હોરી અને ગઝલો
હોરી સંગ્રહ (૧૮૬૪)
ગુજરાતી હોળીસંગ્રહ (૧૮૭૦)
હોરીસમુદાય (૧૮૮૬)
ગજલસ્તાન, ભાગ પાંચ (૧૮૭૭-૮૮)
કાવ્યવિનોદ (૧૯૦૭)
પંચામૃત (૧૯૧૪)
લોકગીતો અને ભજનો
નાગર સ્ત્રીઓમાં ગવાતાં ગીતોનો સંગ્રહ (૧૮૭૦)
અમદાવાદની નાગર સ્ત્રીઓમાં ગવાતાં ગીતોનો સંગ્રહ (૧૮૭૨)
સુરત જિલ્લામાં ઔદિચ્ય બ્રાહ્મણોમાં ગવાતાં ગીતોનો સંગ્રહ
સાઠોદરા નાગરની નાતમાં ગવાતાં ગીતોનો સંગ્રહ
મુંબઈ સમાચારનો ગરબા સંગ્રહ (૧૮૮૧)
પારસી લગ્નગીતો-ગરબા (૧૯૩૩)
રીતિદર્પણ
નવીન સુંદર ચતુર
સ્ત્રી વિલાસ મનહર (૧૯૦૩)
પરમાર્થસાર (૧૯૦૩)
કાવ્યવિનોદ, ભાગ બે (૧૯૦૭)
બૃહત્ભજનસાગર (૧૯૦૯)
પંચામૃત (૧૯૧૪)
આશ્રમભજનાવલિ (૧૯૧૪)
ગૂજરાતી જૂનાં ગીતો (૧૯૧૨)
કાઠિયાવાડી સાહિત્ય, ભાગ બે (૧૯૧૩-૨૩)
લોકગીત (૧૯૨૨)
રઢિયાળી રાત, ભાગ ત્રણ (૧૯૨૫-૨૬-૨૭)
લોકસંગીત (૧૯૨૫)
રસકલ્લોલ (૧૯૨૯)
રસિયાંના રાસ (૧૯૨૯)
રઢિયાળા રાસ (૧૯૩૭)
રાસસંગ્રહો
રાસકુંજ (૧૯૨૮)
રાસરજની (૧૯૩૩)
રાસમાલિકા (૧૯૩૯)
રાષ્ટ્રીય કાવ્ય
સ્વદેશગીતામૃત (૧૯૧૮)
રાષ્ટ્રગીત (૧૯૨૨)
સ્વરાજનાં ગીતો (૧૯૩૧)
ગ્રામભજનમંડળી (૧૯૩૮)
શિષ્ટ કવિતાના સંગ્રહો
કાવ્યનિમજ્જન (૧૮૮૭)
કાવ્યસુધાકર (૧૮૮૮)
કાવ્યમાધુર્ય (૧૯૦૩)
સંગીતમંજરી (૧૯૦૯)
કવિતાપ્રવેશ (૧૯૧૧)
મધુબિન્દુ (૧૯૧૫)
કવિતાવિનોદ (૧૯૨૬)
કાવ્યપ્રેમી (૧૯૦૫-૬)
સાહિત્યરત્ન (૧૯૦૮)
ગોપકાવ્યો (૧૯૧૪)
સ્ત્રીગીતાવલી (૧૯૧૬)
ગીતલહરી (૧૯૧૭)
ગુજરાતી સાહિત્યમાંથી કવિતાઓની ચૂંટણી (૧૯૨૪)
કાવ્યસમુચ્ચય, ભાગ બે (૧૯૨૪)
ચણીબોર (૧૯૨૪)
રાયણ, ભાગ બે (૧૯૨૫)
કાવ્યપરિચય, ભાગ બે (૧૯૨૬)
કાવ્યકુંજ ભાગ પાંચ (૧૯૩૦ થી ૩૪)
આપણી કવિતાસમૃદ્ધિ (૧૯૩૧)
આપણી કવિતાસંપાદનની પ્રવૃત્તિ
ગુજરાતી કવિતાનો અર્વાચીન કાળ શરૂ થતાં મુદ્રણની સગવડ થવાને લીધે, કવિતામાં કંઈક શાસ્ત્રીય અને ઐતિહાસિક દૃષ્ટિનો પ્રવેશ થવાને લીધે તથા કવિતાના વાચકોની ભિન્નભિન્ન રુચિઓને પહોંચી વળવા અર્થે કાવ્યગ્રંથોના સંપાદનની, મુદ્રણની સગવડવાળા યુગમાં વિશેષ શક્ય એવી એક નવી મહત્ત્વની પ્રવૃત્તિ શરૂ થઈ. આને લીધે પ્રાચીન તથા અર્વાચીન કવિતામાંથી અનેક પ્રકારના અનેક મોટા મોટા ગ્રંથો કે નાની નાની પુસ્તિકાઓ પ્રકટ થયાં. અર્વાચીન કાળમાં પ્રાચીન ગુજરાતી કવિતાનું થયેલું સંપાદન ગુજરાતી કાવ્યપ્રવૃત્તિનો એક મહત્ત્વનો ભાગ છે. દલપતરામે ‘કાવ્યદદોહન’ના બે ભાગમાં સૌથી પ્રથમ આદરેલી આ પ્રવૃત્તિ ‘પ્રાચીન કાવ્યમાલા’નાં સંખ્યાબંધ પુસ્તકોમાં અને પછી ‘બૃહત્ કાવ્યદદોહન’ના આઠ ભાગોમાં ફૂલીફાલી છે. તે સંગ્રહોમાં નરસિંહ, અખો, પ્રેમાનંદ, શામળ તથા દયારામ જેવાની લભ્ય તેટલી તમામ કૃતિઓ કે એકેક મોટી છૂટક કૃતિઓનું શાસ્ત્રીય અશાસ્ત્રીય, શુદ્ધ, અશુદ્ધ, સસ્તું કે શિષ્ટ એમ અનેક રીતે સંપાદન થતું આવ્યું છે. પ્રાચીન કવિતા આ પુસ્તકની મર્યાદા બહારનો વિષય હોવાથી અત્રે અર્વાચીન કવિતાને લગતાં તથા તેમાં અસરકારક તત્ત્વો જેવાં બનેલાં અગત્યનાં ગ્રંથસંપાદનોની નોંધ કરીશું. પારસીઓનો કીમતી ફાળો આ પ્રવૃત્તિમાં પ્રારંભે પારસી સંપાદકો બહુ ઉદ્યોગી થયેલા છે. વળી તેમનાં સંપાદનોમાં પારસી-હિંદુના વિખવાદને બદલે બધી ગુજરાતી કવિતા પ્રત્યે એકસરખી નજર છે એ પણ એક ધ્યાન ખેંચે તેવી બીના છે. આમાં પહેલો ગ્રંથ ‘હોરીસંગ્રહ’ (૧૮૬૪) છે. બસો જેટલી હોરીઓનો આ સંગ્રહ પહેલો તથા હજી લગી છેલ્લો છે. આમાં મોટે ભાગે હિંદી ભાષામાં પ્રાચીન હિંદી તથા અર્વાચીન ગુજરાતી લેખકોએ લખેલી હોરીઓ છે. પારસી લેખકોએ પણ હિન્દુ દેવદેવીઓ, રાધાકૃષ્ણ-હરિ-શંકર આદિને વિષય કરી કાવ્યો લખ્યાં છે એ બીજી આમાં ધ્યાન ખેંચનારી બીના છે. કેટલીક હોરીઓમાં કાવ્ય તરીકેનું અસાધારણ બળ છે. કાવ્યોનાં ઉઠાવ જમાવટ અને શબ્દલાલિત્ય આમાંની કેટલીકને સુંદર ઊર્મિકાવ્યો બનાવે તેવાં છે. કેટલીક હોરીઓ લગભગ સમકાલીન વિષયની પણ છે. સર જમશેદજી બૅરોનેટ વિશેની હોરીનો લેખક સુંદર છટાથી લખે છે કે,
કીરત તેરી કહાં લગ બરનું, થકીત ભઈ રશનાં બેચારી,
લેખની કહે મેં હારી.
