૭૫. કાનાને ઘેરે કવલી
કાનાને ઘેરે કવલી ગાય,
કવલી દો’વા ગ્યાં’તાં જી રે.
કને બાલુડો કાનજી આવ્યા,
હાથે વાટકડો લેતા જી રે.
માતા જશોદા ગાય દો’વા જાય,
દૂધનાં દોણિયાં ભરતાં જાય.
થોડું થોડું કે’તાં દૂધ માગે ને
હાથે વાટકડો ભરતા જી રે.
કાનાને ઘેરે કવલી...
દૂધનાં દોણિયાં ગોળીમાં રેડ્યાં,
ગોળીમાં મહી વલોવ્યાં જી રે.
થોડું થોડું કે’તાં માખણ માગે ને
હાથે વાટકડો ભરતા જી રે.
કાનાને ઘેરે કવલી...
મહી વલોવ્યાં ને માખણ ઉતાર્યા,
ચૂલે તાવણ કરિયાં જી રે,
થોડું થોડું કે’તાં ઘી માગે ને
હાથે વાટકડો ભરતા જી રે.
કાનને ઘેરે કવલી...
દો’તી વેળાએ તો દૂધડાં માગે,
વલોવતાં માગે માખણ જી રે.
ના આલું તો શિકું તોડે,
હાય! હવે હું તો હારી જી રે.
કાનાને ઘેરે કવલી...
અભણ કે અર્ધશિક્ષિતોનું સર્જન એવાં ગુજરાતી લોકગીતો હવે ઉચ્ચશિક્ષિતોને પણ મનભાવન લાગી રહ્યાં છે. એક સમય હતો કે લોકગીતો ગાવાવાળા અને સાંભળવાવાળા ગામઠી અને ઓછું ભણેલા કે અભણ લોકો હોય એવી છાપ હતી પણ આજે એ ઈમેજ સાવ બદલાઈ ગઈ છે. લોકગીતો ગાઈને એનું રસદર્શન કરાવવાનો પ્રયાસ શરુ થતાં જ કોલેજો અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને લોકગીતો સમજાવાં લાગ્યાં અને એથી જ ગમવાં લાગ્યાં છે એટલે આજે કોલેજો અને વિશ્વ વિદ્યાલયો લોકગીતોના કાર્યક્રમો યોજવા લાગી છે. ‘કાનને ઘેરે કવલી ગાય...’ બહુ જ મીઠડું લોકગીત છે. કનૈયાને ઘેરે ગાય હોય એ તો સમજયા પણ ‘કવલી’ ગાય એટલે? હા, સામાન્યરીતે ગાય વિયાય પછી સાત-આઠ મહિના દૂધ આપે ને બીજા વિયાણ પહેલા એક-બે મહિના દૂધ દેવાનું બંધ કરીદે પણ ‘કવલી’ એટલે એવી ગાય જે એક વિયાણથી બીજા વિયાણ દરમિયાન સતત દૂધ આપ્યા કરે, કોઈ દિવસ વસૂકે જ નહિ! આવી કવલી ગાય દોહવા જશોદાજી ગયાં તો બાળકૃષ્ણ વાટકો લઈને ત્યાં આવ્યા. માતાએ દૂધ દોહીને દોણાં ભર્યાં તો ‘મને થોડુંક દૂધ આપો’ એમ કહીને હાથે જ વાટકો ભરીને દૂધ પીવા લાગ્યા. એવી જ રીતે માખણ ઉતાર્યું, ઘી તાવ્યું એમ દરેક વખતે થોડુંક માગીને સ્વહસ્તે ઝાઝું લઈને આરોગવા લાગ્યા! જો દૂધ, માખણ અને ઘી આપવાની ના પાડે તો શિકું તોડી નાખે, શું કરવું? સૌ હવે હારી ગયાં! તમે જીતેલા હો છતાં હારનો અહેસાસ કરાવે એનું નામ જ કૃષ્ણ. તમે સર્વોપરી હો છતાં શરણાગતિ સ્વીકારીલો એનો અર્થ એ થાય કે સામેનું પાત્ર શ્રીકૃષ્ણ જ હોય! જેની સામે જીતવાની નહિ પણ હારી જવાની મજા આવે એ જ કૃષ્ણ! પૂછે તમને પણ ધાર્યું પોતાનું જ કરે એ જ કૃષ્ણ. આવા કાનુડાને ગુજરાતી લોકગીતોમાં બહુ ગવાયો છે. ગુજરાતની ભૂમિને પાવન કરવા છેક ગોકુળ-મથુરાથી દ્વારકા આવ્યા એટલે લોકગીતોના રચયિતાઓએ એના ઉપકારનો બદલો વાળવા કાનને બહુધા લોકગીતોનો વિષય બનાવી દીધો. આપણે ત્યાં જેટલાં લોકગીતો રચાયાં છે એમાંથી કાનુડાનાં લોકગીતોને એક ત્રાજવામાં મુકીએ ને બાકીનાં બીજા ત્રાજવે રાખીએ તો કદાચ કૃષ્ણગીતોવાળું ત્રાજવું જ નમી જાય એમ કહેવું વાજબી ગણાશે છતાં એ પણ કહેવું પડશે કે આપણા લોકગીતસર્જકોએ દરેક વખતે ભગવાન કૃષ્ણને પોતાની રચનામાં બિરદાવ્યા હોય એવું નથી. ક્યાંક એની મશ્કરી કરી છે, ક્યાંક ટીકા કરી, ક્યાંક એને ટપાર્યા તો ક્યાંક વખોડ્યા છે કદાચ એટલા માટે કે કનૈયો બધાને જુદો જુદો લાગ્યો છે ને એ એવો દરિયાદિલ દેવ છે જે તમારાં ફૂલડાં કે ફટકાર-મરકતા મોઢે સ્વીકારી લે...!