતિભાવો જરૂર જણાવશો.
અમારા સૌનાં ઈ-મેઈલ અને સરનામાં અહીં મૂકેલાં જ છે.
અનુક્રમ
સંચયનઃ બીજો તબક્કો: અંક : ૪ જૂન, ૨૦૨૪
સમ્પાદકીય
» રસરુચિને વિસ્તારનારા ક્ષેત્રોની અનિવાર્યતા ~ કિશોર વ્યાસ
કવિતા
» ઉદ્ધવ ગીતા ~ વીરુ પુરોહિત
» ભગ્ન સ્વપ્નની નાવ ~ સ્નેહરશ્મિ
» ચંદરોજ ~ ચાંપશી વિ. ઉદેશી
» આ અમે નીકળ્યા ~ રાજેન્દ્ર શુક્લ
» દુનિયા અમારી ~ ભાનુપ્રસાદ પંડ્યા
» કતલ કરે અને કૈં ખબર પડે ના ~ અમૃત ઘાયલ
» ગુજરાત ~ ચંદ્રવદન ચી. મહેતા
» પલ ~ મણિલાલ દેસાઈ
» ઝાલાવાડી ધરતી ~ પ્રજારામ રાવળ
» વિદાયઘડી ~ સાબિર વટવા
» રત્ય ~ પ્રદ્યુમ્ન તન્ના
» કાંડું મરડ્યું ~ મનોહર ત્રિવેદી
» અંતર મમ વિકસિત કરો ~ રવીન્દ્રનાથ ટાગોર અનુ. સુરેશ દલાલ
» વાસંતી વાયરો ~ પન્નાલાલ પટેલ
વાર્તા
» બારી પર ખેંચાયેલા પડદા ~ વીનેશ અંતાણી
» સાંકડી ગલીમાં ઘર ~ વિજય સોની
સ્મૃિતલોક
» સર્જક ભગવતીકુમાર શર્માનું સ્મરણ: પુત્રીની આંખે ~ રીના મહેતા
» હરિશ્ચંદ્ર ભગવતીશંકર ભટ્ટ ~ ચંદ્રકાન્ત ટોપીવાળા
વિવેચન
» સાહિત્યની વિચારભૂમિમાં પરિભ્રમણ ભાગ: ૧ અને ૨ ~ ઝવેરચંદ મેઘાણી
કલા જગત
» મારી નજરે ~ રવિશંકર રાવળ
સમ્પાદકીય
રસરુચિને વિસ્તારનારા ક્ષેત્રોની અનિવાર્યતા
કૉલેજ કક્ષાએ અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને કોઈ ઉત્તમ પુસ્તક વાંચ્યું હોય તો એની વાત કરવાનું કહેવામાં આવે અથવા તો કોઈ પ્રસંગે સાંપ્રત સાહિત્ય સંદર્ભે કશુંક પૂછવામાં આવે છે ત્યારે તેઓ એકબીજા સામે જોઈને ચૂપ બેસી રહે છે. એના હાથમાં કોઈ કોશ આપવામાં આવે તો એને જોવામાં એ ફાંફાં મારે છે. સાહિત્ય સામયિકોમાંથી કોઈનું નામ લેવામાં આવે ત્યારે એ સમજે છે કે સાહેબ કોઈ પુસ્તકનું નામ લઈ રહ્યા છે ! સાંપ્રત સર્જકો કે કોઈ યુગના સર્જકો વિશે પણ એને ખાસ જાણકારી નથી હોતી. નાનીમોટી સંસ્થાઓમાં રંગભૂમિના આવડે એવા પ્રયોગો થતા રહેતા હતા. હવે તો એવી પ્રવૃત્તિ ગણતર શૈક્ષણિક સંકુલોમાં જ થતી જોવા મળે છે. આવું શા કારણે થયું ? આપણી પાસે માહિતી કે જાણકારી તો હોવી જ જોઈએ એમ કહીને આપણે આગળ ચાલી જઈએ છીએ પણ રસરુચિની આવી મર્યાદાઓ છેલ્લા કેટલાયે સમયથી આપણી સામે વિકરાળ મોં ફાડીને ઊભી છે. અભ્યાસક્રમ બહારની કશી પણ સાહિત્યિક પ્રવૃત્તિ કરવાની જાણે કે આપણામાં તમન્ના નથી. સાહિત્યનું શિક્ષણ આપનારી સંસ્થાઓ તો ઘણી વધી છે પણ રસરુચિને વિસ્તારનારાં ક્ષેત્રો સાંકડા થતાં ચાલ્યાં છે. એક