જોને સુધા, આ ચંચળ આજે પણ ના આવી. બેસતું વર્ષ ને ભાઈબીજ, બંને ગયાં પણ ઈ કે ઈનાં છોકરાં કોઈ ડોકાણું નહીં. સાંજે ઑફિસથી વળતાં જરા તપાસ કરતી આવજે : કહેતાં બાએ મારા હાથમાં લંચબૉક્સ મૂક્યું. પર્સ ખભે ભરાવતાં લાગ્યું. બાના અવાજમાં ફરિયાદ કરતાં ચિંતા વધુ હતી. અને એ સ્વાભાવિક પણ હતી. ચંચળ લગભગ બે વર્ષથી મારે ત્યાં કામ કરે છે. ક્યારેય એણે આ રીતે ખાડો પાડ્યો નથી. કંઈ કામ હોય કે ક્યાંય બહારગામ જવાનું હોય તો એ કહેવડાવે, માંદી હોય તો તો ખાસ આવે, દાળભાત ખાવા! લોબીનાં પગથિયાં ઊતરતાં જોયું, રોડ પર ઊભેલું ઊંટ ડોક લંબાવીને પેન્ડુલા ખાતું હતું. કોઈકના ઘેર ફ્રિજ કે ફર્નિચર આવ્યું હશે. એને હાંકવા જતી હતી ત્યાં લારીવાળાએ ગાડી હંકારી મૂકી. આજકાલ બગીચામાં ધ્યાન નથી અપાતું. આ ઝાંપાની કમાને ચડાવેલી જૂઈ પીળી પડતી જાય છે. ઝાંપે પહોંચી ત્યાં બાએ લૉબીમાં આવી કહ્યું: તને ખબર છે એ ક્યાં રહે છે? ન હોય તો બાજુવાળાં સુશીલા-બાની વાતને કાપતાં મેં કહ્યું : શોધી લઈશ. આપણા ધોબી રફિકને ખબર હશે. એણે જ તો આપણું કામ ચંચળને અપાવ્યું હતું. હું નહોતી ઈચ્છતી કે મારી બાંધણી પર સુશીલાબહેનની નજર પડે. મેં વાંકા વળીને ઝાંપો બંધ કરવા માંડ્યો ત્યાં બાજુનો ઝાંપો ખખડ્યો. સુશીલાબહેન સાક્ષાત્ હાજર! હમણાં પૂછશે નવી સાડી લીધી? કોણ લાવ્યું? ક્યારે લાવ્યું? કેટલાની લાવ્યું? પણ આશ્ચર્ય! બસનો ટાઇમ થઈ ગયો! મુક્તાબા છે ને. આ જરા મેળવણ — કહેતાં એમણે ઝાંપો ખોલ્યો. જતાં જતાં એમની નજર મારા શરીર પરના એકેએક રંગ વલૂરતી ગઈ. એક ચચરાટ મારી હથેળીમાં ઊગી નીકળ્યો. મન ખાટું થઈ ગયું. ઉપરથી ખાલી વાટકીનાં શુકન! વળતી પળે થયું હજુ પણ મને સારા શુકનની રાહ છે! બસસ્ટેન્ડે પહોંચી. હજુ બસને પાંચેક મિનિટની વાર હતી. બાજુમાં રફિકની કેબિન ખુલ્લી હતી. થયું. લાવ અત્યારે જ પૂછી લઉં. સાંજે તો એ સોસાયટીમાં કપડાં આપવા-લેવા નીકળી જશે. જઈને એની કૅબિન સામે ઊભી રહી. રફિક અવળો ફરીને ઈસ્ત્રી કરતો હતો. ટેબલ પર સફારી શર્ટ પાથરેલું હતું. એની એક બાંય નીચે લટકતી હતી. કપડા પર પાણીના રેલાની જેમ ફરતી ઈસ્ત્રીના હેંડલ પર ચંપાયેલા એના પંજા પર