અર્વાચીન કવિતા/‘ઋષિરાય’–હરજીવન કુબેરજી ત્રવાડી

Revision as of 01:45, 15 July 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
‘ઋષિરાય’ – હરજીવન કુબેરજી ત્રવાડી
(૧૮૩૫ – ૧૯૨૭)

ચાવડા ચરિત્ર (૧૮૬૭), ઋષિરાયનાં ભજનો : નીતિબોધ ચિંતામણિ (૧૮૯૨) ગુજરાતના ભક્તિપ્રિય આમ વર્ગમાં તેમનાં ભજનો દ્વારા ‘ઋષિરાય’ તરીકે ઘણા લોકપ્રિય થયેલા તથા ગુજરાતના આધ્યાત્મિક જીવનમાં પણ કીમતી ફાળો આપનાર આ સંત કવિ તેમની પૂર્વાવસ્થામાં દલપતરામના એક નિકટના મિત્ર હતા અને તેમની શૈલીના એક ઘણા સફળ અનુસરનારા હતા. ઉત્તર ગુજરાતનાં નાનાં દેશી રાજ્યોમાં ચાવડા વંશના વારસોનું હજી પણ એક નાનું સંસ્થાન છે. તેના વારસોને પોતાના આદિ પૂર્વજની યશગાથા કાવ્યમાં અંકિત કરવાનું મન થયું અને તે માટે તેમણે દલપતરામને આમંત્રેલા. જવાબમાં, દલપતરામે હરજીવનની એ કાર્ય માટે ભલામણ કરેલી. અને હરજીવને ‘ચાવડાચરિત્ર રચી આપ્યું, જેને બીજી આવૃત્તિમાં ‘ચાપોત્કટચરિત્ર’ નામ આપવામાં આવેલું. એ લાંબા વર્ણનાત્મક કાવ્યમાં હરજીવનનું દલપતરીતિની કાવ્યશૈલી ઉપરનું પ્રભુત્વ જણાઈ આવે છે. દલપતરીતિનાં સરળતા અને પ્રસાદ તેમનામાં પૂરેપૂરાં ઊતરેલાં છે. ઉત્તરજીવનમાં તેમણે આધ્યાત્મિક જીવન અંગીકાર કર્યું અને ડાકોરમાં રહેવા લાગેલા. એ પછી તેમની કૃતિઓ ઈશ્વરભક્તિ તરફ વળી. તેમનાં સંખ્યાબંધ ભજનો ગુજરાતના દૂરદૂરના ખૂણામાં પહોંચી ગયેલાં છે અને સમાજના બધા થરોમાં એકસરખી રીતે લોકપ્રિયતા પામેલાં છે. ‘ચાવડાચરિત્ર’માંથી કેટલાંક અવતરણો :

‘....ગુણયલ ગુર્જર દેશ,
દેશ વડો એ દેશમાં, સર્પમાંહી જ્યમ શેશ.
*
ચતુરંગીસેના ચડી, દેઈ દદામે ઘાવ.
ઘણણાટ ઘણણણ ઘમઘમે, ગજરાજ કોટે ઘૂઘરા,
હણણાટ હય ત્યાં હણહણે, ખણણાટ ખમખમ રથ ખરા.
...અતિ પવનવેગી ઊંટિયા, ભભકાર મુખ વાણી ભણે,
ફડુડાટ નેજા ફડફડે, ત્રુહિ કારમી ઘણિ તણતણે.
...સેન સર્વને સજ કરી, ચઢિયો ચાવડરાય,
ઉત્તરથી જ્યમ ઊપડી, જળધર દક્ષણ જાય.