આ હોરીઓમાં ‘રૂસ્તમજી ફાગબાજી’ નામના વિભાગમાં રુસ્તમ નામના પારસી લેખકે પોતાના ઈરાનની દેશભક્તિ-વતનપરસ્તીનાં ઈશ્વરપ્રેમનાં તથા વૈરાગ્યનાં હિંદીમાં લખેલાં ગીતો ખાસ નોંધપાત્ર છે. બીજા એક લેખક કવિ જાબુલી રૂશતમનાં કાવ્યોમાં નર્મદ અને રૂસ્તમ કરતાં પણ વધારે કાવ્યતત્ત્વ તથા ભાષાની શુદ્ધિ દેખાય છે. ૧૮૭૦માં બીજો એક ‘ગુજરાતી હોળીસંગ્રહ’ મળે છે, જેમાં દયારામ દલપત નર્મદ વગેરેની કૃતિઓ છે. નર્મદની હોરીઓ તે વખતે લોકોમાં વધારે પ્રચલિત લાગે છે. ‘મુંબઈ સમાચારે’ ૫૦૦ ઉપરાંત હોરીઓનો એક બીજો સંગ્રહ ‘હોરીસમુદાય’ (૧૮૮૭, રજી આવૃત્તિ) નામે બહાર પાડેલો છે. આ ત્રણે સંગ્રહો તે વખતે લોકોમાં હોરીનો કાવ્યપ્રકાર કેટલો પ્રચલિત હશે તેના પુરાવા રૂપે છે. વળી ‘મુંબઈ સમાચારે’ ૧૮૭૭-૭૮માં ‘ગજલસ્તાન’ના પાંચ ભાગમાં દોઢેક હજાર જેટલી ગઝલો બહાર પાડી છે એ આ પ્રકારના કાવ્યપ્રકારની પણ તે કાળમાં લોકપ્રિયતા સૂચવે છે.
લોકકવિતાનું સંપાદન
હિંદી તથા ગુજરાતી ભજનોના કેટલાક નોંધપાત્ર સંગ્રહો બહાર પડ્યા છે, પરંતુ આ ભજનો પ્રાચીન કવિતાના વર્ગમાં જતાં હોવાથી તેની નોંધ અહીં જરૂરી નથી. પણ આ સંપાદનોનો એક વિષય એવો છે જે પ્રાચીન હોવા છતાં અર્વાચીન છે. એ છે લોકકવિતા. ઘણા જૂના કાળમાં અજ્ઞાત લોકકવિઓને હાથે થયેલી આ રચનાઓ લોકોમાં મૌખિક પરંપરાથી પેઢી દર પેઢી ઊતરતી આવેલી છે અને જીવનના શુભઅશુભ હળવાભારે તમામ પ્રસંગોને અનેકવિધ રસવાળી કવિતાથી રસતી આવેલી છે. એ સાહિત્યને ગ્રંથસ્થ કરવાની પ્રવૃત્તિ પણ આ ગાળામાં શરૂ થઈ; જોકે એ સંપાદનોમાં શાસ્ત્રીય દૃષ્ટિ બહુ મોડી દાખલ થઈ, પરંતુ તે દાખલ થયા પછી આ પ્રકારનો કાવ્યવર્ગ ગુજરાતી કવિતારસિકોના રસનું એક મહત્ત્વનું આલંબન બનેલો છે. એ લોકકવિતાનાં જે કળાતત્ત્વો છે તે પણ અત્યારની કવિતાને ગૂઢ પ્રેરણા આપી રહેલાં છે એ પણ એક નોંધપાત્ર બીના છે. આવા ગ્રંથોમાંથી નીચેનાં પુસ્તકો ખાસ મહત્વનાં છે : ‘નાગર સ્ત્રીઓમાં ગવાતાં ગીતોનો સંગ્રહ’ ૧૮૭૦માં સૌથી પહેલાં આપણને નર્મદ તરફથી મળે છે. એ પછી ૧૮૭૨માં ‘અમદાવાદની નાગરસ્ત્રીઓમાં ગવાતાં ગીતોનો સંગ્રહ’ સૌ. બાળાબહેન તરફથી મળે છે. ‘સુરત જિલ્લામાં ઔદિચ્ય બ્રાહ્મણોમાં ગવાતાં ગીતોનો સંગ્રહ’ સૌ. અતિલક્ષ્મી તરફથી તથા ‘સાઠોદરા નાગરની નાતમાં ગવાતાં ગીતોનો સંગ્રહ’ સ્વ. કુંદનગૌરી તરફથી થયા છે. આ સાલ વગરના બે સંગ્રહો પણ આ જ અરસામાં થયા હોવાનો સંભવ છે. એ ચારે સંગ્રહો બ્રાહ્મણોની અંદર ગવાતાં ગીતોના છે એ ધ્યાન ખેંચનારી બીના છે, પોતાના કંઠસ્થ સાહિત્ય વિશે ગુજરાતમાં તે કોમ પ્રથમ જાગ્રત થઈ એ નોંધવું ઘટે છે. ૧૮૮૧, ‘મુંબઈ સમાચારનો ગરબાસંગ્રહ’ – આમાં હિંદુ કવિઓ ઉપરાંત પારસી સમાજને લગતાં ગીતો ખાસ ધ્યાન ખેંચે છે. પારસી બારમાસનો ગરબો તથા પારસી બહાદુર ઓરતોના ગરબા પારસી ઇતિહાસનું તથા જીવનનું સુંદર પ્રતિબિંબ આપે છે. ધાડ, લૂંટ, શેરસટ્ટો તથા જાણીતી વ્યક્તિઓના ગરબા આમાં છે. ૧૯૩૩, ‘પારસી લગ્નગીતો – ગરબા’, સં. પીરોજા રબાડી વગેરે. આ બે સંગ્રહોમાં પારસીઓનું પોતાનું જીવન તથા સાહિત્ય હિંદુ સંસ્કારો અને લોકસાહિત્યથી કેવું મધુર રીતે રંગાયું છે, પારસીઓએ હિંદુઓની કથાઓ તથા ગીતોમાં રસ લઈ તેને પોતાની વિશિષ્ટ બોલીમાં કેવા મઝાના રંગ આપ્યા છે તે જોવા મળે છે. ‘રઘુપતિરામ રૂદેમાં રેજો’ જેવી ગરબીઓ, તથા ‘મેદી રંગ લાગ્યો રે’ જેવાં ગીતોનાં પારસી બાનીમાં રૂપાન્તર તથા કેટલાંક પાઠાંતરો અભ્યાસની બહુ રસિક સામગ્રી પૂરી પાડે છે. પારસી કોમનાં વિનોદ તથા નિખાલસતાનાં પણ આમાં દર્શન થાય છે. આમાંના બીજા સંગ્રહમાં આધુનિક પારસી જીવનને સ્પર્શતાં ગીતો છે, તથા વેપારી નહિ પણ યુદ્ધપ્રિય લડવૈયા પારસી જીવનનાં પ્રતિબિંબ જેવાં ગીતો પણ છે. આ બીજા સંગ્રહમાં ‘સુના ગુજરીનો ગરબો’ ‘મેદી રંગ લાગ્યો’ તથા “લડાઈમાં જતા ધણીને વિદાય’ ‘સાસરે આવકાર’ અને ‘સાસરાનાં દુઃખો’ એ ખાસ સુંદર છે. એમાં યે ‘મેદી રંગ લાગ્યો રે’ ગીતમાં મૂળ હિંદુ લોકગીતે જે રૂપાન્તર તથા પાઠાંતર સાધ્યાં છે તે ખાસ નોંધવા જેવાં છે. એમાં પારસી લોકકવિની ઘણી લાક્ષણિકતા જોવા મળે છે.