સમય હતો કે આપણી અગાઉની પેઢી ઝાઝું ભણેલી ન હોવા છતાં એના ગળામાં થાળ, પદ, ભજનો, લોકગીતો અને કથાઓ અભરે ભરી હતી. રમેશ પારેખે પોતાની માતાની ધાણીફૂટ સૌરાષ્ટ્રી બોલી વિશે પોતાના સંસ્મરણોમાં અનેકવાર લખ્યું છે. વાતવાતમાં મર્મીલી કહેવતો અને રૂઢિપ્રયોગોનો ઉપયોગ તો તદ્દન નહીંવત્ થઈ જવા પામ્યો છે. એક સમયે સાહિત્ય સિવાયના ક્ષેત્રોમાં કામ કરનારો વર્ગ પણ સાહિત્યથી દીક્ષિત રહ્યો હતો કેમકે કુટુંબ, શાળા, સમાજ એને પોષક બનતો હતો. શહેરોને બાદ કરતાં કેટલાક રસિક વાચકોનું જૂથ સાહિત્યની વાત કરતાં આપણને મળે છે ખરાં ? આજના સમયે પણ મેઘાણી, ઉમાશંકર જોશી કે ધૂમકેતુ જેવા સર્જકોની વાત અમુક પેઢી કરી શકવાનું ગજું સાચવીને બેઠી છે ત્યારે પ્રશ્ન એ છે કે ઉચ્ચ શિક્ષણ લેનારા વિદ્યાર્થીઓ પાસે આવી રસરુચિની તાણ કેમ વરતાય છે ? શિક્ષણનો આટલો ફેલાવો છતાં આપણા પરિવારોએ વિધવિધ પ્રકારના સામયિકોને ઘરમાં જાણે પ્રવેશબંધી ફરમાવી છે. કેટલા પરિવારો પોતાના બાળકો માટે સામયિકો કે પુસ્તકો વસાવવાનાં આગ્રહી છે ? જો આર્થિક રીતે એ પોસાતું ન હોય તો કેટલા વાલીઓ કે શિક્ષકો ફરજિયાતપણે પોતાના બાળકોને ગ્રંથાલયમાં જવાનો આગ્રહ થાક્યા વિના કે નિરાશ થયા વિના કર્યા કરે છે ? ખરેખર તો વિદ્યાર્થીઓ પાસે વર્ષભરમાં વાંચેલી ગુજરાતી કે પરભાષાની ઉત્તમ કૃતિઓની પોતીકી યાદી હોવી જોઈએ. જેના પર શિક્ષકોની પણ નજર રહે. શાળાઓ, હાઈસ્કૂલો અને કૉલેજોમાં કવિની જન્મજયંતીનાં કે વિશેષ પ્રસંગોના કાર્યક્રમો થાય એ તો સારી બાબત છે પણ કવિતા વાચનના, વાર્તા વાચનના કે સાહિત્ય ચર્ચાના નિયમિતપણે ઘરઘરાઉ કાર્યક્રમો થવા ઘટે. દરેક સંસ્થાઓમાં ભીંતપત્રો પર મહત્ત્વની રચનાઓ પ્રદર્શિત થતી રહેતી હોય જેમાં વિવિધ સ્વરૂપો વિશે વિદ્યાર્થીઓ લખવાનો મનોયત્ન કરે એવું ઘણી સંસ્થાઓમાં આપણે જોઈએ છીએ. કેટલીક સંસ્થાઓ પોતાનાં વાર્ષિકો પણ પ્રગટ કરે છે પણ એમાં ઉત્તમ કૃતિઓનો આપણે આગ્રહ આગળ નહીં ધરીએ તો ખોટાં વલણો ઊભાં થવા પામશે આથી વિવેચકની જેમ ભાષાસાહિત્યના અધ્યાપકને પણ દુરારાધ્ય થવું ઘટે છે. શાળા અને હાઈસ્કૂલ કક્ષાએ હજુ સુધી પ્રાર્થના સંમેલનોમાં અવકાશ છે જેનો રસરુચિ વિકસાવવા ભરપૂર લાભ લેવો જોઈએ. અધ્યાપકો જો સામયિકો મગાવતા હોય તો એ સામયિકો વિદ્યાર્થીઓના હાથમાં પણ મૂકવાં જોઈએ.ઉત્તમ વાર્તાઓ, નવલકથાઓ અને સર્જકો વિશે ટૂંકા નિબંધો લખાવવાના, ચર્ચાસત્રો યોજવાના પ્રયત્નો પણ કરવા રહે.
