બાંધણી/દહેશત

Revision as of 15:43, 10 August 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૧. દહેશત

ઝાંપો ખોલીને વર્ષાએ મોપેડ કમ્પાઉન્ડમાં લઈ સ્ટેન્ડ કર્યું. પાછલી સીટે બાંધેલો લોટનો ડબ્બો ખોલ્યો. કાંખમાં લીધો પણ તરત જ ધબ્બ કરતો દાદરના બીજા પગથિયે પડતો મૂક્યો.. એવો તો લાય.. લાય.. કે.. ‘શું પડ્યું?’ કહેતાં મકાનમાલિક જાગૃતિબહેન હાથમાં સાણસી સાથે દોડતાં બહાર આવ્યાં. કંઈક નુકસાનની આશંકા અને અપરાધીને સજા ફટકારવા તત્પર એવો એમનો ક્રોધ. વર્ષાને જોઈ ભોંઠાં પડ્યાં અને પાછાં વળ્યાં. હથિયારની જેમ ઉગામેલી સાણસીને છોભીલી મુદ્રામાં ખભે જોઈ વર્ષા સહેજ મલકી ઊઠી. એણે મોપેડના હેન્ડલે વીંટળાયેલી શાકની થેલી ઉતારવા માંડી. નિમેષનો તકિયાકલામ એના કાનમાં ગુંજી ઊઠ્યો. ‘સાલું આ તે કંઈ ઘર છે? સવારે આપણે બાથરૂમમાં કેટલાં ડબલાં ઢોળ્યાં એ પણ ગણાય, બપોરે આપણો એંઠવાડ સુંઘાય ને રાત્રે આપણા ઉજાગરા પણ મપાય, આ સદા જાગૃતિથી મુક્ત થવા વહેલી તકે ઘર લઈ લેવું જોઈએ.’ બે મહિનામાં તો એ ત્રાહિમામ પોકારી ગયો છે. ભાડુઆત તરીકે રહેવાનો આ પહેલો અનુભવ છે એનો, ગ્રેજ્યુએટ થયો ને નોકરીએ લાગ્યો ત્યાં સુધી સાણંદ-અમદાવાદ અપડાઉન કર્યું. સાણંદ કહેવાય ગામડું, પણ નિમેષના પપ્પાએ શહેરી ઢબનો બંગલો બનાવેલો સોસાયટીમાં. ત્રણ બેડરૂમ, હૉલ, કિચન અને વિશાળ બગીચો. અહીં બે રૂમ-કિચનમાં દિવસમાં દસ વાર ટ્રાફિક જામ થઈ જાય. એમાં ય રસિકલાલ તો... ‘અરે બળ્યું વર્ષાબેન, હું તો ભૂલી ગઈ. કહું છું. નિમેષભાઈ ઑફિસથી આયા’તા. અમદાવાદ ગયા છે. કે છે તમારા સસરાને કાંક એટેક જેવું આવ્યું છે. બઉ ઉતાવળમાં હતા. પછી તમને ફોન કરશે.’ જાગૃતિબહેન જેમ પ્રગટ થયાં હતાં એમજ રસોડાની દિશામાં વળી ગયાં. જતાં જતાં એમને યાદ આવ્યું તે ‘હાય હાય મારું દૂધ...’ કહેતાં એમણે હડી કાઢી. વર્ષા હતી ત્યાં જ ખોડાઈ ગઈ. જાગૃતિબહેનનો અવાજ એણે સાંભળ્યો ખરો પણ એ બધા શબ્દો ઊકલે એ પહેલાં ગૂંચવાઈ ગયા. જાણે આંટીમાંથી દોરો ઊકલે અને સોયમાં પરોવાય એ પહેલાં આંટી કોકડું વળી ગઈ. વર્ષાના હાથ મોપેડના હેન્ડલ સાથે બાંધેલી થેલીના નાકાની ગાંઠ છોડતા રહ્યા. એની આંગળીઓ અટવાતી રહી, ગાંઠ હતી કે પછી આંટી પડી ગઈ હતી? એણે છેવટે થેલી હાથમાં લીધી, દરમિયાન છુટક છુટક શબ્દો એકઠા થતાં એ દાદરના પહેલા પગથિયે બેસી પડી. ‘પપ્પાને એટલે કે રસિકલાલને એટેક!’ વર્ષા છેલ્લા કેટલાક દિવસથી સસરાને મનોમન રસિકલાલ કહીને સંબોધતી હતી. કાલે સાંજે તો હજી એ સાણંદ ગયા છે. ‘આમ અચાનક... ક્યાંક’ વર્ષા એકદમ ઊભી થઈ ગઈ. એણે આજુબાજુ જોયું. કોઈ એના મનની વાત સાંભળતું તો નથીને? એણે થેલી ઉપાડી. લોટનો ડબ્બો દાદર પર વચ્ચોવચ્ચ પડ્યો હતો. એ ડબ્બાને તારવીને દીવાલ સરસી ચઢવા ગઈ ત્યાં કોઈ ફળફળતો શ્વાસ એની છાતીએ ચંપાયો. ચોંકીને એણે દાદરના ઉપલા પગથિયે જોયું. કોઈ ન હતું. વર્ષાએ ચઢવા માંડ્યું. એની ઉતાવળ જોઈને લાગે કે જાણે એ કોઈને લગી જવા માગે છે. ઘરમાં પેસતાં જ વર્ષાએ થેલી રસોડાના પ્લેટફૉર્મ પર ફેંકી. આડી પડેલી થેલીમાંથી જાંબુ વેરાવા લાગ્યાં...ગૅસની સગડી નીચે, સીંકમાં, ફરસ પર .. એક પળ વર્ષા દડવડતાં જાંબુને જોઈ રહી પછી રૂમમાં આવી એણે નિમેષને ફોન જોડ્યો. ‘આપ જિન કા સંપર્ક કરના ચાહતે હેં વહ અભી આપ કા કૉલ નહીં લે સકતે.’ એને થયું. સ્વીચ ઑફ હશે? પણ આવી ઈમરજન્સીમાં તો? એણે ફરી ફોન જોડ્યો. એ જ ગાણું. ‘તમે જેનો સંપર્ક કરવા માગો છો એ હાલમાં તમારો કોલ લઈ શકતા નથી.’ આ માર્કેટિંગવાળા શું એવું માનતા હશે કે ભાષા બદલવાથી માણસનું ટેન્શન ઓછું થતું હશે? વર્ષાએ ફોન હડસેલી રૂમમાં ચક્કર માર્યું. એ પરસેવે નીતરતી હતી. એને પંખો યાદ આવ્યો. એણે સ્વીચ પાડી. પંખાનાં પાંખિયાંની ધીમી ગતિ જોઈ એને ખીજ ચઢી. એણે સ્પીડ વધારવા રેગ્યુલેટર જોયું ઑન જ હતું. અંદર અને બહારની અકળામણે એ ઉપર-તળે થતી હતી. શું કરું? લેન્ડલાઇન કરું? પણ ઘેર તો કોણ હોય? કદાચ મમ્મી.. જોકે એમને મોતિયાને કારણે હમણાંથી દેખવામાં તકલીફ થઈ છે અને કાન તો ઘણાં વર્ષોથી .. એમને આવવું તો પડ્યું હશે.. કદાચ એમ્બ્યુલન્સ લઈને એ જ સાણંદથી અમદાવાદ આવ્યા હશે અને નિમેષ અહીં ગાંધીનગરથી ત્યાં દવાખાને... પણ કયા દવાખાને? વર્ષા ધૂંધવાતાં વિચારવા લાગી.. આ નિમેષ પણ ખરો છે. બે અક્ષરની ચિઠ્ઠી લખીને ગયો હોત તો! પણ કદાચ એની પાસે એટલો વખત નહીં હોય. અને જો એને સરખા સમાચાર મળ્યા હોત તો કદાચ એ મારી રાહ જોવત. પણ એનેય અધૂરા જ ખબર મળ્યા હશે... પણ આ ફોન કેમ નથી ઉપાડતો? બેટરી લૉ હશે? ત્યાં દવાખાનામાંથી તો ફોન થાય ને! શું