જનાન્તિકે/બત્રીસ

Revision as of 07:02, 9 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બત્રીસ|સુરેશ જોષી}} {{Poem2Open}} નાનું ઘર હોવાના અનેક ફાયદા છે. એ ઘ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


બત્રીસ

સુરેશ જોષી

નાનું ઘર હોવાના અનેક ફાયદા છે. એ ઘનિષ્ટતાને અનિવાર્ય બનાવી મૂકે છે. માંદા પડયા હાઈએ ત્યારે ય આઠે પહોરના કર્મક્ષેત્રમાંથી હદપાર થઈ જતા નથી. એકાન્તનો લાગ જોઈને ઘેરું ઘૂંટાઈ જવા મથતું કોઈ દુ:ખ એવી કશી તક પામતું જ નથી. વળી સ્થળસંકોચ આપોઆપ વ્યવહારને પારદર્શી બનાવી દે છે. ઘરનો અસબાબ (બેઠક અને શય્યાની ભેગી ગરજ સારતો ને પહોળો થઈને પડેલો ખાટલો, સ્થૂળકાયને વગર બોલ્યે મના કરતી ‘આરામ’ ખુરશી, પુસ્તકોથી ઠાંસેલાં કબાટ, અરાજકતાના અત્યાચારને વહન કરતું ટેબલ, પંતુજીના વ્યવસાયનાં બે એક સાધનો) પણ આત્મીયતા સાધી શકે એવી અનુકૂળ પરિસ્થિતિ એ રચી આપે છે. સાંજ પડે ને અન્ધકારથી ઘરની શિરાઓ ફૂલવા માંડે, વસ્તુઓના આકારને જાણે સોજા ચઢે, વિદ્યુતની શલાકાથી નસ્તર મૂકીને અસલ રૂપ પાછું લાવીએ તો ય રાતે ઘર બીજું જ રૂપ ધારણ કરે. સવારે મધુમાલતીની સાથે ગેલ કરતો પવન એની હળવી અંગુલિ ફેરવીને પદાર્થોને એનાં સાચાં પરિણામ સહિત ફરી સ્થાપે, સૂરજનો મુઠ્ઠીભર તડકો અહીં તહીં વેરાઈને આકારની રેખાઓને દૃઢ કરી જાય, બાળકોની પગલીઓ પડવા માડે, એના સ્પર્શે ખૂણે સોડિયું વાળીને બેઠેલો સમય આળસ મરડીને બેઠો થાય, ઘડિયાળના ચંદા પર ચક્કર ખાવા માંડે, ધૂમાડાની પહેલી સેર વિખરાઈને અલોપ થઈ જાય અને વળી એક વાર સૌ પોતપોતાનો પાઠ ઠાવકા બનીને ભજવવા મંડી પડે. અહીં કોઈનાય સહેજ સરખા સ્ખલનનું પરિણામ અન્ય સૌ કોઈને ભોગવવું પડે. ગોખલામાં બેઠેલો દેવ ને ચોપડીઓની થપ્પીની પાછળ બેઠેલો અન્ધકાર આ ઘરની દુનિયાને ગુપસૂપ જોયા કરે ને રાતે એ બે વાતો કરે તે માત્ર કંસારી સાંભળે. અહીં એક ડગલું ભરતાં સાથે નવ ડગલાં કલ્પનાનાં ઉમેરવાના રહે. વાસ્તવિકતાનો સંકોચ જ કલ્પનામાં મોક્ષ પામવાની દિશા ચીંધે. બહાર કરીએ ત્યારેય બધી વસ્તુ, બધા અનુભવના પાયામાં ઘરનું આ પરિણામ અકળ રીતે કામ કરતું હોય છે. આ ઘરમાં વિરહને વિસ્તરવાનો પૂરતો અવકાશ નહીં રહે. પડખું બદલતાં જ મિલન! કોઈ મોટા ઘરના માણસ આવી ચઢે ત્યારે આ ઘરના પરિણામને અનુકૂળ થવાનો એમને પ્રયત્ન કરવો પડે તે જોઈને ક્લેશ થાય ને હસવું પણ આવે. નાનું ઘર દરિદ્રતાનું સૂચક ચિહ્ન ગણાય છે. એ દરિદ્રતા રખેને અંગે જાળાની જેમ બાઝી પડે એ બીકે કેટલાક ભદ્ર લોકો ઉમ્બર પર ઊભા રહીને જ કામ પતાવી લે. એમની એ અસ્વસ્થતા અવકાશને વધુ સંકોચે. પણ એમને ખબર નથી – એઓ બિચારા શી રીતે જાણે! – કે આ ઘરમાં બાલ્યકાળમાં જે વનને ખોળે ઉછર્યો છું તે આખું ય ગાઢ વન સમાઈ ગયું છે, અહીં પટેદાર પંદર પંદર ફૂટ લાંબા વાઘ નમતા પહોરના તડકા સાથે ફલાંગ ભરે છે, અહીંના અન્ધકારમાં સાતકાશીના વનના વાંસની જાળમાં અડ્ડો જમાવીને બેઠેલા અન્ધકારનો સ્વાદ છે, બાળપણમાં જોયેલા મૃત્યુનો અશ્રુભેજ આ ઘરની દીવાલના પોપડા ઉખેડી જાય છે. બહારથી આવીને બારણું ખોલું છું ત્યારે અમે બધાં એક સાથે ઘરમાં પ્રવેશીએ છીએ. રોષ અહીં વધુ ધૂંધવાઈ ઊઠે છે, કીર્તિ અહીં લાંબા પગ કરીને આરામથી પોઢી શકતી નથી, અપમાન દીવાલ સાથે માથું પછાડીને વટવાગળાની જેમ ચક્કર ખાય છે, અહીં ભાષા એક જ સ્તર પર વિહરે છે.