આમ કહીએ છીએ ત્યારે તેઓની ફરિયાદ હોય છે કે અભ્યાસસત્ર જ એટલા ટૂંકા છે કે અમે પરીક્ષા લીધા વિના બીજું કશું કરી શકવાની સ્થિતિમાં નથી ! વિદ્યાર્થીઓને એકડે એકથી આરંભ કરવા બાબતે પણ તેઓ ખાસ્સા નિરાશ હોય છે. આવી પરિસ્થિતિ હોવાનાં રોદણાં રોઈ આપણે બેઠા રહીશું ? ખરેખર તો માંડવાળ કરવાને બદલે મંડળી મળવાથી થતા લાભ અંગે ને ટેબલ ટોક કરવા સક્રિય થવાનો આ ખરો સમય છે. રસરુચિ ખીલવે તેવા વૈવિધ્યસભર કાર્યક્રમો સંસ્થાઓએ, શિક્ષકોએ અને પ્રજાએ જાતે ઊભા કરવા જોઈએ કે ઘડી કાઢવા જોઈએ. જે મનોરંજક નહીં, સાદગીભર્યા અને સત્વશીલ હોય. નવી પેઢીના ઘડતર માટે મથનાર પ્રત્યેક વ્યક્તિ માટે આ પડકાર ઊભો છે એને પાર પાડવો જ રહ્યો.
~ કિશોર વ્યાસ
કવિતા
ઉદ્ધવ ગીતા
વીરુ પુરોહિત
જાવ મથૂરા ત્યારે, ઉદ્ધવ! લૈ જાજો સંગાથે!
ગોકુળથી શું જાય અતિથિ તદ્દન ઠાલા હાથે?!
અધખૂલી આ કમળકળીમાં આંસુ ઝીલી લેજો;
લિપિબદ્ધ એ વિરહવ્યથાઓ જઈ શ્યામને દેજો!
ઉદ્ધવ! એને કહેજોઃ પૂનમને અજવાળે વાંચે;
તો ય કદાચિત દાઝી જાશે આંખ, અક્ષરી આંચે!
ઊના ધગધગતા નિશ્વાસો નથી આપતા સાથે!
જાવ મથૂરા ત્યારે, ઉદ્ધવ! લૈ જાજો સંગાથે!
લો, આ મોરમુકુટ, વાંસળી, વૈજ્યંતિની માળા;
કદમ્બની આ ડાળ, વસન રાધાનાં અતિ રૂપાળાં!
સ્મૃતિચિહ્ન સઘળાં એકાંતે જ્યારે શ્યામ નીરખશે;
ત્યારે વ્રજને સંભારીને ધ્રૂસકે ધ્રૂસકે રડશે!
કહેજો કે આ યમુના તટની ધૂળ ચઢાવે માથે!
જાવ મથૂરા ત્યારે, ઉદ્ધવ! લૈ જાજો સંગાથે!
ગોકુળથી શું જાય અતિથિ તદ્દન ઠાલા હાથે?!
ભગ્ન સ્વપ્નની નાવ
સ્નેહરશ્મિ
મારી નાવ કરે કો પાર?
કાળાં ભમ્મર જેવાં પાણી,
જુગ જુગ સંચિત રે! અંધાર;
સૂર્ય ચંદ્ર નહિ નભજ્યોતિ
રાતદિવસ નહિ સાંજસવાર!
મારી નાવ કરે કો પાર?
ભાવિના નહિ પ્રેરક વાયુ,
ભૂત તણો દાબે ઓથાર;
અધડૂબી દીવાદાંડી પર
ખાતી આશા મોત પછાડ!
મારી નાવ કરે કો પાર?
નથી હીરા, નથી માણેક મોતી,
કનક તણો નથી એમાં ભાર;
ભગ્ન સ્વપ્નના ખંડિત ટુકડા
તારી કોણ ઉતારે પાર?