‘ઋષિરાય’નાં આ બધાં ભજનો એકસરખો ઊંચો કાવ્યગુણ ધરાવે છે એમ તો નથી જ. પ્રાસ અને ઝડઝમકનો વિવેકહીન અતિરેક આ ભજનોમાં પણ આવી ગયો છે, છતાં દલપતરીતિની પ્રાસાદિકતામાં તેમના તરફથી મૌલિક માધુર્ય, ગીતની કલાત્મક ચોટ, લોકબાનીનો મીઠો વળાંક અને સુરેખ કલ્પનાશક્તિ ઉમેરાયાં છે. તેમની વાણીમાં તત્ત્વદર્શનની સ્વસ્થતા છે અને સાથે સાથે ભક્તિનો ઉમળકો પણ છે. આપણી તત્ત્વનિરૂપણની એક ચમત્કારભરી પદ્ધતિને અનુસરીને લખાયેલું તેમનું એક ‘અવળવાણી’ કાવ્ય તેમની પ્રતિભાનો અચ્છો ખ્યાલ આપે છે :

આ દશા સદ્‌ગુરુ થકી આવે; ભલા રે આ દશા.
ઘાંચીને બાંધીને ફેરવે ઘાણી, જલ અગ્નિને તપાવે, હાં રે હરિ.
ધોબીને જલ વિણ ધોતિયું ધોવે, અન્ન મનુષ્યને ખાવે.
સોનારને સુવર્ણ તાવેઃ આ દશા.
..તંગ ભીડે અસવારને તોરી, ઢોલીને ઢોલ બજાવે, હાં રે હરિ.
પુસ્તક બેસી પુરાણીને વાંચે, ખેડૂતને બીજ વાવે,
બિંદુ માંહ્ય સિંધુ સમાવેઃ આ દશા.
...પંગુ ગરુડ સમો પંથ કાપે, મેરુ તે કીડી ઉઠાવે, હાં રે હરિ.
બોબડો વેદ ચારે ચટ બોલે, અભણ ભણ્યાને ભણાવે,
જીભ વિણ ગંધર્વ ગાવે : આ દશા.
અગ્નિને ટાઢ બારે માસ પીડે, ભૂખ્યાને લાંગણ ભાવે, હાં રે હરિ.
ચિત્ર ઉઠીને ચિતારાને રંગે, થાળને દેવ ધરાવે,
ઋષિરાજ પથ્થર હસાવે : આ દશા.

‘અવિજ્ઞાતં વિજાનતામ્‌’ ‘પાનીમેં મીન પિયાસી’ જેવી જાણીતી ઉક્તિઓમાં જે રીતે દેખીતા વિરોધાભાસનો આશ્રય લઈને પોતાના કથનને આપણા કવિઓ પરાપૂર્વથી કહેતા આવ્યા છે તે જ રીતે આપણા આ કવિએ નવાં દૃષ્ટાંતો દ્વારા ચમત્કૃતિ ભરેલા વિરોધો યોજીને આ કૃતિ ઉપજાવી છે. એમાંના તત્ત્વજ્ઞાનનો વિષય જે સામાન્ય વાચકને માટે એક દુર્ઘટ સમસ્યા જેવો લાગવાનો પૂરો સંભવ છે૧[1] તેને બાજુએ મૂકીને આમાં વ્યક્ત થયેલી વાણીનાં શિષ્ટતા, માધુર્ય, પ્રસાદ, વર્ણસંયોજન આદિને જોતાં કાવ્યમાં ચારુત્વનાં નિષ્પાદક અંગો ઉપર કવિને કેટલી પકડ છે તે જણાયા વિના નહિ રહે. કવિમાં વસ્તુને આલંકારિક ઘાટ આપવાની પણ આકર્ષક હથોટી છે :

નરતન નગરીમાં મનભાઈ રીસાઈને બેઠા,
મોટે રે માનથી મનાવું હો લાડણા,
આ શી આડાઈ રે તારી મનડા રે મારા.
રામચરિત્ર કહો તો રમકડાં આપું,
બેહદમાં બાજીઓ મંડાવું હો લાડણા. આ શી.
...તીખી રહેણીનો કહો તો તકિયો બનાવું.
નિશ્ચેની ગાદીઓ નંખાવું હો લાડણા. આ શી.
ચારે વેદોની રૂડી ચોરી રચાવું,
નીવરતી નારી પરણાવું હો લાડણા. આ શી.