રસિકલાલ ખરેખર એવા સિરિયસ હશે? ક્યાંક... ના, ના જોને કંઈ અમસ્થા તો અમદાવાદ નહીં લાવ્યા હોય! પણ રસિકલાલની બીમારી.. અકળામણમાં વર્ષા બેસી પડી અને ફરી એના હાથ નિમેષનો નંબર જોડવા લાગ્યા. કાને લાયબંબાની સાયરનો જેવો અવાજ અથડાયો અને પછી બધુ મૂંગુમંતર... પપ્પાએ કાંઈક કહ્યું હશે નિમેષને? શું એટલે જ એણે ફોન સ્વિચ ઓફ કરી દીધો હશે? શું નિમેષ એની સાથે વાત નહીં કરે? તો શું વર્ષા ક્યારેય નિમેષ પાસે પોતાની દહેશત વ્યક્ત નહીં કરી શકે? વર્ષાની આંખમાં આંસુ ધસી આવ્યાં. ઘેરી વળવા તત્પર એવી વ્યથાને ધક્કો મારતી એ રસોડામાં આવી અને વેરાયેલાં જાંબુ ટોપલીમાં ભરવા લાગી. આંગળીઓ યંત્રવત્ કામ કરતી રહી અને મન વીત્યા સમયની ભમરીઓથી પીછો છોડાવવા ઉધામા કરતું રહ્યું.

* * *

નિમેષ વર્ષાને જોવા આવેલો ત્યારે એણે કહેલું, ‘વર્ષા, યુ આર લકી ફોર મિ... સવારે ઊઠતાની સાથે મેં નક્કી કરેલું કે આજે જો હું જી.પી.એસ.સી.ની ક્લાસ વન ક્લિયર કરી લઈશ તો તારી જ સાથે લગ્ન કરીશ’! ‘જો મેં ના પાડી હોત તો?’ વર્ષાના તોફાની પ્રશ્નને નિમેષે પાછો વાળતાં સહેજ આગળ ઝૂકીને આંખોમાં આંખો પરોવતાં ધીમેથી પૂછેલું, ‘રિયલી?’ વર્ષા નિમેષની આ અદા પર જ ઓળઘોળ થઈ ગયેલી. વર્ષાના પપ્પા જરા જુનવાણી. સગાઈ પછી તરત લગ્ન થઈ જાય તો સારું. કુંવારી દીકરીને સાસરે મોકલવી પડે વળી હરે-ફરે ને ક્યાંક... પણ સસરા રસિકલાલ કહે, ‘શું તમેય વેવાઈ.... ભાઈ આપણને તો ન પ્રેમમાં પડવાની તક મળી કે ન સગાઈ પછી જલસા કરવાની! આજકાલ છોકરાઓ બધી રીતે તૈયાર... છૂટથી હરવા-ફરવા દો, એકબીજાં ને ઓળખવા દો.. અત્યારથી લગ્નની બેડીમાં બાંધવાની શી ઉતાવળ છે? આવા ફ્રેંક સસરા મેળવીને કોણ ખુશ ના થાય! રસિકલાલ જબ્બર શોખીન. એ કહે, ‘આ નિમેષ મારા કરતાં વહેલો આવ્યો હોત તો સારું થાત. આ કેરિયરની લ્હાયમાં ને લ્હાયમાં આ ગદ્ધાપચ્ચીશી પૂરી થઈ જશે અને પછી મારી જેમ અફસોસ થશે કે આ જોવું રહી ગયું ને તે જીવવું રહી ગયું!’ સાસુ કહેતાં, ‘લગ્ન પછી મારું રશ્મિતા નામ બદલીને રસિકા કરી નાખ્યું. કાયમ મહેણું મારે કે આ એકની એક છોકરીનો વારસો લેવા ગયો તે સાળી કે સાળાવેલી જોડે ફ્લર્ટ કરવાની ય તક ના મળી! પરફેક્ટ મેચીંગ જોઈએ. થિયેટર, હોટલ પાર્ટી કે કોઈ પ્રસંગ, રસિકલાલ કહે એમ જ તૈયાર થવાનું. નિમેષ ક્યારેક ટોકે, ‘શું પપ્પા તમે ય મમ્મીની જોડે જોડે મરૂન રંગનું શર્ટ ચઢાવો છો તો કેવું લાગે? પણ રસિકલાલને કંઈ અડે નહીં. એ બિન્ધાસ્ત માને કે લાઈફ બિગિન્સ એટ ફોર્ટી. પણ રસિકલાલનો આ રંગીન તબક્કો ચાલીસીના બીજા જ પગથિયે ખોટકાઈ ગયો. કંપનીમાં સેલ્સ ટેક્ષની રેડ પડી ને મૅનેજર રસિકલાલના હાઈ બી.પી.એ એમના અર્ધા અંગને ભરડો લીધો. અધૂરામાં પૂરું ડાયાબિટીસ દેખાયો તે સાત વર્ષ સુધી રસિકલાલ પથારીમાં કેદ થઈ ગયા. રશ્મિતાબહેને રાત-દિવસ જોયા વિના એમની ચાકરી કરી અને નિમેષે ગ્રેજ્યુએશન કરતાં કરતાં રસિકલાલની કંપનીમાં કારકુનની નોકરી લઈ લીધી. સગાઈ પછી વર્ષા આવતી જતી થઈ. રશ્મિતાબહેનને જેલ પણ કંઈક હળવી થઈ. વર્ષા અને નિમેષ ઘેર હોય તો એ કંઈક દેવદર્શને જઈ આવે કે ક્યારેક વ્યવહાર-પ્રસંગ પતાવી આવે. રશ્મિતા બહેન પાછાં આવે ત્યારે રસિકલાલ અચૂક ફરિયાદ કરે, ‘રસિકા આ તારો છોકરો તો જબરો ધીમો છે. ડિઝલ-ગાડીની જેમ ગરમ થવામાં કલાક થાય છે. વર્ષા ત્રણ કલાક રોકાય એમાં પૂરા એક કલાક પછી આનું મોઢું ઊઘડે છે. બાકી એના થોથાં ભલાં ને એ ભલો! મને લાગે છે, છ મહિના થઈ ગયા સગાઈને અને આ તારો ઘોઘો હજી હાથ સુધી...’ ‘શું તમેય તે. કંઈક તો મરજાદા રાખો. કાલ સવારે ઘરમાં વહુ આવશે...’ રશ્મિતાબહેન ટોકતાં. ‘અરે જોજે રસિકા ત્યાં સુધીમાં તો હું ઘોડા ઘોડા..!’ નિમેષના લગ્ન સમયે રસિકલાલનું શરીર નહીં તો મન ચોક્કસ ઘોડા ઘોડા થઈ ગયેલું. થોડું ઘણું હરતું-ફરતું થયેલું શરીર એમનો થનગનાટ માંડ માંડ ઝીલી શકતું. લગ્નના બીજા જ દિવસની સવારે ડાઇનિંગ ટેબલ પર વર્ષાને રસિકલાલના રસિક સ્વભાવનો ઘેરો રંગ જોવા મળ્યો. નિમેષ છાપું વાંચતો હતો અને રશ્મિતાબહેન પૂજા કરતાં હતાં. વર્ષા રસિકલાલને ચ્હા આપવા ગઈ તો વર્ષાની આંખોને પકડતાં એમણે પૂછ્યું. શું વર્ષા રાણી મજામાં ને? મેં રાત્રે જ રસિકાને કહી દીધું હતું કે છોકરાઓને ઉજાગરા અને આરામ બંને કરવા દેજે. રોજની જેમ પાંચ વાગ્યામાં કામે વળગી ન પડતી. બધું બરાબર છે ને?’ વર્ષાએ હબકીને નિમેષની દિશામાં જોયું પણ એનું ધ્યાન ન હતું. એને થયું ચ્હાનો કપ લઈ વરંડામાં જતી રહે. એણે કપ હાથમાં લઈ ત્રાંસી નજરે જોયું. રસિકલાલ નિરાંતે ચ્હા પીતા હતા. વર્ષા ઊભી થઈ ખુરશી ખસેડી. નિમેષનું ધ્યાન જતાં કહે ‘બેસ ને’! એ બેસી પડી. રૂમમાં ચ્હા પીતા રસિકલાલના સબડકા ગૂંજતા રહ્યા. એ સાંજે બેંગલોર ફરવા જવા નીકળ્યાં ત્યાં સુધી વર્ષા ગડમથલ કરતી રહી. રસિકલાલ ખરેખર ફ્રેંક છે અને પોતે કાંઈક રૂઢીવાદી છે એટલે એમની કોમેન્ટને સહજ નથી લઈ શકતી કે પછી ખરેખર.. પણ પિતાના ઠેકાણે એવા સસરા વિશે આવી તેવી શંકા જાગે એ વાતથી એ હચમચી ઊઠી. ના, ના આવું ના હોય! ક્યાંક મારી સમજફેર થતી હશે. આ તો એકના એક દીકરા જેટલો એનો સંસાર એમને પોતીકો લાગતો હશે એટલે કદાચ... એ દીકરા-વહુના બહાને વીત્યાં સાત વર્ષની જડતાનો વટક વાળવાની અધીરાઈ હોય... કદાચ. હનીમૂન પછી પાછાં આવ્યાં ત્યાં બારણું ખોલતાં જ રસિકલાલે ઉંબર વચ્ચોવચ્ચ ઊભા રહી વર્ષાને પૂછ્યું, ‘શું વિદ્યાર્થીને ટ્યુશનની જરૂર છે? હોય તો કહેજે હું બેઠો છું.’ છેલ્લા દસ દિવસ નિમેષનો સંગ ભરપૂર માણતાં એણે મનને સમજાવી દીધું હતું. ત્યાં વળી રસિકલાલ ઓચિંતા અને અણછાજતા પ્રશ્ન સાથે રસ્તો રોકીને ઊભા હતા. એણે પાછળ જોયું, નિમેષ ઝાંપે રિક્ષાવાળા જોડે કંઈક રકઝક કરતો હતો. આગળ જોયું અને ભવિષ્યના ભયે ફફડી ઊઠી. હમણાં રાની બિલાડો કબૂતરને ચારે બાજુથી ભીંસી દેશે. પાછી વળું તો ખરી પણ નિમેષ પૂછશે કે કેમ પાછી આવી તો શું કહીશ? રસિકલાલની આંખો અને અવાજમાંથી નીકળતા અર્થને કેવી રીતે શબ્દોમાં ઉતારી શકાશે? આ જીભ ઊપડશે કઈ રીતે? અને જો હું કહીશ તો શું નિમેષ માનશે ખરો? લાવ હું જ આ જાળ બની ફેલાયેલા હાથને ઝાટકી દઉં. એ ડગલું ભરવા ગઈ ત્યાં લાગલો જ નિમેષ આવી પહોંચ્યો. રસિકલાલે ફેરવી તોળ્યું. ‘‘હું વર્ષાને પૂછતો હતો કે તું નાની હતી ત્યારે પેલી રમત રમેલી? ‘આ દરવાજા તોડુંગા.’ એમ કહી એમણે અદબ વાળી દીધી. પ્રવાસના થાકે નિમેષ તો પળવારમાં ઘસઘસાટ ઊંઘી ગયો હતો પણ એ રાત્રે વર્ષા આખી રાત જાગતી રહેલી. એને રેખાઓ પકડાઈ ગઈ હતી પણ એને નામ આપવું કાંઈ સરળ હતું? રજાઓ પૂરી થતાં નિમેષને નોકરી પર હાજર થવાનું હતું. રશ્મિતાબહેન અને રસિકલાલ બંનેને નિમેષ આગ્રહ કરીને લઈ આવેલો. ઘર ચાલુ કરવાનું હતું. ગાંધીનગરમાં પસંદગીના સેક્ટરમાં સરખું ક્વાર્ટર મળે ત્યાં સુધી ભાડે રહેવાનું હતું. મહિનામાં તો વર્ષા તોબા પોકારી ગયેલી. અહીં બે રૂમ રસોડાની સંકડાશમાં રસિકલાલને જાણે