લીલી નસો ઊપસી આવી હતી. ગળેલા ખમીસની કિનાર પર દોરાની ઘૂઘરીઓ એના હલવા સાથે હલતી હતી. સામી દીવાલે અભરાઈ પર ઈસ્ત્રી કરેલાં કપડાંની થપ્પી હતી. ટેબલ નીચે મોં વકાસીને પડેલા પોટલામાંથી ડોકાતાં કપડાં રાહ જોતાં હતાં. પોતાનું નામ સાંભળતાં એ મારી સામે ફર્યો. જેવું મેં ચંચળનું સરનામું પૂછ્યું, તો એણે વ્યસ્ત હોવાનો ડોળ કરતાં કહ્યું. પે’લાં તો નદીકાંઠે પોપટપરામાં રેતાં’તાં. પણ હવે એટલામાં પૂછશો તો મળી જશે.’ રફિકે મારી સાથે વાત તો કરી પણ મને લાગ્યું એ કશુંક ટાળતો હતો. કેમ? આખો દિવસ ભારેખમ લાગતો રહ્યો. ખબર નહીં, આ વાદળછાયા નભરમા આકાશને કારણે કે પછી – જોકે આજે સ્ટાફમાં નવા વર્ષની ચહલપહલ હતી. વળી એક ઉજાણીનું પણ ધમધોકાર આયોજન થઈ રહ્યું હતું. હું ભરપૂર મથામણ કરતી રહી આ હલચલનો એક લય હોવાની, પણ વારેવારે મારી આંગળીઓ ટાઈપરાઈટર પર થીજી જતી હતી. એમાંય જ્યારે જલ્પાએ નવી સાડીનું ન્યુપીંચ કર્યું ત્યારે થયું, મારી સાડીનો ચપટીક શ્યામ ગુલાબી રંગ મારા ચહેરા પર લીંપી શકું તો કેટલું સારું? ‘અરે યાર, તું તો સાવ સોગિયણ છું. સાલી, તારા જેવી સાસુ મળે ને તો આપણે બંદા ડબલ ગોર્યો કરવા તૈયાર!’ જલ્પાની વાત સાચી છે. પોતાનો એક માત્ર આધાર ગુમાવીને પણ બા સતત મારા ઘા રૂઝવવા મથતાં રહે છે, હસતાં-રમતાં હોવાનો અભિનય કરતાં રહે છે. પણ કોણ જાણે એમની આ આળપંપાળ મનમાં એક ઘા હોવાની લાગણીને ધાર કાઢતી રહે છે. ક્યારેક પ્રશ્ન થાય કે એમની આ મથામણ મારામાં આધાર શોધીને મને બાંધવાની હશે કે ખરેખર મારો ખાલીપો પૂરવાની? હું મનને ટપારું શું મારું મન વત્સલની સ્મૃતિઓથીય મુક્ત થવાનું બહાનું શોધે છે? છેલ્લાં ત્રણ વર્ષથી દિવાળી આવતી નથી, લાવવી પડે છે! બે વર્ષ પહેલાં મેં બાને કહેલું : ચાલો દિવાળી કરવા અંબાજી જઈએ! હતું કે સ્થળ બદલાતાં દિવાળી જીરવવી કંઈક સરળ બનશે, કદાચ. જવાબમાં બા કહે, : ના, ના, દિવાળીના દિવસે આપણું ઘર દીવા વગરનું! ઉપરવાળાએ ભલે કર્યું! આવી દુ:ખની પોટલી છૂટી પડવાની અણીએ એ તરત ગાંઠ વાળી દે. ઢીંચણે હાથ મૂકીને ઊભાં થાય. ચંચળનાં છોકરાંને પૈસા આપતાં કહે, : જા ને અલ્યા દિલીપ, ઘણા દિવસથી તીખા ગાંઠિયા