મારી નાવ કરે કો પાર?
ચંદરોજ
ચાંપશી વિ. ઉદેશી
ઓ મુસાફિર! ઠાઠ તારો ચંદરોજ;
જિંદગીનો આ ગુજારો ચંદરોજ.
કેમ પોતાને ગણે સરદાર તું?
કાફલો તારો બિચારો ચંદરોજ.
છોડી દે, તું છોડી દે તારા દગા;
જીતવાના સૌ વિચારો ચંદરોજ.
થાય નેકી તેટલી લે ને કરી;
સર્વ બીજા મદદગારો ચંદરોજ.
‘કોણ હું? ક્યાં છે જવું?’ વિચાર એ;
આંહી તો તું ઠેરનારો ચંદરોજ.
વખત ઓછો, કામ તારે છે ઘણું;
આવીને ચાલ્યા હજારો ચંદરોજ.
આ અમે નીકળ્યા
રાજેન્દ્ર શુક્લ
સાંજ ઢળતાં જ રોશન થતા, મ્હેકતા,
હાથ ગજરા, ગળે હાર ઝુલાવતાં;
ખીંટીએ લટકતી રાખીને રિક્તતા
આ અમે નીકળ્યા ખેસ ફરકાવતા !
ઓશિકે એક ઘડિયાળ અટકી પડે,
વેળ તો વેળની જેમ વીત્યા કરે,
વાયરા દખણના તો ગમે તે ક્ષણે,
કેસરી કેસરી દ્વાર ખખડાવતા !
ચાર ખૂણા હજી સાચવીને ઊભા
ધૂંધળા ધૂંધળા કોક અણસારને,
ઘોર એકાંતનું છાપરું ને છજાં
જો ઊડે આભમાં પાંખ ફફડાવતા !
સૌ અભાવો સુરાહી બને જ્યાં કને
જે મળે તે બધાં તરબતર નીતરે,
કોઈને કોઈની કૈં ખબર ના રહે-
કોણ છલકી જતા, કોણ છલકાવતાં !
ઘૂંટ એક જ અને આંખ ઝૂકે જરા,
સાત આકાશ ખૂલી જતાં સામટું,
જોઉં તો ઝળહળે જામમાં એ સ્વયં
ચૌદ બ્રહ્માંડનો ભેદ ભૂલાવતાં
દુનિયા અમારી
ભાનુપ્રસાદ પંડ્યા
દેખ્યાનો દેશ ભલે લઈ લીધો, નાથ!
પણ કલરવની દુનિયા અમારી!
વાટે રખડ્યાની મોજ છીનવી લીધી
ને તોય પગરવની દુનિયા અમારી!
કલબલતો થાય જ્યાં પ્હેલો તે પ્હોર
બંધ પોપચાંમાં રંગોની ભાત,
લોચનની સરદહથી છટકીને રણઝણતું
રૂપ લઈ રસળે શી રાત!
લ્હેકાએ લ્હેકાએ મ્હોરતા અવાજના
વૈભવની દુનિયા અમારી!
ફૂલોના રંગો રિસાઈ ગયા, જાળવતી
નાતો આ સામટી સુગંધ,
સંમા સંમાના દઈ સંદેશા લ્હેરખી
અડક્યાનો સાચવે સંબંધ!
ટેરવાંને તાજી કૈં ફૂટી તે નજરુંના
અનુભવની દુનિયા અમારી!
કતલ કરે અને કૈં ખબર પડે ના
અમૃત ઘાયલ
કતલ કરે અને કૈં ખબર પડે ના,
તને આવડે તે મને આવડે ના.
હશે અંશ મારા જ પૈકીનો કોઈ,
મને આમ નબળા ગ્રહો તો નડે ના.
અવરને મળી જાય મોતી સહેજે,
હું શોધું જો પથ્થર તો પથ્થર જડે ના.
તરસતા રહે હાય ફૂલોને હરદમ,
અને પગ બગીચા ભણી ઊપડે ના.
પહોંચી હશે મોભને ઠેસ કોઈ,
દીવાલોમાં એમ જ તિરાડો પડે ના.
અહીં માનવીની જ ચોમેર વસ્તી,
અને માનવી ક્યાંય નજરે ચડે ના.
નથી મુઠ્ઠી આ છે મડાગાંઠ ‘ઘાયલ’,
હવે મુઠ્ઠી કેમેય આ ઊઘડે ના.
