સંચયન-૬૨

Revision as of 10:05, 27 June 2024 by Meghdhanu (talk | contribs) ()
Sanchayan final logo.png
સાંપ્રત સાહિત્ય-વિચાર-જગતની ઝલક આપતું સામાયિક
બીજો તબક્કો
સંપાદન: મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ


Sanchayan 62 Cover.png
સંચયન - ૬૨

પ્રારંભિક


એકત્ર ફાઉન્ડેશન : USA

તંત્રસંચાલન :
અતુલ રાવલ (atulraval@ekatrafoundation.org)
રાજેશ મશરૂવાળા (mashru@ekatrafoundation.org)
અનંત રાઠોડ (gazal_world@yahoo.com)

સંચયન : બીજો તબક્કો (સેકન્ડ ફેઝ): ૨૦૨૩
અંક - ૪: જૂન ૨૦૨૪
(સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
સંપાદન : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ
આવરણ ચિત્ર : કનુ પટેલ

મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચના
શ્રી કનુ પટેલ
લજ્જા પબ્લિકેશન્સ
બીજો માળ, સુપર માર્કેટ, રાજેન્દ્ર માર્ગ,
નાનાબજાર, વલ્લભ વિદ્યાનગર-૩૮૮૧૨૦
ફોન : (૦૨૬૯૨) ૨૩૩૮૬૪


આ અંકનું પ્રકાશન : તા. ૩૦/૦૬/૨૦૨૪



 

એકત્ર ફાઉન્ડેશન

અધ્યક્ષ : સિતાંશુ યશશ્ચંદ્ર

મુદ્રિત સાહિત્યનું વીજાણુ સાહિત્યમાં રૂપાંતર અને વિસ્તાર ઝંખતી સંસ્થા

 
 

(પ્રારંભઃ ઓગસ્ટ, ૨૦૧૩)
બીજો તબક્કો : ઓગસ્ટ : ૨૦૨૩

એકત્ર ફાઉન્ડેશન : USA
https://www.ekatrafoundation.org
આ વેબસાઈટપર અમારાં વી-પુસ્તકો તથા ‘સંચયન’નાં તમામ અંકો વાંચી શકાશે.
તંત્રસંચાલન : શ્રી રાજેશ મશરૂવાળા, શ્રી અતુલ રાવલ, શ્રી અનંત રાઠોડ
(ડિઝિટલ મિડયા પબ્લિકેશન)
સંચયન : દ્વિતીય તબક્કો (સેકન્ડ ફેઝ) (સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
સંપાદન : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ

મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચનાઃ શ્રી કનુ પટેલ
લજ્જા કોમ્યુનિકેશન્સ, બીજો માળ, સુપર માર્કેટ, નાના બજાર, વલ્લભ વિદ્યાનગર - ૩૮૮ ૧૨૦
આ અંકનું પ્રકાશન : તા. ૩૦/૦૬/૨૦૨૪ (ઓગસ્ટ, ૨૦૨૩)

 

જેને જેને ‘સંચયન’ મેળવવામાં રસ હોય એમના ઈ-મેઈલ અમને જણાવશો.
સૌ મિત્રો એને અમારી વેબસાઈટ પર પણ વાંચી શકશે.
તમારાં સૂચનો અને પ્રતિભાવો જરૂર જણાવશો.
અમારા સૌનાં ઈ-મેઈલ અને સરનામાં અહીં મૂકેલાં જ છે.

અનુક્રમ

સંચયનઃ બીજો તબક્કો: અંક : ૪ જૂન, ૨૦૨૪

સમ્પાદકીય
»  રસરુચિને વિસ્તારનારા ક્ષેત્રોની અનિવાર્યતા ~ કિશોર વ્યાસ
કવિતા
»  ઉદ્ધવ ગીતા ~ વીરુ પુરોહિત
»  ભગ્ન સ્વપ્નની નાવ ~ સ્નેહરશ્મિ
»  ચંદરોજ ~ ચાંપશી વિ. ઉદેશી
»  આ અમે નીકળ્યા ~ રાજેન્દ્ર શુક્લ
»  દુનિયા અમારી ~ ભાનુપ્રસાદ પંડ્યા
»  કતલ કરે અને કૈં ખબર પડે ના ~ અમૃત ઘાયલ
»  ગુજરાત ~ ચંદ્રવદન ચી. મહેતા
»  પલ ~ મણિલાલ દેસાઈ
»  ઝાલાવાડી ધરતી ~ પ્રજારામ રાવળ
»  વિદાયઘડી ~ સાબિર વટવા
»  રત્ય ~ પ્રદ્યુમ્ન તન્ના
»  કાંડું મરડ્યું ~ મનોહર ત્રિવેદી
»  અંતર મમ વિકસિત કરો ~ રવીન્દ્રનાથ ટાગોર અનુ. સુરેશ દલાલ
»  વાસંતી વાયરો ~ પન્નાલાલ પટેલ
વાર્તા
»  બારી પર ખેંચાયેલા પડદા ~ વીનેશ અંતાણી
»  સાંકડી ગલીમાં ઘર ~ વિજય સોની
સ્મૃિતલોક
»  સર્જક ભગવતીકુમાર શર્માનું સ્મરણ: પુત્રીની આંખે ~ રીના મહેતા
»  હરિશ્ચંદ્ર ભગવતીશંકર ભટ્ટ ~ ચંદ્રકાન્ત ટોપીવાળા
વિવેચન
»  સાહિત્યની વિચારભૂમિમાં પરિભ્રમણ ભાગ: ૧ અને ૨ ~ ઝવેરચંદ મેઘાણી
કલા જગત
»  મારી નજરે ~ રવિશંકર રાવળ

સમ્પાદકીય

રસરુચિને વિસ્તારનારા ક્ષેત્રોની અનિવાર્યતા
કૉલેજ કક્ષાએ અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને કોઈ ઉત્તમ પુસ્તક વાંચ્યું હોય તો એની વાત કરવાનું કહેવામાં આવે અથવા તો કોઈ પ્રસંગે સાંપ્રત સાહિત્ય સંદર્ભે કશુંક પૂછવામાં આવે છે ત્યારે તેઓ એકબીજા સામે જોઈને ચૂપ બેસી રહે છે. એના હાથમાં કોઈ કોશ આપવામાં આવે તો એને જોવામાં એ ફાંફાં મારે છે. સાહિત્ય સામયિકોમાંથી કોઈનું નામ લેવામાં આવે ત્યારે એ સમજે છે કે સાહેબ કોઈ પુસ્તકનું નામ લઈ રહ્યા છે ! સાંપ્રત સર્જકો કે કોઈ યુગના સર્જકો વિશે પણ એને ખાસ જાણકારી નથી હોતી. નાનીમોટી સંસ્થાઓમાં રંગભૂમિના આવડે એવા પ્રયોગો થતા રહેતા હતા. હવે તો એવી પ્રવૃત્તિ ગણતર શૈક્ષણિક સંકુલોમાં જ થતી જોવા મળે છે. આવું શા કારણે થયું ? આપણી પાસે માહિતી કે જાણકારી તો હોવી જ જોઈએ એમ કહીને આપણે આગળ ચાલી જઈએ છીએ પણ રસરુચિની આવી મર્યાદાઓ છેલ્લા કેટલાયે સમયથી આપણી સામે વિકરાળ મોં ફાડીને ઊભી છે. અભ્યાસક્રમ બહારની કશી પણ સાહિત્યિક પ્રવૃત્તિ કરવાની જાણે કે આપણામાં તમન્ના નથી. સાહિત્યનું શિક્ષણ આપનારી સંસ્થાઓ તો ઘણી વધી છે પણ રસરુચિને વિસ્તારનારાં ક્ષેત્રો સાંકડા થતાં ચાલ્યાં છે. એક સમય હતો કે આપણી અગાઉની પેઢી ઝાઝું ભણેલી ન હોવા છતાં એના ગળામાં થાળ, પદ, ભજનો, લોકગીતો અને કથાઓ અભરે ભરી હતી. રમેશ પારેખે પોતાની માતાની ધાણીફૂટ સૌરાષ્ટ્રી બોલી વિશે પોતાના સંસ્મરણોમાં અનેકવાર લખ્યું છે. વાતવાતમાં મર્મીલી કહેવતો અને રૂઢિપ્રયોગોનો ઉપયોગ તો તદ્દન નહીંવત્ થઈ જવા પામ્યો છે. એક સમયે સાહિત્ય સિવાયના ક્ષેત્રોમાં કામ કરનારો વર્ગ પણ સાહિત્યથી દીક્ષિત રહ્યો હતો કેમકે કુટુંબ, શાળા, સમાજ એને પોષક બનતો હતો. શહેરોને બાદ કરતાં કેટલાક રસિક વાચકોનું જૂથ સાહિત્યની વાત કરતાં આપણને મળે છે ખરાં ? આજના સમયે પણ મેઘાણી, ઉમાશંકર જોશી કે ધૂમકેતુ જેવા સર્જકોની વાત અમુક પેઢી કરી શકવાનું ગજું સાચવીને બેઠી છે ત્યારે પ્રશ્ન એ છે કે ઉચ્ચ શિક્ષણ લેનારા વિદ્યાર્થીઓ પાસે આવી રસરુચિની તાણ કેમ વરતાય છે ? શિક્ષણનો આટલો ફેલાવો છતાં આપણા પરિવારોએ વિધવિધ પ્રકારના સામયિકોને ઘરમાં જાણે પ્રવેશબંધી ફરમાવી છે. કેટલા પરિવારો પોતાના બાળકો માટે સામયિકો કે પુસ્તકો વસાવવાનાં આગ્રહી છે ? જો આર્થિક રીતે એ પોસાતું ન હોય તો કેટલા વાલીઓ કે શિક્ષકો ફરજિયાતપણે પોતાના બાળકોને ગ્રંથાલયમાં જવાનો આગ્રહ થાક્યા વિના કે નિરાશ થયા વિના કર્યા કરે છે ? ખરેખર તો વિદ્યાર્થીઓ પાસે વર્ષભરમાં વાંચેલી ગુજરાતી કે પરભાષાની ઉત્તમ કૃતિઓની પોતીકી યાદી હોવી જોઈએ. જેના પર શિક્ષકોની પણ નજર રહે. શાળાઓ, હાઈસ્કૂલો અને કૉલેજોમાં કવિની જન્મજયંતીનાં કે વિશેષ પ્રસંગોના કાર્યક્રમો થાય એ તો સારી બાબત છે પણ કવિતા વાચનના, વાર્તા વાચનના કે સાહિત્ય ચર્ચાના નિયમિતપણે ઘરઘરાઉ કાર્યક્રમો થવા ઘટે. દરેક સંસ્થાઓમાં ભીંતપત્રો પર મહત્ત્વની રચનાઓ પ્રદર્શિત થતી રહેતી હોય જેમાં વિવિધ સ્વરૂપો વિશે વિદ્યાર્થીઓ લખવાનો મનોયત્ન કરે એવું ઘણી સંસ્થાઓમાં આપણે જોઈએ છીએ. કેટલીક સંસ્થાઓ પોતાનાં વાર્ષિકો પણ પ્રગટ કરે છે પણ એમાં ઉત્તમ કૃતિઓનો આપણે આગ્રહ આગળ નહીં ધરીએ તો ખોટાં વલણો ઊભાં થવા પામશે આથી વિવેચકની જેમ ભાષાસાહિત્યના અધ્યાપકને પણ દુરારાધ્ય થવું ઘટે છે. શાળા અને હાઈસ્કૂલ કક્ષાએ હજુ સુધી પ્રાર્થના સંમેલનોમાં અવકાશ છે જેનો રસરુચિ વિકસાવવા ભરપૂર લાભ લેવો જોઈએ. અધ્યાપકો જો સામયિકો મગાવતા હોય તો એ સામયિકો વિદ્યાર્થીઓના હાથમાં પણ મૂકવાં જોઈએ.ઉત્તમ વાર્તાઓ, નવલકથાઓ અને સર્જકો વિશે ટૂંકા નિબંધો લખાવવાના, ચર્ચાસત્રો યોજવાના પ્રયત્નો પણ કરવા રહે. આમ કહીએ છીએ ત્યારે તેઓની ફરિયાદ હોય છે કે અભ્યાસસત્ર જ એટલા ટૂંકા છે કે અમે પરીક્ષા લીધા વિના બીજું કશું કરી શકવાની સ્થિતિમાં નથી ! વિદ્યાર્થીઓને એકડે એકથી આરંભ કરવા બાબતે પણ તેઓ ખાસ્સા નિરાશ હોય છે. આવી પરિસ્થિતિ હોવાનાં રોદણાં રોઈ આપણે બેઠા રહીશું ? ખરેખર તો માંડવાળ કરવાને બદલે મંડળી મળવાથી થતા લાભ અંગે ને ટેબલ ટોક કરવા સક્રિય થવાનો આ ખરો સમય છે. રસરુચિ ખીલવે તેવા વૈવિધ્યસભર કાર્યક્રમો સંસ્થાઓએ, શિક્ષકોએ અને પ્રજાએ જાતે ઊભા કરવા જોઈએ કે ઘડી કાઢવા જોઈએ. જે મનોરંજક નહીં, સાદગીભર્યા અને સત્વશીલ હોય. નવી પેઢીના ઘડતર માટે મથનાર પ્રત્યેક વ્યક્તિ માટે આ પડકાર ઊભો છે એને પાર પાડવો જ રહ્યો.
~ કિશોર વ્યાસ

કવિતા

ઉદ્ધવ ગીતા

વીરુ પુરોહિત

જાવ મથૂરા ત્યારે, ઉદ્ધવ! લૈ જાજો સંગાથે!

ગોકુળથી શું જાય અતિથિ તદ્દન ઠાલા હાથે?!

અધખૂલી આ કમળકળીમાં આંસુ ઝીલી લેજો;

લિપિબદ્ધ એ વિરહવ્યથાઓ જઈ શ્યામને દેજો!

ઉદ્ધવ! એને કહેજોઃ પૂનમને અજવાળે વાંચે;

તો ય કદાચિત દાઝી જાશે આંખ, અક્ષરી આંચે!

ઊના ધગધગતા નિશ્વાસો નથી આપતા સાથે!

જાવ મથૂરા ત્યારે, ઉદ્ધવ! લૈ જાજો સંગાથે!

લો, આ મોરમુકુટ, વાંસળી, વૈજ્યંતિની માળા;

કદમ્બની આ ડાળ, વસન રાધાનાં અતિ રૂપાળાં!

સ્મૃતિચિહ્ન સઘળાં એકાંતે જ્યારે શ્યામ નીરખશે;

ત્યારે વ્રજને સંભારીને ધ્રૂસકે ધ્રૂસકે રડશે!

કહેજો કે આ યમુના તટની ધૂળ ચઢાવે માથે!

જાવ મથૂરા ત્યારે, ઉદ્ધવ! લૈ જાજો સંગાથે!

ગોકુળથી શું જાય અતિથિ તદ્દન ઠાલા હાથે?!

ભગ્ન સ્વપ્નની નાવ

સ્નેહરશ્મિ

મારી નાવ કરે કો પાર?

કાળાં ભમ્મર જેવાં પાણી,

જુગ જુગ સંચિત રે! અંધાર;

સૂર્ય ચંદ્ર નહિ નભજ્યોતિ

રાતદિવસ નહિ સાંજસવાર!

મારી નાવ કરે કો પાર?

ભાવિના નહિ પ્રેરક વાયુ,

ભૂત તણો દાબે ઓથાર;

અધડૂબી દીવાદાંડી પર

ખાતી આશા મોત પછાડ!

મારી નાવ કરે કો પાર?

નથી હીરા, નથી માણેક મોતી,

કનક તણો નથી એમાં ભાર;

ભગ્ન સ્વપ્નના ખંડિત ટુકડા

તારી કોણ ઉતારે પાર?

મારી નાવ કરે કો પાર?

ચંદરોજ

ચાંપશી વિ. ઉદેશી

ઓ મુસાફિર! ઠાઠ તારો ચંદરોજ;

જિંદગીનો આ ગુજારો ચંદરોજ.

કેમ પોતાને ગણે સરદાર તું?

કાફલો તારો બિચારો ચંદરોજ.

છોડી દે, તું છોડી દે તારા દગા;
જીતવાના સૌ વિચારો ચંદરોજ.

થાય નેકી તેટલી લે ને કરી;

સર્વ બીજા મદદગારો ચંદરોજ.

‘કોણ હું? ક્યાં છે જવું?’ વિચાર એ;

આંહી તો તું ઠેરનારો ચંદરોજ.

