સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાકા કાલેલકર/એકલો

Revision as of 11:18, 27 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} દક્ષિણ આફ્રિકામાં એક વાર એક ગોરો ગાંધીજીને મળવા આવ્યો. બો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          દક્ષિણ આફ્રિકામાં એક વાર એક ગોરો ગાંધીજીને મળવા આવ્યો. બોલ્યો : “મિસ્ટર ગાંધી, હું તમારો એક પ્રશંસક છું — ‘છું’ કહેવા કરતાં ‘હતો’ કહેવું જોઈએ. મારા મનમાં તમારે માટે અસીમ ભક્તિ હતી. હવે તે રહી નથી. તમને હું એક મહાન આધ્યાત્મિક પુરુષ માનતો હતો. અને મારો દૃઢ મત છે કે જેના જીવનમાં શુદ્ધ અધ્યાત્મ હોય છે, એને લોકો માનતા નથી હોતા. એમને વિશે અનેક ગેરસમજ ફેલાય છે અને તેને એકલા પોતાને રસ્તે જવું પડે છે. તમે આજ સુધી તેવા હતા, પણ હવે નથી. આજે અનેક લોકો તમારી પાછળ ચાલવા લાગ્યા છે. તમે કહો છો તે લોકો માને છે. આ ઉપરથી મને લાગવા માંડયું છે કે હવે તમારી પાસે શુદ્ધ સત્ય નથી. એમાં ‘વહેવાર’ પણ થોડોક ભેળાયો હોવો જોઈએ. તે ગમે તેમ હો; તમને દુનિયામાં યશ મળતો રહેશે, પણ મારી ભક્તિ મળવાની નથી.” ગાંધીજીએ જેમની એકનિષ્ઠાથી અખંડ સેવા કરી, તેમાંથી કેટલા લોકો છેલ્લે છેલ્લે એમનું કહેલું માનવા તૈયાર હતા? ગાંધીજીનો યશ જોઈને ગાંધીજી પરની પોતાની ભક્તિ નષ્ટ થઈ, એવું કહેનારો પેલો ગોરો જીવતો હોત તો ગાંધીજીના છેલ્લા દિવસો જોઈ એણે અવશ્ય કહ્યું હોત કે ક્રોસ પર ચડનારા ઈશુનો જ આ આધુનિક અવતાર છે.

જર્મન કવિ ગટેએ કહ્યું છે કે, વિભૂતિમાન પુરુષો કોઈના મિત્રા થઈ શકતા નથી. ગાંધીજી કહે છે કે સાચો મોક્ષાર્થી માણસ કોઈનો જ મિત્રા ન થઈ શકે, અથવા આખા જગત સાથે એની મૈત્રી હોય છે.