મોકળું મેદાન મળી ગયું. વર્ષા જ્યાં જાય ત્યાં રસિકલાલ કોઈને કોઈ નિમિત્તે લાકડીને ટેકે ધીમે ધીમે ચાલતા પહોંચી જાય. સવારે ચ્હા મૂકતી હોય ત્યાં તુલસીનાં પાન લઈ હાજર થઈ જાય. રસોઈ કરતી હોય ત્યારે દર વીસ મિનિટે તરસ્યા થઈ જાય. વર્ષા પાણી આપવા કહે તો રશ્મિતાબહેન ટોકે, ‘એમને જાતે લેવા દે. આટલી હર ફર કરે તો કસરત થાય.’ કપડાં ધોતી વખતે આવીને કહે લાવ હું સૂકવું. રસિકલાલના હાથમાં પોતાના અંડરવેર્સ જોઈ વર્ષા ઝાળઝાળ થઈ જાય ને પડોશીઓ વખાણે. દાદા વહુને કેટલી મદદ કરે છે! કચરા-પોતાં વખતે એ ખુરશી પર બરાબર અડંગો જમાવી છાપું વાંચવા બેસી જાય. ત્વચાના તાણાવાણા ઉકેલતી રસિકલાલની નજરથી બચવા વર્ષા પાલવ વીંટાળતી રહે. દિવસમાં કેટલી વાર રસિકલાલને ચક્કર આવે, લથડિયું આવી જાય! વર્ષાને ક્યારેક લાગે કે ઢોંગ કરે છે પણ છતાં એ એમને સાહી લેવા ધસી જાય. નથી ને ક્યાંક સાચેસાચ ચક્કર ખાઈને પડે ને બ્રેઈન હેમરેજ કે ફ્રેક્ચર એવું કઈ થાય તો? વર્ષા માણસાઈને ખાતર હાથ લંબાવે પણ એને લાગે કે શરીર પર કેટલાંયે અળસિયાં ચાલવા માંડે છે. કેટલુંય ઘસીને ધોવા છતાં એ મેલો-સુગાળવો સળવળાટ ખસવાનું નામ નથી લેતો. છેલ્લા દોઢ મહિનાથી વર્ષા એમની આંખોમાં રોજ રોજ ગુંથાતી જાળની નવી નવી ડિઝાઈનથી બચવાની તરકીબો શોધતી રહે, ફફડતી રહે, ગુંગળાતી રહે. કાલની સવાર ઊંટની પીઠ પરનું છેલ્લું તણખલું હતી. વર્ષાને ઊઠવામાં મોડું થઈ ગયું હતું. એ ઉતાવળે નાહવા ગઈ તો રસિકલાલે બાથરૂમ કબ્જે કરી લીધું હતું. ખલ્લાસ! હવે કલાક પહેલાં વારો નહીં આવે. વર્ષાએ ચ્હા મૂકી શાક સમારવા માંડ્યું. રશ્મિતાબહેને કચકચ કરી, ‘આ તારા પપ્પા માલિશ તો બહાર કરી લે છે તો ય કેમ બાથરૂમમાંથી કલાકે નીકળે છે? આ ડાયાબીટીશનો ટેસ્ટ કરાવવા જવાનું છે અને નિમેષ રાહ જોઈને બેઠો છે તોય ઝડપ કરતા નથી.’ જમ્યા પછીનો રિપોર્ટ કઢાવવા વર્ષા સાથે જવાનું હતું. છેવટે વર્ષા નહાવા જઈ શકી. બાથરૂમમાં પગ મૂકતાં જ એને સરસિયાની ગંધ ઘેરી વળી. આ રસિકલાલ અને એમનું માલિશપુરાણ! નાહીને જેવો ટુવાલ હાથમાં લીધો. એ પીળચટ્ટા પાંજરામાં પુરાઈ ગઈ. એણે ટુવાલ નીચે ફેંકી દીધો. એણે એક ઊંડો શ્વાસ ભરી સામે કબાટની થપ્પીમાંથી અંડરવેર્સ શોધવા માંડ્યાં. કાલે સાંજે તો ગાઉન વચ્ચે મૂક્યા હતાં. ગાઉન