૯. કુંજલ ન માર
કુંજલ ન માર વીરા, કુંજલ ન માર,
ઈ રે કુંજલ બેઠી દરિયાને પાર.
કડલાં રે ઘડાવ વીરા, કડલાં રે ઘડાવ,
કાંબિયુંની માથે કુંજલ બેસાડ.
કુંજલ ન માર...
પારલો રે ઘડાવ વીરા પારલો રે ઘડાવ,
હારલાની માથે કુંજલ બેસાડ.
કુંજલ ન માર...
ચૂડલો રે ઘડાવ વીરા, ચૂડલો રે ઘડાવ,
ગુજરીની માથે કુંજલ બેસાડ.
કુંજલ ન માર...
નથણી રે ઘડાવ વીરા, નથણી રે ઘડાવ,
ટીલડીની માથે કુંજલ બેસાડ.
કુંજલ ન માર...
ઓઢણી રે લઈ આવ વીરા, ઓઢણી રે લઈ આવ,
ચૂંદડીની કોર માથે કુંજલ બેસાડ.
કુંજલ ન માર...
લોકગીત રચવાં અને એ પછી એનું ગાન કરવાનું પ્રયોજન શું? કોઈને આવો સવાલ પૂછીએ તો એનો ત્વરિત જવાબ એ હોય એ ‘મનોરંજન’...હા, આ ઉત્તર ખોટો નથી જ પણ લોકગીતના સર્જન અને ગાયનનો પ્રથમ હેતુ મનોરંજન નથી પણ સંદેશો આપવાનો છે, મનોરંજન તો એની ‘બાય પ્રોડક્ટ’ છે પણ આપણે કોઈ દિવસ લોકગીતના અર્થ કરવાની કોશિષ નથી કરી એટલે એ માત્ર એન્ટરટેઈનમેન્ટ બની રહ્યું! કોઈપણ સંદેશો, પ્રાચીન હોય કે સાંપ્રતયુગીન, ગુજરાતી લોકગીતોમાં એ છુપાયેલો હોય જ છે જેમ મેંદીના લીલાં પાનમાં કસુંબલ રંગ બાય ડીફોલ્ટ હોય છે એમ જ! હાસ્તો, મેંદીનાં પાનને લસોટવાં પડે, વાટવાં પડે તો જ લાલાશ નિખરે એમ લોકગીતના શબ્દેશબ્દને ખોલવા પડે તો જ એનો અર્ક પામી શકીએ. ‘કુંજલ ન માર વીરા...’ ઠીક ઠીક પ્રચલિત લોકગીત છે. મુખડું વાંચતાં-ગાતાં સમજાય છે કે ગુજરાતનાં જળસ્ત્રોતો પર આવતાં કુંજ પક્ષી કે કુંજડાંનો એક પુરૂષ શિકાર કરી રહ્યો છે ને એને ‘વીરા’ સંબોધતી સ્ત્રી એમ કરવા ના પાડી રહી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં દરિયાકાંઠો, તળાવો ખાસ કરીને ફરતી બાજુ પાણી ને વચ્ચે જમીન હોય એવી જગ્યા પર કુંજ સલામતી અનુભવે છે એટલે ત્યાં વધુ જોવા મળે છે. વળી અમદાવાદ, ખેડા, આણંદ પંથકમાં ડાંગનાં ખેતરોમાં પાણી ભરેલું હોય ત્યાં પણ ઉતારો કરે છે. દૂર સુદૂરથી ઉંચે આકશમાં હરોળબંધ, ખાસ તો અંગ્રેજીના ‘v’ આકારે ઉડતાં અને ધીમો મીઠો કલરવ કરતાં કુંજ આપણા પ્રદેશના અતિથિ છે એટલે એને મરાય નહીં; આમેય કોઈપણ જીવનો શિકાર શા માટે કરવો? એવો શુભભાવ ગીતના મુખડામાં છે. લોકગીતના અંતરા બહુ રસપ્રદ છે. કડલાં ઘડાવી કાંબિયું પર કુંજલ બેસાડવાનું, પારલો ઘડાવી હારલા પર, ચૂડલો ઘડાવી ગુજરી પર, નથણી ઘડાવી ટીલડી પર તો ઓઢણી લાવીને ચૂંદડીની કોરે કુંજલ બેસાડવાનું નાયિકા કહે છે પણ એનો અર્થ શું? નાયિકા કહે છે કે ‘તેં કુંજનો શિકાર કર્યો, નિર્દોષ પક્ષીને માર્યું તો હવે એની સજારૂપે મારી કાંબિયું, હારલા, ગૂજરી, ટીલડી અને ઓઢણી ઉપર એ કુંજની પ્રતિકૃતિ મુકાવીદે જેથી મને એની યાદી કાયમ રહે, એ મીઠાબોલું પંખી જાણે મારી સાથે જ હોય એવું લાગે! ઓહો...! કેવી કુંજપ્રીતિ! લોકગીતો માત્ર પ્રેમ, વિરહ, મિલન, વ્યથાનાં ગીતડાં નથી, અહિંસા, જીવદયા, પર્યાવરણની સુરક્ષાના સંદેશ પણ આપે છે. કુંજનું અસ્તિત્વ જોખમમાં છે એમાંય એનો શિકાર થાય તો એની ચિંતા કોઈકે તો કરવી પડશેને? પર્યાવરણપ્રેમીઓ પોતાની ક્ષમતા મુજબ પ્રયાસો કરતા રહે છે પણ એ જ વાત લોકગીતમાં આવે તો કંઠોપકંઠ જનજન સુધી પહોંચે એટલે કે જાણે વાઈરલ થઈ જાય! મોડર્ન મીડિયા કરતાં ફોકમીડિયાના મેસેજ ઝટ અને અસરકારકરીતે પહોંચે છે અને વધુ વિશ્વસનીય પણ હોય છે. કુંજ વિશે એક દંતકથા એવી પણ છે કે માદાકુંજ ઈંડાં મુકીને ઉડી જાય પછી આઠ મહિને પાછી આવે ત્યારે પોતપોતાનાં બચ્ચાંને ઓળખી જાય છે. કુંજ અને સારસ પક્ષીને અંગ્રેજીમાં ‘ક્રેઈન’ કહે છે પણ આ બન્ને એક નથી. સારસ હંમેશા જોડીમાં રહે છે, એક જ પાર્ટનર સાથે આજીવન રહે છે ને બેમાંથી એકનું મૃત્યુ થાય તો બીજું માથાં પટકીને મારી જાય છે- આવી દંતકથાને લગતા ઘણા દુહા આપણે ત્યાં મળે છે.