અર્વાચીન કવિતા/જનાર્દન ન્હાનાભાઈ પ્રભાસ્કર

Revision as of 12:59, 14 July 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
જનાર્દન ન્હાનાભાઈ પ્રભાસ્કર

‘વિહારિણી’ (૧૯૨૬), ‘શરદિની’ (૧૯૨૮), ‘મંદાકિની’ (૧૯૩૨), ‘રાસનન્દિની’ (૧૯૩૪) પ્રભાસ્કરનાં કાવ્યોમાં ન્હાનાલાલની ગીતકવિતાના સંસ્કારો તથા ઘણે ઠેકાણે સ્પષ્ટ અનુકરણ છે. ન્હાનાલાલનો ‘રાસવારસો’ પામેલા કેટલાક લેખકોમાં આ લેખકનું સ્થાન કેશવ હ. શેઠ પછી મૂકી શકાય. એમનાં અનુકરણોમાં પણ ક્યાંક મૌલિકતાની તથા કવિતાની તરલ છાંટ આવેલી હોવાથી એમની કવિતા ઢગલેબંધ લખાતાં ‘રાસ’ નામધારી જોડકણાંમાંથી બચીને થોડુંક સ્વતંત્ર સ્થાન મેળવી શકે તેવી બનેલી છે. લેખકનાં કાવ્યોના સંગ્રહોમાંના પહેલા સંગ્રહ ‘વિહારિણી’ (૧૯૨૬)નાં ૫૭ ગીતોમાં કેટલાંકનાં ધ્રુવપદોના ઉપાડ સારા છે. એ કાવ્યોમાં પ્રણયના, કુદરતના તથા જીવનના આછા કુમળા ભાવોને લેખક સ્પર્શ્યા છે. પ્રભાસ્કરની કલમમાં કલાની દૃઢતા તથા રસની ગહનતા નથી. ઘણાખરા ભાવો અત્યંત વાચ્ય બનેલા છે. ‘પિય્ર એ જ ચહું!’ એ સુરેખ સંપૂર્ણ ઊર્મિગીત બની શક્યું છે.

પ્રભો મ્હારી જીવનનૌકા જરા તટપર લગાવી દો
નહિ તો ડૂબશે, એ’ને તરંગોથી બચાવી દો.

.........

ચ્હાજો મ્હને થોડું ભલે, ચ્હાજો પરન્તુ સર્વદા!

