જનાન્તિકે/બે

Revision as of 05:39, 9 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બે|સુરેશ જોષી}} {{Poem2Open}} એક બપોરે ગપ્પા હાંકતા અમે બેઠા હતા. ભા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


બે

સુરેશ જોષી

એક બપોરે ગપ્પા હાંકતા અમે બેઠા હતા. ભાઈ પુષ્કર ચંદરવાકરે ત્યાં સોનગઢવ્યારાના ગામીતચોધરાની વાત કાઢી. એકાએક છેલ્લાં વીસેક વરસથી છોડેલી એ ધરતીની માયા જાગી, જીવ હિજરાવા લાગ્યો.

ગૂજરાતના પૂર્વ સીમાડાનું ગામ. નામ છે કિલ્લે સોનગઢ. વ્યારા છોડો કે તરત એ કિલ્લો દેખાવ માંડે. સ્ટેશનની ગોદમાં ગાડી બાળકની જેમ ઊભી રહે, સ્ટેશન ઊંચાણવાળા ભાગ પર આવેલું છે. ત્યાંથી દોઢ બે માઈલને અંતરે ગામ. એના વળી બે ભાગ – નવું ગામ અને જૂનું ગામ. જૂનું ગામ તો કિલ્લાની તળેટીમાં જ. એ રસ્તા પર બે પુલ. આખે રસ્તે આંબાના ઝાડ. રસ્તે કોઈ વાર હરાયા ઢોરનું ધણ મળે. એમનું સામૂહિક જીવન જોવા જેવું છે. એ ટોળાના રક્ષક આખલા એવા તો જબરા હોય છે કે વાઘની મજાલ નહીં કે એમાંથી કોઈને ઉપાડી જાય! પણ માણસેય ચેતીને ચાલવું પડે, નહીં તો એમાંનો એક જો આપણી પાછળ પડે તો રામ જ રમી જાય.

એ આખી સૃષ્ટિ યાદ આવી. ત્યાં બાળપણ હજુ જાણે પ્રતીક્ષા કર્યા કરે છે. એ કિલ્લાની છાયા હજુ અંતરમાં વ્યાપેલી છે. એ ધાણકા વસતિગૃહ-એમાંના રાનીપરજના વિદ્યાર્થીઓ – મોટા પેટ, બરોળ વધેલી, એના પર ડામ દીધો હોય, પગે વાગ્યું હોય ને પાકીનું ધારું પડયું હોય તો પગે મોરપીંછ બાંધે. એ એની દવા! આંખમાં તેજ નહીં. જંગલના સીમાડા સુધી વાણિયા ને દારૂના પીઠાવાળા પહોંચી ગયેલા.

ફાગણ મહિનો શહેરમાં દેખાતો નથી. વનને ખોળે બેઠેલા ગામડામાં તો મહા-ફાગણ કેમે કર્યા છાના રહે નહિ. ખાખરે ખાખરે કેસૂંડાં, આંબે આંબે મોર, લીમડે લીમડે મંજરી, એ તમને છોડે નહીં. ને પછી કોઈ બળતી બપોરે ઘુંટણને માંડ ઢાંકતી જાડી પોતડી, માથે ફાળિયું, મોટા પેટને ઢાંકવાનો મિથ્યા પ્રયત્ન કરતું એકાદ વસ્ત્ર પણ આંખમાં ફાગણનો નશો, લોહીમાં મહુડાનાં ફૂલે ઘૂંટેલો ઉન્માદ, ને કાનમાં ખોસેલું કેસૂડાનું ફૂલ – એક જણાના હાથમાં તૂર, બીજાના હાથમાં કાંસાની થાળી – આવી એક ટોળી તમને ચાલી આવતી દેખાય, ને તમે સાંભળો : બારા મહીંની હોળીબાઈ યે કે દીહી યેનીવા, હોળી બાઈયે નાવાંસે, આંમુ નીંગી આલા હો! દેઅના ઓ રીતે દેજે, હા, ગાળી રખે દેતેંરા, હોળી બાઈભા ભિખારી, આમાં નાહા ભિખાર્યા.

શી ખુમારી છે એમની! અમે ભિખારી નથી. હોળી ભિખારી છે, આપવું હોય તો આપજો, ગાળ દેશો નહીં.

