જનાન્તિકે/સત્તર

Revision as of 06:23, 9 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સત્તર|સુરેશ જોષી}} {{Poem2Open}} આ જમાનામાં મારા જેવા જીવને ભારે આ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સત્તર

સુરેશ જોષી

આ જમાનામાં મારા જેવા જીવને ભારે આફત છે. ચન્દ્રને જોઈનો મોહી પડાય નહીં. બુદ્ધિએ રચેલા તાબૂતમાં પધરાવ્યા વિના કશાની વાત થાય નહીં. ફૂલની શોભાથી ચકિત થઈ ને બે લીટી લખવા જઈએ કે તરત સાંભળવા મળે : છોડો આવા ટાગોરવેડા! એમ તે કંઈ ટાગોર થવાતું હશે! આ જમાનાને એનો આગવો ટાગોર જોઈશે, પણ તે પેલા જૂના ટાગોરના ભૂતમાંથી નથી સરજાવાનો. થઈ રહ્યું! કવિ રૉબર્ટ ગ્રેવ એક નિબન્ધમાં ફરિયાદ કરે છે : Poetry ceases to be seldom thinking of the poem itself, but worrying how to provide interesting material for critical discussion. And it also seems to me that because critics are seldom thinking of the poems they are supposed to assess, but only of the art with which they will write their criticism – they, rather than the poets, have become the happy creators. રૉબર્ટ ગ્રેવે એના દેશની સાહિત્યિક પરિસ્થિતિનું કરેલું આ નિદાન આપણે માટે ય વિચારવા જેવું છે. દુર્ભાગ્યે આપણો અગ્રણી કવિ કે આપણો અગ્રણી વિવેચક એવા ખમીરવાળો નથી કે આ ગતાનુગતિકતામાંથી પણ કાંઈક સંગીન ઉપજાવી આપે. અનુભૂતિને ગ્રહણ કરવાની ને એના સર્જનાત્મક પ્રતિભાવોને અભિવ્યક્ત કરવાની ધાટી જડ બનતી જાય, કાવ્યબાનીમાં એકસૂરીલાપણું આવે એને પરિણામે કાવ્યમાં જે મુક્ત બૃહત્નો અનુભવ લેવા જાય તે છેતરાઈને વીલે મોઢે પાછો ફરે. આથી કેટલાકનું અહમ્ સંતોષાય, પણ સર્જન એ આવી અહમિકાના કંડૂયનની પ્રવૃત્તિ નથી.

એટલે કહું છું ને કે અરણ્યમાં વરસતા વરસાદની વાત કરવા જાઓ અને કહો કે ક્ષિતિજને છેડેને પેલી નિરાકાર નીલિમા આજે વરસાદને ટીપેટીપે પોતાના રહસ્યનું સર્ગબદ્ધ મહાકાવ્ય આપણને સંભળાવી રહી છે તો એ આજની કવિતાના બજારમાં ઊંચા દરનો માલ નહીં ગણાય. પૂનમની સાંજે બાવળનાં ઝાંખરાં વચ્ચેથી ચન્દ્ર પ્રગટ થતો જોઈને એમ કહી બેસીએ કે દાદીમાના કરચલીથી ભરેલા મુખમાંથી બાળકો આગળ પ્રકટ થવાને આતુર એવી પરીકથાના પ્રથમ ઉચ્ચારનો આ ઉચ્છ્વાસ છે તો મોઢું ફેરવીને બધા માંડ હસવું ખાળી રાખ્યાનો ડોળ કરવાના. આમ આપણા જમાનાની કવિતાનાં, જન્મતાં પહેલાં જ, નાકકાન વીંધાઈ ગયા હોય છે. પણ આવી બધી આળપંપાળને આપણું મન ગાંઠતું નથી. સ્મૃતિના ધૂંધળા આભાસમાં માયાવી નગરીના જેવી પડેલી, આપણા જ ભૂતકાળની, પેલી સૃષ્ટિ પદે પદે વર્તમાન સાથે રાસાયણિક સંયોગ સિદ્ધ કરી અનનુભૂત સંવેદનાઓથી આપણને સદા મૂંઝવતી રહે છે. એને માટે આપણે હિઝરાતા હોઈએ છીએ. કવિતામાં આ હિઝરાવાનો પણ સ્વાદ ભરેલો હોય છે. કાંજી કરેલા અસ્ત્રીબંધ કપડાંનું અક્કડ કડકપણું Crispness જ હમેશા રુચે એવું નથી. પવનમાં ખભા પરથી સરી જઈને ફરફરતો શિથિલ પાલવ નથી ગમતો એમ કયો કવિ જીવ છાતી પર હાથ મૂકીને કહી શકશે? એકાધારાપણું, એકસૂરીલાપણું ટાળવું હોય તો કોઈકે ગાળ ખાઈ લઈને, હડધૂત થઈને પણ ‘ટાગોરવેડા’ કરવાનું માથે લેવું જોઈએ. ટાગોરે ‘કાલિદાસવેડા’ નથી કર્યાં? ને કાલિદાસે ‘વાલ્મીકિવેડા’ નથી કર્યા. વધુ માટે પૂછો એલિયેટને.