૧૮૯૯, ‘રીતિદર્પણ’માં નાગરી ન્યાતના લગ્નાદિ પ્રસંગોના ગરબા છે. આ સંગ્રહ લગ્નના રિવાજોની એક સુરેખ નોંધ જેવો બનવાને લીધે તથા આવા વિષયોના સંપાદનમાં સ્ત્રીઓનો પ્રવેશ થવાથી ખાસ નોંધપાત્ર છે. ૧૯૦૩ (પમી આવૃત્તિ), નવીન સુંદર ચતુર સ્ત્રીવિલાસ મનહર, સં. તલાટી દોમોદરદાસ ભાઈચંદદાસ. આ ઘણા જ લોકપ્રિય નીવડેલા સંગ્રહમાં દયારામ સુધીના જૂના કવિઓની ગરબીઓ આવેલી છે. ૧૯૦૩, પરમાર્થસાર, સંગ્રાહક અને અનુવાદક, શ્રી. નરસિંહ શર્મ્મા. ભજનોના આ સંગ્રહમાં કેટલાંક ભજનો ઘણાં સુંદર છે. કેટલાંકની બાની નવા જ બળવાળી તળપદી છટાની છે :
પરથમ ગુરૂ મારો દેવ છે, ઈ તો મારો અલકનો આધાર,
ભાઈડા રે સમજીને સંશય તમે કાં કરો,
દુગધા ટાળો ને મારા વીર ભાઈડા રે.
સંગતુ કરિયે ગુરુ સાધની રે જી,
...વજર કછોટા જે કસે રે જી, સોંપું તેને ગરથ ને ભંડાર,
આંબો છઠો એમ બોલિયા એ તો ગત ગંગાજીનો દાસ.
૧૯૦૭, કાવ્યવિનોદ, ભાગ બે, અમરચંદ પી. પરમાર. આ પુસ્તકમાં સંપાદકે જૂના હિંદી કવિઓની રસવાહક પુષ્કળ સામગ્રી મૂળનાં અર્થ અને સમજૂતી સાથે સંગ્રહીત કરી છે. સંપાદકે આ વિષય પહેલાં ‘મુંબઈ સમાચાર’માં કકડે કકડે આપવા માંડેલો તે ઘણો લોકપ્રિય નીવડેલો. એમને સંખ્યાબંધ હિંદી કાવ્યો કંઠસ્થ હતાં અને તેને સાંભળવા ઠેકઠેકાણે ખૂબ જલસા થતા હતા. નર્મદ નવલરામ વગેરેએ તેમની પાસેથી હિંદી કવિતા સાંભળવા ખાસ મેળાવડા કરેલા છે. હિંદી કવિતાને ગુજરાતીમાં પ્રચલિત તથા પરિચિત કરવામાં આ સંપાદકનો ઘણો મોટો ફાળો છે. ૧૯૦૯, બૃહત્ભજનસાગર, સં. દામોદર જયશંકર ભટ્ટ. આમાં હજારેક જેટલાં ગુજરાતી અને હિંદી ભજનો સંઘરાયેલાં છે, પણ તેની ગોઠવણી બહુ વિવેકપૂર્વક થઈ નથી. ૧૯૧૪, પંચામૃત, સં. કવિ ખીમજી વસનજી ભટ્ટ. આ પણ હિંદી કવિતાનો ઉપરના જેવો એક સારો સંગ્રહ છે. ૧૯૧૪, આશ્રમભજનાવલિ, સં. નારાયણ મોરેશ્વર ખરે. આ સંગ્રહમાં ગુજરાતી ઉપરાંત બીજી ભાષાઓનાં, ખાસ કરીને હિંદીનાં વિશેષ ગીતો અને કાવ્યો છે. ગુજરાતમાં પ્રસિદ્ધ થયેલો આ એક શકવર્તી ગીતસંગ્રહ છે. એણે હિંદીની ઉત્તમ ભજનસમૃદ્ધિને જે રીતે ગુજરાતમાં વ્યાપક કરી છે તે તેની મોટામાં મોટી અસર છે. એમાંની કૃતિઓની પસંદગી બહુ વિવેકપુરઃસર થઈ છે. એમાં આવેલી સંસ્કૃત, હિંદી અને ગુજરાતી કૃતિઓ ઉપનિષદકાળથી માંડી આજ લગીની આધ્યાત્મિક અનુભૂતિઓના નિર્મળ મનોહર પ્રતિબિંબ જેવી છે. એમાં ય ખાસ કરીને હિંદી અને ગુજરાતી વિભાગની કૃતિઓ, જેમાં ઊંચો કાવ્યગુણ પણ છે; એ બંને ભાષાની આ પ્રકારની સમૃદ્ધિનો ખ્યાલ આપતી એક જ સ્થાનમાં આ રીતે ભાગ્યે એકત્ર થઈ છે. પુસ્તકને અંતે આપેલા શબ્દકોશ તથા ગીતોની પ્રથમ પંક્તિઓનો વર્ણાનુસારી અનુક્રમ પુસ્તકના સંપાદકની સંપાદનના વિષયમાં રહેલી જાગ્રત દૃષ્ટિની સાક્ષી આપે છે, તથા પુસ્તકની ઉપયોગિતામાં પણ ઘણો વધારો કરે છે. ૧૯૧૨, ગુજરાતી જૂનાં ગીતો. સં. ભવાનીશંકર નરસિંહરામ. આ સંગ્રહ ગરબા કે સ્ત્રી-ઉપયોગી ગીતો કરતાં લોકગીતની જુદી દિશામાં પ્રસ્થાન કરનાર પહેલા સંગ્રહ તરીકે મહત્ત્વનો છે. એમાં યે ખાસ બાળકોમાં પ્રચલિત જોડકણાં વગેરેનું સંપાદન મહત્ત્વનું છે. આજ લગી એ વિષય હજી અસ્પૃશ્ય રહ્યો છે. ૧૯૧૩, કાઠિયાવાડી સાહિત્ય ભા. ૧. ૧૯૨૩, ભા.