નથી ખાધા! ક્યારેક અડોશપડોશનો ચણભણાટ સંભળાય. ક્યારેક ચંચળ પણ વાતોના પારસલ લેતી આવે. : આ ડોશીની તો સાઠે નાઠી છે. જુવાનજોધ વહુને નિત નવાં કપડાં પેરાવે છે તે શું નાતરે દેવી હશે? પોતાને તો હજુય કંદોઈનાં પડીકાં નથી છૂટતાં. શો જમાનો આવ્યો છે! મને ઘણી વાર આવા સંવાદોની કરચો લોહીઝાણ કરી જાય. પણ બા તો બધાંને ઘોળીને પી જાય. એમનું આવું સવામણનું કાળજું જોઈને જ વેશ ન બદલવાની મારી હિંમત ચાલી હતી. વરસ આખું તો થાગડ-થીગડ પૂરું થઈ જાય, પણ આ દિવાળી- એક પછી એક પોડાં ખરવા માંડે ને અર્ધીપર્ધી ઉઘાડી દીવાલોમાંથી દુ:ખ ડોકાતું રહે. બાને જોતાં તો લાગે હવે કોઈ પણ ઘડીએ આખી ઈમારત જ બેસી જશે. ધડામધૂમ ફૂટતા ફટાકડા સતત મને હચમચાવતા રહે. હું મનમાં રહેલી દહેશત સાથે દીવા મૂકતી રહું. મને ખબર પણ ન પડે એમ મારા હાથ વત્સલના હાથ બની જાય. હથેળીમાં કોઠી ફોડવાની જીદ કરતાં-ઘડીમાં પ્રચંડ ધડાકો તણખા અને આગના લબકારામાં તરફડતો વત્સલ, એની ઝાળ રસોડામાં પણ મારો પીછો કરતી રહે. રાતોની રાતો લાગ્યા કરે કે મારી હોડી નદીની વચ્ચોવચ ઊભી છે, મારા હાથ વહાવ્યે જાય -એક પછી એક અસ્થિકુંભ. સતત કશુંક નીતરે ને નિચોવ્યે જાઉં. દિવાળીના દિવસો ઉલેચતાં ઉલેચતાં ઊંચે જોઉં ત્યારે બાનું ઢગલો ઢગલો થઈ જતું શરીર અને હાંફતો સમય મારો બધો થાક ચૂસી લે. થાય કે જે ઝૂંટવાઈ ગયું છે એ સિવાયનું બધું જ બા મને છલોછલ આપવા માંગે છે. મારે હાથ લંબાવવો જોઈએ. આ વખતે હું સામે ચાલીને મારા માટે સિલ્કની બાંધણી ખરીદી લાવી. શ્યામગુલાબી બૅકગ્રાઉન્ડ અને પોપટી બોર્ડર. બા માળા ફેરવતાં પૂજામાં બેઠાં હતાં. મેં સાડી એમના ખોળામાં મૂકી. ક્ષણભર ચોંકેલા ચહેરા પરનું આશ્ચર્ય. કંઈક અફસોસ લૂછતાં એ ઊભાં થયાં. ઉમળકાભેર ચંચળને સાડી બતાવતાં બોલ્યાં, : ‘જો ચંચળ, તારી ભાભી કેવી સરસ સાડી લાવી?’ ઉંબર વચ્ચે ઊભેલી ચંચળ, એક હાથમાં સાવરણી, બીજો હાથ કેડે, સાડી જોતાં એ બોલી ઊઠી : ‘હેં બા, ભાભીને આ રંગ પેરાય?’ હું ત્યાં ઊભી ન રહી શકી. થયું હમણાં વેરાઈ જઈશ. રસોડામાં પાણી પીતાં મેં સાંભળ્યું- ‘મેર મૂઈ, આવા પાણા પડતા નો મૂકતી હો તો! મને ઈ કે કે ઘણી હોય ઈ હારું કે ધણીનો પ્રેમ? છતે ધણીએ–’ સારું થયું, બાએ વાક્ય અધૂરું મૂક્યું. પૂરું સમજીને ચંચળ બોલી, આમ તો તમારી વાત હાચી પણ દિલપાના બાપાએ મને પેરવા-ઓઢવા જોગી તો રાખી સે! બોલી એ કામે વળગી. જતાં-જતાં કહે કે, હેં ભાભી, આવી બાંધણી હુતરઉમાં નોં મળે? એ રાતે બાએ આ વખતે ચંચળને બોણીમાં બાંધણી આપવા કહેલું પણ ચંચળ એની બોણી લેવા કેમ ન આવી? ચંચળનો સ્વભાવ બહુ હોંશીલો. વાર-તહેવારને મળવા એ અઠવાડિયું આગળવી જાય. પહેરવા-ઓઢવાની શોખીન. નાનપણથી શહેરમાં શેઠિયાના ઘરે કામ કરતી એટલે બધો વળોટ ઉજળિયાત જેવો. દેખાવમાં ઠીકઠીક, સવારમાં નાહીધોઈને જૂનાં થીગડાંવાળાં પણ ચોખ્ખાં કપડાં પહેરીને આવે. તેલ નાખીને ઓળેલા ચોટલાને છેડે પ્લાસ્ટિકનું એકાદ બક્કલ હોય, ક્યારેક નખ પણ રંગેલા હોય. કપાળમાં રૂપિયા જેવડો લાલચટ્ટક ચાંદલો, પગમાં બોદાં રણકતાં સ્ટીલના છડાં, હાથમાં ખણખણતી બંગડીઓ ને હોઠે કોઈ ને કોઈ ગીત. એ કામ કરતી હોય તો ઘર પણ હસીને સામું આવે. ચંચળનાં લગ્ન નાનપણમાં થઈ ગયેલાં. વળી છોકરાં પણ તરત-એટલે એને મોટું થઈ જવું પડેલું. આમ હશે છવ્વીસેકની. પતિ છે પણ કમાય-ન કમાય ને ગમે ત્યારે વગડા વચ્ચે ઈંટના ભઠ્ઠે બૈરી-છોકરાંને ઊભાં મૂકીને જતો રહે. છેવટે કંટાળીને બે વર્ષથી ચંચળ પિયરમાં બેઠી છે. મને ઘણી વાર પ્રશ્ન થાય, ચંચળની નાતમાં નાતરું તો થાય છે. હવે અમારા બ્રાહ્મણમાં પણ છૂટાછેડા કે વૈધવ્ય પછી બીજાં લગ્ન બહુ આંચકો નથી આપતાં. એક વાર મેં ચંચળને પૂછેલું. જવાબમાં કહે, ‘ભાભી, એક તો મારે માથે બાપ નંઈ, બિચારી રંડવાળ માનુ સું જોર હાલે કટંબી પાંહે? અસલમાં મારા કાકા એની સોડીનું સગપણ મારા દેર વેરે કરવા જ્યા’તા. ઈ નિહાળમાં પટાવાળા સે ને અમારી નાતમાં નોકરિયાત ઓસા એટલે મારા હાહરાએ સરત મૂકી કે મોટા વેરેય એક સોડી આપો તો કરું. આ દિલપાના બાપા પેલાથી જ વંઠેલ. આખા હાડકાંના, વળી ભણતરેય સડ્યું નંઈ. રડીખડી મજૂરી કૂટી ખાય. ઈને સોડીય કોણ આપે? એટલે કાકાએ મારું ન્યા કર્યું. રોયો મારો કાકો પેલાથી પેટનો ખોટો પણ બધું અંઈનું અંઈ જ સે. ઈની સોડીએ પઈણાં હમજ પેટ જ નથ માંડ્યું. હવે હું જો બીજે જઉં તો ઈને કાઢી મૂકે. હવે તો સોકરાંય હમજણાં થ્યાં, બળ્યું બીજે સે જવાય? પાછું ગામ તો કેસે કે રાંડની સોડી. ગામના ઠોબરાં ચાટીને ચટ્ટી થઈ સે, એક ઠેકાણે ટાંટિયો વાળીને રેતી હશે?’ ભરજુવાનીમાં વિધવા માએ ભાઈબહેનને કપડાં-વાસણ કરીને ઉછેરેલાં અને હવે ચંચળ! સાંજે ઑફિસેથી વહેલી નીકળી ગઈ. બસમાંથી ઊતરી. સામે કંદોઈની દુકાન દેખાતાં યાદ આવ્યું, ચંચળનો મોટો છોકરો રમેશ આવ્યો હશે. એને પેંડા બહુ ભાવે છે. અઢીસો લીધા. બાજુમાં ભઠ્ઠી પર તાવડો મૂકતાં મૂકતાં નોકર શેઠને પૂછતો હતો, ‘કેટલી ખાંડ ધોવાની છે?’ આ વખતે ચંચળે બા પાસે મોહનથાળ બનાવડાવેલો. બે કિલો ખાંડ લઈ આવેલી. કહે કે, : ‘આમનેય લોથાળવા જોશે ને!’ એના વરે તો કંઈ ધમાલ નહીં કરી હોય ને?’ પૈસા આપીને રસ્તો ઓળંગી પોપટપરાની શેરીમાં વળી. આમ તો અમારી સોસાયટી અને પોપટપરા વચ્ચે માત્ર એક પાકો રસ્તો, પણ ગલીમાં પગ મૂકતાં ધસી આવતા ધુમાડાએ ચેતવી દીધી, આ એક જુદી જ દુનિયા છે. ગલી વચ્ચે કોઈએ સગડી સળગાવી હતી. કોલસા રેલવે લાઇન પરથી વીણેલા હશે તે. બળવા કરતાં બળવાનું નાટક વધુ કરતા હતા. સાંજના આછા અજવાળામાં જીવન એક જુદા જ તાલ અને લયમાં ધબકતું હતું. ક્યાંક આંગણામાં સાવરણો ફરવાનો અવાજ, ક્યાંક છોકરાંને ઢીબતી સ્ત્રીનો અવાજ, ક્યાંક ટેપમાં વાગતાં ફિલ્મી ગીત કામદાર ભાઈઓના કાર્યક્રમમાં ઘૂસણખોરી કરતાં હતાં. બે ચાર છોકરા ભીંતે કોલસાથી સ્ટમ્પ ચીતરી ધોકાથી ક્રિકેટ રમતા હતા. ચાલતાં ચાલતાં હું આખા પરિવેશમાં કોઈ સુતરાઉ કપડાને મારેલા રેશમી થીગડા જેવી લાગતી હતી. એક ઓટલા પર બેસીને છીંકણી ભેગી મને સૂંઘવાની પેરવી કરતાં માજીની નજર બચાવવામાં સફળ થઈ. પણ એમ કરતાં મારો પગ ગલી વચ્ચોવચ વહેતી ખાળમાં પડ્યો. ગંધથી ખદબદતો કાદવ અડતાં આખા શરીરમાં ચીતરીનું લખલખું ફરી વળ્યું. હજુ મારે આગલા ચાર રસ્તે પહોંચવાનું હતું. ચાર રસ્તાની ડાબી બાજુના ખૂણે મ્યુનિસિપાલિટીનો નળ હતો, પણ બંધ એની પાસે ઊંધાં પડેલાં માટલાં, ડબા, ડોલની લાઈન હતી-આવતી કાલ માટે. નળ નીચેના ખાડામાં ભરાયેલું પાણી જોઈ પગ ધોવા આગળ ચાલી ત્યાં મારા પહેલાં એક કૂતરું પહોંચી ગયું. એને જોતાં વિચાર આવ્યો, આ કૂતરું આ માટલાં, ડબા ઉપર- પગ ધોવાનો