ગુજરાત
ચંદ્રવદન ચી. મહેતા
ભમો ભરતખંડમાં સકળ ભોમ ખૂંદી વળી,
ધરાતલ ઘૂમો ક્યહીં નહિ મળે રૂડી ચોતરી
પ્
રફુલ્લ કુસુમો તણી, વિવિધરંગ વસ્ત્રે ભરી,
સરોવર, તરુવરો જળભરી નદીઓ ભળી
મહોદધિ લડાવતી નગરબદ્ધ કાંઠે ઢળી
પ્રદેશ પરદેશના સહુ થકી અહીં ગુર્જરી!
ભરી તુજ કૂખે મનોરમ વિશાળ લીલોતરી
સદા હૃદય ઠારતી; અવર કો ન તું પે ભલી.
નહીં હિમસમાધિમાં શિખર નીંદરે, કે ખરે
ઉષાકમળની અહીં ધ્રુવપ્રદેશની લાલિમા
નથી, ઘણું નથીઃ પરંતુ ગુજરાતના નામથી
સદા સળવળે દિલે ઝણઝણે ઊંડા ભાવથી
સ્ફુરે અજબ ભક્તિની અચલ દીપરેખા,
અરે
લીધો જનમ ને ગમે થવું જ રાખ આ ભૂમિમાં.
પલ
મણિલાલ દેસાઈ
સરકી જાયે પલ...
કાળ તણું જાણે કે એ તો વરસે ઝરમર જલ!
નહીં વર્ષામાં પૂર,
નહીં એ ગ્રીષ્મ મહીં શોષાય,
કોઈના સંગનિઃસંગની એને
કશી અસર નવ થાય,
ઝાલો ત્યાં તો છટકે એવી નાજુક ને ચંચલ!
છલક છલક છલકાય
છતાંયે કદી શકી નવ ઢાળી,
વૃન્દાવનમાં,
વળી કોઈને કુરુક્ષેત્રમાં મળી,
જાય તેડી પોઢેલાંનેયે નવે લોક, નવ સ્થલ!
ઝાલાવાડી ધરતી પ્રજારામ રાવળ આ ઝાલાવાડી ધરતીઃ આવળ, બાવળ, કેર, બોરડી, શુષ્ક, રુક્ષ ચોફરતી. અહીં ફૂલ કેવળ આવળનાંઃ અહીં નીર અધિકાં મૃગજળનાંઃ પુષ્પ, પત્ર, પાણી વિણ કાયા ઘોર ઉનાળે બળતી! આ જોજનના જોજન લગ દેખો, એક નહીં ડુંગરને પેખો. વિરાટ જાણે ખુલ્લી હથેળી સમથળ, ક્ષિતિજે ઢળતી! આ આ તે કોઈ જનમ-વેરાગણ! કે, કો ઉગ્ર તપંતી જોગણ! સંન્યાસિની તણા નિર્મળ શુભ્ર વેષે, ઉર મુજ ભરતી. આ વિદાયઘડી સાબિર વટવા ચંદ્ર ઝાંખો થાય છે, ‘રોકાઈ જાવ’! હમણાં વા’ણું વાય છે, રોકાઈ જાવ! એક ઘડીભર રાતની છે શી વિસાત? વર્ષો વીતી જાય છે, રોકાઈ જાવ! અપશુકન છે રોકાવામાં, શું કરું? મારું દિલ ગભરાય છે, રોકાઈ જાવ! ચીબરી બોલી રહી છે આંગણે વનમાં ઘુવડ ગાય છે, રોકાઈ જાવ! વાટમારુ છે નિરાશા માર્ગમાં- કાફલા લૂંટાય છે, રોકાઈ જાવ! હોઠ ઉપર છે ‘ખુદા હાફિઝ!’ છતાં દિલમાં કૈં કૈં થાય છે, રોકાઈ જાવ! આજ ‘સાબિર’ વારે વારે શું કહું? હોઠે આવી જાય છે, રોકાઈ જાવ! રત્ય પ્રદ્યુમ્ન તન્ના કોણ કે’છે કે રત્ય રૂડી સરી?! રંગ રંગ છોળ્ય એની ઓસરતાં મોર્ય અમીં ચિતને ચંદરવે લીધ ભરી! કોણ કે’છે કે રત્ય રૂડી સરી?! મધુવનની ભોંય શા મજીઠ લાલ પોત પરે ખાંતે આળેખી ભલી ભાત્ય, કેવડાની