૨, સં. કહાનજી ધર્મસિંહ. આ બે પુસ્તકો આપણને ઉપરના સંગ્રહ પછી તરત જ સૌરાષ્ટ્રના લોકસાહિત્ય તરફ લઈ જાય છે. એના બંને ભાગમાં સૌરાષ્ટ્ર દેશમાં ગવાતા દુહા, દોઢિયા દુહા, સોરઠા, કુંડળિયા, જોડકણાં, ઉખાણાં વગેરેને સંગ્રાહકે ભેગાં કર્યા છે. ૧૯૨૨, લોકગીત, સં. રણજિતરામ વાવાભાઈ. આ જાણીતા શકવર્તી સંગ્રહથી આ પ્રકારના લોકસાહિત્ય તરફ શાસ્ત્રીય અને શિષ્ટ ગંભીર રીતે ગુજરાતની દૃષ્ટિ વળવાનો મહત્ત્વનો પ્રારંભ થાય છે. આ પ્રારંભ એ અસહકારથી આવેલી નવી જાગૃતિનું લોકજીવનના સાહિત્યની નજીક જવામાં આવેલું એક મહત્ત્વનું પરિણામ છે. અત્યાર લગીના સંગ્રહોમાં સંપાદનની દૃષ્ટિ જેવું કશું નથી, માત્ર ગમે તેમ મળી આવેલાં કે મેળવેલાં ગીતોના ભારા જેવા તે બનેલા છે. ૧૯૨૫, રઢિયાળી રાત, ૧૯૨૬-ભા. ર, ૧૯૨૭-ભા. ૩, સં. ઝવેરચંદ મેઘાણી. રણજિતરામે શરૂ કરેલી પ્રવૃત્તિને મેઘાણીએ વધુ તલસ્પર્શી તથા શિક્ષિત વર્ગમાં વધુ જાણીતી કરી છે. સૌરાષ્ટ્રનાં ગામડાંમાં જાતે ફરીને ખૂબ મહેનતથી આ લોકધન તેમણે ભેગું કર્યું, તેટલી જ મહેનત લઈ તેને શહેરોના ગ્રામજનતાવિમુખ બનેલા વર્ગ પાસે પોતાના મીઠા કંઠે રજૂ કર્યું. તથા તેનું શાસ્ત્રીય પૃથક્કરણ કર્યું; એમ ત્રણ રીતે તેમણે અત્યાર લગીના કોઈ પણ સંપાદક કરતાં વધારે મહત્ત્વનું અને જહેમતનું કામ કરી, આ લોકસાહિત્યને ઉચ્ચ સાહિત્યના એક જીવંત અને પ્રાણવંત અંગ તરીકે પ્રકાશમાં આણ્યું છે. ૧૯૨૫, લોકસંગીત, સં. નારાયણ મોરેશ્વર ખરે. મેઘાણીના સંગ્રહની સાથે જ તેમને કંઠે ગવાતાં અને ઝિલાતાં બનેલાં લોકગીતોના ઢાળોનું સંગીતના અભિજ્ઞને હાથે થયેલું આ સંગીતલેખન છે. આ પ્રકારનો બીજો પ્રયત્ન તે પછી થયો નથી. ૧૯૨૯, રસકલ્લોલ, સં. છગનલાલ વિદ્યારામ રાવળ. આમાં તળ ગુજરાતનાં ગીતોનો, રણજિતરામ પછી બીજો મહત્ત્વનો સંગ્રહ છે. રણજિતરામના તથા આ સંગ્રહમાંનાં ગીતો તથા રઢિયાળી રાતનાં ગીતોનાં પાઠાન્તરો વગેરેનો તુલનાત્મક અભ્યાસ હજી થવાની જરૂર છે. ૧૯૨૯, રસિયાના રાસ, સં. ગોકુળદાસ દ્વારકાંદાસ રાયચુરા. આ પણ સૌરાષ્ટ્રનાં લોકગીતોનો સંગ્રહ છે. મેઘાણીના સંગ્રહોમાં નથી આવેલી એવી કેટલીક કૃતિઓ પણ આમાં છે. ૧૯૩૭, રઢિયાળા રાસ, સં. મગનલાલ બાપુજી બ્રહ્મભટ્ટ. આમાં તળ ગુજરાતનાં કેટલાંક લાક્ષણિક ગીતો છે. અત્યાર લગી સંગ્રહિત થયેલાં ગીતોની સામગ્રીમાં આ સંગ્રહથી સારો ઉમેરો થયો છે. ન્હાનાલાલથી શરૂ થયેલા નવીન ઢબના ‘રાસ’યુગ સાથે અર્વાચીન રાસલેખકોની કૃતિઓના પણ ઘણા સંગ્રહો બહાર પડેલા છે તેમાં નીચેના સંગ્રહો ખાસ ધ્યાન ખેંચે તેવા તથા લોકપ્રિય બનેલા છે. ૧૯૨૮, રાસકુંજ, સં. સૌ. શાન્તિ બરફીવાળા. આ સંગ્રહની બે આવૃત્તિઓમાં અનુક્રમે ન્હાનાલાલ તથા મેઘાણીની મહત્ત્વની પ્રસ્તાવનાઓમાં અત્યાર લગીની લોકગીત તથા રાસપ્રવૃત્તિની લગભગ સર્વવ્યાપી કહેવાય તેવી વિચારપૂર્ણ સમાલોચના છે, અને તે ખૂબ મહત્ત્વની છે. આ સંગ્રહનાં ગીતોના ઢાળની સારિગમ પણ બહાર પાડેલી છે. ૧૯૩૩, રાસરજની, સં. શ્રીમતી બહેન મધુરિકા મહેતા. આ સંગ્રહ પણ ખૂબ લોકપ્રિય નીવડ્યો છે. તેના સંપાદનમાં ખાસ વિશેષતા નથી. ૧૯૩૯, રાસમાલિકા, સં. ધૈર્યચન્દ્ર ૨. બુદ્ધ, આ સંગ્રહમાં કેટલાક અજાણ્યા રહી ગયેલા કવિઓની ગીતકૃતિઓ પહેલી વાર ભેગી થઈ છે એ રીતે આ સંગ્રહ મહત્ત્વનો બને છે. તેમાં ‘વિહારી’, ‘કુસુમાકર’, કુસુમ ઠાકોર, ચંદ્રશંકર ધી. પંડ્યા, મનુ દેસાઈ, પ્રભાશંકર ત્રિવેદીની કૃતિઓ ખાસ નોંધપાત્ર છે.