આ જાણે આજે ફરી કાને પડે છે. એ ફાગણની બળતી બપોરના પાત્રમાં આ સંગીત છલકાઈ જાય છે, આપણને ય એનો છાક ચઢે છે, અનેક ભારથી કચડાયેલા – મોટો ભાર દેવાનો – શાહુકારની આંકડારમતમાં એ બિચાર કશું સમજે નહીં – બે ટાણા ભાગ્યે જ પૂરું અન્ન પામનારા આ વનવાસીઓ એ બધો બોજો હેલયા ઉતારીને સંગીતના સૂર રેલાવે છે, નાચે છે. એ તૂરનો અવાજ જાણે કે ફાગણની બપોરના અન્તસ્થ ભાવને બરાબર પકડી લે છે વનનાં વૃક્ષોની ડાળીઓ જેમ વંટોળમાં ઝૂલે તેમ એમનો સૂર્યસ્પૃષ્ટ દેહ મસ્તીમાં ઝૂમે છે.

મેં કહ્યું મસ્તી, હા, આપણે ઉજળિયાત સો ગળણે ગાળીને ઘૂંટડો ઉતારનાર. મસ્તી આપણે આંગણે ફરકે ય શી રીતે! ને આ વનવાસીઓના જીવનમાં આપણા જેવા ઝાઝાં વિધિનિષેધ-inhibitions નહીં. સ્ત્રીપુરુષ ભેગા હાથમાં હાથ ગૂંથીને નાચે. ધોવા પર કાળો ડાઘ પાડનારા આપણે એમને જંગલી ગણીને સુધારવા જઈએ. પણ એમનામાં જે લુત્ફે હયાત છે તેના કેટલા ટકા આપણી પાસે છે?

રવિવારનું હાટ ભરાયું છે. છત્રપલંગ કે ચેસ્ટરફિલ્ડના સોફાનું અહીં લીલામ થતું નથી. રોજની ખપની સાદી સીધી ચીજો મળે છે – તેમાં ય પૈસાનો વિનિમય ઝાઝો નહીં. કાપડ વેચનાર વાણિયો પૈસા લે. એ હાટમાં જઈને હાથમાં લેતાં ગરમ લાગે એવા દાળિયાના ઢગ ધરાઈ ધરાઈને જોયા છે. દાંત નીચે ચૂરો થઈ જતા એ દાળિયાની હરમી વાસ માણી છે.

સાતકાશીનું જંગલ દૂર સાઠેક માઇલના અન્તરે આવેલા બાગલાણ અને સાલ્લેરમુલ્હેરના ડુંગરો – એ બાળપણની એક માયાવી સૃષ્ટિ હતી. ત્યાં હેડમ્બા હજુ ફરે છે, અશ્વત્થામા હાથમાં વાડકી લઈને એની સડેલી ખોપરીમાં પૂરવા માટે હજુ ઘી માગતો ફરે છે. સાત સાત વર્ષે મેલડી માતા આવે છે. આપણા જીવનમાંથી કેટલાક રસ સૂકાતા જાય છે. અદ્ભુત ને ભયાનક રસના આસ્વાદની સ્મૃતિ રહેશે કે કેમ તેની પણ શંકા રહે છે, પણ હજુ મને યાદ આવે છે. રાતને વખતે બળદગાડીમાં ગામડે જતા હોઈએ. એકાએક બળદ થંભી જાય. તમે ગમે તેટલું પૂંછડું આમળોને, એ નહીં જ ખસે. ત્યાં અંધારામાં બે તગતગતી આંખો દેખાય; હાંકનાર સમજી જાય ને કહે; ‘એ તો પેલો જતો લાગે છે.’ વાઘનું નામ નહીં પાડે. જાનવર કહે. શિયાળાની રાતે કોઈક વાર જાગી જઈએ ને રાત્રિની નિસ્તબ્ધતાને કંપાવી નાખતી વાઘની ત્રાડ સંભળાય ત્યારે હાજાં ગગડી જાય.