મોટા ઘરના લોકો એમને ઘરે આપણને બોલાવીને મનમાં ને મનમાં આપણું માપ કાઢતા હોય છે. આ ઘરમાં એમને હ્રસ્વ બનવું પડે છે. અહીં સમાસ અને સન્ધિપૂર્વક જીવવું પડે છે. કેટલાક વિવેકી સજ્જનો કહે છે : ‘હું તો નીકળ્યો’ તો તમારે ત્યાં જ, પણ…’ આ ‘પણ’ પછીના વણઉચ્ચારાયેલા ભાગમાં મારા ઘરનો મહિમા પ્રસરી રહ્યો છે. ઉભયાન્વયી અવ્યયનો ખરચાળ અતિરેક અહીં પરવડતો નથી. પૂર્ણવિરામ સિવાય બીજા વિરામની સગવડ પણ નથી. ઘરમાં પ્રવેશતાં અમે સૌ થોડું થોડું આકાશ અંદર લેતા આવીએ છીએ, એથી અમારું નભ્યે જાય છે. કોઈ મોટા ઘરના માણસને ત્યાં જાઉં છું ત્યારે ઘરમાં બેસવા કરતાં ઝરુખામાં કે બારી આગળ ઊભા રહેવાનું જ મને ગમે છે. અવકાશ સહેજ સરખો વધારે હોય તો મારી નજર આગળ વ્યક્તિઓની રેખાઓ છેરણવેરણ થઈ જાય છે. વળી વૈભવની જીવતી જાહેરાત જેવાં માનવીઓને જોઈને મને ક્લેશ થાય છે. એવા ઘરનો અસબાબ માણસને અસબાબ તરીકે વાપરતો હોય છે. આથી જ તો કહું છું કે નાનું ઘર મને ગમે છે. દરિદ્રતાને બડાશ મારવાની ટેવ હોતી નથી, તો દુરાચારને અંગ પ્રસારવા ઝાજો અવકાશ જોઈએ.