૬૨. સાવ રે સોનાનું
સાવ રે સોનાનું મારું પારણિયું ને
ઘૂઘરીએ ઘમકાર, બાળા પોઢો ને!
ચાર પાયે ચાર પૂતળિયું ને
મોરવાયે બે મોર, બાળા પોઢો ને!
સૂવડાવ્યા સૂવે નહીં રે
આ શાં કળજગ રૂપ, બાળા પોઢો ને!
હમણાં આવશે તારા દાદાજી
ને માંડશે કાંઈ વઢવેડ, બાળા પોઢો ને!
જેમ તેમ કરી બાળ સૂવારિયાં રે
કરવાં ઘરનાં કામ, બાળા પોઢો ને!
કામકાજ કરી ઉભા રિયાં રે,
તોય ના જાગ્યાં બાળ, બાળા જાગો ને!
બાઈ રે પાડોશણ બેનડી રે,
હજી નો જાગે બાળ, બાળા જાગો ને!
બાઈ તારું બાળક બીનું છે રે,
લાવો ઉતારીએ લૂણ, બાળા જાગો ને!
સરખી સાહેલી ભેળી થઈને રે
જગાડ્યાં નાનાં બાળ, બાળા પોઢો ને!
ગુજરાતી લોકસંગીતો છપ્પનભોગ જેવાં છે. તેમાં વિધવિધ રસની અનેકવિધ વાનગીઓ છે; જેને જે ભાવે અને ફાવે તે વાનગીનું સેવન કરી શકે છે. લોકગીતો, ભજનો, લગ્નગીતો, વિવિધ અવસરનાં ગીતો, જોડકણાં, દુહા-છંદ. ધોળ, હાલરડાં-આ બધાં લોકસંગીતનાં રસદાર-સોડમસભર વ્યંજનો છે. ક્ષણોથી સર્જાયેલો સમય સતત, ક્ષણે ક્ષણે બદલાતો રહે છે એટલે માનવજીવન કે પ્રકૃતિની બધી જ ક્રિયાઓ પરિવર્તન પામતી રહી છે પણ જનસામાન્યથી લઈને મહામાનવે જ્યાં મીઠી નીંદર માણી છે એ ઘોડિયું આજેય યથાવત્ છે...! હાથપંખાનું સ્થાન એરકૂલર અને એરકંડીશનરે લઈ લીધું, ખાટલી ને ખાટલાની જગ્યાએ મખમલી ગાદલાંવાળી સેટીઓ ગોઠવાઈ ગઈ, ધૂમાડિયા ચૂલા ને સગડી ગયાં, ગેસના ચૂલા, ઈલેક્ટ્રિક ચૂલા અને ઓવન આવી ગયાં, પગપાળા ચાલતો માનવ હવે તેજ દોડતી ગાડીઓ અને વિમાનમાં ફરે છે પણ ચાર પાયાવાળું ઘોડિયું હજુ યથાવત્ છે! ભલે એમાં થોડું ઈનોવેશન જરૂર થયું છે, લાકડાની જેમ લોખંડનાં ઘોડિયાં મળે છે, એક હીંચકો નાખો તો વધુ વાર ગતિમાન રહે એવા બેરિંગવાળાં ઘોડિયાં પણ આવે છે છતાં ‘ઘોડિયું’ હજુ જીવે છે. ઘોડિયું હોય ત્યાં હાલરડું તો ગૂંજી ઉઠે જ! ‘સાવ રે સોનાનું મારું...’ શિશુને પારણિયે પોઢાડીને હીંચોળતી માતાના કંઠેથી નીતરી રહેલું મધુરું હાલરડું છે. ઘોડિયું કે પારણિયું શણગારથી સુદર્શનીય બન્યું છે. ચારેય પાયે પૂતળિયું ટાંગેલી છે, મોરલા ટીંગાય છે અને માતા હીંચકો નાખે ત્યારે ઘૂઘરીનો ઘમકારો સંભળાય છે જેથી શિશુ ધ્યાનસ્થ થઈને સૂઈ જાય પણ આ બાળ એવું છે જે સૂતું જ નથી, માતાને લાગે છે કે કળિયુગ આવી ગયો કેમકે કેટકેટલા પ્રયાસ પછી પણ બાળક ન સૂવે એવું બને? માંડ માંડ બાળક સૂતું, માએ નિરાંતે ઘરકામ કર્યું. એ પરવારી ગઈ, ઘોડિયા પાસે આવીને ઉભી રહી પણ બાળક ઉઠતું નથી. પહેલા નહોતું સૂતું એની ચિંતા, હવે ઉઠતું નથી એની...! કારણ કે એ જનની છે. એણે આડોશી-પાડોશી મહિલાઓને એકત્ર કરીને મત લીધો ત્યારે એ બધી અનુભવી માતાઓએ અનુમાન કર્યું કે તારું છોકરું ડરી ગયું છે એટલે ઉઠતું નથી, એના ઉપરથી મીઠાની ચપટી ઉતારીને ત્રાટક કરીએ એટલે જાગશે! એમ કર્યું ને બાળક જાગ્યું પણ ખરું! વાત સાવ નાની લાગે છે પણ આ હાલરડામાં પોતાના ફૂલ જેવા બાળુડાના સૂવા-જાગવા અંગેની માતાની ‘ઓવર-કોન્સીયસનેસ’, મુશ્કેલીની પળોમાં અનુભવીઓની મદદ લેવી, મનના સમાધાન માટે મદદગારની સલાહ માનવી, જેને આજે આપણે અંધશ્રદ્ધા કહીએ છીએ એવાં ત્રાટક પણ કરવાં–વગેરે બાબતો ધ્યાનાકર્ષક બને છે. ખાસ તો જેને પહેલું બાળક હોય એવી લગભગ બધી જ માતાઓનું આ હાલરડાંની નાયિકા પ્રતિનિધિત્વ કરે છે એમ કહેવામાં ખોટું નથી.