વખત ઓછો, કામ તારે છે ઘણું;

આવીને ચાલ્યા હજારો ચંદરોજ.

આ અમે નીકળ્યા

રાજેન્દ્ર શુક્લ

સાંજ ઢળતાં જ રોશન થતા, મ્હેકતા,

હાથ ગજરા, ગળે હાર ઝુલાવતાં;

ખીંટીએ લટકતી રાખીને રિક્તતા

આ અમે નીકળ્યા ખેસ ફરકાવતા !

ઓશિકે એક ઘડિયાળ અટકી પડે,

વેળ તો વેળની જેમ વીત્યા કરે,

વાયરા દખણના તો ગમે તે ક્ષણે,

કેસરી કેસરી દ્વાર ખખડાવતા !

ચાર ખૂણા હજી સાચવીને ઊભા

ધૂંધળા ધૂંધળા કોક અણસારને,

ઘોર એકાંતનું છાપરું ને છજાં

જો ઊડે આભમાં પાંખ ફફડાવતા !

સૌ અભાવો સુરાહી બને જ્યાં કને

જે મળે તે બધાં તરબતર નીતરે,

કોઈને કોઈની કૈં ખબર ના રહે-

કોણ છલકી જતા, કોણ છલકાવતાં !

ઘૂંટ એક જ અને આંખ ઝૂકે જરા,

સાત આકાશ ખૂલી જતાં સામટું,

જોઉં તો ઝળહળે જામમાં એ સ્વયં

ચૌદ બ્રહ્માંડનો ભેદ ભૂલાવતાં

દુનિયા અમારી

ભાનુપ્રસાદ પંડ્યા

દેખ્યાનો દેશ ભલે લઈ લીધો, નાથ!

પણ કલરવની દુનિયા અમારી!

વાટે રખડ્યાની મોજ છીનવી લીધી

ને તોય પગરવની દુનિયા અમારી!

કલબલતો થાય જ્યાં પ્હેલો તે પ્હોર

બંધ પોપચાંમાં રંગોની ભાત,

લોચનની સરદહથી છટકીને રણઝણતું

રૂપ લઈ રસળે શી રાત!

લ્હેકાએ લ્હેકાએ મ્હોરતા અવાજના 

વૈભવની દુનિયા અમારી!

ફૂલોના રંગો રિસાઈ ગયા, જાળવતી

નાતો આ સામટી સુગંધ,

સંમા સંમાના દઈ સંદેશા લ્હેરખી

અડક્યાનો સાચવે સંબંધ!

ટેરવાંને તાજી કૈં ફૂટી તે નજરુંના

અનુભવની દુનિયા અમારી!

કતલ કરે અને કૈં ખબર પડે ના

અમૃત ઘાયલ

કતલ કરે અને કૈં ખબર પડે ના,

તને આવડે તે મને આવડે ના.

હશે અંશ મારા જ પૈકીનો કોઈ,

મને આમ નબળા ગ્રહો તો નડે ના.

અવરને મળી જાય મોતી સહેજે,

હું શોધું જો પથ્થર તો પથ્થર જડે ના.

તરસતા રહે હાય ફૂલોને હરદમ,

અને પગ બગીચા ભણી ઊપડે ના.

પહોંચી હશે મોભને ઠેસ કોઈ,

દીવાલોમાં એમ જ તિરાડો પડે ના.

અહીં માનવીની જ ચોમેર વસ્તી,

અને માનવી ક્યાંય નજરે ચડે ના.

નથી મુઠ્ઠી આ છે મડાગાંઠ ‘ઘાયલ’,

હવે મુઠ્ઠી કેમેય આ ઊઘડે ના.



ગુજરાત

ચંદ્રવદન ચી. મહેતા

ભમો ભરતખંડમાં સકળ ભોમ ખૂંદી વળી,

ધરાતલ ઘૂમો ક્યહીં નહિ મળે રૂડી ચોતરી
પ્
રફુલ્લ કુસુમો તણી, વિવિધરંગ વસ્ત્રે ભરી,

સરોવર, તરુવરો જળભરી નદીઓ ભળી

મહોદધિ લડાવતી નગરબદ્ધ કાંઠે ઢળી

પ્રદેશ પરદેશના સહુ થકી અહીં ગુર્જરી!

ભરી તુજ કૂખે મનોરમ વિશાળ લીલોતરી

સદા હૃદય ઠારતી; અવર કો ન તું પે ભલી.

નહીં હિમસમાધિમાં શિખર નીંદરે, કે ખરે

ઉષાકમળની અહીં ધ્રુવપ્રદેશની લાલિમા

નથી, ઘણું નથીઃ પરંતુ ગુજરાતના નામથી

સદા સળવળે દિલે ઝણઝણે ઊંડા ભાવથી

સ્ફુરે અજબ ભક્તિની અચલ દીપરેખા,
અરે
લીધો જનમ ને ગમે થવું જ રાખ આ ભૂમિમાં.

પલ

મણિલાલ દેસાઈ

સરકી જાયે પલ...

કાળ તણું જાણે કે એ તો વરસે ઝરમર જલ!

નહીં વર્ષામાં પૂર,

નહીં એ ગ્રીષ્મ મહીં શોષાય,

કોઈના સંગનિઃસંગની એને

કશી અસર નવ થાય,

ઝાલો ત્યાં તો છટકે એવી નાજુક ને ચંચલ!

છલક છલક છલકાય

છતાંયે કદી શકી નવ ઢાળી,

વૃન્દાવનમાં,

વળી કોઈને કુરુક્ષેત્રમાં મળી,

જાય તેડી પોઢેલાંનેયે નવે લોક, નવ સ્થલ!

ઝાલાવાડી ધરતી

પ્રજારામ રાવળ

આ ઝાલાવાડી ધરતીઃ
આવળ, બાવળ, કેર, બોરડી, શુષ્ક, રુક્ષ ચોફરતી.

અહીં ફૂલ કેવળ આવળનાંઃ

અહીં નીર અધિકાં મૃગજળનાંઃ
પુષ્પ, પત્ર, પાણી વિણ કાયા ઘોર ઉનાળે બળતી! આ

જોજનના જોજન લગ દેખો,

એક નહીં ડુંગરને પેખો.
વિરાટ જાણે ખુલ્લી હથેળી સમથળ, ક્ષિતિજે ઢળતી! આ

આ તે કોઈ જનમ-વેરાગણ!
કે,
કો ઉગ્ર તપંતી જોગણ!
સંન્યાસિની તણા નિર્મળ શુભ્ર વેષે, ઉર મુજ ભરતી. આ

વિદાયઘડી

સાબિર વટવા

ચંદ્ર ઝાંખો થાય છે, ‘રોકાઈ જાવ’!

હમણાં વા’ણું વાય છે, રોકાઈ જાવ!

એક ઘડીભર રાતની છે શી વિસાત?

વર્ષો વીતી જાય છે, રોકાઈ જાવ!

અપશુકન છે રોકાવામાં, શું કરું?

મારું દિલ ગભરાય છે, રોકાઈ જાવ!

ચીબરી બોલી રહી છે આંગણે

વનમાં ઘુવડ ગાય છે, રોકાઈ જાવ!

વાટમારુ છે નિરાશા માર્ગમાં-

કાફલા લૂંટાય છે, રોકાઈ જાવ!

હોઠ ઉપર છે ‘ખુદા હાફિઝ!’ છતાં
દિલમાં કૈં કૈં થાય છે, રોકાઈ જાવ!

આજ ‘સાબિર’ વારે વારે શું કહું?

હોઠે આવી જાય છે, રોકાઈ જાવ!

રત્ય

પ્રદ્યુમ્ન તન્ના

કોણ કે’છે કે રત્ય રૂડી સરી?!
રંગ રંગ છોળ્ય એની ઓસરતાં મોર્ય
અમીં ચિતને ચંદરવે લીધ ભરી!
કોણ કે’છે કે રત્ય રૂડી સરી?!

મધુવનની ભોંય શા મજીઠ લાલ પોત પરે

ખાંતે આળેખી ભલી ભાત્ય,

કેવડાની મ્હેક મ્હેક કુંજ ચારે કોર્ય, બીચ
મોરલા ને કીર કરે વાત્ય.

એ જી ધાગે ધાગે તે હાંર્યે પોરવ્યો હુલાસ

ને ગુંજરતાં ગીત્યુંની કડી!

કોણ કે’છે કે રત્ય રૂડી સરી?!

આભલિયે આભલિયે ટાંક્યું અંકાશ

ને અંકાશે દા’ડી ને રેણ,

દા’ડે દા’ડે તે ભર્યાં અંજવાળાં ઝોક

ને રેણ ભર્યાં ચંદણીનાં ઘેન,

એ જી ઘેન મહીં ઘોળ્યો છે ગમતો ઉજાગરો

ઉજાગરે ગલાલની ઝડી!

કોણ કે’છે કે રત્ય રૂડી સરી?!...

માણી પરમાણીને ઝીણું મોટું જેહ કાંઈ

ભરી લઈ ભીતર મોઝાર,

એવું ને એવું રિયે જળવાયું, આછોયે

આવતો ન એને ઓસાર,

એ જી આપણે ઉખેળવાની ખોટી કે પરથમ શું
પ્
રગટે સંધુંય ફરી ફરી!

કોણ કે’છે કે રત્ય રૂડી સરી?!...


કાંડું મરડ્યું

મનોહર ત્રિવેદી

કાંડું મરડ્યું એણે
રીસ કરીને છોડાવ્યું તો ઝટ લઈ ઝાલી નેણે

જોઈજોઈ કેસૂડાં મ્હોર્યાંઃ હું થૈ સુક્કી ભઠ્ઠ

મારી વાળી શેય વળે ના કોયલની આ હઠ્ઠ

પોતીકાએ મને પળેપળે પજવી મ્હેણે-મ્હેણે

શરમ મૂકીને પાછળ આવી બેઉ બાજુની વાડ

ડાળ નામવી ટગરટગર નીરખે આ નવરાં ઝાડ

વળી વાયરે વાવડ વહેતા કર્યા નદીના વ્હેણે

ચૂંટી ભરતાં, પાણીથી પાતલડી થૈ ગૈ કેડ્ય

હુંય મૂઈ ના કહી શકી કે આમ મને કાં વેડ્ય?

પરવશ હું ખેંચાતી ચાલી સમજું નહીં કે શેણે?
કાંડું મરડ્યું એણે.

અંતર મમ વિકસિત કરો

રવીન્દ્રનાથ ટાગોર (બંગાળી)
અનુ. સુરેશ દલાલ

અંતર મમ વિકસિત કરો. અંતરતર હે-

નિર્મલ કરો, ઉજ્જ્વલ કરો, સુંદર કરો હે.

જાગ્રત કરો,. ઉદ્યત કરો, નિર્ભય કરો હે,

મંગલ કરો, નિરલસ, નિઃસંશય કરો હે.

યુક્ત કરો હે સબાર સંગે, મુક્ત કરો હે બંધ,

સંચાર કરો સકલ કર્મે શાંત તોમાર છંદ,

ચરણપદ્મે મમ ચિત્ત નિઃસ્પંદિત કરો હે,

નંદિત કરો, નંદિત કરો, નંદિત કરો હે.

વાસંતી વાયરો

પન્નાલાલ પટેલ

તું તો ફરફરતો વાંસતી વાયરો

હાથ આવે આવે ને સરી જાય જો
કેમ કરી હાથમાં લેવો!

તું તો આષાઢી વાદળા જેવો

બાથ ભરતાં ભરતાં ભાંગી જાય જો
કેમ કરી બાથમાં લેવો!

તું તો પાણી કરતાંય સાવ પાતળો

મારી એરણથી ઢળી ઢળી જાય જો
કેમ કરી ઘાટમાં લેવો!

તું તો વાતોમાં વણતો વરણાગિયો

ઓે રે બોલે બોલે ને ફરી જાય જો
કેમ કરી વાતમાં લેવો!

હું તો મનવું મનવું તું રિસાઈ જતો,

ઓ રે રૂઠું ત્યાં લળી લળી આવતો
કેમ કરી ગાંઠવો નેડો-
તુંથી મારે કેમ કરી માંડવો નેડો!

(અલકમલક પૃ. ૨૨૯)


વાર્તા

બારી પર ખેંચાયેલા પડદા

~ વીનેશ અંતાણી

દરવાજા પર કોઈ નહોતું. દરવાજો બંધ હતો પણ ધક્કો દેતાં જ ઊઘડી ગયો. ગુલમહોરનું વૃક્ષ કેટલાંક ફૂલઝાડો, એક હીંચકો અને પથરાયેલી લૉન. બંગલાનંુ નામ ‘શૈલ’ હતું. મને એની ખબર નહોતી. આ બંગલામાં હું પહેલી જ વાર પ્રવેશતો હતો. અંદર જઈને હું શું બોલીશ? એક લાંબી મુદતથી રેખાને મળ્યો નહોતો અને આજે જ્યારે જઈ રહ્યો હતો ત્યારે...

દરવાજો બંધ કરવા જતાં અવાજ થયો. અવાજ સાંભળીને પણ કોઈ ડોકાયું નહી. મેં ચાલવા માડ્યું. ખૂબ શાંતિ હતી અને મારા બૂટનો ભારેખમ અવાજ આવી રહ્યો હતો. મને લાગી રહ્યું હતું કે હું સતત કોઈકને કચડીને ચાલતો હતો. લૉન પર એક કાળી ટ્યૂબ પડી હતી. પણ લૉન ભીની નહોતી, સુકાઈને કરકરી થઈ ગઈ હતી.

બેલ માર્યો. એક પ્રકારનો અજંપો મારા મનને ઘેરાઈ વળ્યો. મને લાગ્યું કે હું એમાં તણાઈ જઈશ. બચવા માટે દીવાલ પર હાથ ટેકવ્યો. બારણું ઊઘડ્યું. નોકરે ઉઘાડ્યું હતું. રેખા... હું બોલતો હતો તે વચ્ચે જ એણે ઇશારો કર્યો. કદાચ એને સૂચના મળેલી હતી.

નોકરે ચીંધેલા કમરામાં ગયો. અંદર પ્રવેશ્યો ત્યારે અંધકાર હતો. બારી પરના પડદા ખેંચાયેલા હતા. મને ખેંચાયેલા પડદાના રંગવાળો પ્રકાશ નથી ગમતો. કમરામાં એવો જ અંધકારમિશ્રિત પ્રકાશ હતો. મારું મન ઉદ્વિગ્નતાથી ભરાઈ આવ્યું. બહારથી આવતા અંદરના અંધકાર સાથે આંખોનો મેળ નહોતો બેસતો. મેં જોયું તો રેખા સામેના ખૂણામાં નીચું માથું રાખીને બેઠી હતી. એ દીવાન પર હતી. દીવાનની બાજુમાં પડેલી એક ખુરશી પર હું બેસી ગયો.

મને ઇચ્છા થઈ આવી કે બારી પરના બધા જ પડદા દૂર કરી દેવામાં આવે અને કમરામાં એકદમ પ્રકાશ ફેલાઈ જાય. સાંજનો પ્રકાશ. રેખાએ ઊંચું ન જોયું. હું જાણે આવ્યો જ ન હોઉં કે ક્યારનો આવી ગયો હોઉં એવું લાગ્યું. એના વાળ છૂટા હતા અને એણે સફેદ સાડી પહેરી હતી. મને આવેલો જાણીને પણ એ કશું જ બોલી નહિ. ખરેખર તો બોલવાનું મારે હતું, પણ હોઠ નહોતા ઊઘડતા. મેં ગળું સાફ કરીને હળવા થવાનો પ્રયત્ન કર્યો. રેખાએ દીવાલને અઢેલીને મૂકેલા તકિયા પર માથું ઢાળી દીધું અને સૂઈ રહી. એની આંખ પર હાથ દબાઈ ગયો હતો. એની બદલાયેલી સ્થિતિ મારા આગમનને સ્વીકારતી હોય એવું લાગ્યું.

નોકર આવ્યો ને પાણી આપી ગયો. પાણી પીઈને ગ્લાસ નોકરને આપ્યો. રેખાએ ગ્લાસને સ્પર્શ કર્યો નહિ. નોકર એક ગ્લાસ ભરેલો ને એક ગ્લાસ ખાલી લઈને ચાલ્યો ગયો. નોકરને પાછો બોલાવીને બારી પરના પડદા ખેસવી લેવાનું કહેવાની મને ઇચ્છા થઈ. પણ ત્યાંજ વિચાર આવ્યો કે મારે અહીં વાતાવરણ ઘડવાનું નહોતું, આ વાતાવરણની સંગતમાં રહેવાનું હતું, થોડી વાર.