વિચાર પડતો મૂકી હું ઉકરડાની દિશામાં વળી. ઉકરડા પર એક છોકરો ખભે કોથળો નાખી ભંગાર વીણતો હતો. સાથોસાથ એક ભૂંડ અને તેનાં કાબરચીતરાં બચ્ચાં પણ હતાં. ગલીમાં વળતાં આખું દૃશ્ય બદલાઈ ગયું. જે ચલચિત્ર ઝપાટાબંધ દોડતું હતું એ ઊભું રહી ગયું. શેરીમાં છૂટાંછૂટાં ત્રણ ચાર ઘર હતાં. દૂર ખાલી જમીન પાસે એક લીમડે બાંધેલી બકરી સિવાય કોઈની હાજરી લાગતી ન હતી. મેં એક બંધ ઘર ખવડાવ્યું. પ્રૌઢ સ્ત્રી બહાર આવી. એના હાથ લોટવાળા હતા. મેં ચંચળના ઘરનું પૂછ્યું. એણે સામો સવાલ કર્યો, ‘શું કામ સે?’ પરિચય આપતાં એણે આજુબાજુ જોઈ મને અંદર લઈ બારણું આડું કર્યું હાથ ધોઈ ફળિયામાં ખાટલો ઢાળ્યો. બેસવાનું કહી પૂછ્યું : ‘અમારા ઘરનું પાણી પીશો?’ એના આવા રહસ્યપૂર્ણ વર્તાવને ખાળવા પણ પાણી પીવું જરૂરી લાગ્યું. પાણી આપીને એણે માંડીને વાત કરી. ‘બોન શું વાત કરું? ન થવાનું થઈ જ્યું. દિવાળીની રાતે ઈનો વર ઘાસલેટ છાંટીને બળી મૂવો. બેહતા વરહને દી તો અમારાં રાંધ્યાં ધાન રઝળ્યાં. પાછું પોલીસનું લફરું છોગાનું. ઈ તો પંચે વચ્ચે પડીને પતાવ્યું. ઈનો હાહરો તેડી જ્યાં હંધાયને પણ બોન, લોકના મોઢે કંઈ ગઈણાં બંધાય સે? કોક કે સે કે ભઈબોને બાળી મૂક્યો. કોક કે કે, ઓલા ઘોબી હારે હાલતી’તી. કોક વળી કેતું તું કે ઈના હુરતવાળા સોકરાએ બાપ ઉપર હાથ ઉપાડ્યો. રામ જાણે-જેટલાં મોઢાં એટલી વાતું!’ સાંભળીને હું તો હતપ્રભ. મોં લૂછવા પર્સમાં રૂમાલ શોધ્યો તો- મારાં આંગળાં પેંડાના પડીકાને અથડાઈને પાછાં વળી ગયાં. શું એ આટલા માટે આવ્યો હતો? હજુ હમણાં તો એ આવ્યો હતો. દિવાળીના પંદર દિવસ પહેલાં એક દિવસ ચંચળ કહે : ‘બા, કાલથી હું રાતે વાહણ ઊટકવા નંઈ આવું :’ ‘કાં? સુરતથી રમેશ આવ્યો છે? ચંચળનો મોટો છોકરો સુરતમાં હીરા ઘસે છે. મહિને બે મહિને એ આવે ત્યારે ચંચળ રાત્રે ન આવે. વાળુમાં એને ગરમ ચા જોડે ગરમ રોટલી જોઈએ. જવાબમાં ફળફળતા અવાજે ચંચળ બોલી, : ના, ના, ઈના બાપા આઈવા સે. મેં તો ઘહીને ના પાડી દીધી. રે ઈનાં મા-બાપ પાંહે. પણ ડોહીને લકવો થયો સે. દેરાણી ઘડતી હશે આના રોટલા? એટલે આઈવા સે વાંકા રઈને! મારી બા કે કે તારાં તો ઊઘડી જ્યાં. હામેથી