અને એવી રીતે કવિ રૂપકો યોજ્યે જાય છે. થિરતા નગરીના થાળ, ધીરજ નગરીનાં ધોતિયાં અને સમજણનો જામો, કોમળતાનાં કુંડળ, પવિત્રાઈની પહોંચી, બુદ્ધિના વેઢ વગેરે શણગારો મનને ધરાવે છે. કવિ વાણીમાં ઋજુતા અને લાડ કેવાં લાવી શકે છે તે આ ધોળમાં જણાઈ આવે છે :

તારે માથે કોપી રહ્યો કાળ રે ઊંઘ તને કેમ આવે?
પાણી પહેલી બાંધી લેને પાળ રે, ઊંઘ તને કેમ આવે?

ના’વડી ના’વડી ના’વડી રે તને પ્રભુ ભજ્યાની રીત ના’વડી.

***
ચાલ અમારી ચાલો, અમારા હો તે ચાલ અમારી ચાલો.

જેવી પંક્તિઓ તેમની ઉદ્‌ઘોષક વાણીનું બળ બતાવે છે. ‘દેખો સખી ડોલરિયો’ જેવાં જાણીતાં ગીતો તેમની ગીતશક્તિને દયારામની લગભગ લઈ જાય છે. ભક્તિની ઊર્મિ પણ તેમણે સારી ખીલવી છે. તેમનામાં ઘણે ઠેકાણે વર્ણ અને ઊર્મિ બંનેનું ઘેરું માધુર્ય સધાયું છે. ઈશ્વરને સમર્પણ કરીને જીવનારની વિરલ મસ્તી નીચેની પંક્તિઓમાં જોવા મળે છે :

ઋષિરાજ તણા નાથ સંગે નેડો,
માથે નાખ્યો છે હવે છેડો રે,

આ ભક્તો હમેશાં આમ જ જીવ્યા છે, અને જીવે છે. હવે આધ્યાત્મિક જીવનમાં વિચરનાર છતાં બહુ જ થોડું પણ કદીક ઊંચી કોટિનું કાવ્યસર્જન કરનારમાંથી કેટલાંકનાં સ્મરણપાત્ર નામો જોઈ લઈએ. જેમણે ઉત્તર જીવનમાં સંન્યાસ લીધેલો તે મનોહરદાસ નાનકડાની કૃતિઓ નરસિંહ અને દયારામની ફિક્કી છાયાવાળી છે. નર્મદે તેમનાં પદો૧[2] સંપાદિત કરેલાં એ બીનાથી આ કવિ જરા વિશેષ નોંધપાત્ર બને છે.

કૃષ્ણદાસ તે જન જે સ્વપ્ને કૃષ્ણવચન નવ લોપે રે.
અન્ય વચનને ગ્રહણ કરે તે ઉપર શ્રીવર કોપે રે.

‘વૈષ્ણવજન’ના પડઘા જેવી આ લીટીઓ તેમની શક્તિની મર્યાદા બતાવે છે. આથી પણ ઓછા કાવ્યગુણવાળાં પદો૨[3] અલખ બુલાખીરામનાં છે, પણ તેમના આ પુસ્તકે તથા તેમના રંગદર્શી જીવનના ધાર્મિક ઉત્તરાર્ધે તેમને તે વખતે ખૂબ જાણીતા કર્યા હતા.

બ્રહ્મનિષ્ઠ મહાત્મા તરીકે જાણીતા છોટમ કવિએ ખૂબ લખ્યું છે.૧[4] દલપતરીતિની કવિતા તેમણે ખૂબ કરેલી અને એ જ શુષ્ક રીતિમાં તેમનું આધ્યાત્મિક કવન પણ પછી ચાલુ રહ્યું. તેમની વાણીમાં સાક્ષાત્કારનો રણકાર કે રસની મસ્તી નથી.

સન્મુખ દરિયો સભર ભર્યો ઊલટ્યો છે આનંદનો તોરીંગ રે,
હંસ બિરાજે હરિતણા નહિ જેને રૂપ ને રંગ રે.

