સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/અનુભાવવૈશિષ્ટ્ય

Revision as of 15:54, 4 July 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

અઅનુભાવવૈશિષ્ટ્ય

પ્રસાદજીની બેચેનીના અનુભાવો પણ કેટલાક લાક્ષણિક છે. વારેવારે ઊંઘ ઊડી જવી એ બેચેનીનો જાણીતો અનુભાવ પણ દાતણ કરતાંકરતાં મોં વચ્ચેવચ્ચે અટકી પડવું એ વાર્તાકારની ઝીણી સૂઝનો દ્યોતક એવો એક નવીન અનુભાવ, ને દેવપૂજા વખતે પોતાના ઇષ્ટ દેવના નામજપનમાં વિક્ષેપ થયા કરવો – ‘યા રહીમ! યા રસૂલ!’નો ઉદ્ગાર સંભળાયા કરવો એ તો આ વાર્તાનો લાક્ષણિક અનુભાવ. આ અનુભાવોને પાછા વાર્તાકારે શિવપ્રસાદજીની સ્વસ્થ નિત્ય ક્રિયાઓની સામે મૂકીને એને ઉઠાવ આપ્યો છે, એની અસાધારણતા બતાવી છે : બજારુ ઓરત સાથેના સંબંધ પછી, પત્ની, ધર્મ, અંતરાત્મા કશાનો વિરોધ અનુભવ્યા વગર જે સ્વસ્થ નિદ્રા લઈ શકતા તે શિવપ્રસાદજી આજે પડખાં ફેરવી રહ્યા છે, રોજ બાળકોના કલ્લોલ વચ્ચે જાગવાનું ને બે બાળકોને બે પડખે લઈ દાતણ કરવાનું સુખ માણતા શિવપ્રસાદજી આજે દાતણ કરતાંકરતાં થંભી જાય છે વગેરે. રામનારાયણના ‘છેલ્લું દર્શન’ના અનુભાવોમાં પહેલી દૃષ્ટિએ વિલક્ષણતા ભાસે એવું છે. ભાવ છે સૌંદર્યભક્તિનો. એમાં અગરુ, દીપ, ચંદન, કુસુમ આદિ સામગ્રી ધરવાની ચેષ્ટા બરાબર છે. પણ આંખમાં આવતાં આંસુને અટકાવવાની વાત ક્યાંથી? આનું કારણ તે વિભાવની વિચિત્રતામાં છે. વિભાવ છે સ્ત્રીસૌંદર્ય, પણ એ મૃત્યુ પામેલી સ્ત્રીનું સૌંદર્ય છે. એના દર્શનથી કૃતાર્થ થઈ જવા માટે આંખનાં આંસુને અટકાવવાં જરૂરી બને છે અને સૌંદર્યને અખંડિત રાખવા માટે કશું સ્મૃતિચિહ્ન ન લેવાનું જરૂરી બને છે. આમ વિભાવવૈશિષ્ટ્ય અનુભાવવૈશિષ્ટ્યને ખેંચી લાવે છે. ન્હાનાલાલના ‘વીરની વિદાય’માં વીરપત્નીનો પ્રીતિભાવ કેવા અનુભાવોથી વ્યક્ત થયો છે! – ઘેર રહીને બખ્તર વજ્રની સાંકળી ગૂંથી રણમાં પાઠવવી, સાથે લે તો રણમોડ ધરીને રણલીલા ખેલવી, જીતીને આવે તો ફાગ રમવો, ને વીરગતિ પામે તો સુરગંગાને તીર ભેગા થવું. હા, આ બધા શૃંગારના અનુભાવો જ છે, શૃંગારના પરંપરાગત અનુભાવોથી ઘણા જુદા. આ વીરપત્નીના અને યુદ્ધમેદાનમાં જઈ રહેલા વીરની પત્નીના અનુભાવો છે એમાં એનું ઔચિત્ય અને એની યથાર્થતા છે.