રાષ્ટ્રીય ગીતો
લોકગીતો જેવો બીજો લોકપ્રચલિત કાવ્યપ્રકાર, જેની વિશેષ, ઉત્પત્તિ ખાસ કરીને ૧૯૨૦ના અસહકારની આસપાસ થઈ છે, તે રાષ્ટ્રીય ગીતોનો છે. નર્મદથી શરૂ થયેલાં સ્વદેશભક્તિનાં કાવ્યોની પરંપરા આજ લગીની પેઢીના કવિઓ લગી સતત લંબાતી આવેલી છે, પણ ૧૯૨૦ પછી રાષ્ટ્રજીવનમાં પલટો આવ્યો તેને અનુસરી આ પ્રકારનાં કાવ્યોમાં પણ પલટો આવ્યો. એમાંનાં શિષ્ટ કોટિનાં મહત્ત્વનાં સર્જનોનો વિચાર તે કર્તાની કૃતિઓ સાથે થઈ ચૂક્યો છે, પણ તે ઉપરાંત આ વિષયનાં ગીતો સાધારણ શક્તિના સંખ્યાબંધ લેખકોએ પણ લખેલાં છે. એ લેખકોમાં મોટા ભાગના પેલા રાસલેખકો જ છે. અને તેવાં કાવ્યોના ઘણાએક સંગ્રહો બહાર પડ્યા છે, જેમાં બહુ સત્ત્વ જેવું નથી. પણ આને અંગે રાષ્ટ્રીય ગીતોને સંગ્રહવાના જે ત્રણેક ગંભીર પ્રયત્નો થયા છે તેની નોંધ અત્રે આવશ્યક છે. એમાંનો સૌથી પહેલો સંગ્રહ ૧૯૧૮માં ‘સ્વદેશગીતામૃત’ નામે મહેતા કાન્તિલાલ અમુલખરાયે કરેલો છે. આ નાનકડા સંગ્રહમાં પણ ઘણાં સારાં ગીતો છે. એ પછી બીજો સંગ્રહ ૧૯૨૨માં ‘રાષ્ટ્રગીત’ ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક દ્વારા સંપાદિત થયેલો આવે છે. સૌ સંગ્રહમાં આ સંગ્રહ ઉચ્ચતમ બનેલો છે. પ્રાન્તીય મટી આખા દેશ તરફ અભિમુખ બનેલા આપણા માનસના પ્રતીક જેવા આ સંગ્રહમાં બંગાળી, હિંદી, ઉર્દૂ અને ગુજરાતી ભાષાનાં ઉત્તમ રાષ્ટ્રગીતો છે. ગુજરાતીમાં અથવા કદાચ હિંદની કોઈ પણ ભાષામાં આવો બહુભાષી સંગ્રહ પહેલો જ છે. એની બીજી વિશેષતા એ છે કે નર્મદથી માંડી અદ્યતન સમય લગીના ગુજરાતી કવિઓની આ પ્રકારની ઉત્તમ કૃતિઓ આમાં આવી ગઈ છે. કેટલાક સાધારણ અજાણ્યા લેખકોની સારી કહેવાય તેવી કૃતિઓ પણ અહીં આવી છે એ ખાસ ધ્યાનપાત્ર હકીકત છે. ‘રાષ્ટ્રગીત’ પછીનો બીજો નોંધપાત્ર સંગ્રહ ‘સ્વરાજનાં ગીતો’ (૧૯૩૧) કલ્યાણજી વિઠ્ઠલભાઈએ સંગ્રહેલો છે. આમાં ૧૯૩૧ લગીનાં સત્યાગ્રહસંગ્રામમાં રચાયેલાં સંખ્યાબંધ નવાં ગીતો આવ્યાં છે. એમાં ઘણી કૃતિઓ હળવી નિર્બળ અને કેવળ પ્રચારાત્મક છે. આમાં કેટલીક અત્યંત લોકપ્રચલિત બનેલી કૃતિઓ કાવ્યત્વના જરાયે સ્પર્શ વગરની છે, એ હકીકત બતાવી આપે છે કે કોઈ પણ રચના લોકોમાં પ્રચલિત થઈ જાય છે તેનું કારણ કલાતત્ત્વ કરતાં બીજા કોઈ પ્રાસંગિક અનુષંગમાં જ રહેલું છે. આવી હળવી કૃતિઓમાં ફૂલચંદ શાહનાં ગીતો જરા વિશેષ ધ્યાન ખેંચે એવાં છે. એની સરળતામાં પણ એક રીતની બળકટતા રહેલી છે; જોકે ઘણી પંક્તિઓ સાદા ગદ્યથી ઊંચી નથી તથા ફિસ્સી રીતે જ ભાવનાઓ રજૂ કરે છે. આ સંગ્રહમાં આવેલાં કાવ્યોમાંથી ચીમનલાલ પ્રા. ભટ્ટની ‘મારું વતન’ જેવી કૃતિ નોંધપાત્ર છે. આવી એકાદ-બે પ્રાસાદિક કૃતિઓ દ્વારા પણ આ લેખક એક સફળ કાવ્યકાર તરીકે સ્થાન મેળવે તેમ છે. સત્યાગ્રહસંગ્રામની સાથે મેઘાણીનાં કેટલાંક ગીતો ખૂબ પ્રચારમાં આવ્યાં, લોકાદર પામ્યાં અને લોકોને હૈયે વસી ગયાં છે, એ વાત પણ અત્રે નોંધવી જોઈએ. આ વિષયના બીજા કોઈ પણ સમકાલીન લેખક કરતાં સત્યાગ્રહ જંગને અંગેનાં કલાકૃતિની વધુ નજીક આવતાં ગીતો તેમણે જ આપ્યાં છે. ‘સિંધૂડો’ (૧૯૩૦) તથા ‘કોઈનો લાડકવાયો’ અને ‘પીડિતોનાં ગીતો’ (૧૯૩૩)માં આવેલી તેમની સ્વતંત્ર, અનૂદિત કે ઉદ્ભાવિત, કૃતિઓ ભાષાની ઘેરી મીઠાશ, લોકવાણીની બળકટતા તેમજ કંઈક આસમાની રંગ પણ ધરાવે છે; જોકે તેનું કળાકલેવર શિથિલ તેમજ કાચું છે તે વાત તો લેખક પોતે પણ જાણે છે અને સ્વીકારે છે. ૧૯૩૮, ગ્રામભજનમંડળી, સં. જુગતરામ દવે. આ સંગ્રહના ૭૦ ગીતો આમ તો જાણીતાં છે, પણ ગામડાંની દૃષ્ટિએ તેને બહુ વિચારપૂર્વક એકત્રિત કરવામાં આવ્યાં છે એ તેની લાક્ષણિક ગુણવત્તા છે. આવો સંગ્રહ આ પહેલો જ કહેવાય.