જેવી પંક્તિઓ તેમનામાં વિરલ છે. તેમના અસંખ્ય દોહરાછપ્પાઓમાં આવાં મુક્તકો પણ વિરલ છે :

ભક્તિ વિહૂણું જ્ઞાન, ક્ષેત્ર ખાતર વિન કહીએ.
ભક્તિ વિહૂણું જ્ઞાન, તેજ વિન લોચન કહીએ.

અસંખ્ય પદોના૨[5] લખનાર, શ્રી કૃષ્ણરામ મહારાજને દયારામની સાથે બહુ નિકટ સંબંધ હતો. તેમની વચ્ચે પોતાનાં કાવ્યોની ચર્ચા અને તુલના થતી. મહારાજ દયારામની હોડમાં કાવ્ય લખતા હોય તેવું પણ દેખાઈ આવે છે, પણ તેમને દયારામ જેટલી કાવ્યકળા વરી નથી; છતાં તેમની વાણીમાં ક્યાંક તો સુંદર ચમક દયારામ જેવી જ આવી જાય છે; જેમકે,

આવ્ય ને તું નંદજીના નંદન છોગાળા,
અવિલોકું અલબેલા તાહરા આંખ્યોના ઉલાળા.
*
આજ શું આવી રે, ખાસા ખોટ ખજ્યાંને,
કરુણા સમુદ્રની કરુણા ખૂટી, માધવ તે કોણ માંને?
કઈક તપોબળથી તમે તાર્યા, કઈ સખ્યે કઈ જ્ઞાંને,
કઈ કેવળ કરુણાથી તાર્યા ભાવથકી ભગવાને.

શ્રીમદ્‌ રાજચંદ્રે દલપતરીતિના શતાવધાની શીઘ્ર કવિ તરીકે કાવ્યપ્રવૃત્તિ પ્રારંભેલી. તેમણે પોતાનું અધ્યાત્મદર્શન પદ્યમાં મૂકેલું છે, પણ તેમાં કાવ્યગુણને તેમણે અપેક્ષિત રાખેલો નથી; છતાં ક્યાંક કાવ્યૌજસવાળી પંક્તિઓ મળી આવે છે અને તે મુખ્યત્વે દલપતરીતિની છે :

હતી દીનતાઈ ત્યારે તાકી પટલાઈ અને
મળી પટલાઈ ત્યારે તાકી છે શેઠાઈને.
સાંપડી શેઠાઈ ત્યારે તાકી મંત્રિતાઈ અને
આવી મંત્રિતાઈ ત્યારે તાકી નૃપતાઈને.
મળી નૃપતાઈ ત્યારે તાકી દેવતાઈ અને
દીઠી દેવતાઈ ત્યારે તાકી શંકરાઈને;
અહો! રાજચંદ્ર માનો માનો શંકરાઈ મળી (!)
વધે તૃષ્ણાઈ તો ય જાય ન મરાઈને.૧[6]

યોગનિષ્ઠ મુનિ મહારાજ બુદ્ધિસાગરે ઘણા ઉમંગ તથા શ્રમથી કાવ્યનો ખૂબ પ્રદેશ ખેડેલો છે.૨[7] તેમનાં કાવ્યોનો મોટો ભાગ બોધપ્રધાન દલપતરીતિનો છે. છેલ્લાં કાવ્યોમાં તો હિંદુ-મુસલમાનની એકતા જેવા વિષયોને પણ તેમણે સ્પર્શ્યા છે, પણ તેમનું કાવ્ય ઊંડા અનુભવમાં કે કાવ્યત્વમાં જતું નથી, તેમનાં પ્રારંભનાં કેટલાંક ભજનો સુંદર છે.

આનંદ ક્યાં વેચાય, ચતુર નર, આનંદ ક્યાં વેચાય?
આનંદની નહિ હાટડી રે, આનંદ વાટ ને ઘાટ,
આનંદ અથડાતો નહિ રે, આનંદ પાટ ન ખાટ. ચતુર.