જેવી મનોરમ લીટીઓ કાવ્યોમાં છે. આ સંગ્રહમાં કેટલાક અનુવાદ કે બીજાના વિષયો પરથી ઉપજાવેલાં કાવ્યો પણ છે, જેમાં ‘વિરામચિહ્મ’નું કાવ્ય સૌથી વધુ ઉત્તમ બનેલું છે. ન્હાનાલાલનાં કેટલાંક ગીતોનાં ઢાળ, વિષય અને રજૂઆત એ ત્રણેને અપનાવી કોક નવો ભાવ તેમાં રજૂ કરવાની આ લેખકે એક નવીન કાવ્યરીતિ ઉપજાવી છે. આવાં કાવ્યો ‘પ્રતિકાવ્ય’થી રસમાં જુદાં અને વધારે ગંભીર હોઈ એને ‘અનુકાવ્ય’ જેવું નામ આપી શકાય. એ કાવ્યોમાં મૂળ કાવ્યોની સાથે સરખાવતાં નવા રસ જેવું કશું હોતું નથી; પરન્તુ એક વાર એ મૂળ ગીત સ્મરણમાં ન હોય, અથવા હોય તો તેને ભૂલી જઈ શકાય તો આ ‘અનુકાવ્ય’ કેટલીક વાર મઝાની અસર કરી જાય તેવાં બની શક્યાં છે. ‘વિહારિણી’માં આવાં કાવ્યો ‘આમ્રકુંજ’ ‘અમીજ્યોત’ ‘રંગ હું તો ભૂલી’ વગેરે છે. ‘શરદિની’નાં ૫૦ ગીતોમાં લેખકે આ ‘અનુકાવ્ય’ની પ્રવૃત્તિ વિશેષ ખીલવી છે, જેમાંથી ‘ફૂલડાં કેમ વીણીએ?’ તથા ‘પ્રણયનાં દાન’ સૌથી સારાં બનેલાં છે. આ સંગ્રહમાં લેખક ખબરદારનાં કાવ્યોના અનુકરણ તરફ પણ વળ્યા છે. ‘મંદાકિની’નાં ૪૫ ગીતોમાં ‘વિશ્વરમણા’ ‘મંજરી મ્હોરી રહી રે’ ‘ગૃહ કોકિલા’ ‘કામણ કોણે કર્યાં રે’ વિશેષ મધુર અને રસાવહ છે. ‘સનાતન શાંતિ’ સંગ્રહનું સૌથી સારું કાવ્ય લાગે છે. ‘રાસનન્દિની’માં લેખકે પોતાના જૂના સંગ્રહોનાં ગીતો ઉપરાંત થોડાંક નવાં ઉમેરેલાં છે. આ નવી કૃતિઓમાં પદબંધ અને ભાષામાધુર્યમાં વિશેષ પ્રગતિ દેખાય છે. ‘સુખાભાસ’ જેવામાં લેખક વિચારને સુરેખ રીતે વિકસાવી પણ શક્યા છે. ‘હરિજન આવોને’ સારું ગીત બન્યું છે. જુગતરામ દવે લોકસેવાના અવગુંઠનમાં ઢંકાયેલા એક ઉત્તમ કવિ છે. સામાજિક અને રાજકીય પ્રવૃત્તિઓમાંથી ઘડીક નિવૃત્ત થઈ તેઓ જ્યારે પોતાની અંદરના કવિને પ્રગટ થવા દે છે ત્યારે તે કવિ કોઈ અતિ સુભગ કૃતિઓ દ્વારા પોતાનું રૂપ વ્યક્ત કરે છે, જોકે તેમની કેટલીક રચનાઓ, ‘આંધળાનું ગાડું’ જેવી તેમના સામાજિક કાર્યમાંથી જ પ્રગટેલી હોય તેવી છે. એ અર્વાચીન કાળમાં લખતા હોવા છતાં તેમની શૈલીનાં ઉત્તમ લક્ષણો પ્રાચીન પ્રૌઢ કાવ્યશૈલીને તથા લોકવાણીના કાવ્યને મળતાં આવે છે. તેમણે ‘અચલાયતન’ તથા ‘બે કેરી’ નાટિકામાં જે કેટલાંક ગીતો મૌલિક તથા ઉદ્‌ભાવિત રૂપે આપ્યાં છે તથા જે એક સળંગ કથાકાવ્ય ‘કૌશિકાખ્યાન’ આપ્યું છે તે પરથી તેમની ઉપરનાં લક્ષણોવાળી ગૂઢ કાવ્યશક્તિનો કંઈક ખ્યાલ આવે છે. તેમનાં ગીતોમાં લોકવાણીનું પ્રગલ્ભ મધુર અને છતાં અનુપમ સૌંદર્યથી મંડિત એવું એક નવું જ લાક્ષણિક રૂપ મળે છે. ‘કૌશિકાખ્યાન’ (૧૯૨૬) લગભગ મહાકાવ્યના જેવી પ્રૌઢ પ્રસન્ન છટાથી લખાયેલું છે. આટલા નાનકડા કાવ્યમાં પણ લેખકની પસંદગીની ઉત્કૃષ્ટતા, ઉદ્‌ગારની રસવત્તા, અને નિરૂપણની કુમાશ તથા સૌંદર્યસંપન્નતા જણાઈ આવે છે. કાવ્યમાં મરાઠી ઓવી છંદ પ્રયોજાયો છે એ એનું વૃત્ત પરત્વે એક ગણનાયોગ્ય પ્રસ્થાન છે. મરાઠીમાંથી આપણે અપનાવેલું આ છેલ્લું વૃત્ત છે. અચૂક કળાદૃષ્ટિ તથા શબ્દ અને અર્થનું પ્રસન્ન અને સુંદર સંમિશ્રણ વ્યક્ત કરતું આ કાવ્ય ગુજરાતીમાં પ્રાચીન પરંપરાના કળાવતારનું એકલ છતાં સુંદર પ્રતિનિધિ છે. રંજિતલાલ હરિલાલ પંડ્યા – ‘કાશ્મલન’ના ‘રામની કથા’ (૧૯૨૬)માં અગિયાર સર્ગોમાં રામાયણની વાર્તા આવે છે. દરેક સર્ગ નાનકડા ખંડકાવ્ય જેવો છે. કાવ્યની શૈલી પ્રૌઢ, અર્વાચીન ઢબની, શિષ્ટ અને બળવાળી છે. કાવ્ય ઝડપથી રામાયણની બધી વસ્તુને આવરી લે છે એ તેનો ખાસ ગુણ છે. કાવ્ય મોટે ભાગે પ્રસંગોના વર્ણનથી અટકી જાય છે, તોપણ એ વર્ણનો કેટલીક વાર લાક્ષણિક, સુંદર અને રસાવહ બન્યાં છે. એ જ લેખકના ‘કાશ્મલનનાં કાવ્યો’ (૧૯૩૪)માં અર્વાચીન શૈલીનાં ૧૯૦૭-૧૦ની વચ્ચે લખાયેલાં ત્રીસેક કાવ્યો છે. લેખકે વિનમ્ર નિખાલસતાથી પોતાની કાવ્યશક્તિની મર્યાદા સ્વીકારી છે, છતાં કેટલાંક કાવ્યોમાં તે કાન્તની લલિત બાનીની ઘણા નજીક આવી શક્યા છે. ‘શકુન્તલા’ અને ‘જમદગ્નિ અને રેણુકા’ એ સારાં ખંડકાવ્યો છે; જોકે ‘શકુન્તલા’માં કણ્વ મુનિને શુષ્ક યોગભ્રષ્ટ તરીકે વર્ણવાયા છે તે બરાબર નથી. પણ લેખકની સૌ કૃતિઓમાં આ સૌથી સારી લાગે છે. ‘પીડિત હૃદય’ સુંદર ઊર્મિકાવ્ય બનેલું છે.