શિષ્ટ કવિતાના સંગ્રહો
સંપાદિત ગ્રંથોમાં છેલ્લો અને સૌથી મહત્ત્વનો વર્ગ છે શિષ્ટ સાહિત્યની કૃતિઓના અભ્યાસને અનુલક્ષી થયેલા સંગ્રહોનો. આવા સંગ્રહોમાં જુદા જુદા હેતુ પ્રમાણે એકલી પ્રાચીન, એકલી અર્વાચીન, યા પ્રાચીન કે અર્વાચીન કવિતાનાં સંપાદનો થતાં આવેલાં છે. આ સંગ્રહોએ લોકવર્ગને કવિતા તરફ અભિમુખ કરવામાં, કવિતાથી પરિચિત કરવામાં તથા પ્રજાનું કળામાનસ કેળવવામાં કવિઓના સ્વતંત્ર ગ્રંથો જેટલી જ અથવા કેટલીક વાર એથી પણ વધારે અસર પહોંચાડી છે. એ રીતે ગુજરાતી કવિતાના વિકાસમાં તેમનો તથા તેમના સંપાદકોનો ફાળો પણ ખાસ મહત્ત્વનો છે. અત્યારે છેવટે તો શાળા-મહાશાળાઓને લક્ષ્યમાં રાખી અનેકાનેક સંપાદનો થયાં છે. એ સૌમાંથી વધુ મહત્ત્વનાં પુસ્તકોની નોંધ અત્રે કરી છે : ૧૮૮૭, કાવ્યનિમજ્જન, સં. હરિકૃષ્ણ બળદેવ ભટ્ટ. શાળાઓના અભ્યાસની દૃષ્ટિએ કવિતાનું આ પહેલું વિચારપૂર્ણ સંપાદન છે. એમાં સંગ્રાહકે લેખનશુદ્ધિનો-જોડણીને એકધારી કરવાનો પ્રયત્ન કર્યો છે. શબ્દનાં અર્થ, વ્યુત્પત્તિ, સમાસ, અલંકાર વગેરેની સમજૂતી આપતી ટીકા પણ આપી છે. આમાં પ્રાચીન કવિતાઓમાંથી ચૂંટણી કરેલી છે. ૧૮૮૮, કાવ્યસુધાકર, સં. નથુશંકર ઉદયશંકર ધોળકિયા. આમાં અર્વાચીન કવિઓની કૃતિઓનું સંપાદન છે. દરેક કવિનું ચરિત્ર આપ્યું છે તે આની વિશેષતા છે. આમાં જેમનાં કાવ્યો ગ્રંથરૂપ નથી પામી શક્યાં તેવા પણ કેટલાક કવિઓનાં કાવ્ય જોવા મળે છે જે ખાસ અગત્યનાં છે. કવિઓના ચરિત્રની સામગ્રી આપનાર પુસ્તક તરીકે પણ આ સંપાદન મહત્ત્વનું છે. એમાં મૂકેલાં આણંદલાલ વ્રજદાસનાં કાવ્યો ખાસ નોંધપાત્ર છે. ૧૯૦૩, કાવ્યમાધુર્ય, સં. હિંમતલાલ ગણેશજી અંજારિયા. અર્વાચીન કવિતાના બીજા સ્તબકની ઉત્તમ કૃતિઓના આ સંગ્રહે અર્વાચીન કવિઓને જનતા પાસે લઈ જવામાં, ગુજરાતની કાવ્યરુચિને વિકસાવવામાં તથા એક મહત્ત્વના કાવ્યઘટક બળ તરીકે કામ કરવામાં ઘણો મોટો ભાગ ભજવ્યો છે. અંગ્રેજી ‘ગોલ્ડન ટ્રેઝરી’ને લક્ષ્યમાં રાખી થયેલો આ સંગ્રહ ગુજરાતી પૂરતો તેવો ખરેખર બન્યો છે. જે વખતે આમાં આવેલા મહત્ત્વના અર્વાચીન કવિઓ કાન્ત, કલાપી, ન્હાનાલાલ અને બ. ક. ઠાકોરની કૃતિઓમાંથી થોડીક જ ગ્રંથસ્થ બની હતી ત્યારે આ પુસ્તકે તેમનાં કાવ્યોને લોકો આગળ સંગ્રહીત રૂપે મૂક્યાં. ગોવર્ધનરામના ‘સ્નેહમુદ્રા’ જેવા કાવ્યના લગભગ બધા ઉત્તમ ભાગો આમાં સંગ્રહાયા છે. બળવંતરાય જેવાની સુષ્ઠુ કૃતિઓને સૌ પહેલાં અહીં જ પ્રબળ પુરસ્કાર મળ્યો છે તથા કલાપી જેવા લોકપ્રિયને વધુ લોકપ્રિયતા અપાઈ છે. સંગ્રહના સંપાદનમાં, કાવ્યોની વ્યવસ્થામાં સંપાદકે સુરુચિ અને કલાજ્ઞતા બતાવી છે, જોકે કવિ લલિત તરફ સંગ્રાહકનું વિશેષ મમત્વ દેખાય છે, તથા કેટલીક અલ્પ સત્ત્વવાળી કૃતિઓ પણ અંદર પેસી ગઈ છે. સંપાદકને કોઈ અલ્પ ગુણ મહા ગુણ લાગ્યો હશે, પણ આ નવીન કવિતાનો એકે એવો મહાગુણ નથી જે આ સંગ્રાહકની દૃષ્ટિ બહાર રહી ગયો હોય. આ સંગ્રહ કલાપીના કવિમિત્ર દરબાર વાજસુરવાળાને અર્પણ થયો છે એ પણ ધ્યાન ખેંચનારી વિગત છે. આ સંગ્રાહકે કરેલાં બીજાં પાંચ સંપાદનોનો ઉલ્લેખ પણ અત્રે જ કરી લઈએ. એ છે ‘સંગીતમંજરી’ (૧૯૦૯), ‘કવિતાપ્રવેશ’ (૧૯૧૧), ‘મધુબિન્દુ’ (૧૯૧૫), ‘પદ્યસંગ્રહ’ (૧૯૨૧) અને ‘કવિતાવિનોદ’ (૧૯૨૬). ‘સંગીતમંજરી’માં ગુજરાતી ગેય કૃતિઓ, જેમાં નાટકનાં ગીતો પણ આવી જાય છે તેનું સંપાદન છે. સંગ્રાહકે આમાં જોડેલા નિબંધમાં લિરિક અને ગીતનો ભેદ ઝીણી સમજશક્તિથી ચર્ચ્યો છે. ‘કવિતાપ્રવેશ’ પ્રાચીન કવિતામાંથી કરીમ મહમદ માસ્તર સાથે કરેલો સંગ્રહ છે. તેમાં ગુજરાતી કવિતાના ઐતિહાસિક દર્શનનો નિબંધ સારો બન્યો છે. ‘મધુબિન્દુ’ બાળકો માટેનો કાવ્યસંગ્રહ છે. સરકારી વાચનમાળાની કવિતાનું તેમાં સારું વિવેચન છે. આ સંગ્રહ હજી