નીચેનું ભજન એથી યે સુંદર છે :

અજપા જાપે સુરતા રે ચાલી,
ચઢી ગગનગઢ ઠેરાણી,
ઝળહળ ઝળહળ જ્યોતિ રે ઝળકી
દૂગ્ધા ભવકી રે વિસરાણી. અજપા.
અવઘટ ઘાટે અવળી વાટે ચડી ડુંગર પર જા બેઠી.
અસંખ્ય પ્રદેશી શિવનાં દર્શન કરવા દેવળમાં પેઠી.
નિરાકાર નિઃસંગી નિર્મલ આતમ દેવકુ વ્હાં દીઠા.
સિદ્ધ સનાતન નિર્ભય દેશી શુદ્ધ સ્વભાવે જે મીઠા.
...લોકાલોકનો ભાનુ ઝળક્યો, નાઠું માયા અંધારું,
બુદ્ધિસાગર જોતાં જાગી, શું જગ મારું ને તારું.

ગુજરાતના શિક્ષિત સમાજમાં પ્રિય અને વ્યાપક બનેલી શ્રેયઃસાધક પ્રવૃત્તિએ સારી એવી કાવ્યપ્રવૃત્તિને જન્મ આપ્યો છે. એ સંપ્રદાયમાં સાહિત્યસેવાને પણ માનવંતું સ્થાન રહેલું છે અને તેના આચાર્યોથી માંડી શિષ્યશિષ્યાઓ લગી ઘણાંએ સારા ઉત્સાહથી કાવ્યપ્રવૃત્તિ સેવી છે, પરંતુ એ બધામાં ઉત્તમ કલાકૃતિઓ કહેવાય તેવી ઘણી થોડી છે. આ સંપ્રદાયના આદિ પ્રવર્તક શ્રીમન્નૃસિંહાચાર્યજીની વાણી જેટલી હિંદુસ્તાનીમાં ખીલે છે તેટલી ગુજરાતીમાં ખીલતી નથી. ગ્રામસમાજ માટે તેમણે ખાસ પદો લખેલાં છે, પણ તેમાં કશી ખાસ લાક્ષણિકતા નથી.

ગગન મંડળમાં અધર ઘર કીધું રે, અખંડ શું તાળી લાગી રે,
મનડું હવે જઈ હરિમાં રે ભળિયું, ભવભ્રમણતા તો ત્યાગી રે.

જેવી પંક્તિઓ વિરલ છે, પણ નીચેનું હિંદી ભજન જુઓ :

કોહુ ચલિયો રે ચલનાર, દેશમેં ચલિયો રે ચલનાર,
યહી દેશકી રાહા વિકટ હૈ, શૂર હોય સો જાઈ.
કાયર જનકો સંગ ન ચાહિયે, અધબીચ લેવે લુટાઈ,
શીર્ષ રહિત જો હોયગા કરિયો સંગ હમાર૧.[8] દેશમેં.

એમના અનુગામી આચાર્ય શ્રી ઉપેન્દ્ર ભગવાનમાં કલાદૃષ્ટિ વિશેષ જાગ્રત છે, તેમજ અર્વાચીનતાનો સુંદર સ્પર્શ છે. તેમણે જૂના ઢાળો મૂકી નવા ઢાળો, મુખ્યત્વે નાટક વગેરેના લીધા છે, જે હમેશાં યોગ્ય નથી લાગતા. ઝડઝમક તેમજ શબ્દચાતુર્યની અજમાયશ પણ તેમનામાં ઘણી વાર જોવામાં આવે છે, છતાં લાક્ષણિક કહેવાય તેવું કળાતત્ત્વ બહુ અલ્પ પ્રમાણમાં છે. જોકે આ સંપ્રદાયના બીજા કવિઓ કરતાં તેમનાં ગીતો વધારે સારાં છે.૧[9]

નમન નમન તન મન ધન જન અન્તર્ગત ચેતનઘન!
આત્મન્‌ ચિરન્તન જય પરમાત્મન્‌! જય જય હૃદયાત્મન્‌!

આમાં અર્થ કરતાં યમકપ્રિયતા વધુ દેખાય છે.