મ્હેક મ્હેક કુંજ ચારે કોર્ય, બીચ મોરલા ને કીર કરે વાત્ય. એ જી ધાગે ધાગે તે હાંર્યે પોરવ્યો હુલાસ ને ગુંજરતાં ગીત્યુંની કડી! કોણ કે’છે કે રત્ય રૂડી સરી?! આભલિયે આભલિયે ટાંક્યું અંકાશ ને અંકાશે દા’ડી ને રેણ, દા’ડે દા’ડે તે ભર્યાં અંજવાળાં ઝોક ને રેણ ભર્યાં ચંદણીનાં ઘેન, એ જી ઘેન મહીં ઘોળ્યો છે ગમતો ઉજાગરો ઉજાગરે ગલાલની ઝડી! કોણ કે’છે કે રત્ય રૂડી સરી?!... માણી પરમાણીને ઝીણું મોટું જેહ કાંઈ ભરી લઈ ભીતર મોઝાર, એવું ને એવું રિયે જળવાયું, આછોયે આવતો ન એને ઓસાર, એ જી આપણે ઉખેળવાની ખોટી કે પરથમ શું પ્રગટે સંધુંય ફરી ફરી! કોણ કે’છે કે રત્ય રૂડી સરી?!... કાંડું મરડ્યું મનોહર ત્રિવેદી કાંડું મરડ્યું એણે રીસ કરીને છોડાવ્યું તો ઝટ લઈ ઝાલી નેણે જોઈજોઈ કેસૂડાં મ્હોર્યાંઃ હું થૈ સુક્કી ભઠ્ઠ મારી વાળી શેય વળે ના કોયલની આ હઠ્ઠ પોતીકાએ મને પળેપળે પજવી મ્હેણે-મ્હેણે શરમ મૂકીને પાછળ આવી બેઉ બાજુની વાડ ડાળ નામવી ટગરટગર નીરખે આ નવરાં ઝાડ વળી વાયરે વાવડ વહેતા કર્યા નદીના વ્હેણે ચૂંટી ભરતાં, પાણીથી પાતલડી થૈ ગૈ કેડ્ય હુંય મૂઈ ના કહી શકી કે આમ મને કાં વેડ્ય? પરવશ હું ખેંચાતી ચાલી સમજું નહીં કે શેણે? કાંડું મરડ્યું એણે. અંતર મમ વિકસિત કરો રવીન્દ્રનાથ ટાગોર (બંગાળી) અનુ. સુરેશ દલાલ અંતર મમ વિકસિત કરો. અંતરતર હે- નિર્મલ કરો, ઉજ્જ્વલ કરો, સુંદર કરો હે. જાગ્રત કરો,. ઉદ્યત કરો, નિર્ભય કરો હે, મંગલ કરો, નિરલસ, નિઃસંશય કરો હે. યુક્ત કરો હે સબાર સંગે, મુક્ત કરો હે બંધ, સંચાર કરો સકલ કર્મે શાંત તોમાર છંદ, ચરણપદ્મે મમ ચિત્ત નિઃસ્પંદિત કરો હે, નંદિત કરો, નંદિત કરો, નંદિત કરો હે. વાસંતી વાયરો પન્નાલાલ પટેલ તું તો ફરફરતો વાંસતી વાયરો હાથ આવે આવે ને સરી જાય જો કેમ કરી હાથમાં લેવો! તું તો આષાઢી વાદળા જેવો બાથ ભરતાં ભરતાં ભાંગી જાય જો કેમ કરી બાથમાં લેવો! તું તો પાણી કરતાંય સાવ પાતળો મારી એરણથી ઢળી ઢળી જાય જો કેમ કરી ઘાટમાં લેવો! તું તો વાતોમાં વણતો વરણાગિયો ઓે રે બોલે બોલે ને ફરી જાય જો કેમ કરી વાતમાં લેવો! હું તો મનવું મનવું તું રિસાઈ જતો, ઓ રે રૂઠું ત્યાં લળી લળી આવતો કેમ કરી ગાંઠવો નેડો- તુંથી મારે કેમ કરી માંડવો નેડો! (અલકમલક પૃ. ૨૨૯)