પણ બાળકો માટે કામ આવે તેવો છે, પણ તે પ્રચારમાં આવ્યો લાગતો નથી. ‘પદ્યસંગ્રહ’માં પ્રાચીન અને અર્વાચીન બેઉ કવિતા મળે છે. ‘કવિતાવિનોદ’માં અર્વાચીન કવિતાના પહેલા સ્તબકની કૃતિઓમાંથી સંગ્રહ થયો છે. આ સ્તબકને જ લક્ષ્યમાં રાખી થયેલું આ પહેલું જ મહત્ત્વનું સંપાદન છે. એમાં એ સ્તબકમાં કવિતા કેટલી હદે પહોંચી હતી તેનું સરળતાથી દર્શન કરી શકાય છે. શિવલાલ ધનેશ્વરની કૃતિઓને સંપાદકે સારું સ્થાન આપ્યું છે તે યોગ્ય જ છે. પ્રાચીન તથા અર્વાચીન ગુજરાતી કવિતામાંથી યોજનાપૂર્વક સંગ્રહો કરવાનું આ સંપાદકને જ પ્રથમ સ્ફુર્યું છે. એ રીતે તેમનાં સંપાદનો આપણી કવિતાના અભ્યાસની એક ક્રમિક શ્રેણી પૂરી પાડે છે. ૧૯૦૫-૦૬, કાવ્યપ્રેમી, સં. કાવ્યપ્રેમી મંડળ. આ કોઈ ગ્રંથ નથી પણ કવિતાના અમુક પ્રેમીઓ દ્વારા બે વરસ લગી દર માસે પોતાની તથા અન્ય લેખકોની કૃતિઓનું માસિક સંપાદન છે. નર્મદ પોતાની નર્મકવિતાને અંકો રૂપે બહાર પાડતો હતો તે પછી આમ અંકો રૂપે એક કરતાં વધુ કવિઓની કૃતિઓનું આવું સંપાદન આ પહેલી જ વાર થાય છે. વાર્ષિક એક રૂપિયાના લવાજમમાં આ માસિકે ઠીક કામગીરી બજાવી છે. એમાં અનેક નાનામોટા કવિઓનાં નામ તથા કૃતિઓ છે. એ કવિઓનો બીજે ક્યાંય ઉલ્લેખ નથી, તેમજ તેમની કૃતિઓનો સંગ્રહ નથી. એ રીતે આ માસિક બહુ કીમતી વસ્તુ ઠરે છે. આમાં જૂનીનવી બંને ઢબે લખાતી આવેલી કવિતા આવતી રહી છે. આમજનતાને લક્ષ્યમાં રાખી એ જમાનામાં થયેલી આ એક નોંધપાત્ર ઘટના છે. ૧૯૦૮, સાહિત્યરત્ન – સં. ઈશ્વરલાલ પ્રાણલાલ ખાનસાહેબ અને નરહરિલાલ ત્ર્યંબકલાલ. આ સંપાદનમાં પ્રાચીન તથા અર્વાચીન બંને કવિતા ઉપરાંત ગદ્યકૃતિઓમાંથી નિબંધ, નાટક, વાર્તા આદિમાંથી પણ ચૂંટણી કરી છે. આ સાલ લગીના ગુજરાતી સાહિત્યની સર્વ રીતની સામગ્રીને સ્પર્શનાર સંગ્રહ તરીકે આ પહેલો છે. માધ્યમિક શાળાઓના અભ્યાસમાં મહત્ત્વના પાઠ્યપુસ્તક તરીકેનું સ્થાન તેણે ઘણાં વરસો લગી ભોગવ્યું છે. ભવિષ્યમાં શાલોપયોગી સંગ્રહો મુખ્યત્વે આ સંગ્રહની ઘાટીએ થતા રહ્યા છે. એ રીતે આ સંગ્રહ ભવિષ્યની આ પ્રકારની કૃતિઓની અગ્રજ તરીકેનું ઐતિહાસિક સ્થાન ધરાવે છે. ૧૯૧૪, ગોપકાવ્યો, સં. કલ્યાણજી વિઠ્ઠલભાઈ મહેતા અને ચુનીલાલ રામચંદ્ર શેલત. રણજિતરામે આની પ્રસ્તાવના લખી છે. અંગ્રેજી pastoralsની ઢબે ખેડૂતજીવનને અંગેનાં કાવ્યોનો આ સંગ્રહ થયો છે. બધાં કાવ્યો એકસરખાં નથી. કેટલાંક તદ્દન નિઃસત્ત્વ છે. ખેડૂતજીવનમાં બધું સારું જ હોય એવી ભાવનાવાળાં ગીતોના અનિષ્ટ પરિણામ સામે તથા જીવનના સત્યને વિસારી કેવળ ભાવનાવિલાસની સામે રણજિતરામે યોગ્ય રીતે અહીં આંગળી ચીંધી છે. ૧૯૧૬, સ્ત્રીગીતાવલિ; ૧૯૧૭, ગીતલહરી, સં. ગણપતરામ ગોપાળરામ બર્વે. કવિતામાં રસ લેતા એક સારા અને જાણીતા સંગીતશાસ્ત્રીના આ બે સંપાદનના યત્નો છે. બર્વેને ગુજરાતી કવિતાની સાથે સારો પરિચય પણ હતો. આ સંગ્રહોમાં ગીતોનો સંગ્રહ છે. એમાં સંગ્રાહકનાં પોતાનાં પણ કેટલાંક કાવ્યો આવે છે. એ રીતે આમાંનો બીજો સંગ્રહ મહત્ત્વનો બન્યો છે. બર્વેની કાવ્યશક્તિ સાધારણ કોટિની છે. ૧૯૨૪, ગુજરાતી સાહિત્યમાંથી કવિતાઓની ચૂંટણી, સં. એરચ જેહાંગીર સોરાબજી તારાપોરવાલા. કલકત્તા યુનિવર્સિટીમાં ગુજરાતીના એક વખતના વિદ્વાન પારસી અધ્યાપકે પ્રાચીન કવિતાઓનો કરેલો સંગ્રહ એના સંગ્રાહકને લીધે ધ્યાન ખેંચે છે. સંગ્રાહકે આ ગ્રંથમાં અંગ્રેજીમાં મૂકેલો ગુજરાતી કવિતાનું અવલોકન આપતો નિબંધ અંગ્રેજી જાણનાર વર્ગ માટે ગુજરાતી કવિતાના પરિચયનું એક કીમતી સાધન બનેલો છે. એમાં પારસી લેખકોની સાહિત્યપ્રવૃત્તિની પણ રસિક માહિતીવાળી નોંધ છે. ૧૯૨૪, કાવ્યસમુચ્ચય ભા. ૧ તથા ૨, સં. રામનારાયણ વિ. પાઠક. આ વિદ્વાન અધ્યાપક તથા વિવેચકે પોતાની કાવ્યપ્રદેશની સેવા