ગૌરીનાં ગીતો (૧૯૨૯), ગલગોટા (૧૯૩૦), ટ્હૌડા (૧૯૩૧). ન્હાનાલાલના ગુરુત્વાકર્ષણથી ખેંચાઈ તે તરફ પોતાની કાવ્યશક્તિ વાળનાર લેખકોમાં ત્રીજા મહત્ત્વના લેખક દેશળજી પરમાર છે. એમની વિશેષતા એ છે કે તેમની કૃતિઓ વધુ મૌલિક બનેલી છે. ‘ગૌરીનાં ગીતો’માંથી કેટલાંક સુંદર મૌલિક ઊર્મિકાવ્ય બન્યાં છે, કેટલાંકમાં લોકગીતની કમનીયતા પણ આવેલી છે. આ ગીતોમાં લેખકની પોતાની જ એવી કલ્પનાની કુમાશ ઉપરાંત ન્હાનાલાલનું ચારુત્વ પણ પ્રવેશેલું છે. ‘વીરો વધાવો’ ‘ભાઈબ્હેન’ તથા ‘વર્ષાનો રાસ’માં લોકગીતની રમણીયતા છે. ‘પતંગિયાનું ગીત’, ‘ફૂલડું કરમાણું રે’, ‘પૂર્વની પૂજા’, ‘શૈશવનો રાસ’, ‘મારાં ફૂલ’, ‘મોગરાની માળા’ કાવ્યોમાં બાળગમ્યતા વિશેષ રહેલી છે અને તે લોકપ્રિય બાળગીતો બનેલાં છે. સંગ્રહનાં કેટલાંક ગીતોમાં બાની પૂરેપૂરું રસત્વ નથી પામી શકી, શબ્દો લુખ્ખા રહી જતા દેખાય છે. ‘ગલગોટા’ તથા ‘ટ્હૌકા’માં બાળકો માટેનાં જોડકણાં છે. ભારે અર્થવાહિતાથી મુક્ત એવાં હળવાં અર્થમુક્ત જોડકણાં લખવાની શરૂઆત એમણે જ પહેલી કરી છે. અને તે બધાં કોક ને કોક રીતે સુંદર બનેલાં છે. એમાં ‘તકલી’નું ગીત સૌથી વધુ મનોહર છે. આ બન્ને પુસ્તકોના રંગઢંગ બાળકોના કુતૂહલને ઉત્તેજે અને સંતોષે તેવા આકર્ષક બનેલા છે. ગીતો તથા બાળકાવ્યો ઉપરાંત પરમારે ગંભીર ભાવવાળાં કાવ્યો પણ ઠીક ઠીક લખેલાં છે, જે હજી પુસ્તકરૂપ લઈ શક્યાં નથી. અસહકાર પછીના નવા જીવનોત્સાહનાં, નૂતન પુરુષાર્થ અને બલિદાનનાં ગાન કરનારા લેખકોમાં પરમારનું નામ જાણીતું છે. આ કાવ્યોની શૈલી અર્થપ્રધાન રીતે વસ્તુને નિરૂપનારી છે છતાં તેનું મુખ્ય ઘડતર ન્હાનાલાલની શૈલીની છાયામાં થયેલું છે. કેટલેક સ્થળે દલપતશૈલીની પણ છાયા દેખાય છે. ન્હાનાલાલની ઢબે આ કાવ્યોમાં શબ્દોનો ઘટાટોપ વિશેષ બને છે, વિચારની સુરેખતા ઓછી આવે છે, તથા કાવ્યની એકાગ્રતા પૂરતી હોતી નથી. આ કાવ્યોના ભાવ તથા વિચારમાં વસ્તુના ઘનસ્પર્શ કરતાં તેને કલ્પના તથા શબ્દાવલિથી લડાવવાનું વલણ વિશેષ દેખાય છે. લેખકમાં જીવનનો સ્પર્શ પણ કાલ્પનિક રીતનો વિશેષ છે તેમ છતાં ‘અમર ઇતિહાસે’ ‘મૃગચર્મ’ ‘ઘેલી આંખડી’ ‘પ્રત્યાઘાત’ જેવાં કાવ્યોમાં ભાવનું તથા વિચારનું અભિનવ સૌન્દર્ય આવી શક્યું છે, અને તે મનોહર કળાકૃતિઓ બની છે તેમાં ય વિશેષે ‘મૃગચર્મ’ જેવાં કાવ્યમાં કવિની લલિત અને ઋજુ બાનીએ ઘણી પારદર્શક સુરેખતા ધારણ કરી છે.
આ વ્હાલસોયાં મુખ પીઠ પાયનું,
ચાલી ગયું ચંચળ નૃત્ય ક્યારનું.
તું જે દિનાન્તે વનમાં વીંધાયલું
ને મૃત્યુની અન્તિમ યાતનામાં,
– બાણકેરું છિદ્ર આ,
ડોક આ મરડાયલી,
આ રૂપેરી છાતીની યે,
કંપતી રોમાવલી,
વૈરી-વિખેરી વળી અશ્રુમાલ તે :
તે જોઉં છું સૌ, મૃગચર્મ તૂંમાં!
અને સૌ જીવોનો ક્ષણિક ભવસંગાથ વસતો :
મને સંબંધોનો કપટપટુ સંમોહ ખસતો :
નયન તુજ ભગવો જ લસતો.
પ્રાણહીન મૃગચર્મમાંથી પ્રેરણા પામી એ ચર્મ ધારણ કરનાર જીવતા મૃગનું, તેની અંતિમ કરુણ ક્ષણોનું, અને તેમાંથી ઊઠતા દ્રાવક વિરાગનું આ નિરૂપણ આ કાવ્યને ગુજરાતી કવિતામાં ઉત્તમ ઊર્મિકાવ્યોમાં સ્થાન અપાવે તેવું છે. નાગરદાસ ઈ. પટેલના ‘વ્યોમવિહાર’ (૧૯૩૦)માં અર્વાચીન શૈલીનાં કેટલાંક સારાં કાવ્યો છે. ‘ઉર્વશી-અર્જુન’ તથા ‘વ્યાધની ચિંતા’ એ ખંડકાવ્યોમાંથી બીજાની વાર્તા ચમત્કૃતિવાળી છે. લેખકે કાવ્યોને વધારે પડતાં બોધપ્રધાન કરી મૂક્યાં છે. લેખકને ગીતોની હથોટી સારી છે. ‘પરણ્યાને દરબાર’ ‘નયનની જ્યોત અંજાઈ’ તથા ‘જય સ્વદેશ જય સ્વરાજ’નાં ગીતો સુંદર છે. છેલ્લું ગીત ખૂબ જાણીતું થયું છે. લેખકને મુક્તકો લખવાની હથોટી પણ છે, જેમાંનાં કેટલાંક સારાં છે. ‘દેશકીર્તન’ અને ‘નવલ વલ્લરી’ એ લેખકનાં બીજાં કાવ્યપુસ્તકો છે.