થોડી વાર. રેખા સાથેના મારા સંબંધો આમ પણ થોડી વારની કક્ષાના જ હતા. પહેલાં પણ અને હમણાં પણ. હું કશું જ બોલી શકતો નહોતો. મને ફરીથી તરસ લાગી હતી, પણ પાણી માગવું અજુગતું લાગશે એમ માનીને સામેની દીવાલ પરના ચિત્રને જોઈ રહ્યો. ચિત્રમાં પીળા રંગનો ઉપયોગ વધારે થયો હતો તે પ્રથમ નજરે જ દેખાઈ આવતું હતું. કોણે પસંદ કર્યું હશે? શૈલે કે રેખાએ? પણ રેખાને ચિત્રની પસંદગી કરતાં નથી આવડતી એની મને ખબર છે. હું શૈલે પસંદ કરેલા ચિત્રને ધ્યાનથી જોઈ રહ્યો. મારી સ્થિર થઈ ગયેલી નજર સામે રંગોના પોપડા ઊખડવા લાગ્યા, અને એક સફેદ કૅનવાસ મારી આંખો સામે ઊપસી આવ્યું. એ સફેદ કૅનવાસને ધારીધારીને જોતાં મારી આંખને સફેદીનું પોલાણ દેખાવા લાગ્યું. એ પોલાણમાં હાથ નાખીને મેં જાણે કે જૂના દિવસોના ડૂચા આ કમરામાં કાઢવા માંડ્યા.

- ધુમ્મસ. ધુમ્મસથી ઢંકાયેલું આકાશ. હૉટેલની બારીમાં ઊભેલી રેખા. એનો ઢીલો અંબોળો, ગુલાબનું ફૂલ, બારીની ડિઝાઈનથી કપાઈ રહેલા આકાશના બેકગ્રાઉન્ડમાં રેખા સરસ દેખાઈ રહી હતી. મારો હાથ રેખાની પીઠ પર પડ્યો અને અણધાર્યા સ્પર્શથી એ ઝણઝણી ઊઠી. માર હોઠ એના કાન સુધી વિસ્તર્યા રે...ખા...

- સુખ ભરાઈ જવાને કારણે ફૂલી ગયેલું રેખાનું શરીર. ફ્રિજ ખોલતાં અંદરના પ્રકાશને લીધે ઝિલમિલાતો એનો ચહેરો. જમવાનું ટેબલ. આ લે. હજી તો તું જમ્યો જ ક્યાં છે? ના, હું તો પછી જમીશ. મને સ્પર્શીને બેસ. રેખા. તારા સ્પર્શ વિના હું મારી હાજરી અનુભવી શકતો નથી. રેખાનું સ્મિત. મારા કાન સુધી વિસ્તરતા એના હોઠ. શબ્દો નહિ. ભીનાશ.

- દિવસો. ફરીથી બારી. ઉનાળાનો તપતો બપોર. ફૅનનો કર્કશ અવાજ. મેં તને આવો નહતો ધાર્યો. આવો એટલે કેવો? આટલો અસભ્ય... રેખા, તને ખબર છે કે તું મને ગાળ આપી રહી છે... તું... તું... મારી પત્ની... કમરાની લાઈટ ચાલી જવાથી બંધ થઈ ગયેલા ફૅનને લીધે ઊભી થયેલી શાંતિમાં મારો અવાજ જોરથી સંભળાયો. હું ચોંકી ગયો. શાંત થવાનો પ્રયત્ન કરતાં મેં પૂછ્યું, તું શું ઇચ્છે છે, રેખા? હું કશું ઇચ્છતી નથી. માત્ર તને વિનંતી કરું છું કે તું બાજુના કમરામાં ચાલ્યો જા. મને એકલી પડી રહેવા દે. રેખા, તું કઈ વાતનો બદલો લે છે? મેં તને કોઈ અભાવ નથી આપ્યો. હંમેશા પ્રેમ આપ્યો છે. પણ એ તારી આંખોથી દેખાતો પ્રેમ છે. મને જે જોઈએ છે તે આપવામાં તું નિષ્ફળ ગયો છે. મને તારી સાથે જીવતાં અકળામણ થાય છે. મને લાગે છે કે હું હવે વધારે વખત જો તારી સાથે રહીશ તો પાગલ થઈ જઈશ.

- સડક. રાતનો દોઢ વાગી ગયો હતો. ભયંકર સન્નાટા વચ્ચે હું ચાલી રહ્યો હતો. સાંજે વરસાદ વરસી ગયા પછીની ઠંડક અને સુંગધ અને એકલતાની વચ્ચે હું પસાર થઈ રહ્યો હતો. ક્યાંક જઈ રહ્યો હતો. ક્યાંકથી આવી રહ્યો હતો. પણ ક્યાંથી તે સ્પષ્ટ નહોતું. કયા રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો તે પણ ખબર નહોતી. હોઠ વચ્ચે સિગરેટ જલતી હતી. મારી ટાઈ ઢીલી થઈ ગઈ હતી અને સડક પર અથડાતાં પગલાંનો અવાજ મારા થાકનો પડઘો પાડતો હતો. સામેથી એક ટ્રક આવીને મારી આંખોને ચીરતી ચાલી ગઈ. હું સડકને કિનારે આવેલા એક બાંકડા પર બેસી ગયો. થાક અને દર્દને લીધે મારી આંખ ઘેરાઈ રહી હતી. લગભગ એકાદ કલાક સુધી એમ ને એમ બેસી રહ્યો. શરીર અકડાઈ ગયું હતું. એક રિક્ષા પસાર થઈ. હું એમાં બેસી ગયો ને મારા ઘરની દિશા બતાવી. ઘર. ત્રણના ટકોરા. રેખાના કમરાની લાઈટ નહોતી જલતી. હું ડ્રોઈંગરૂમમાં સોફા પર પછડાયો અને સૂઈ ગયો. સવારે ઊઠીને જોયું તો મને સખત તાવ હતો અને રેખા ઘરમાં નહોતી. એ મને છોડીને ચાલી ગઈ હતી. હંમેશને માટે. એણે લખેલી ચિઠ્ઠી ટેબલ લેમ્પ નીચે દબાઈને ફડફડતી હતી.

-કોફી હાઉસના ટેબલ પર એક ખૂણામાં રેખા બેઠી હતી. મને પ્રવેશતો જોઈને બેરા પાસે બિલ મંગાવ્યું અને પૈસા ચૂકવીને ચાલી ગઈ. હું એની ખાલી પડેલી ખુરશી પર બેઠો અને એણે જે જોયું હશે તે જોવા લાગ્યો.

- અમે બંનેએ સહી કરી લીધી અને પરસ્પર જોયું. મારા ચહેરા પર હાસ્ય આવ્યું એના બધા જ સ્પર્શો મારા બરડા પર તરડાઈને પસાર થઈ ગયા. થતું હતું કે અંદર ક્યાંક વેદના થાય છે. પણ કઈ જગ્યાએ તે નક્કી નહોતું થતું. રેખાએ હોઠ ફેલાવીને શુષ્ક અવાજે કહ્યું, થેંક્યું. મે પણ માથું હલાવ્યું. અમે છૂટા પડ્યાં. તે દિવસે એણે વાળમાં તેલ નહોતું નાખ્યું.

- એકલતા. ઘરના ફર્નિચર વચ્ચે ચગદાતો રહેતો શ્વાસ. રેખા હવે મારી પત્ની નહોતી. તો પણ એનું પત્નીપણું ઘરમાં અકબંધ પડ્યું હતું. એનો પલંગ. કબાટમાં ગોઠવાયેલી સાડીઓ. ડ્રેસિંગ ટેબલ પરનો અસબાબ. અરીસાની સપાટી પર છપાઈ ગયેલું એનું પ્રતિબિંબ. દીવાલોનો રંગ. પડદાનો રંગ. મારા કાન પાસે ગૂંજ્યા કરતા એના શબ્દો. મને એ દિવસે લાગ્યું કે હું રેખાને ખૂબ પ્રેમ કરતો હતો. મેં મનોમન નક્કી કર્યું, રેખા મારી પત્ની છે અને થોડા દિવસો માટે બહારગામ ગઈ છે.

મેં એને જ્યારે શૈલ સાથે જોઈ ત્યારે નક્કી કર્યું કે મારી પત્ની મરી ગઈ છે. કદાચ હું કોઈની સાથે પરણ્યો જ નહોતો. હું ચાલ્યો જતો હતો અને મારી બાજુમાંથી એક સ્કૂટર ઝડપથી પસાર થઈ ગયું. પાછળ એક પુરુષને વળગીને રેખા બેઠી હતી. મારા હોઠ બબડ્યા, તારા સ્પર્શ વિના હું મારી હાજરી અનુભવી શકતો નથી.

- વેડિંગ કાર્ડ આવ્યું. રેખા પરણતી હતી. શૈલ એનો પતિ થવાનો હતો. મેં કાર્ડમાં છપાયેલી તારીખ જોઈ. એ પરણી ગઈ હતી. મને કાર્ડ એક દિવસ મોડું મળ્યું હતું. આગલી સાંજે જ રેખા શૈલની પત્ની બની ગઈ હતી. એક દિવસ તે કૉફી હાઉસ પાસે મળી ગઈ. મેં કહ્યું, સારું થયું. આપણને કોઈ બાળક ન થયું તે. એ હસી પડી. છૂટાં પડ્યા પછી અમે પહેલી જ વાર ખુલ્લીને મળ્યા. કેવો છે શૈલ? તારા કરતાં તગડો, એણે કહ્યું અને હું ઉદાસ થઈ ગયો. પણ મેં ઉદાસી બતાવી નહિ. મોમાં પાણી ભરીને ચારે કોર ઉડાડતો હોઉં એમ હસ્યો હતો. પછી રેખાને મળ્યો જ નહોતો. દૂરથી જોતો. એ ગતિમાં જ હોય. વ્યસ્ત જ હોય. શૈલના સ્પર્શથી અંકિત થયેલી હોય. મેં મારા મનમાં એનું નામ બદલાવી નાખ્યું હતું. ઘરની દીવાલો અને બારીના પડદાના રંગ બદલાવી નાખ્યા હતા.

- ફોન. સ્ત્રીનો અવાજ. ગળેલો, રુદનથી ભીંજાયેલો. તું આજે આવી શકીશ? પણ આપ કોણ? હું... (વિરામ) ... હું રેખા... ઓહ! પણ તારો-તમારો અવાજ આવો કેમ છે? નિકેત... ઊંડો શ્વાસ, દાબેલું ડૂસકું, નિકેત...શૈલ...શૈલ... અને ફોનને ધણધણાવ્યો. વાત કર, શું થયું છે? નિકેત હાર્ટ બંધ પડી જવાથી શૈલનું... અદૃશ્ય ધોધનો પ્રવાહ. મેં આખો બંધ કરી દીધી અને કહ્યું, હું આવું છું. કદાચ એણે સાંભળ્યું હશે.

ચિત્રમાં ફરીથી રંગો ઊભરાવા લાગ્યા. પીળા રંગની જગ્યાએ કાળો રંગ ઊભરાઈ રહ્યો. કમરામાં અંધકાર વધી ગયો હતો. રેખા હજી પણ એ જ રીતે સૂતી હતી. એના વાળ કોરા હતા. કાન ખાલી, હાથ ખાલી અને કોર િવનાની સફેદ સાડી. મેં ફરીથી બોલવાનો પ્રયત્ન કર્યો. કદાચ બોલી શક્યો હતો, પણ રેખાએ પડખું વાળીને દીવાલ તરફ ચહેરો ફેરવી લીધો. હું કશું જ બોલી શક્યો નહિ. કમરામાં અંધકારની સાથે રેખાનું રુદન ઉમેરાયું. એની સિસકતી પીઠ દેખાઈ રહી હતી. મારા હાથ સળવળ્યા. સ્પર્શથી પણ આશ્વાસન આપી શકાય. પણ મને લાગ્યું કે મારી અને રેખાની વચ્ચે એક સફેદ કૅનવાસ આવી ગયું હતું, જે મારા હાથને રેખા સુધી પહોંચતાં અટકાવતું હતું. રેખાને રડતી મૂકીને હું બહાર ગયો. નોકર રસોડામાં હતો. મેં એને પૂછ્યું કેમ થયું આ બધું?

સાહેબ સવારે ઊઠ્યા ત્યારે નહોતા, એણે ટૂંકમાં કહ્યું. પણ એકદમ? હા, રાતે બહેન સાથે પિકચર જોઈને આવ્યા હતા. કોઈ સંબંધીને જાણ નથી કરી? શૈલ સાહેબ તો એકલા જ હતા અને રેખાબહેને તમને ફોન કર્યો. હું અંદર ગયો. રેખા સ્વસ્થ થઈ ગઈ હતી. હું કમરામાં પ્રવેશ્યો ત્યારે છૂટા વાળ બાંધતી હતી. એની આંખોમાં ઊંડા કૂવા સીંચ્યા હોય એવું લાગતું હતું. હું ફરીથી ખુરશી પર બેસી પડ્યો. એ એની આંગળીના નખને જોઈ રહી હતી. બહારના કમરામાં લાઈટ જલાવીને નોકર અંદર આવ્યો. દબાયેલા સ્વરે બોલ્યો, લાઈટ કરું, બેન? રેખા કંઈ બોલી નહિ. મેં હા પાડી. લાઈટ થઈ ને મારી આંખ સામે કમરાની વસ્તુઓ સ્પષ્ટ ઊભરાઈ આવી. શૈલની ટાઈ ટેબલ પર લટકતી પડી હતી. હું ઊભો થઈ ગયો અને લાઈટ બંધ કરી દીધી. રેખા પર કોઈ પ્રતિક્રિયા ન થઈ. એનો ચહેરો બદલાઈ ગયો હતો. એનું પણ કોઈ સંબંધી નહોતું. ફક્ત મને જ ફોન કર્યો હતો એમ નોકરે કહ્યું હતું. પણ કયા સંબંધે? મને વિચાર આવી ગયો અને મારા દાંત કળવા લાગ્યા.

કેટલીય વાર સુધી હું બેસી રહ્યો. રેખા એકવાર ઊઠીને બહાર ગઈ. પાછી આવી તે વચ્ચે નોકર કૉફી મૂકી ગયો હતો. બહેને કંઈ ખાધું નથી. આ કૉફી મૂકું છું. રેખા આવી. મેં કપ ઉપાડીને એના હાથમાં આપ્યો. એના શબ જેવા આંગળાનો સ્પર્શ થઈ ગયો. રેખાએ મારી આંખોમાં જોયું. કૉફીની વરાળ એની આંખોમાં આંસુ બનીને લટકતી હોય એમ પાંપણો ભીની થઈ ગઈ. એણે કૉફી પીવાનું શરૂ કર્યા પછી મેં પણ કપ ઉપાડ્યો.

દિવસોના ઢગલામાં એક નવો દિવસ ઉમેરાયો હતો અને એક નવી પરિસ્થિતિ જન્મી હતી. મારી એક વખતની પત્ની રેખા આજે.... મેં વિચાર અટકાવી દીધો. મને એ ગમ્યું નહિ. કૉફી પીઈને કપ મૂકતાં એનો હાથ ધ્રૂજ્યો. નોકર કપ લઈ ગયો. એ ફરીથી તકિયાને અઢેલીને બેસી ગઈ. આંખ પર હાથ મૂકી દીધો. મને અહીં આવ્યો ઘણો સમય થયો હતો પણ હું રેખાને કશું જ કહી શક્યો નહતો. બહાર એટલો બધો અંધકાર થઈ ગયો હતો કે બારી પરના પડદા ખેસવી લેવાથી પણ હવે પ્રકાશ થાય તેમ નહોતો.

રેખાને ગઈ કાલની રાત યાદ આવતી હશે. શૈલ અને એ પિક્ચર જોઈને આવ્યાં હતાં. ગુડનાઈટ કહ્યું હશે અને નાઈટલૅમ્પ જલાવ્યો હશે. કમરામાં ચાંદની આવતી હશે તો નાઈટલૅમ્પ નહિ જલાવ્યો હોય. વરંડામાંથી રાતરાણીની સુગંધ આવતી હશે અને કમરામાં ફેલાઈ ગઈ હશે. રેખાની બાજુમાં સૂતેલા શૈલની છાતી પર રાતના કયા સમયે મૃત્યુ ચડી બેઠું હશે? રેખાની આંખો વચ્ચે ઊઘડી ગઈ હશે તો પણ એણે શૈલને સૂતેલો જ કલ્પ્યો હશે ને?