તમે એક વાર ધૂનને લગાવજો રે, રામનામની,
તમે ધૂનથી ત્રિલોકને ડોલાવજો રે, રામનામની.

પહેલી લીટીમાંની સુંદર ધૂનને બીજી લીટીના ન્હાનાલાલની ઢબના છેલ્લા બે શબ્દો ઢીલી કરી નાખે છે.

આપનો મારા પ્રભુ! મને છંદ ક્યારે લાગશે?
મને નાદ ક્યારે લાગશે?
દૃશ્યને જેમાં વિસારી, વિશ્વવૈભવ તુચ્છકારી,
આપ પ્રભુપદ લીન થનારી મતિ ક્યારે જાગશે?

આમાં હૃદયની આરત વ્યક્ત કરવાનો પ્રયત્ન છે છતાં તેટલી આરત આખું કાવ્ય આપી શકતું નથી.

મુજ પ્રિતમની સોડમાં આજે ભરાઈશ હું
આજે ભરાઈશ હું, અખંડ જ ત્યાં શમાઈશ હું.
પ્રિતમ સોડે ભરાઈશ હું.

આ લીટીઓમાં ‘પ્રેમભક્તિની પરાકાષ્ઠા’ના આનંદોદ્‌ગાર લક્ષ્ય રહ્યા છે છતાં તેનો ઉદ્‌ગાર ખ્રિસ્તી ભજનો જેવો કૃત્રિમ અને નિર્બળ લાગે છે. આ કવિનું સુવર્ણકળશ તરીકે ઓળખાતું ગીત આ છે :

ન્યારી ન્યારી; દૈવી અગમ્ય ભૂમિકા અમારી,
સ્થિતિ શી? મહતી જણાતી,
મનમતિ નથી ગતિ જ્યાં કરી શકતાં,
સુરમુનિવર પણ જ્યાંથી અટકતા,
ધ્યાની શાની સરખા પણ ના શકે વિચારી,
અનુમાને નથી એ અણાતી;
અનુભવના થતા અખંડ ઝબકારા જેમાં,
ન શંકાતણી દૃષ્ટિતણા પલકારા તેમાં,
મહાનિશ્ચિંત ને અચિંત્ય સ્થિતિના શિખરે,
થઈ જ રહીએ નિરંજન ને નિરાકાર એમાં.

શબ્દો અને વિષય કાવ્યોચિત છતાં એ સર્વનો નિયોગ શિથિલ અને શુષ્ક લાગે છે. એમની કૃતિઓની સામાન્ય સ્થિતિ આવી છે. એમનાં ગીતોમાં સાંગોપાંગ સુન્દરતા નથી, એ રીતની દૃષ્ટિ પણ એમની પાસે નથી દેખાતી, છતાં તેમનાં ગીતોના ઉપાડ કેટલીક વાર ખરેખર સારા બનેલા છે :

એ આભે, હું અવનીમાં વસતી કીચડ માંહ્ય,
પણ એમાં હું, એ હુંમાં, શું કોથી સમજાય?
એ ચંદ્રની ચમકમાં ઉલ્લાસમાં હું મ્હાલું,
એની મીઠી નજરમાં મીટ માંડી માંડી ન્યાળું.