છે પણ અંડરવેર્સ. એ ફફડી ઊઠી. એની નજર બારણાં પાછળ ખીટી પર ગઈ. રસિકલાલની લૂંગી પાછળથી એની પીન્ક બ્રા ડોકાતી હતી એણે ડરતાં ડરતાં અંડરવેર્સ હાથમાં લીધા. એની દહેશત સાચી પડી. એક પળ એ ચોંળાયેલાં-ચૂંથાયેલાં કપડાં સાથે બાથરૂમના બારણા તરફ ધસી ગઈ ‘હમણાં જ જઈને નિમેષને બધું કહી દઉં. મમ્મીને પણ દેખાડી દઉં, આ રસિકલાલની હલકાઈ!’ એની નજર અરીસા પર પડી, આમ આ રીતે બહાર! એ ફુવારા નીચે ઊભી રહી ગઈ. એને વિચાર આવ્યો. જો નિમેષ અને રશ્મિતાબહેન આ જાણશે તો! મમ્મી પર શું વીતશે? નિમેષ કઈ રીતે રસિકલાલને પપ્પા કહી શકશે અને એ પોતે? અરીસામાં એનું પ્રતિબિંબ ઝીલાયું એક નિશ્ચય સાથે હકીકતને ઢાંકતાં એણે જાતને પણ ઢાંકી. જમ્યા પછીનો રિપોર્ટ કરાવવા જતી વખતે વર્ષાએ મોપેડ કાઢ્યું તો રશ્મિતાબહેન કહે, ‘રિક્ષા કરી લે ને, તારા પપ્પાને કેમનું ફાવશે?’ વર્ષાએ રસિકલાલની સામે વીંધી નાંખતી નજરે જોયું અને કહ્યું, ના રિક્ષા નથી કરવી.’ વર્ષા આજ બધી રીતે તૈયાર હતી. આજે તો બસ આ પાર કે પેલે પાર! જોઉં છું એ કેટલી હદે જઈ શકે છે. પણ આશ્ચર્ય, આખા રસ્તે વર્ષા સતત કંઈક બનશેની રાહમાં મોપેડ ચલાવતી રહી અને રસિકલાલ પાછળ ચૂપચાપ. એવા તો સ્થિર કે શ્વાસ પણ લે છે કે કેમ એવી શંકા થાય! વર્ષાને એકાદ વાર પાછળ જોવાનો વિચાર આવ્યો પણ એણે ના જોયું. લેબમાં ટેસ્ટનાં સેમ્પલ આપી પાછાં વળતાં વર્ષાએ રસિકલાલને પોર્ચનો બાંકડો દેખાડતાં કહ્યું, ‘જુઓ રસિકલાલ બેસો. આજે તમને પપ્પા કહેતાં. મારી જીભ કપાઈ જાય છે. હું તમારી એકેએક હરકત જાણું છું. તમારા ઈશારા સમજું છું. તમે મારી અંગત વસ્તુઓ ફેંદો છો, કપડાં સાથે ગંદા ચાળા કરો છો, મારી પાસે હવે એના નક્કર પુરાવા છે. આજે હું નિમેષને કહી દેવાની છું બસ હવે મારાથી સહન નહીં થાય! તમે ટૂંકમાં સમજી જાઓ. આ ઘરમાં કાં તો હું રહીશ કા તમે!’ વળતી વખતે રસિકલાલ એકલા રિક્ષામાં ઘેર આવ્યા.

* * *

વર્ષા વિચારતી રહી કે હજી એમને સાણંદ પહોંચ્યાને ચોવીસ કલાક નથી થયા ને પપ્પાને આ એટેક... શું એમને દહેશત હશે કે મે નિમેષને બધું કહી દીધું હશે? ફોનની રીંગ વાગી. વર્ષાએ ઘડિયાળમાં જોયું સવારના પાંચ વાગતા હતા. ફોન પર નિમેષ હતો. ‘પપ્પા ઈઝ નો મોર.. વર્ષા નક્કી ન કરી શકી કે આ છૂટકારો છે કે પછી...!

***