પણ આ બધામાં હું ક્યાં હતો? મને લાગ્યું કે આશ્વાસન આપવા આવનારે આટલી બધી વાર બેસવું જોઈએ નહિ. હું ઊભો થઈ ગયો, રેખાએ આંખ પરથી હાથ ન હટાવ્યો. હું જાઉં છું, મેં રેખાને કહ્યું. એ એમ ને એમ સ્થિર રહી. જડ બની ગઈ હોય તેવી, પદાર્થ જેવી. કદાચ એણે અંદર ને અંદર હોઠ હલાવીને હા પાડી દીધી હશે. હું ચાલવા માંડ્યો. કમરાની બહાર નીકળતો હતો ત્યાં જ પાછળથી અવાજ આવ્યો: નિકેત. રેખાનો સ્વર આખા કમરામાં કંપકંપી ગયો. હું પાછળ જોયા વિના ઊભો રહી ગયો. થોડી વારે મારો ચહેરો ફેરવ્યો અને અંધકારમાં ડૂબેલી, મૌનના ઢગલા જેવી રેખાના આવનારા વાક્યની અપેક્ષામાં ઊભો રહ્યો.

સાંકડી ગલીમાં ઘર

વિજય સોની

અમીનાએ આંખ ખોલી, હજી અંધારું હતું. અઝાનનો અવાજ ઠંડી ચીરીને આવતો હતો. અધખૂલી રહેતી ઝૂંપડીના દરવાજામાંથી તીરની જેમ ઠંડી ધસી આવતી હતી. થોડે દૂર મસ્જિદના મિનાર પર કબૂતરોનો ફફડાટ સાંભળી શકાતો હતો. પણ આંખ વહેલી ખૂલી અે ગમ્યું નહીં. આંખો બંધ રાખીને સૂઈ રહેવા મથામણ કરી. પેટ્રોલીંગ કરતી પોલીસવાનો શાંત પડી ગઈ હતી. આંખોમાં ઉજાગરાનો થાક જણાતો હતો. એણે ચારેતરફ ઘરમાં નજર ફેરવી. રાત્રે વિચારો જ્યાંથી તૂટી ગયા હતા ત્યાંથી જોડાઈ ગયા, જાણે ઊંઘ આવી જ ન હતી.

હુલ્લડ ધાર્યા કરતાં વધુ લંબાઈ ગયું હતું. કરફ્યું હજી ચાલુ હતો. દાતણ લઈ માણેકચોક વેચવા જવાય એમ ન હતું. અમીનાએ ચારેબાજુ જોયું. મોટા અઝીમના નસકોરાનો અવાજ મોટો હતો. ફાટેલી ચડ્ડી પહેરીને નાનુ સૂતો હતો. નાનુ રમતિયાળ અને તોફાની. ઘરમાં ઉધમ મચાવી દે. અમીનાએ પળવાર આંખો બંધ કરી. વિચારો તોફાનના સપાટાની જેમ ફૂંકાઈ ગયા. આમ ઘરે રહીને ક્યાં સુધી ચાલશે? બચ્ચાંઓનું પેટ તો ભરવું પડશે ને? ઘરમાં દાલ-ચાવલ, આટો, કેરોસીન સુદ્ધાં ખતમ થવા આવી રહ્યું હતું. એની આંખો એલ્યુમિનિયમના ખાલી ડબ્બાઓ પર ફફડતા કબૂતરની જેમ ફરી ગઈ. કાબાના પથ્થરવાળું કૅલેન્ડર હવામાં ધ્રૂજતું હતું. આઝાનનો બુલંદ અવાજ અને કૅલેન્ડરનું ધ્રૂજવું બંને સાથે થતા હતા. હુલ્લડમાં ગરીબ ધ્રૂજે તેમ. મનમાં કંઈક સારું લાગ્યું. અઝીમના વાળમાં હાથ ફેરવ્યો. ઠંડો શ્વાસ લીધો અને એ ઊભી થઈ. ધંધા પર ગયે લગભગ પંદરેક દિવસ થઈ ગયા હતા. એણે કોગળા કર્યા, સિમેન્ટની પાળી કરેલી ચોકડીમાં ઊભી રહી કપડાં ઉતારવા લાગી. અઝીમ હવે બાર-તેરનો થઈ ગયો હતો. એ જાગી જાય તો? એ સંકોચાઈ.

સિમેન્ટની કોઠીમાં ગઈકાલનું પાણી ઠરીને બરફ થઈ ગયું હતું. ડબલું ભરીને શરીર પર રેડ્યું તો તીખી આહ નીકળી ગઈ. નસો હલી ગઈ, કમકમાટી આવી ગઈ. સામે ટીંગાડેલો પાયજામો ખેંચી કાઢ્યો. એની આડશમાં ઢંકાયેલો અરીસો ખુલ્યો કે તરત નગ્ન થઈ ઊભી રહી. ઘડીભર થંભી આંખ ભરીને શરીર જોયું, કેટલું બધું ભૂલી ગઈ હતી? કેવું ભૂલી ગઈ હતી? આખા શરીર પર ગરોળીની જેમ નજર ફેરવી તો અરીસામાં જાણે જીવ આવી ગયો.

આ બદન! આ ભરેલા બદન પર તો સલીમ મરતો હતો. થોડીવાર અરીસા સામે તાકી રહી. ભાગી ગયો સાલો. હરામી. કોને લઈ ગયો? ક્યાં લઈ ગયો? કોઈ ખૈર-ખબર નથી. મારે માટે મૂકતો ગયોઃ આ બે-બે પેટ પાળવાનાં અને શરીર તોડીને દાતણ વેચવાનાં વૈતરાં. એ તો ગયો પણ પછી વસ્તીવાળાની નજર બદલાઈ ગઈ. મરદો ખેંચાઈ આવતા, ગૉળ પર માખીઓની જેમ બણબણતાં. વસ્તીની હલકી સ્ત્રીઓ પણ ગુસપુસ કરતી. ચાંદબીબીનો મામદ તો એટલો નજીક આવીને વાત કરે કે જાણે આખેઆખી ગળી જવાનો હોય. સલીમના ગયા પછી એની હેરાનગતી વધી પડેલી.

કુરતામાં માંડ સમાતી છાતી આયનામાં જોઈ એ ખુદ શરમાઈ ગઈ.

રૂખી કાંઈ ગલત તો નહોતી કહેતી. રૂખી યાદ આવતાં અમીના મલકીઃ શું કરતી હશે રૂખી? એના ઘરમાંય દાલ-ચાવલ-કેરોસીન નહીં હોય?

પણ એ તો મસ્તીથી જ રહેતી હશે. રૂખી ભાગ્યે જ મોઢું લટકાવીને ફરતી. એ સાથે હોય એટલે વાતાવરણ હળવું ફૂલ. રૂખી અને અમીના માણેકચોકમાં એક જ ઓટલા પર દાતણ વેચતાં. રૂખી કાળી-પાતળી. અવાજ ઘોઘરો પુરુષ જેવો. રૂપિયાનાં ત્રણ, રૂપિયાનાં ત્રણ એવી જોર જોરથી બૂમો પાડતી હોય, દાતણ ન લેવા હોય એનુંય ધ્યાન ગયા વગર રહે નહીં. વાળ હંમેશા વિખરાયેલા. શરીર ઘાટીલું. જાજમની જેમ ઘાઘરો પાથરી-ઉભડક પગે ઓટલા પર બેસે. સાડલાનો છેડો જાણીબુઝીને છાતીથી સરકાવી દે. થોડું ઝૂકીને બેસે. પસીનો નીતરતી કાળી પીંડીઓ તડકામાં ચમકતી રહેતી. અમીના તેને ઘણીવાર ધમકાવતી.

જરા રીતથી ધંધો કરને! કોણ તારી છાતી જોઈને દાતણ લેવા આવવાનું છે? રૂખી હસતી, આંખ મીંચકારીને બોલતીઃ મારી વ્હાલી, તને ધંધો કરતાં નથી આવડતું. દિખતા હૈ તો બિકતા હૈ. તારા જેવું ડીલ હોત તો બપોર લગીમાં બસોનાં દાતણ વેચી ધણી ભેગી સૂઈ જાત. આટલાં વરસમાં તું મારી પાસેથી કાંઈ શીખી નહીં.

મરદ જોડે સૂવાનું? કેટલો વખત થયો? અમીના કશુંક યાદ કરતી મૂંગી ઊભી રહી. એને જોઈ રૂખીને કશુંક યાદ આવી ગયું હોય મૂંગી થઈ ગઈ.

રૂખીની શરીર ખોલીને ધંધો કરવાની વાત અમીનાને ગમતી નહીં પણ રૂખી ગમતી. રૂખીનો ખુલ્લો સ્વભાવ–ખુલ્લું બોલવું, ખુલ્લુ હસવું, બધું ગમતું, રૂખી પોલીસને ગાળ દેતાય ખચકાતી નહીં. પોલીસ દંડો પછાડી મફતમાં દાતણ લઈ જતો. પાછો આંખ મીંચકારી બોલતોઃ

કેમ રૂખી, આ બખોલ ખુલ્લી રાખીને બેઠી છો? કોઈ ઘૂસી જશે તો?

જા ને ભડવા તારા જેવા મફતિયાને ઘૂસવા આ બખોલ નથી. એ સાંભળી પોલીસ ભાગી જતો. રૂખીની હાજરીમાં અમીના પોતાને સલામત. સમજતી. બંન્ને સુખ–દુઃખની વાતો કરતાં. રૂખીની સાસુએ એને કપાળમાં ધોકો ઠોકી દીધો હતો ત્યારે રૂખી ઓટલા પર ચત્તીપાટ પડીને રોઈ હતી. ત્યારે અમીનાએ જ એને સમજાવી-પટાવીને ઘરે મોકલી હતી. બીજે િદવસે રૂખીએ રાતે ધણી સાથે શું શું કર્યું તેની વિગતે વાતો કરી તો અમીના સાંભળતાંય લજવાઈ ગઈ હતી.

સલીમના ભાગી ગયા પછી ત્રણ દિવસ સુધી અમીના ઓટલા પર ન આવી. રૂખી એની ખબર પૂછવા વસ્તીમાં ગઈ હતી. રૂખી એના વાંસે હાથ ફેરવતી રહી હતી. અમીના બીજા દિવસથી ઓટલા પર આવતી થઈ ગઈ હતી.

રૂખી અમીનાને એની રીતે ધંધો કરવા સમજાવતી. પણ શરીરની વાત આવે કે અમીના બિલ્લીની જેમ સંકોચાઈ જતી.

હુલ્લડમાં દરેક ઝૂંપડામાંથી એક એક માણસે રાતના વસ્તીની ચોકીદારી કરવાની હતી. મામદ અને એના દોસ્તો અમીનાની ઝૂંપડી પાસે આવ્યા હતા. એમાંના એકે બહારથી જ પૂછ્યું હતુંઃ

અમીનાબીબી, તારે ત્યાંથી કોણ ચોકીદારી કરશે? એના પૂછવામાં ટીખળ હતી. મામદ તરત આગળ આવી ઝૂંપડીમાં ઘૂસીને બોલ્યોઃ

મૈં હું ના. બધા ખડખડાટ હસી પડ્યા હતા. મામદની આંખો અમીના પર લપકારા મારતી ચોંટી ગઈ હતી. અમીનાનું ગંદી મજાકથી માથું તપી ગયું હતું. ઊભા થઈ મામદને જોરથી થપ્પડ ખેંચી દેવાનું મન થયું હતું. પછી વિચાર ઝબક્યોઃ

હુલ્લડ લાંબુ ચાલશે તો? બસ્તી પર હુમલો આવશે તો?

બસ્તીમાં મામદ એકલો મરદ બચ્યો છે. અમને બચાવી શકે અને હુલ્લડમાં રૂપિયાની જરૂરત પડી તો કોની આગળ હાથ લંબાવીશ?

મામદ સામે જોયું નજરમાં લાચારી હતી. કશુંક બોલવા મથી પણ ભયથી શરીર કાંપતું હતું. ઘરમાં ભૂખની ચૂડેલ આંટા મારતી હતી. મામદ હસતો હસતો પાછળ વળવા જતો હતો, ત્યાં જ અમીનાથી અનાયસ બૂમ પડાઈ ગઈઃ

મામદ, સો-બસો આપીશ? ધંધો ચાલુ થયે આપી દઈશ. પૈસા માગતાં જ બિલાડીના મોઢામાં ઉંદર આવી ગયો હોય એમ મામદ પાછો વળી ગયો. ખિસ્સામાંથી સો-સોની બે નોટ કાઢીને ઊભો રહ્યો.

તારે ઓટલે બેસી ધંધો કરવાની જરૂરત જ ક્યાં છે? લે રાખ, બસો પેશગી. બાકીના કામ પતે એટલે! મામદની આંખોમાં સાપોલિયાં રમતાં હતાં. એણે અમીનાના આખા શરીર પર કાચીંડાની જેમ નજર ફેરવી છાતીની પાસે ખીલાની જેમ ખોડી દીધી.

મને રંડી સમજે છે, હરામીની ઓલાદ?

હેબતાઈ ગયેલો મામદ વધુ બબાલ થાય, પોલીસનું લફરું થાય તે પહેલાં સરકી ગયો. અમીના માથું પકડીને બેસી ગઈ. અંદર ભય અને નફરત બંનેથી સણકા ઉઠતા હતા. બંને બચ્ચાં એને જોતાં હતાં.

આખો દિવસ પોલીસની જીપો અને વસ્તીનાં છોકરાં વચ્ચે ભાગા-દોડી ચાલતી રહી. છોકરાં પથ્થરો ફેંકતા, ગાળો બોલતા, પોલીસ આવતી, હાથમાં લોખંડની જાળીઓ લઈને પાછળ ભાગતી. દંડા પછાડીને ગાળો બોલતી, બે-ચાર ટીયરગેસના શેલ છોડીને ભાગી જતી. આંખો બળતી, પાણી નીકળતાં, બચ્ચાં અને બુઢાઓ અધમૂઆ થઈ જતા. નાનુ રડ્યે જતો હતો. અમીના પ્યારથી એને સમજાવતી હતી. બરાબર એ જ વખતે બહાર વસ્તીમાં શોર-બકોર થવા લાગ્યો. સ્ત્રીઓ આમતેમ ઉછળાટ કરતી શોર મચાવતી ભાગતી હતી. ફકીરચંદ મારવાડીની કેરોસીનની દુકાન વસ્તીનાં છોકરાંઓએ શટર તોડીને ખોલી નાખી હતી. વસ્તીની સ્ત્રીઓ કેડે છોકરાં દબાવી હાથમાં ડબ્બા-ટીન-પ્લાસ્ટિકના કેરબા જે હાથમાં આવ્યું તે લઈ ફકીરચંદની દુકાન તરફ ભાગતી હતી. અમીનાએ ક્યાંક ખૂણામાંથી પતરાનો ડબ્બો કાઢ્યો. એ નાનુને કેડે દબાવીને ભાગી. દુકાન પાસે સ્ત્રીઓનું મોટું ટોળું જમા થઈ ગયું હતું. રોજ લડતી-ઝઘડતી સ્ત્રીઓ અત્યારે એક થઈ ગઈ હતી. કેરોસીનની વાસથી આખો માહોલ ગંધાઈ ઉઠ્યો હતો. પોલીસના ફફડાટથી સ્ત્રીઓની નજર ચારે તરફ બેબાકળી ફરતી હતી. ક્યારે મામદ અને એના દોસ્તો નજીક આવી ગયા એની અમીનાને ખબર ન રહી.

કેરોસીન ચાહીયે? મામદે પૂછ્યું.

અમીનાએ માથું જમીનમાં દાટી દેવાયું હોય એમ ઝુકાવ્યું. મામદે આજુબાજુ આંખ ફેરવી તો સ્ત્રીઓ થંભી ગઈ. કોલાહલ શાંત થયો. મામદે આગળ આવીને દુકાનનું શટર પાડી દીધું. કિસીકો કેરોસીન નહીં મિલેગા. આજ હમે ઈસકી સખ્ત જરૂરત હૈ. એક કામ ખતમ કરનેકા હૈ. મામદની આંખના ડારાથી વસ્તીની સ્ત્રીઓ વિખરાઈ. ખાલી પીપમાં કેરોસીન પાછું ઠાલવવા લાગી. ગુપસુપ કરતી એકબીજા સામું જોવા લાગી. માથામાં ફટકો લાગે ને લોહી ગંઠાઈ જાય એમ લોકો કંઈક નક્કર સમજી ચૂક્યા હતા. અમીનાનો ચહેરો લેવાઈ ગયો. આંખોમાં ફડક બેસી ગઈ. હૃદય હથોડાની જેમ ટીપાવા લાગ્યું. એ રસ્તો ક્રોસ કરતી આગળ વધી. મામદ બી ગયેલી બકરીને જોતો હોય એમ હસતો હતો. નાનુને ઝૂંપડીમાં અઝીમને ભળાવી અમીના ઊભી વાટે ગાંડાની જેમ ભાગી.