ચંદ્ર અને કુમુદનું આ જાણીતું રૂપક ઈશ્વર અને મનુષ્યના સંબંધમાં કવિએ સુંદર રીતે ઘટાવ્યું છે અને તેને અર્થવાહી મધુર લય પણ તેઓ આપી શક્યા છે. ગુજરાતની નવીન શૈલીની ગીતરચનાઓમાં આવી પંક્તિઓ દ્વારા આ લેખકે પણ મૂલ્યવાન ફાળો આપ્યો છે. શ્રેયઃસાધકોમાં સ્ત્રીઓએ પણ ઠીક ઠીક કાવ્યો લખ્યાં છે. જ. દેવીનાં ગીતો ધ્યાન ખેંચે તેવાં છે. ‘ભક્તિપદ્યતરંગિણી’ (૧૯૦૫)માં આઠ સ્ત્રી-લેખિકાઓનાં પદોને શ્રી કૌશિકરામ વિઘ્નહરરામે સંપાદિત કર્યાં છે. આ બહેનોની રચનાઓ ઉપર સંપાદકનો હાથ ફરેલો હોવાનો સંભવ છે. તેમજ પહેલી ત્રણ લેખિકાઓમાં દરેકનાં ગીતોની બરાબર ૧૧૨ની એકસરખી સંખ્યા પણ કૌતુક ઉપજાવે તેવી છે. પદબંધ સારા છે, પણ અર્થચમત્કૃતિ ક્યાંક જ છે. સ્ત્રીલેખિકાઓ તરીકે તે નોંધપાત્ર છે. પીર કાયમદીન અને તેમના શિષ્યમંડળે કેટલાંક સારાં ભજનો આપ્યાં છે.*[10] એ શિષ્યોમાં એક બાઈ રતને પણ પદો લખેલાં છે. ગુરુ કરતાં યે શિષ્યોની વાણીમાં વધારે કળા છે. આ બધા શિષ્યો આમ નિરક્ષર જેવા જ છે, છતાં તેમનાં ભજનોમાં ઊંચા પ્રકારની કલ્પનાશક્તિ તથા વાણીસામર્થ્ય દેખાય છે.

મારા ઘટમાં વલોણું વાગે, તેની ધૂન ગગનમાં ગાજે રે.
ગોળીને ઘડનારો ઘટમાં, માંહે રવાયો ફરતો રે,
ગુરુવચનનું દહીં નાખીને ધ્યાનપાણી ભેળવતો રે.
– અભરામ
હું રંગારી રંગ ચડીઓ કુંદનમાં હીરો જડીઓ રે,
જેમ સાગરમાં નીર ભરીઓ રે, અનુભવી વરને વરીઓ.
*
મેરો લાલ મેં લાલ ગુલાલ, લાલનસે લાલ મિલો,
આપોઆપ આપણમાં ખેલે, ના જાણે કોઈ નીકળી.
સબરસમાં સબરસ થઈ રહી ને રસમાં રસ ભળી.... લાલનસે.

આ લીટીઓનો લખનાર પૂંજા બાબર ખંભાતનો એક અભણ ખારવો જ છે. અધ્યાત્મ જીવન ગાળનારા અને સાથે સાથે કવિતાપ્રવૃત્તિ કરનારાઓમાં સૌથી છેલ્લું અને અર્વાચીન નામ રંગ અવધૂતનું છે. આધ્યાત્મિક માર્ગોમાં દત્તની ઉપાસના એક જીવંત અને જ્વલંત સાધનાપ્રણાલી છે. એ પ્રણાલીની સાધનાને તથા દત્તની ભક્તિથી નીતરતાં ભજનો અને સ્તોત્રો તેમણે સંસ્કૃત અને ગુજરાતીમાં ઘણાં લખ્યાં છે. એમનું સૌથી મોટું કાવ્ય ‘ગુરુલીલામૃત’ (૧૯૩૪) ૧૪૮ અધ્યાયમાં ૧૯૦૦૦ હજાર દોહરામાં જ્ઞાન, કર્મ અને ઉપાસનાનો વિષય ચર્ચે છે. અર્વાચીન કેળવણી પામેલા જન્મે મહારાષ્ટ્રી આ અવધૂતને છંદપદાદિની કળા સહજસિદ્ધ છે. સંસ્કૃતના ઊંડા જ્ઞાનને લીધે ગુજરાતીમાં પણ આજ લગી ન જેવા વપરાયેલા કેટલાક સંસ્કૃત શબ્દો તેઓ ઔચિત્યપૂર્વક વાપરે છે. એમની રચનાઓમાં બીજું એક ધ્યાન ખેંચનારું તત્ત્વ તેમણે મરાઠી ઓવી વૃત્તનો કરેલો પ્રયોગ છે. જુગતરામ દવે પછી ઓવી વૃત્તનો ગુજરાતી કવિતામાં પ્રયોગ કરનાર આ બીજા લેખક છે. આ લાંબી વર્ણનાત્મક તેમજ તત્ત્વજ્ઞાનના વિષયને નિરૂપતી રચનાઓમાં વિષય પ્રાસાદિક વાણીથી નિરૂપાતો જાય છે, પણ તેની પાછળ સર્જનાત્મક શબ્દની કે દૃષ્ટિની ચમત્કૃતિ નથી. છંદોને વાહન બનાવી આ અવધૂતની વિચાર અને અનુભવની સમૃદ્ધિ પોતાના ઉદ્‌ગારમાં જ રાચે છે, અને કવિતા પ્રત્યે તે વિશેષ સાભિમુખ થવા ઇચ્છતી નથી; જોકે લેખકે દલપતરીતિના સ્થૂલ શબ્દાલંકારો વાપર્યા છે ખરા. ‘પત્રગીતા’ (૧૯૩૯)માં તેમણે ગીતાના અમુક શ્લોકો લઈ તેમના પ્રત્યેક અક્ષરને ઓવીના પ્રથમ ચરણમાં ગૂંથ્યો છે. તેમનાં સ્તોત્રોમાં ઊર્મિનો ઉદ્‌ગાર વધારે ઊંડો બને છે. એમની રચનાશક્તિનું વધારે પ્રતિનિધિ ગણાય તેવું દત્તનું એક હાલરડું અત્રે ઉતારીશું :