ને ત્યારે અદ્ભુતની પણ ક્યાં ખોટ હતી! કિલ્લાની તળેટીમાં રાજાનો મહેલ – આજે તો ભાંગી તૂટી દીવાલ ઊભી છે! અન્ત:પુરની પાછળ અષ્ટકોણી વાવ. રાજકુંવરી અહીં સ્નાન રુમઝુમ કરતી પગથિયાં ઊતરતી હશે! એ વાવના પર ઝળુંબી રહેલી ઘટાદાર સ્વચ્છન્દી વૃક્ષોની ઘેરી છાયા ભારે બિહામણી લાગે છે. આથી કોઈની કલ્પનાએ વાત ઉપજાવી કાઢી : એ વાવમાં તો જીન છે. એ તમને લલચાવવાને પહેલે પગથિયે સોનાનો હોર મૂકે. તમે લલચાઈને લેવા જાવ એટલે હાર બીજે પગથિયે સરી જાય. એમ કરતાં કરતાં એ તમને પાણીમાં ખેંચી લઈ જાય. આપણા ઘરની ચાર દીવાલ વચ્ચે વીજળીના દીવાના અજવાળામાં આ વાત નરી ગપ જ લાગે. પણ કોઈ વાર આછા અંધારામાં એ વાવ આગળ જઈને ઊભા તો રહેજો…

ભાઈ ચંદરવાકર ફરંદા આદમી છે. ડાયરા વચ્ચે પલાંઠી વાળીને બેસે છે. ગીતો સાંભળે છે. અશિક્ષિતોને કણ્ઠે વસતા સાહિત્યને ઉદ્ધારે છે. એ સાહિત્યનો નૃવંશસાસ્ત્રના કોઈ સિદ્ધાન્તનું પ્રતિપાદન કરવામાં ઉપયોગ કરતા નથી. એ કાળા આદમીની વચ્ચે તેમનામાંના જ એક બનીને તેમના ભાવસ્પન્દને સ્પન્દિત થાય છે. ઉપર બે પંક્તિ ટાંકી તે એમના તાજેતરમાં પ્રકટ થનાર આવા લોકગીતના સંગ્રહ ‘નવો હલકો’માંથી. આ સાહિત્યમાં ધરતીની સોડમ છે. અલંકારનું બારીક નકશીકામ નથી, પણ સાવ સ્વાભાવિક પ્રતીકોની ચકિત કરી નાખે એવી કાવ્યમય યોજના છે. એ પ્રતીકની શોધમાં એમને બહુ દૂર જવું પડતું નથી. યુવતીને ‘જોવનપોરનું બાજરિયું’ કહીને કવિ સન્તુષ્ટ છે. કાલિદાસની યક્ષપત્ની વિરહમાં ઉમ્બર પર પુષ્પો મુકીને દિવસ ગણતી. આ લોકસાહિત્યની નાયિકા આંગણામાં પારસ પીંપળો રોપાવીને તેનાં પાંદડાં ગણે છે. ચૈત્રમાં નવી કૂંપળ બેસે. નાયિકાને હૈયે વસતો પ્રેમ પણ પલ્લવિત થાય. પણ પાંદડાં ગણતાં ક્યાં આરો આવે! વિરહની અસહ્યતાનું આથી વધુ સચોટ આલેખન ક્યાં મળશે?

આ આરણ્યક સંસ્કૃતિના કવિઓ છે. ધરતી સાથેની એમની નાળ (Umbilical chord) હજુ ખરી પડી નથી. એવો વાલ્મીકિના વારસદાર છે. કાલિદાસ નગરસંસ્કૃતિના કવિ છે. વાલ્મીકિ સીતા અને રામને પણ વનમાં ખેંચી લાવે છે. રામને આપણે અયોધ્યાપુરીના સિંહાસન પર વધુ વખત જોતા નથી. વનશ્રીની વચ્ચે જ આપણને એમને વધુ વખત જોઈએ છીએ. વાનરોના આનન્દચિત્કારનું વર્ણન સાંભળવું હોય તો વાલ્મીકિની પાસે જવું પડે. કાલિદાસનું એમાં કામ નહીં. આપણી આજની કવિતા નગરસંસ્કૃતિની કવિતા છે, ને છતાં કવિઓ કદીક કદીક લોકબોલીની નજીક જવાની વાતો કરે છે ખરા! એ જાનપદી ભાષાનું ખમીર આ લોકસાહિત્યમાં જોવા મળે છે. ઉજળિયાતની સંસ્કૃતિ વધતા જતા આક્રમણને કારણે સીમાન્ત પ્રદેશમાં આશ્રય લઈને રહેલી આ પ્રજાનો કણ્ઠ હજુ રૂંધાયો નથી, ને તેથી જ તો વનરાજિના મર્મરનો લય હજુ આપણા કાન પારખે છે. એ સૂર કદી લુપ્ત ન થાઓ.