વસ્તીથી દૂર નદીના પટમાં એક મોટો ખાડો હતો. ખાડામાં પંદર-વીસ ઝૂંપડાં બિલાડીના ટોપની જેમ ફેલાયેલાં હતાં. પોલીસ અહીં સુધી ભાગ્યે જ પેટ્રોલીંગ કરવા આવતી. ઝૂંપડાંમાં ફાનસના અજવાળે લોકો અંધારું અને ફફડાટ બંને કાપતા હતા. એક ઝૂંપડીમાં રૂખી અને પતિ અને બે બચ્ચાં રહેતાં હતા.

અમીના હાંફળીફાંફળી ઝૂંપડીમાં પ્રવેશી. રૂખી એને જોઈ હેબતાઈને ઊભી થઈ ગઈ.

કેમ અમીના અત્યારે? અહીં? કોઈ તકલીફ?

અમીના કશું બોલી શકી નહીં. આંખોમાં ભય તરતો હતો. ચારે તરફ ડોળા ફેરવીને જોયું. કોઈ જોતું તો નથી ને?

દોડીને એ રૂખીને વળગી પડી. જોરથી રડવા લાગી. અમીનાનો હાંફ હજી શમ્યો ન હતો. પગ ધ્રૂજતા હતા.

શું થયું, અમીના, કાંઈક તો બોલ? રૂખીએ અમીનાને હલબલાવી મૂકી.

રૂખી, તમે બચ્ચાંને લઈ આજે જ ખોલી છોડી ક્યાંક જતાં રો, રાતે અમારી બસ્તીવાળા... અમીનાની જીભ થોથવતી હતી. ફાનસમાં જ્યોત ફફડતી હતી. પરસેવાના રેલાથી એનું પણ મોઢું ચળકતું હતું. રૂખીનાં બચ્ચાં મૂંગાં ઊભાં હતાં. રૂખી તરત સ્વસ્થ થઈ ગઈ. એણે અમીનાને અળગી કરી.

અમીના, તું જલ્દી આ વસ્તી છોડી નીકળી જા. કોઈક જોઈ જશે તો અહીં બબાલ થઈ જશે.

અમીના ઝપાટાબંધ નીકળી ગઈ. અંધારું ઘટ્ટ બનીને થીજી ગયું હતું. ચામાચીડિયાં ચક્કર લગાવતાં હતાં. સન્નાટાથી માહોલ ગંભીર લાગતો હતો. અમીના થોડીક આગળ ગઈ ત્યાં રૂખીને કશુંક યાદ આવ્યું. એણે અમીનાને પાછી બોલાવી. ખાંડનાં ડબ્બામાંથી સો-સોની ત્રણ નોટો કાઢી ડૂચો વાળી અમીનાનાં હાથમાં દબાવી દીધી. અમીના નિસ્તેજ આંખોથી થોડીવાર રૂખી સામે જોતી રહી. ઓટલા પર ખુલ્લી છાતી રાખીને ધંધો કરતી, ખુલ્લું બોલતી, ખુલ્લું હસતી, રૂખીનું આ કયું રૂપ હતું? આંખમાંથી પાણી ખેંચાઈ આવ્યા. એ રૂખીને જોરથી વળગી પડી. ધ્રુસકે ધ્રુસકે રોઈ પડી. રૂખીએ અમીનાનું કપાળ ચૂમી લીધું. અમીના મોઢું ફેરવીને સડસડાટ બહાર નીકળી. અંધકાર ઓઢીને નદીના પહોળા પટમાં ઓગળી ગઈ. વાતાવરણમાં ભારેલો સૂનકાર હતો. કંસારીના અવાજથી જમીન ચરચરતી હતી. હુલ્લ્ડનું પ્રેત સન્નાટામાં નાચતું હતું. અમીનાથી મુઠ્ઠી જોરથી વળાઈ ગઈ. આશંકા અને ભયથી ઘેરાયેલા મનમાં રૂખીને બચાવી લીધાનો છૂપો સંતોષ પણ હતો.

રસ્તે કૂતરાં મન મૂકીને રડતાં હતાં. આજે રસ્તો લાંબો અને બિહામણો લાગ્યો, અમીના આવી ત્યારે વસ્તી અજગરની જેમ પડી હતી. પોલીસની જીપો થીજી ગઈ હતી. વસ્તીનાં ટમટમિયાં જલતાં દેખાતાં હતાં. ઝૂંપડીમાં દાખલ થઈ નિરાંતનો દમ લીધો. ધબ્બ દઈ દીવાલના ટેકે બેસી પડી. મુઠ્ઠી ખોલી તો પસીનાથી તર ભીની નોટો એની સામે તાકી રહી. ફાનસની જ્યોત મોટી કરવા હાથ લંબાવ્યો તો અઝીમ જાગતો દેખાયો. નાનુ સૂઈ ગયો હતો. પતરાની દીવાલ પર એક ત્રીજો પડછાયો જોયો તો તે ગભરાઈ ઊભી થઈ. એની રાડ ફાટી ગઈ. કોણ છે ત્યાં? કોઈ કાંઈ બોલ્યું નહીં તો તે વધુ ગભરાઈ. નાનુની પાછળનો આકાર સ્પષ્ટ થયો.

મામદ, તું અત્યારે અહીં? એ થડકારો ચૂકી ગઈ. બોલ મોઢામાં જ મરી ગયા. એણે જાત સંકોરી. મામદે શેતાનની જેમ ફાનસના અજવાળેથી માથું કાઢ્યું. એની સુજેલી લાલ આંખોથી અમીના અને ઝૂંપડી બંને થરથરતાં હતાં.

ક્યાં ગઈ હતી અમીનાબીબી, અત્યારે કોની પાસે સુવા ગઈ હતી? કે પછી ખાડાવાળાને અમારો પ્લાન ભસવા ગઈ હતી?

આ હલકટને કેમ કરતાં ખબર પડી ગઈ? અમીનાના શરીરમાં વીજળી દોડી ગઈ.

ક્યાંય નહીં, કાંઈ નહીં! થોથવાડી એ અઝીમને સોડમાં ખેંસીને બેસી રહી. કેટલા રૂપિયા લઈ આવી કાફરો પાસેથી બધું બકી મરવાના? તને ખબર નથી મારા આદમી ક્યાં ક્યાં ફેલાયેલા છે. સાલી હરામીની ઔલાદ, થોડા પૈસા માટે ગદ્દારી કરી આવી ને? મામદ ચિલ્લાતો હતો.

અમીના મૂંગી રહીને ગુનેગારની જેમ નીચી નજરે અઝીમના વાળમાં હાથ ફેરવતી રહી.

શું કહેવું? આ કમીનો કશું સમજશે નહીં. મુઠ્ઠીમાં દબાવેલા રૂપિયા ખૂલી ગયા હતા. એને થયું મામદને મુઠ્ઠી ખોલી બતાવી દે.

જો આ રૂપિયા લઈ આવી! લે, લઈ લે તું. મને જે કરવું હોય તે કર! પણ ખાડાવાળાને કશું કરતો નહીં. ત્યાં નાનાં નાનાં બચ્ચાં છે, ત્યાં મારી રૂખી છે. રોષ અમીનાની રગમાં વીજળીની જેમ સળગતો દોડતો હતો. ત્યાં જ મામદે એને ખેંચીને ઝૂંપડીની બહાર ઢસડી લીધી.

નીચ! અમારા આખા પ્લાન પર પાણી ફેરવી દીધું. કમીની, થોડા સા પૈસા ખાતર કૌમથી વિશ્વાસઘાત કીધો, બોલતાં બોલતાં મામદ એને સાંકડી ગલીના નાકે લઈ આવ્યો. મામદના બૂમબરાડાથી ઝૂંપડાંના દરવાજા ફટાફટ ખૂલી ગયા હતા. માહોલમાં ગરમાટો આવી ગયો હતો. ટોળાંમાં ઔરતોના કલબલાટ વચ્ચે વિરોધનો ધીમો સૂર ઊઠતો હતો.

કમીની ઔરત, આપણી બધી વાતો ખાડાવાળાને કહી આવે છે. ત્યાંથી માલ પડાવે છે.

યે તો ઠીક હૈ! વો લોગને પહેલે હમલા કિયા હોતા તો અપન તો નીંદ મેં જ રહેતે ના.

ઐસી ઔરત કો સજા કરની હી ચાહીયે, ફિરસે ઐસી કોઈ હિંમત ના કરે!

કીડીઓની જેમ ટોળું મોટું થતું જતું હતું. મોટા રસ્તા પરથી લોકો આવીને ભળી જતાં હતાં. અમીનાની આંખો ફાટી રહી હતી. ચહેરો રડું રડું થઈ રહ્યો. લાચાર આંખો ચારેતરફ ફરી વળી પણ હાથ લંબાવીને રૂખીની જેમ બાથમાં ઘાલીને લઈ જાય તેવું કોઈ નહોતું. મામદનો અવાજ તાજિયાના ઢોલની જેમ ધડામ-ધડામ પડઘાતો હતો. કેટલાંક જુવાનિયા મશ્કરીએ ચડ્યા હતાં. મામદના હાથમાંથી બળ કરીને અમીનાએ છૂટવા કર્યું ત્યારે ખબર પડી, કાચની ચૂડી તૂટવાથી કાંડા પર લોહી વહેતું હતું. મામદ તો અમીનાનું કાંડું પકડીને મદારી જેમ ગોળ ફરતો એલફેલ બોલી રહ્યો હતો, અમીનાએ આંખો બંધ કરી.

કોઈ એનાં કપડાં ખેંચી રહ્યું હોય એવું લાગ્યું. મામદ ટોળું જોઈ તાનમાં આવી ગયો હતો. અમીના મોતના કૂવામાં સનસનાતી ગોળ ફરતી હતી. કાતિલ ઠંડી અને માણસોના કોલાહલ વચ્ચે એને વહેલી સવારે અઝાન વખતે ફફડતું કાબાનું પથ્થરવાળું કૅલેન્ડર યાદ આવ્યું. આંખો જોરથી મીંચી દીધી.

ચાંદબીબી ટોળામાંથી આગળ આવી, એણે મુઠ્ઠી ભરીને મરચું ભરી દીધું. અમીના બંને સાથળ વચ્ચે હાથ દબાવી, કણસતી, ચત્તીપાટ પડી રહી.

આખા શરીરમાં કાળી બળતરા

અમીનાએ ફેંફસાં ફાડીને ચીસ પાડીઃ યા અલ્લાહ...

(૨૦૦૫)

સ્મૃતિલોક

સર્જક ભગવતીકુમાર શર્માનું સ્મરણ: પુત્રીની આંખે

~ રીના મહેતા

એ જ મોટીમસ બારી, એ જ ઝગારા મારતો તડકો; એ જ ખુરશી, એ જ ઘણાં દૃશ્ય બદલાતાં રહ્યાં છે, પણ આ એક દૃશ્ય કાયમી રહ્યું છે. એની આસપાસ પતંગિયાની જેમ ઊડાઊડ કરતી હું, એ (પિતા ભગવતીકુમાર શર્મા) લખતા હોય અને બાએ આપેલ ચા કે દૂધનો કપ જરાય ખલેલ ન પહોંચે એમ દબાતે પગલે મૂકી આવતી હું, એમની પેનમાં શાહી ભરી આપતી હું...

બાળપણની અણસમજથી માંડીને અત્યાર સુધી મેં એમને નિરંતર લખતા જ જોયા છે. નબળી આંખ ને સ્વાસ્થ્યને નેવે મૂકીને એમણે લખ્યું છે. વળતરની ચિંતા કરી નથી. પત્રકારત્વ જેવા ક્ષેત્રમાં છેક દિલ્હી સુધી પોંખાયેલો માણસ આટલા પગારમાં સંતોષ માની શકે, એ આજના જીવનમાં દુર્લભ ગણાય.

મારા વાડામાં ઝાડ પર એક પક્ષીએ માળો બાંધ્યો છે. તેમાં કેટલાય દિવસથી માદા અને નર સતત ઈંડાને સેવતાં દેખાય છે. કલાકો સ્થિર, ધ્યાનસ્થ... બસ, એજ રીતે એમણે આખી જિંદગી શબ્દને સેવ્યો છે, પીછાં આપ્યાં છે, પાંખ આપી છે અને આકાશે ઉડાવ્યો છે.

અને એ જૂના વિશાળ ઘરમાં બે જણ એકલાં રહે છે. ઘરડાં, અશક્ત થતાં જતાં પગે એકલાં ચાલે છે. ખડિયામાંથી ભરાતી કાળી શાહી જેવો સમય છલકી જાય છે. મોટા અક્ષરો પણ હવે એ માંડ વાંચે છે. મને પણ કદાચ અવાજ થકી જ વધારે ઓળખે છે. જે અક્ષરોએ આખી જિંદગી એમને પાંખ આપી હતી, એ કાગળની સફેદ સપાટીમાં વિલીન થઈ રહ્યા લાગે છે. ગમે ત્યારે સંપૂર્ણ અંધારું થઈ જશે એવા અબોલ ફફડાટ નીચે, આજે તોંતેરમે વર્ષે બ્લડપ્રેશરના વ્યાધિ વચ્ચે પણ એ જ ઉત્સાહથી કાગળ પર મોટાં વાંકાચૂંકા અક્ષરે આશરે આશરે લખવાનું એ છોડી શકતા નથી. એ અક્ષરો જ એમને જીવવાનું બળ આપે છે.

સાંજના પ્રેસમાંથી પાછાં ફરતાં એમનાં ઘસડાતાં પગલાંનો અવાજ દાદરે આવે છે. હંમેશની જેમ એ ખીંટીએ થેલો લટકાવે છે, ધોતિયું-પહેરણ પહેરે છે, ટુવાલ વડે જેમતેમ પરસેવો લૂછે છે, ઢગલો થઈ ખાટલે ઢળી પડે છે. બા કે હું ગ્લુકોઝવાળું લીંબુંનું પાણી આપીએ છીએ, ને ફરી એક વાર બબડીએ છીએ કે બંધ કરો આ બધું...

અમારો બબડાટ રેડિયોના ન્યુઝમાં ભળી જાય છે. (‘થેંક યૂ પપ્પા’ પુસ્તકઃ૨૦૦૬)

હરિશ્ચંદ્ર ભગવતીશંકર ભટ્ટ

ચંદ્રકાન્ત ટોપીવાળા

વિશ્વવિદ્યાલયમાં વિધિપૂર્વક અભ્યાસ કરવાની તક નહોતી મળી તે છતાં આ સદીના પૂર્વાર્ધમાં અંગ્રેજી સાહિત્યની આગળ વધીને યુરોપીય સાહિત્યનો એમણે પોતાના પુરુષાર્થ અને પરિશ્રમ દ્વારા મેળવેલો પરિચય એક વિરલ ઘટના છે.

પિતા જે પેઢીમાં કામ કરતા હતા તે પેઢીમાં વર્ષો સુધી કામ કર્યા પછી પૉલિશ કૉન્સ્યુલેટમાં એમણે મેળવેલી કામગીરી એમના પોલૅન્ડ પરત્વેના વિશેષ પ્રેમને અને યુરોપિય ચેતના પરત્વેના એમના આકર્ષણને પોષણ આપે છે. હોલ્ડરલિન, કોન્સ્ટાસ, પાલામાસ, રિલ્કે, બૉદલેર, વાલેરી, પ્રૂસ્ત, ઊનામુનો જેવા યુરોપીય લેખકોએ એમની ભાવનાસૃષ્ટિને ઘડેલી.