ઝૂલો ઝૂલો રે અવધૂતા! શોક મોહ અતીતા!
અદ્‌ભુત પારણું અણુ મેરુ, ઘૂમે ઘેલું ઘેલું;
માયામય સ્તંભે ત્રિરંગી, પંચરંગી સુભંગી;
માંહે નિઃસંગી તન્મયતા, લે ઉન્મની ભગવંતા! ઝૂલો.

...સચ્ચિતસુખ મુખડું વિકાસી, વિશ્વરૂપ પ્રકાશી,
જગદાડંબર આ લે ગ્રાસી, નિત્ય તૃપ્ત ઉપવાસી!
ગ્રસ્ય ગ્રાસક તું અનન્તા! ઓઢે નિર્ગુણ કંથા! ઝૂલો.

રંગ દિગંબર એ નિહાળી, બોલે કાલી કાલી;
માત શ્રુતિ પણ એ બોબડી, મૌને મૂર્તિ જડી!
મૂર્તામૂર્ત તું અચ્યુતા! કર્તા ભર્તા હર્તા! ઝૂલો.
(ગુરુલીલામૃત, પૃ. ૩૪)


  1. ૧. આ કૃતિના અર્થસ્ફોટ માટે જુઓ, ‘આપણી કવિતાસમૃદ્ધિ’ (પહેલી આવૃત્તિ)માં તે ઉપરનું બ. ક. ઠા.નું વિવરણ.
  2. ૧. ‘મનહર પદ’ (૧૮૬૦)
  3. ૨. ગુરૂજ્ઞાનગ્રંથ (૧૮૭૪
  4. ૧. છોટમકૃત જ્ઞાનોપદેશ ભજનાવલી (૧૮૯૮), છોટમની વાણી, ચાર ગ્રંથ (૧૯૨૬)
  5. ૨. મહાકાવ્ય ભા. ૧ – ૨ (૧૯૧૫)
  6. ૧. રાજપદ્ય (૧૯૧૬)
  7. ૨. ભજનપદસંગ્રહ (૧૯૦૭), સાબરમતી ગુણશિક્ષણકાવ્ય (૧૯૧૭), ભારત સહકારશિક્ષણ (?), કક્કાવલિ સુબોધ (૧૯૨૫)
  8. ૧. શ્રી નૃસિંહવાણીવિલાસ. (૧૯૦૭, રજી આવૃત્તિ)
  9. ૧. રસાંજલિ, ઉપેન્દ્રગિરામૃત.
  10. * ભક્તિસાગર (૧૯૨૯)