આ એક સંપાદનથી ઉત્તમ રીતે શરૂ કરી છે. એમાં ‘કાવ્યમાધુર્ય’ની રીતે પણ વધારે પુખ્ત વિવેકદૃષ્ટિથી તથા વિશેષ સમગ્રતાથી ૧૯૨૪ સુધીની અર્વાચીન કવિતામાંથી ચૂંટણી છે. ગુજરાતી અર્વાચીન કવિતાનું ઉત્તમ સત્ત્વ આ સંગ્રહમાં લગભગ આવી ગયું છે. એ સંગ્રહો શાળા તથા કૉલેજોમાં ગુજરાતી કવિતાના અધ્યયનનું ઉત્તમ સાધન નીવડ્યા છે. આ સંગ્રહનાં કાવ્યોની ગોઠવણી યોજનાપૂર્વક થયેલી છે. બીજા ભાગમાં સંગ્રાહકે લખેલી ‘ભૂમિકા’ અર્વાચીન કવિતાનું એક મર્મસ્પર્શી વિવેચન પ્રશસ્ય સંક્ષેપમાં આપે છે. ૧૯૨૮, કાવ્યપરિચય ભાગ ૧, તથા ૨, સં. રામનારાયણ વિ. પાઠક તથા નગીનદાસ ના. પારેખ. આ બે ભાગમાં પ્રાચીન તથા અર્વાચીન કવિઓમાંથી માધ્યમિક શાળાઓના અભ્યાસને અનુલક્ષી કાવ્યોની પસંદગી કરવામાં આવી છે. શાળાઓના અભ્યાસ માટે જરૂરી પ્રાચીન કવિતામાંથી ઉત્તમ ભાગ આ બે સંગ્રહમાં આવેલો છે. આ પહેલાં પ્રસિદ્ધ થયેલા ‘ચણીબોર’ (૧૯૨૪) તથા ‘રાયણ’ ભા. ૧ તથા ર (૧૯૨૫), સં. જુગતરામ દવે-નાં સંપાદન શાળાઓનાં નીચલાં ધોરણો માટે પ્રાચીન અર્વાચીન કાવ્યોમાંથી થયેલાં છે. આ આખી સંગ્રહશ્રેણી ઠેઠ બાળવર્ગથી માંડી મહાવિદ્યાલયના અભ્યાસક્રમ માટેનાં ક્રમિક પાઠ્યપુસ્તકો રૂપે બની શકી છે. અને અંજારિયાના સંગ્રહો પછી યોજનાપૂર્વકનું બીજું અદ્યતન તથા વધારે વ્યાપક અને ઉત્તમ સંપાદન છે. ‘ચણીબોર’ અને ‘રાયણ’ જેવા સુંદર બાલોચિત સંગ્રહોની નવી આવૃત્તિઓ કેમ નીકળી નથી તે વિચારવા જેવું છે. જરૂર હોય તો સંપાદકોએ તેમનું ફરીથી સંપાદન કરી આ આખી શ્રેણીની કલ્પના લોકમાનસ આગળ જીવતી રાખવાની જરૂર લાગે છે. ‘કાવ્યકુંજ એ રાંદેરના ‘મુસ્લિમ-ગુજરાત સાહિત્યમંડળે’ યોજેલા આઠ મુશાયરામાં રજૂ થયેલી ગઝલોના પાંચ ભાગમાં ૧૯૩૦થી ૩૪ સુધીમાં પ્રસિદ્ધ થયેલા સંગ્રહો છે. આ મંડળે શરૂ કરેલી આ મુશાયરાપ્રવૃત્તિ ગુજરાતમાં ત્યાર પછી વધારે વ્યાપક બની છે એ એણે કરેલી એક કીમતી સેવા છે. આ સંગ્રહોમાં કવિતાના વિષયમાં આપણા મુસ્લિમ વર્ગની જે ઊર્મિ અને શક્તિ છે તેનું પ્રતિબિંબ જોવા મળે છે. ગુજરાતી કવિતાના ક્ષેત્રમાં પહેલી જ વાર પોતાની રચના લઈ આવનારા ઘણા ગઝલલેખકો અહીં જોવા મળે છે, એમાંથી ધ્યાન ખેંચે તેવી ગઝલો ‘મુનાદી’ ‘બેકાર’ ‘આસિમ’ અને ‘શયદા’ની છે. બીજા લેખકોની કૃતિઓમાંથી પણ ચમત્કૃતિવાળી એકાદ બેત મળી આવે છે. આ રીતની મુક્તક શૈલીની બેતરચનાઓની શક્યતા જોવા માટે આ સંગ્રહ ઉપયોગી થઈ પડે તેમ છે. ‘બેકાર’ની ગઝલોમાંનો હાસ્યરસ, કેટલીક વાર સ્થૂલ બની જતો હોવા છતાં, કેટલીક મઝાની રોનક લઈ આવે છે. ‘શયદા’ની કેટલીક ગઝલોમાં શબ્દ અને અર્થની પ્રશસ્ય ચમત્કૃતિ અને ધ્વનિપૂર્ણતા આવે છે. ૧૯૩૧, આપણી કવિતાસમૃદ્ધિ, સં. બળવંતરાય ક. ઠાકોર. અત્યાર લગીનાં કાવ્યસંપાદનોમાં આ સંગ્રહ ઘણો વિલક્ષણ છે. શાળાઓના અભ્યાસની દૃષ્ટિએ નહિ પણ કવિતાના શુદ્ધ અને ઉત્તમ રૂપના અભ્યાસની દૃષ્ટિએ આ સંગ્રહનું સંપાદન કરવામાં આવેલું છે. કવિતાનાં ભિન્નભિન્ન તત્ત્વોને સ્પર્શતી ટીકા આ સંગ્રહની ખાસ વિશેષતા છે. આમાં કાવ્યના રસ ઉપરાંત કાવ્યદૃષ્ટિની કેણવણીને લક્ષ્ય રૂપે સંપાદકે વિશેષ રાખી છે. અને એ રીતે ગુજરાતની કવિતા-રુચિને ઘડવામાં આ સંગ્રહે ઠીક ભાગ ભજવ્યો છે. આ સંગ્રહની બીજી આવૃત્તિ (૧૯૩૯)માં અંદરની કૃતિઓમાં ઘણો ઉમેરો તથા વધઘટ થવાથી તે બીજા સંગ્રહ જેવો જ બન્યો છે. ત્રીજી આવૃત્તિ (૧૯૪૪)માં પોતાની પસંદગીને ઠેઠ ૧૯૩૯ લગીની કવિતા સુધી લઈ આવી સંપાદક આ ત્રણે સંગ્રહોમાં અર્વાચીન કવિતાના લગભગ સોથી વધુ વર્ષના પટને સ્પર્શ્યા છે. અર્વાચીન કવિતાનું આમ તદ્દન ભિન્ન દૃષ્ટિએ થયેલું આ સંપાદન સંપાદકની કવિતા તરફ જોવાની દૃષ્ટિનું પ્રતીક બનેલું છે, ઉપરાંત તે ગુજરાતી કવિતાના વિકાસનો પણ એક અચ્છો આલેખ બનેલું છે.