તત્કાલીન વૈશ્વિક પ્રવાહો અને આર્થિક સામાજિક તેમજ રાજકીય પશ્ચાદભૂથી તેઓ ખાસ્સા વાકેફ હતા. પુસ્તકપ્રકાશન એમનાં સાંસ્કૃતિક સ્વપ્નોમાંનું એક સ્વપ્ન સ્થાપવા ઉપરાંત એમણે પરમાનંદ કાપડિયાના તંત્રીપદે પ્રસિદ્ધ થતા ‘યુગધર્મ’માં પણ કામગીરી બજાવેલી. એચ. ઈન્દ્રર ઍન્ડ કંપનીને નામે એમણે પરદેશથી પુસ્તકો મંગાવવાની પ્રવૃત્તિ પણ કરેલી; આમ છતાં અત્યંત સંવેદનશીલ હોવાથી ઘણાં વર્ષો એમનાં અનુતાપ અને રૂંધામણમાં વીત્યાં અને અંતે એમણે આપઘાતનો માર્ગ લીધો.

સ્વેદશી ચળવળ વચ્ચે અને બ્રિટિશ શાસન દરમિયાન માત્ર અંગ્રેજી સાહિત્યથી છવાઈ ગયેલા વાતાવરણમાં અંગ્રેજી સિવાયના યુરોપીય સાહિત્યની આબોહવાનો લાભ લેનાર આ કવિ ગાંધીયુગની એક વિશિષ્ટ અને વિરલ પ્રતિભા છે. કેટલેક અંશે એમના યુગથી એમની ચેતના આગળ હોવાનો અણસાર એમની ભાવનાસૃષ્ટિ અને કવિતાસૃષ્ટિમાંથી મળી રહે છે. ‘સફરનું સખ્ય' (મુરલી ઠાકુર સાથે, ૧૯૪૦) એમનો પહેલો કાવ્યસંગ્રહ છે અને ‘કેસૂડો અને સોનેરું’ તથા ‘કોઢાગ્નિ’ (૧૯૪૧) એમનો બીજો કાવ્યસંગ્રહ છે; જ્યારે ‘સ્વપ્નપ્રયાણ’ (૧૯૫૯) એમની સઘળી રચનાઓને સમાવતો ઉમાશંકર જોશી સંપાદિત મરણોત્તર કાવ્યસંગ્રહ છે.

વિવિધ સાહિત્યોના વ્યાપક સંદર્ભો અને ઉલ્લેખોથી ઇન્દ્રિયસંવેદ્ય પંક્તિઓ દ્વારા કાવ્યશિલ્પ દર્શાવતા આ કવિની બહુશ્રુતતા સાથે ભળેલી સ્વકીય અનુભૂતિ આસ્વાદ્ય છે. પશ્ચિમના સાહિત્યમાં મનુષ્યનું પતન અને મનુષ્યોનો અપરાધભાવ ઘૂંટાતાં ઊઠેલા એવા પ્રતિધ્વનિ તો અહીં છે જ, વિશેષમાં ભારતીય સંસ્કૃતિના વેદથી માંડી પૌરાણિક અને બૌદ્ધ ઇતિહાસના સંકેતો પણ એમાં ભળેલા છે. આ કવિમાં એકબાજુ પ્રેરણાનો વેગ છે, તો બીજા બાજુ કવિકર્મનો પરિશ્રમ પણ છે અને એટલે એમનો લયકેફ એમની પ્રણયઝંખનાની કે ધર્મઝંખનાની અભિવ્યક્તિમાં ઊતર્યા વગર રહ્યો નથી. બહેન પરની ‘નિર્દોષ ને નિર્મળ આંખ તારી’ રચનામાં કે ‘રાઈનર મારિયા રિલ્કેને’ જેવી રચનામાં કવિની પાસાદાર સૌંદર્યમંડિત આવિષ્કૃતિ જોઈ શકાય છે.

સીમાડા

હૈયાના બારણાની ભોગળો ભેદવી,

ઉંબર સીમાડો ઓળંગવો જી.
અજવાળી રાતડીએ શેરીઓ છોડીને

ચોક ને ચૌટામાં ભમવું જી.
વહેલે પરોઢિયે કૂકડો બોલાવે

ગામના સીમાડા એ છોડવા જી.
કપાસકાલાંનાં ખેતરો ખૂંદતાં

ઊંડાં તે વનમાં ચાલવું જી.
વનના સીમાડા એ છોડવા છે મારે

રણની વાટડીએ દાઝવું જી.
રણની તે રેતીમાં ભૂલા પડીને

સાગરને સીમાડે પહોંચવું જી.
સાતે સાગરને ખૂંદી વળીને

ધ્રુવનું નિશાન મારે ધરવું જી.
ધરણી સીમાડા એ છોડવા છે મારે

ઊંચા ગગનમાં જાવું જી.
પહેલો સીમાડો આ હૈયાનો છોડવે

એને આપું ભવોભવની પ્રીતડી જી.
હરિશ્ચંદ્ર ભટ્ટ


વિવેચન

સાહિત્યની વિચારભૂમિમાં પરિભ્રમણ ભાગ: ૧ અને ૨

ઝવેરચંદ મેઘાણી

આપણે ઢગોઢગ વાંચનારા, આપણને જાણ નથી કે આપણું ઘણુંખરું જ્ઞાન ભાડૂતી છે, જાલિમ વ્યાજે ઊછીના લીધેલા પરધન જેવું છે, કાગળના પોપટમાં ભરેલ લાકડાના ઢૂંસા જેવું છે. આપણી કવિતા સ્વાનુભવના રસમાંથી ઉદ્ભવેલી કેટલી? આપણી વાર્તાઓમાં નિજપારખ્યા ભાવોનું સિંચન કેટલું? આપણી ભાષા પણ ક્યાં આપણી છે! આપણે છીએ મધ્યમ વર્ગના માણસો, મધ્યમ જનસમૂહ આપણી આસપાસ ખદબદે છે. એની જીવનદશાને કોઈ વાર્તાકારે સાચેસાચ પૃથક્કરણપૂર્વક અને વાર્તારસને વહાવતી શૈલીએ સાહિત્યમાં ઉતારી છે? મધ્યમ વર્ગનું જે ઉપલબ્ધ છે તે વાર્તાસાહિત્ય પૈકીનું ઘણુંખરું પોકળ, બાહ્ય રંગોએ રંગેલું, તેમજ દૃષ્ટિવિહીન છે એવું કહેવામાં ઝાઝી હિંમતની જરૂર નથી. (ભાગ: ૧, નવસંસ્કરણ, ૨૦૦૯, પૃ.૭)

* * *

કવિઓએ, સાહિત્યિકોએ, કોઈપણ કલાસર્જકે, એટલું તો સ્વીકારીને જ જીવન શરૂ કરવું રહે છે, કે જનતા જ જો સર્વ સંસ્કારોથી સંપન્ન બની ગઈ હોત તો તેઓને સાહિત્યકારોની જરીકે જરૂર ન રહેત. આજે પુસ્તકો ખરીદનારાઓ પોતાની રુચિથી ઊંચી કે નીચી ભૂમિકા મુજબનો રસ અનુભવી પુસ્તકો ખરીદે છે. એમની રુચિને એક અથવા બીજા સાહિત્યપ્રકાર તરફ વાળવા ભગીરથ પ્રયત્નો (મૂંગા અને બોલતા) કરવા જ પડે છે. એ પ્રયત્નો આજ સુધી સતત થતા રહ્યા છે. આ કાંઈ સાહિત્યકારોની સરમુખત્યારીનો યુગ નથી કે પ્રત્યેક પ્રજાજનને માથે અમુક પુસ્તક ખરીદી તો ફરજિયાત કરી શકીએ. એ તો પ્રજારુચિનો પ્રશ્ન છે. વળી રુચિને ને પૈસાને સારો બનાવ નથી. રુચિવાળા માગીભીખીને પુસ્તકો વાંચે છે. ન-રુચિવાળા શોભા પૂરતાં પણ થોડાં સંઘરે છે; એટલો તેમનો પાડ માનો. ઉપરાંત ગુજરાતની પ્રજામાં નવી રુચિ, નવી દૃષ્ટિ, નવો સંસ્કાર, એ તો દાયકે દાયકે ઘડાઈ રહ્યાં છે. લોકોને મારીને મુસલમાન - એટલે કે લાનતો દઈને સાહિત્યપ્રેમી - થોડા બનાવી શકશું? (એજ, પૃ.૧૭)

* * *

ભાષાનો પ્રચાર પ્રાણવંતા વિચારબળને અધીન છે. અને ભાષા કેવળ શબ્દ-વાક્યોની બનેલી નથી. હરએક ભાષા પોતપોતાના પ્રદેશનો લોક-સંસ્કાર એવી રીતે ધારણ કરે છે. જેવી રીતે ચહેરા પરના સૌંદર્યને મૂળે તો માનવીનું હૃદય ધારણ કરે છે. પથ્થર પર પડતુ ટાંકણું એના શિલ્પીના પ્રાણમાંથી જ પ્રત્યેક રેખાને ખેંચે છે.

એટલે જ જ્યારે અન્ય ભાષાનું સાહિત્ય ગુજરાતીમાં ઉતારવાની ઉતાવળ અને રકાઝક મચે છે ત્યારે દહેશત લાગે છે. અનુવાદ કરનારા આ મૂળ કૃતિની વાનીમાં અગોચર પડેલા એ સંસ્કારની ખેવના કરતા નથી. સંસ્કૃત માતાની દીકરીઓ સમી હિંદની ઘણીખરી પ્રાંતભાષાઓ શબ્દો-વાક્યોનું સામ્ય ધરાવતી હોવાથી શબ્દને બદલે શબ્દ મૂકવાનું કામ અનુવાદકને સરળ પડે છે. એથી જ એ છેતરાય છે.

અનુવાદકોએ ભાષાજ્ઞાન મેળવ્યું હોય, ત્યાંના લોકજીવનનો પરિચય નથી મેળવ્યો હોતો. એ વાતને ઉવેખનારા અનુવાદકો એ સર્જકોને અન્યાય કરે છે.

અમુક અમુક પ્રદેશોમાં અનુવાદ કરવો એ સ્વતંત્ર કૃતિ લખવા કરતાં વધુ કપરું કામ છે. (એજ, પૃ.૧૪૫)

* * *

તમે લેખકો છો; પણ જે યાતનામાંથી, અગ્નિકુંડોમાંથી લેખકે નીકળવું પડે છે તેમાંથી નીકળ્યા છો? કેટલાક લેખકો શરૂઆતથી ઝળકી ઊઠ્યા, એમની કૃતિમાં નગદ વસ્તુ હતી માટે. એમણે પરસેવા પાડ્યા હશે. પાથેય ભેગું કર્યું હશે. પૈસાની વાત કરતાં એટલું યાદ કરવાનું ન ભૂલશો કે તમારામાં સત્વશીલતા કેટલી છે, તમારું ભાતું શું છે, કેટલું ભણ્યા છો, ‘ક્લાસિક’ કેટલાં વાંચ્યાં. આ પ્રશ્નો જાતને પૂછતા રહેજો.

ભાતા વિના પ્રવાસ કરવો છે? લેખકના વ્યવસાયને સ્પ્રિંગબોર્ડ માનો છો? વીસ, પચીસ ચોક્કસ વર્ષ આ ક્ષેત્રને આપવાં છે એમ નક્કી કરો. આજે લખ્યું તે કાલે પ્રકાશક પાસે ન લઈ જવાય. આમાં સિનિયરોનો પણ વાંક છે. તમારાં લખાણ મારી, ઉમાશંકર - ધૂમકેતુ વગેરેની પાસે લઈને આવો છો ત્યારે અમારી ફરજ તમને મોઢામોઢા સાચું કહી દેવાની, ખામી બતાવવાની છે. પહેલી ફરજ મોટેરાઓની છે; સત્વના ધોરણને નીચું ન પડવા દઈએ. (એજ, પૃ. પ૮૨)

* * *

દાકતરી દુનિયાનાં અનિષ્ટોને ઉઘાડા પાડતી ‘ધ સિટાડલ’ નામની નવલકથા હમણાં પ્રકટ થઈ. જેની ૩૧ હજાર પ્રતો ચાર જ દિવસમાં ઊપડી ગઈ. તે પછી એની બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી આવૃત્તિની દરેકની (દસ-વીસ હજાર) પ્રતો પ્રસિદ્ધ થયા ભેગી જ ખપી ગઈ. હવે એની નવી આવૃત્તિ પ્રેસમાં છે.

અંગ્રેજી જાણનાર આલમની વસ્તી-સંખ્યા કાઢો. ત્યાંની સાહિત્ય રસિકતાનો પણ આંક નક્કી કરો. અને ગુજરાતનું એની સરખામણીમાં બધી વાતનો િહસાબ લઈ પ્રમાણ કાઢો, તે પછી તમારું કલેજું થીજી જશે. ગુજરાત પાસે પુસ્તકો વાંચવાનાં દોઢિયાં નથી એમ કોઈ કહે તો માનતા નહીં. અભાવ દોઢિયાંનો નથી પણ નાણાં ખરચીને વાચન મેળવવાની વૃત્તિ પ્રજામાં જાગૃત કરનાર અખબારી વિવેચનાનો ગુજરાતમાં અભાવ છે. (ભાગ - ર, નવસંસ્કરણ, ૨૦૦૯, પૃ. ૧૩૦)

* * *

નૃત્યને, ચિત્રને કે કાવ્યને, શિલ્પને કે સ્થાપત્યને, ફરીથી પ્રજામાં પ્રતિષ્ઠિત કરવાનાં છે. એ કર્યા વગર પ્રજાના ઊર્મિતંત્રમાં જે અનેક અનેક સંચા ખોટકાયા છે, તેને ઠેકાણે લાવવાનો બીજો માર્ગ નથી. ક્ષુધાની લાગણીની જોડાજોડ બીજી લાગણીઓ પણ સંતોષવા માગતી ઊભેલી જ છે. પ્રજાવ્યાપી વિરાટ માનવદેહમાં કંઈ કંઈ મનોકામનાઓ, મહેચ્છાઓ, આવેગો ને આવેશો રમણ કરે છે. સ્ફૂર્તિ અને મુક્તિ શોધે છે. એની સામે વિલાસ! વિલાસ! નામનાં પાટિયાં લગાવી પ્રવેશદ્વાર રૂંધવાથી શું વળશે? (એજ, પૃ.૨૭૬)

* * *

આપણાં જૂનાં ગીતો કૃષ્ણ-ગોપીનાં: દયારામ, નિષ્કૃલાનંદે કે મીરાંએ ગાયેલાં પ્રેમલક્ષણા ભક્તિનાં રમ્ય પદો ને છેલ્લે છેલ્લે રવીન્દ્રનાથનાં ગીતાંજલિ-ગીતો: આ તમામને એની ઉપર વીંટવામાં આવેલા આધ્યાત્મિકતાનાં ગાભામાંથી મોકળાં કરી એની શુધ્ધ સંસારી ભાવોને હિસાબે મૂલવીએ, તો તે વધુ પ્રામાણિક વાત નથી શું?

અંતરના ઊંડેરા અપરિતૃપ્ત પાર્થિવ પ્રેમની જ વેદના આ કવિ હૃદયોમાં જાગી હોય, ને તેઓએ કોઈ એક કલ્પના-પ્રીતમને શુદ્ધ સંસારી ભાવે જ આ ગીતો સંબોધી હજારો - લાખો અતૃપ્ત હૈયાંની પ્રણય વાણી ઉચ્ચારી હોય, તો તેમાં શો વાંધો છે?

માનવ-પ્રેમને હીણી દૃષ્ટિએ જોવા લાગીએ છીએ ત્યારે આપણે જગતના કેટલાય નિર્દોષ સુંદર સાહિત્યનો વધ કરી બેસીએ છીએ. મહાભારત-રામાયણ, પુરાણો અને વેદ વગેરે સાહિત્યને જો આપણે શાસ્ત્રદૃષ્ટિનાં સાણસામાં ન સપડાવ્યું હોત, જેવું છે તેવું માનવજીવનનું જ પ્રતિબિમ્બક સાહિત્ય લેખે જ મૂલવ્યું હોત, તો એ તમામ સાહિત્યે સાહિત્ય તરીકે જગત પર ઘણો ઉપકાર કર્યો હોત કેમકે તેણે ઢોંગને, વેશને, આત્મભ્રાંતિને પોષવાને બદલે યથાર્થ જીવનરસને જ પોષ્યો હોત. (એજ, પૃ. ર૧૪)

* * *

પુરાતત્વવિદ્યા તો અમુક ગણ્યાગાંઠ્યા અભ્યાસીઓનો જ રસનો વિષય છે, એવું મંતવ્ય પણ વિભ્રમકારી છે. આપણે નવી ઊભી કરેલી ‘કમ્પાર્ટમેન્ટલ સિસ્ટમ’ જ આપણા જીવનના રસોને આમ ટાંકાનાં પાણીની સ્થિતિમાં ધકેલી રહેલ છે. પુરાતત્વ એ કાંઈ હાડકામાંથી ખાંડ બનાવવાની વિદ્યા કે ચીંથરામાંથી કાગળ બનાવવાની વિદ્યા નથી. પુરાતત્વ તો ચેતનાયુક્ત સંજીવની-રસથી ભરપૂર વિષય છે. એ તો છે ઇતિહાસની ‘રોમાન્સ’. એના જેવી અદ્ભુતરંગી મહાકથા કઈ છે બીજી? મારા પ્રાંતનાં ખંડેરે ખંડેરે પ્રેમી યુગલો, બહાદુરો, યોગીઓ અને ચાંચિયાઓ જે જીવન જીવી ગયાં હશે તેને કલ્પનામાં સાકાર કરી કરી પુરાતત્વનાં પ્રજ્ઞાચક્ષુઓ વડે પ્રાણધબકતાં પ્રત્યક્ષ જોવાં, અને તેમના વિલય પામેલા યુગયુગોમાં હસતાં, પડતાં, પ્રત્યેક ઊર્મિનો અનુભવ કરતાં કરતાં પરિભ્રમણ કરવું એ કોના રસનો વિષય નથી? એ કોના અંતરમાં પ્રેરણા અને સ્ફૂરણાનાં રોમાંચ નથી જગાડતું? એ કોઈ એકદેશીય એકમાર્ગી માનવીનો માથાફોડિયો પ્રદેશ નથી. પુરાતત્વને ખોળે તો ઇતિહાસ, સાહિત્ય અને સ્થાપત્ય રમી રહેલ છે. પુરાતત્વના કલેજામાં કથાકાર માટે વાર્તાઓ પડી છે. શિલ્પી માટે રૂપ ને રેખાના ખજાના ભર્યા છે. ગણિતનો જટિલ દાખલો ગણવા જેવી એ વાત નથી. પુરાતત્વની વિદ્યા સકલ જીવન વિદ્યાઓની સંજીવની છે. (એજ, પૃ. ૪રર)

* * *

કલાજગત

મારી નજરે

~ રવિશંકર રાવળ

શાંતિનિકેતનમાં મારા જાણવામાં આવ્યું હતું કે શ્રી અવનીબાબુની તબિયત હમણાં બહુ શિથિલ રહે છે અને ભાગ્યે કોઈને મળે છે અથવા બહારની પ્રવૃત્તિમાં ભાગ લઈ શકે છે. તેમને ૭૧મું વર્ષ બેઠું તેની અભિનંદનસભા ત્યાં થઈ તેમાં પણ જાતે જઈ શક્યા નહોતા. માત્ર તેમના પ્રધાન શિષ્યવર્ગને ઘર આગળ થોડી મધુર વાતચીતની તક મળી હતી. તે મંડળમાં શ્રી નંદબાબુ પણ હતા. એક મિત્રે એ પ્રસંગની બહુ નોંધપાત્ર વાત કહી.

વર્ષો પહેલાં થોડી મજાકમાં શ્રી અવનીબાબુએ શ્રી નંદબાબુને કહ્યું, ‘નંદ, તું મારી ગુરુદક્ષિણા તો આપ; હજુ તેં મને કંઈ નથી આપ્યું. જો તું કંઈ આપવા માગતો હોય તો કાલીઘાટ પર સવારથી જઈને ત્યાં બેસી, ચિત્ર કરી, જનતાને વેચી, એક દિવસમાં જે મળે તે મને આપ.’ નંદબાબુ તો શ્રદ્ધાન્વિતભક્ત શિષ્ય હતા; એટલે બીજે જ દિવસે એ વાતનો અમલ કર્યો. આખો દિવસ ઘાટ પર બેસી ચિત્રો કરી વેચ્યાં તેમાંથી પાંચસાત રૂપિયાની રકમ ઉપજી તે લઈને આવ્યા અને ગુરુચરણે ધરી. એ રકમનું પડીકુંવાળી અવનીબાબુએ કોઈએક ઠેકાણે સાચવી મૂકેલું, તે ઉપરના અવસરે ઊઠીને શોધી લાવ્યા અને નંદબાબુને યાદી આપી કહ્યું, ‘લે ભાઈ, તારી ગુરુદક્ષિણાનો સદુપયોગ કરવાનો આજે અવસર મળ્યો છે. આજે તારા વિદ્યાર્થીઓને આ રકમમાંથી મીઠાઈ ખવડાવજે!’

શ્રી અવનીન્દ્રનાથ ઠાકુરની મુલાકાતઃ-

શ્રી અવનીબાબુના વિનોદ અને મૌલિકતાનું એક ઉદાહરણ છે. દરેક પ્રસંગે વ્યક્તિ કે કૃતિ પર તેમના મગજમાંથી કંઈ ને કંઈ નાવિન્ય પ્રગટે છે એવો તેમના પરિચયમાં આવેલા સર્વને અનુભવ થયો છે. પણ મને ઘણાઓએ કહ્યું કે હમણાંહમણાં તેમની તબિયતના કારણે ઘણીવાર મામૂલી વાત પર પણ ખફા થઈ જાય છે, માટે મળવા જવા સારું યોગ્ય સમય માગજો જ. મેં તો અગાઉથી જ પત્ર લખેલો. તેમના સ્વહસ્તે તેનો ટૂંકો પણ ભાવભર્યો પ્રત્ત્યુતર મળ્યો, એટલે બીજા દિવસે સવારે નવ વાગે અમે દ્વારકાનાથ લેઈન જવાની ટ્રામ પકડી.

શ્રી અવનીબાબુ મારે મન કળાના એક અગ્રગામી ઋષિ હતા. તેમને ૭૦ વર્ષ પૂરાં થયાં તે નિમિત્તે અભિનંદન રૂપે ગુજરાત તરફથી કંઈક ભાવ પ્રદર્શિત કરવો જોઈએ એવું કર્તવ્યભાન થયું એટલે એક પુષ્પહાર લઈ અમે આઠેકફૂટ પહોળી દ્વારકાનાથ લેઈનમાં પેઠા. જૂની ઢબનું કલકત્તા હજી અહીં જીવંત છે. અંદર જરા દૂર ગયા પછી મોટો ચોક આવે છે. તેની ચારે તરફ ઇસ્ટ ઈન્ડિયા કંપનીના વખતની ઢબની થાંભલાવાળી મોટી હવેલીઓ છે. જમણે હાથે પહેલું જ મકાન શ્રી અવનીબાબુનું છે ને સામેનું મકાન ગુરુદેવ રવીન્દ્રનાથનું છે.

પહેલાં

૧૯૨૦માં હું પૂર્વના પ્રવાસે ગયો ત્યારે આ ગલીમાં આવેલો. એ વખતે શ્રી અવનીન્દ્રનાથ કલકત્તા કલાશાળાના અધ્યાપકપદેથી તાજા નિવૃત્ત થયા હતા, પણ તેમણે સ્થાપેલી ઓરિએન્ટલ આર્ટ સોસાયટી આબાદીની ટોચ પર હતી. સમવાય મૅન્શનના એક વિશાળ માળ પર તેના અભ્યાસખંડો, બેઠકો ને ગ્રંથાલય જોઈ હું છક્ક થઈ ગયો હતો. તેમના ઘરનો પણ આગળનો વૈભવ અને ભભકાની છટા ઔર હતાં. દેશદેશાવરના કલાકારો અને કલારવિંદો તેમને ઘેર મહેમાન થતા યા મુલાકાતો લેતા, અને હિંદ તેમજ બહારનાં પત્રોમાં તેમના નિવાસનું તેમજ તેમની કલામય વિનોદી પ્રકૃતિનું અને તેમના બંધુ શ્રી ગગનબાબુનું રંગદર્શી વર્ણન પ્રસિદ્ધ થતું. ઘરમાં પ્રવેશ કરતાં, દાદરના કઠેડાથી શરૂ કરી દીવાલો, ગોખ ને બારસાખો ઉપર તથા ખંડેખંડમાં તેમણે પૌરસ્ત્ય કળાની પ્રતિમાઓ, ચિત્રો અને રચનાઓથી ઘરમાં કંઈક મુઘલાઈ, કંઈક રાજપૂત, કંઈક તિબેટન ને પ્રાચીન સંસ્કૃતિઓનું સંગીત ઊભું કર્યું હતું. પાછળની વિશાળ પરસાળમાં એ બંને કલાકારભાઈઓની નિરંતર બેઠક રહેતી અને થોડેથોડે અંતરે આરામ ખુરશીઓ પર બેઠા નવાબી હુક્કાની લાંબી નળીઓ મોંમાં રાખી પોતાનાં ચિત્ર સર્જનો કર્યે જતા. અંદરના એક મોટા ખંડમાં વચ્ચોવચ જમીન પર નીચી બેસણીની પાટ પર મોટા ગાદીતકિયાની બેઠકો હતી, અને બારીઓ તથા દીવાલો ઇસ્ટ ઈન્ડિયા કંપનીના સમયનાં ઊંચા અને મોટાં માપના હતાં છતાં તેનું એ રૂપ ઢાંકવા અહીંતહીં મુઘલ વેલપત્તીઓ કે બારીઓમાં ગુપ્તકાળની છાંટવાળી લાકડાંની રચનાઓ કરી હતી. ભીંત ઉપર અને ખૂણાઓમાં શ્રી અવનીબાબુએ તેમજ તેમના જાપાની કલાકાર અતિથિએ દોરેલાં નાનાંમોટાં ચિત્રો ઔચિત્યપૂર્વક ગોઠવ્યાં હતાં. એકએક ખંડ નવી દૃષ્ટિ, અભ્યાસ અને સંશોધનના પરિપાકની સર્વાગ પૌરસ્ત્ય સ્વરૂપ અને સુગંધ અર્પતો હતો. ઘણાનું અનુમાન હતું કે તેમણે એકઠી કરેલી એ કળાસમૃદ્ધિ બેથી અઢી લાખ ઉપર પહોંચી હતી! આખા ઘરમાં દરેક ખંડ તરુણો, બાળકો ને યુવતીઓથી ભર્યોભર્યો લાગતો હતો. શ્રી અવનીબાબુની સુદૃઢ ઊંચી કાયા અને તબિયતભર્યા સ્મિતવાળી આંખની ચમક ને હોકાની લહેર તેમને એક અનેરૂં વ્યક્તિત્વ આપે છે. અનેક વિદ્વાનો, કલાકારો અને વિદ્યાર્થીઓ સાથેના એમના વાર્તાલાપો કલ્પનાતરંગ અને મૌલિકતાથી નોંધપાત્ર બન્યા છે. હિંદનાં સાહિત્ય, સંગીત અને કલાને મોરચે રહેનાર આ ભવ્ય પુરુષને સર્વશ્રેષ્ઠ કલાનાયકની પદવી આપવામાં યુનિવર્સિટી ને સરકારે એકમતે સહકાર આપ્યો હતો.

દેશપરેદશમાં હિંદી કલાનો ધ્વજ ચડાવનાર અવનીબાબુ એક વખતે પાકા યુરોપી ઢબની અદાથી ચિત્રો કરતા, પણ ૪૫ વર્ષની અવધે તેમણે એ અંચળો ફગાવી દઈ માતૃભૂમિના જીર્ણ કલામંદિરનો ઉદ્ધાર કર્યો અને આજે શિષ્યપરંપરાએ કંઈ નહિ તો ૨૦૦૦થી વધુ પૂજારીઓને એ મંદિરની દીક્ષા મળી ચૂકી હશે. મેં પણ જૂના મોર્ડન રિવ્યુમાંથી એમની કલાકૃતિઓને આદર્શ પાઠો માની હતી.

આજ (૨૩-૯-૪૧)

એમની ઉત્તરાવસ્થાએ એમના સફળ જીવનને અભિનંદન આપવાનો ધન્ય અવસર મને પ્રાપ્ત થયો છે એ વિચારથી હું મનમાં ભાવ ને પ્રસન્નતા ધારણ કરી એમના ઘરમાં પ્રવેશ્યો. જે બારણા આગળ એકબે ચમકતી મોટરો હતી, પાંચસાત દરવાનો હતા એ ઘરમાં આજે સૂનકાર શાંતિ હતી. નવ વાગ્યા હતા છતાં અમે વહેલાં પહોંચ્યા કે શું એવી શંકા થઈ. અંદરના પેલા જાણીતા દાદર પર ચડી ઉપલે માળે બારણા આગળ જરા અવાજ કર્યો એટલે એક નોકર આવ્યો. તેને નામની ચિઠ્ઠી આપી. દરમિયાન ચોમેર નજર કરી તો મારું પૂર્વનું ચિત્ર બધું અલોપ થએલું લાગ્યું.

દાદર, કઠેરો, ભીંત અને ખંડો, જાણે ઘર ખાલી કરી રહેનારાં ચાલ્યા ગયાં હોય એવાં અડવાં બની ગયાં હતાં. ચિત્ર, મૂર્તિ, ફર્નિચર કે કોઈ ચીજ ક્યાંયે દેખાઈ નહિ. મને ખબર મળ્યા હતા કે તેમણે પોતાનો સર્વ કલાસંગ્રહ વેચી નાખ્યો છે અને કોઈ કૌટુંબિક આપત્તિને કારણે આ ઘરનો પણ ત્યાગ કરવાના છે. પણ આ રીતે ધર્મશાળા જેવું ખાલીખમ અને નિઃસ્તબ્ધ વાતાવરણ જોઈ મને બહુ ભીતિ લાગી કે તેમની તબિયતના શા હાલ હશે. નોકર થોડી વારે પાછો આવ્યો અને પાછો નીચે પાછળની મોટી પરસાળમાં લઈ ગયો. ત્યાં બીજે છેડે માત્ર બગીચામાં હોય એવા એક પાટ ઉપર એમની પલાંઠી મારેલી મૂર્તિ દૃષ્ટિએ પડી અને મારી કલ્પનામાંયે નહોતી એવી પરિચિત તેમની અસલ લહેરથી મને પાસે બોલાવ્યોઃ ‘આવો આવો; પાસે બેસો. મારો એક પૌત્ર બીમાર હતો તેની સારવાર માટે રાત્રે ઉજાગરો થએલો, એટલે હમણાં જ ઊઠ્યો છું. હવે નિરાંતે વાત કરો. મેં પ્રથમ તો તેમને હાર પહેરાવી વંદન કર્યું. એથી તેમની પ્રસન્નતા વધી. કોઈ ઓલિયા ફકીરની બેપરવાઈથી બાદશાહી ઢબે તેમણે તો વાત ઉપાડી, થોડી વારે નોકર તેમના માટે ચા અને ટોસ્ટ લઈ આવ્યો. અમને પૂછ્યુંઃ તમે કંઈ લેશો?’ પણ અમે બધું પતાવી આવેલા તે વાત કરી એટલે આગ્રહ લંબાવ્યો નહિ. મોટા પરિવાર ને સંપત્તિવાળા આ વૃદ્ધને શાંતિથી એક પ્યાલો ચા અને બ્રેડ પતાવી ધીરેથી એક મોટું પાન ગાલમાં ચડાવી દેતા જોયા ત્યારે લાગ્યું કે એમને બહારના ભરતીઓટની જરા યે પરવા નથી. તે તો પોતાની કલ્પના અને કલાવૃત્તિની લહેરમાં સદા મસ્ત છે અને રહેવાના.

શ્રી અવનીન્દ્રનાથે લાકડાના ટુકડા ને વાંસની ગાંઠો જેવી મામૂલી વસ્તુઓમાંથી બનાવેલાં બાળકોનાં નવતર રમકડાં મેં પહેલાં તો ગુજરાત કલાસંઘના ચિત્રોની છાપો બતાવી. શાતિનિકેતનની વાત કરી. ગુજરાતના જૂના ચિત્રો બતાવ્યાં. બધું જોઈને કહેઃ ‘આખું હિંદુસ્તાન એક જ છે. હિંદની પશ્ચિમની બાજુએ ગુજરાતમાં રંગ અને રેખાનું જેવું સર્જન છે તેવું જ અમારી બંગાળની ગ્રામ કળામાં છે. પણ હવે તમારા વિદ્યાર્થીઓને કહો કે આલેખનની શક્તિ વધારે. અરે, હું તો ચિત્રો જોતાં જ મત્ત થઈ જાઉં છું અને બાવડાંમાં સ્ફુરણા થાય છે. I feel like an old war-horse hearing cannons. I wish I were young agind. (તોપોનું ગર્જન સાંભળી ગર્દન ઉઠાવતા યુદ્ધના વૃદ્ધ અશ્વ જેવું મને થાય છે. હું ફરીવાર તરુણ બની જાઉં તો કેવું સારું?) તમે જે કામ કરો તે ભાવિ પ્રજાને પણ કામ લાગે એવું કરજો. દરેક વિષયનું જ્ઞાન અને વિગતો ચિત્રમાં ઉતારજોઃ યાન, આસન, વસન, ભૂપણ, સ્વર્ગ, પૃથ્વી, પાતાળ, (યાન એટલે બધાં વાહનો, પાત્રો વગેરે; આસન = શરીરની બધી ચેષ્ટાઓ; વસન = બધાં વસ્ત્રો, આભૂષણ બધી જાતના અલંકારો અને સાધનો; સ્વર્ગ = આકાશના રંગો અને વાતાવરણ; પૃથ્વી = દૃશ્યો, વનસ્પતિ વગેરે. પાતાળ = જમીનમાંથી નીકળતા પદાર્થો અને પ્રાણીઓ.)

વૃદ્ધ બાળક

આ એમની વસ્તુનિરૂપણ કરવાની લાક્ષણિક ઢબ હતી. એકવાર તે વાતના રસે ચડ્યા એટલે વખતનો પ્રશ્ન જ ન રહે. એમણે કહ્યું ‘મેં ગુજરાતી પણ શીખવા માંડ્યું હતું. હું ચિત્રો નીચેનાં નામ વાંચી શકું છું. આપણે એકબીજાની પ્રાંતની ભાષા જાણવી જ જોઈએ. ગુજરાતી હું કરુણાશંકર માસ્તર પાસે શીખતો હતો. તેમની તબિયત કેવી છે?’ એમની સ્મૃતિ આમ અજબ ઝબકારા મારે છે. છેવટે મેં કહ્યું, ‘આપની હાલની પ્રવૃત્તિ કંઈ હોય તો બતાવશો?’ એટલે હસીને કહ્યું, ‘જુઓ હું હવે વૃદ્ધ થયો છું; અને વૃદ્ધાવસ્થા એ બીજી બાલ્યાવસ્થા છે, એટલે મને હમણાં રમકડાં કરવામાં મજા પડે છે. મારા પૌત્રને ખુશ કરવા મેં રમકડાં બનાવ્યા છે તે હું તમને બતાવું.’ એમ કહેતાંક ને અમને ઉપાડ્યા. ખાલીખમ મોટા ઓરડા પસાર કરી અમે ઉપરની પરસાળમાં તેમની અસલ જગ્યા પર પહોંચ્યાં. બધે જૂનાં ટેબલો, જૂની ખુરશીઓ અને નીચે દેખાતો ઉજ્જળ બગીચો! પણ તેમણે એક ખાનું ઉઘાડી કાચલાં, શંખલા, પથરા અને વાંસની ગાંઠોના ઢગલામાંથી થોડીક ચીજો કાઢી બતાવી તો સર્જકશક્તિનો તદ્દન નવો જ પરિચય મળ્યો. એકાદ લાકડાના ટુકડાને અહીંતહીં જરા છોલી તે પર આંખ મૂકેલી અને મગરનું રૂપ કરી નાખેલું! એક વાંસની ગાંઠમાંથી વાઘનું મોં ઉપસાવેલું! લાકડાના ટુકડામાંથી વહાણો બનાવેલાં અને કેટલાંકમાં તો દોરી અને કમાનની રચનાથી હીલચાલ થાય એવું ગોઠવેલું. મામૂલી ચીજોમાંથી કલ્પના અને યોજના વડે બાળકોને અપાર આનંદ અને શિક્ષણ આપી શકાય છે તેનું સ્પષ્ટ દર્શન થયું. વાતોમાં ને વાતોમાં ઘણો વખત વીતી ગયો.

લગભગ બાર વાગવા આવ્યા હતા એટલે વાતો ટૂંકી કરી અમે એ વૃદ્ધ કલાવીરની રજા લઈ નીકળ્યા. ભાઈ વ્રજલાલને તો તેની આ ફકીરીમાં પણ કાયમ રહેલી બાદશાહી મુદ્રા જ યાદ રહી ગઈ છે. સમયનો શો પલટો? છતાં ભારતીય કલાના સમુદ્રના ઇતિહાસમાં તેમનું નામ અગ્ર પદે જ રહેશે.

શ્રી મણીન્દ્રભૂષણ ગુપ્ત

કલકત્તા કલાશાળાના કલાકાર મિત્રોનાં ચાપાનનાં નોતરાં પણ મારે મન તો તે વ્યક્તિનો પરિચય અને તેમની કળાનો વિસ્તાર સમજવાને બહુ ઉપકારક બન્યાં હતાં. તેમાંના એક શ્રી મણિબાબુ તો અમદાવાદ બે વર્ષ શેઠ અંબાલાલ સારાભાઈને ત્યાં ચિત્રાચાર્ય તરીકે રહી ગયા હતા ત્યારનું અમારે ઓળખાણ હતું. એ ભાઈશ્રીએ હિદુસ્તાનના ચારે ખૂણાના અનુભવ લીધા છે. પહેલાં એ શાંતિનિકેતન કળાશાળામાં દીક્ષા પામ્યા. વચ્ચે સીલોનની ચિત્રશાળામાં પણ જઈ આવ્યા અને છેવટે શાંતિનિકેતનમાં જઈ વિશ્રાન્તિ લીધી. ત્યારબાદ કલકત્તા કળાશાળાના સ્ટાફમાં જોડાઈ હવે કાયમની માટે બેસી ગયા છે. તેમના પ્રવાસો, પરિભ્રમણો અને ઉદ્યોગની પ્રતીતિરૂપે તેમની પાસેનાં સેંકડો ચિત્રો, સ્કેચ અને ઈચિંગ વગેરે જોઈ હું દંગ થયો. બધાં કામમાં તેમની ઉદ્યોગશીલતા અને લગનીની એકસરખી છાપ હતી. દરેક ચિત્રના વૃત્તાંત અનુસાર તેનાં સંશોધન, ગોઠવણ અને વિચારનિરૂપણમાં તેમણે કંઈ ખામી રાખી નહોતી, છતાં પણ કંઈક એવું તત્ત્વ આડે આવતું કે ચિત્રમાં પ્રસાદ રહી જતો.

મને તેમનાં રંગકામો કરતાં લીનોકટ અને ઇચિંગ ગમ્યાં. સારા અધ્યાપક તરીકે તેમણે બેશક પૂર્ણ તૈયારી કરી હતી. તેમણે મને એટલાં બધાં ચિત્રો બતાવ્યાં કે તેમની એકલાની જ કૃતિઓનું એક સારું પ્રદર્શન થાય. પણ આજે તો કલાકારો લોકજીવનમાં ઊતરી શક્યા નથી તેમજ લોકો કલાકારોનો ઉપયોગ કરી જાણતા નથી.

શ્રી રમેન્દ્રનાથ ચક્રવર્તી

બીજે દિવસે રમેનબાબુનું ઘર શોધવા ભાઈ શિવકુમાર જોષીને લઈ બારેક માઈલ જેટલો ટ્રામનો પ્રવાસ કરવો પડ્યો. માટુંગા-માહીમ જેવો નવો વસેલો એ લત્તો કંઈક મુંબાઈનું સ્મરણ આપતો હતો. તેના એક નવા બંધાવેલા મકાનના દાદર પર પહેલે જ માળે રમેનબાબુનું પાટિયું વાંચી બારણું ખખડાવ્યું તો તેમણે જ આવીને ઉઘાડ્યું. ત્રણચાર ખંડવાળા એ ફ્લેટમાં તેમણે પોતાનો નિવાસ સમાવી દીધો હતો. સરળ, સંતોષપૂર્ણ હાસ્યભર્યું તેમનું તાલવાળું મુખ જોનારને એકદમ ગમી જાય છે. એ નાનકડા ખંડમાં યે બારી આગળ એક મોટી પાટ પર તેમની મુલાકાતની બેઠક હતી. બંગાળમાં લગભગ બધે આ શોખ જોવામાં આવ્યો. આથી ખુરશીઓની જરૂર ભાગ્યે જ પડે છે અને પાટલૂન તેમજ ધોતીવાળા બધા સગવડથી તેનો ઉપયોગ કરી શકે છે. વાંચન, રમત, ચિત્રકામ, સંગીત બધું જ તેના ઉપર થઈ શકે ને કોઈને આડે પડખે લેટવું હોય તો પણ ફાવે.

રમેનબાબુ શાંતિનિકેતનમાં મુખી શ્રેણીના વિદ્યાર્થી હતા તે વખતે કનુભાઈ પણ ત્યાં હતાં. એટલે તેમણે તેનું સ્મરણ આપ્યું. અમારા ઉભયના મિત્રશ્રી વનવિહારી ઘોષ અમદાવાદમાં છે તેનું પણ એમણે સ્મરણ કર્યું અને તરત પરિચયનો પુલ સંધાઈ ગયો. રમેનબાબુુની નિખાલસતા અને સરળતા બહુ લાક્ષણિક છે. શાંતિનિકેતનમાં પણ તેમણે માન કાઢ્યું હતું. ‘કુમાર’ના ૯૧માં અંકમાં તેમના હાથનું કમળ, તળાવડીમાં હોડી હંકારતાં બાળકોનું એક રંગચિત્ર પ્રકટ થઈ ગયું છે. ‘મોર્ડન રિવ્યુ’માં પણ તેમનાં ઘણાં ચિત્રો બહાર આવેલાં. કલકત્તા આર્ટ સ્કૂલના હેડમાસ્તરની જગ્યા ખાલી પડતાં તેની કમિટી તરફથી માગવામાં આવેલી ઉમેદવારોની પચાસેક અરજીઓમાંથી રમેનબાબુની પસંદગી થઈ એ જ તેમના સંસ્કાર અને શક્તિનું માપ બતાવે છે. કંઈક વિશાળ અનુભવ અને શિક્ષણ માટે બેચાર વર્ષ પહેલાં તે ઈંગ્લેંડ અને ફ્રાન્સની શાળાઓનો પરિચય પામવા તેમજ યુરોપની કળાસંપત્તિ નીરખવા ગએલા. તે વખતે ત્યાં તેમણે પોતાનાં વુડકટ, લીનોકટ, ઇચિંગ, એકવાટિન્ટ, લીથોગ્રાફ અને હિંદી શૈલીનાં ચિત્રોનાં પ્રદર્શનો ભરેલાં અને તેની એકએક દેશમાં ભારોભાર પ્રશંસા થએલી.

તેમનાં ચિત્રો માત્ર પ્રાચીન વિષયોમાં જ બંધાઈ નથી ગયાં. પણ સામાન્ય રોજિંદા પ્રસંગો અને ચિત્રોમાં પણ તે લાગણીની તીવ્રતા દર્શાવી શકે છે. એક થોકબંધ ચિત્રમાળા માત્ર પેન્સિલથી જ કરેલી તેમણે મને બતાવી ત્યારે પ્રામાણિક ને વિશુદ્ધ દૃશ્યાલેખનમાં તેમની જોડીમાં મુકાય એવો કોઈ કલાકાર મુંબાઈ કે ગુજરાતમાં નહિ હોય એમ લાગ્યું. આપણા પ્રાંતમાં ઇચિંગ, લીથોગ્રાફ કે ઍક્વાટિન્ટ હજુ રડ્યાખડ્યા નમૂના કે વાતો જ છે, ત્યારે આ તરૂણ કલાકારે તેમાં યુરોપી નિષ્ણાતોની ભારે પ્રસંશા મેળવી છે. ઑક્સફર્ડના પ્રમાણભૂત કલાકાર સર મૂરહેડ બોન જેવાને તો કહેવું પડ્યું કે અંગ્રેજ કલાકારો પૈકી થોડાક જ તેમના જેટલી સૌંદર્યભાવના પકડી શક્યા છે. ઇંગ્લેંડ રૉયલ ઍકૅડમીના પ્રમુખ સર વિલયમ લેવેલીને તેમને માનાર્ધ્ય આપ્યો કે તેમણે પોતાની કૃતિઓમાં આધુનિકજીવનની આલોચના કરી છે છતાં તે લાક્ષણિકતામાં તો હિંદી જ છે. પણ આ તો બહારની તારીફો છે. ખુદ કલકત્તાની ચિત્રશાળાના સ્ટાફમાં તે એક સવિશેષ કલગીરૂપ છે. શોક તો એ જ થાય છે કે આવા શક્તિવંત કલાકારો હિંદમાં હોવા છતાં હિંદના રાજા મહારાજાઓનાં કામો પરદેશોને જ સમૃદ્ધ બનાવે છે. રમેનબાબુએ હિંદી આલેખના જેવી જ સિદ્ધિ યુરોપીય ઇચિંગ અને લીથોગ્રાફમાં બતાવી છે. આવા કલાકારોનાં પ્રવાસી પ્રદર્શનો ગામે-ગામ ગોઠવ્યાં હોય તો પ્રજાના સંસ્કાર અને આત્મવિશ્વાસને બહુ જ ઉત્તેજના આપી શકે.

એમના સમાગમમાં ત્રણ કલાક તો ચપટી વાગે એમ પૂરા થઈ ગયા. છેવટે એમણે મારો એક સ્કેચ ખેંચ્યો, અને મને પણ એ તક યાદ કરવા જેવી લાગી એટલે મારી સ્કેચબુકમાં પણ રમેનબાબુની મુદ્રા ઉતારી લીધી અને સુંદર યાદગીરી સાથે અમે રજા લીધી.


વધુ વાર્તાઓનું પઠન
તબક્કાવાર આવતું રહેશે

ઑડિયો રેકોર્ડિંગ સંકલન : 

શ્રેયા સંઘવી શાહ
ઑડિયો પઠન: 

અનિતા પાદરિયા
અલ્પા જોશી
કૌરેશ વચ્છરાજાની
ક્રિષ્ના વ્યાસ
ચિરંતના ભટ્ટ
દર્શના જોશી
દિપ્તી વચ્છરાજાની
ધૈવત જોશીપુરા
બિજલ વ્યાસ
બ્રિજેશ પંચાલ
ભાનુપ્રસાદ ઉપાધ્યાય
ભાવિક મિસ્ત્રી
મનાલી જોશી
શ્રેયા સંઘવી શાહ
કર્તા-પરિચયો: 

અનિતા પાદરિયા
પરામર્શક: 

તનય શાહ
ઑડિયો એડિટિંગ:

પ્રણવ મહંત
પાર્થ મારુ
કૌશલ રોહિત

ગુજરાતી ઑડિયો વાર્તા
સાંભળવા અહીં ક્લીક કરો


» ગોવાલણી » એક સાંજની મુલાકાત
» શામળશાનો વિવાહ » મનેય કોઈ મારે !!!!
» પોસ્ટ ઓફિસ » ટાઢ
» પૃથ્વી અને સ્વર્ગ » તમને ગમીને?
» વિનિપાત » અપ્રતીક્ષા
» ભૈયાદાદા » સાડાત્રણ ફૂટની ઘટના
» રજપૂતાણી » સળિયા
» મુકુંદરાય » ચર્ચબેલ
» સૌભાગ્યવતી!!! » પોટકું
» સદાશિવ ટપાલી » મંદિરની પછીતે
» જી’બા » ચંપી
» મારી ચંપાનો વર » સૈનિકનાં બાળકો
» શ્રાવણી મેળો » શ્વાસનળીમાં ટ્રેન
» ખોલકી » તરસના કુવાનું પ્રતિબિંબ
» માજા વેલાનું મૃત્યુ » સ્ત્રી નામે વિશાખા
» માને ખોળે » અંધારી ગલીમાં સફેદ ટપકાં
» નીલીનું ભૂત » ઇતરા
» મધુરાં સપનાં » બારણું
» વટ » ત્રેપન સિંહ ચાવડા જીવે છે
» ઉત્તરા » બદલી
» ટપુભાઈ રાતડીયા » લીલો છોકરો
» લોહીનું ટીપું » રાતવાસો
» ધાડ » ભાય
» ખરા બપોર » નિત્યક્રમ
» ચંપો ને કેળ » ખરજવું
» થીગડું » જનારી
» એક મુલાકાત » બદામી રંગનો કોટ અને છત્રી
» અગતિગમન » ગેટ ટુ ગેધર
» વર પ્રાપ્તિ » મહોતું
» પદભ્રષ્ટ » એક મેઈલ