આઈવો સે. કાલે હવારે સોકરાં વરાવાં-પૈણાવાં પડસે. પણ મેં તો ચોખ્ખું કઈ દીધું. પેલા રમેશને પુછાવો, ઈ તો બહુ ઝેરીલો છે. હમણાં તો ભઈ ભેગા રેશે ને ઈમની હારે ઈંટું પાડવા જશે. દિવાળી કેડે રમેશ આવ્યે વાત! વિચારમાં ને વિચારમાં ક્યારે ઘર આવ્યું. ખબર ન પડી. થયું, ફરી એક વાર ત્રણ વર્ષ પહેલાંની દિવાળી વાઘા બદલીને આવી. મારા કાનમાં ચંચળના શબ્દો પડઘાતા હતા, દિલપાના બાપાએ મને પેરવા-ઓઢવા જોગી તો રાખી સે – એની બાંધણી? વાતને છએક મહિના વીતી ગયા. એકાદ વખત થયું જઈને ચંચળને મળી આવું, પરંતુ એનું કોરું કપાળ ને નાકનમણ વિનાનો વેશ જોવાની હિંમત ન ચાલી. આજે મને બાની હિંમત કંઈક સમજાઈ. એક સાંજે ચંચળ મળવા આવી. ખૂણો મૂકવા અને સાડલો બદલવા પિયર આવી હતી. મેં જોયું એ ઘણી બદલાઈ ગઈ હતી. કંઈક શરીર ભરાણું હતું. વાન પણ ઊઘડ્યો હતો. માથે ઓઢેલા ગળિયેલ રંગના સાડલામાંથી ઊંધા લોટા જેવું એનું માથું તગતગતું હતું. હાથમાં પિત્તળની એક એક બંગડી, કોરુંધાકોર કપાળ- દુકાળિયા વરસમાં સીમ આવી જ લાગતી હશે! હવે એ બહારનાં કામ નથી કરતી. રમેશે ઘરે હીરાની ઘંટી નાખી છે. હવે એનો નાનો પણ બેસે છે. વાતમાંથી વાત નીકળતાં કહે, : ઈને રીહ સડી કે મારો સોકરો મને નોખો કરે! કાળી ચૌદસે રમેશ આવ્યો. ઈને પડખે બીજી ઓઈડી લીધી. ઈના બાપાને ન્યાં રેવાનું. મારે રોટલા ઘડી દેવાના. ઈ મજૂરી દઈ દે મારા હાથમાં બાકી કંઈ વેવાર નઈ. ઈ દિવાળીની રાતે ઓઈડીએ જ્યા તે જ્યા — કલાકેક અહીંતહીંની વાતો કરી એ ઊઠી ત્યાં ‘હમણાં બેસ’ કહી બાએ મને ઈશારો કર્યો. મને થયું. હવે બાંધણી? મારા ચહેરા પર દ્વિધા જોઈ કહે, તું તારે લાવ ને! બંધ થતા કબાટના કરકરા અવાજમાં ચંચળનું વાક્ય ગૂંજી ઊઠ્યું, હેં બા, ભાભીને આ રંગ પેરાય? મેં બાના હાથમાં બાંધણી મૂકી. જોતાં જ ચંચળની આંખમાં એક ચમક આવી-ન આવી, ઓલવાઈ ગઈ! બાએ બાંધણી ખોલીને એને માથે નાખી. વિલાયેલા સ્મિત સાથે એણે હાથ ઊંચો કર્યો. એ બાંધણીને ખચકાતો સ્પર્શ કરતો માથાથી ખભા સુધી આવ્યો. એણે ધીરેથી બાંધણી ઉતારી ખોળામાં લીધી. એની તરસી આંગળીઓ ફરી એક વાર ગુલાબી લીલાની સુંવાળી સપાટી પર સરકતી રહી. એણે રડમસ ચહેરો ઊંચક્યો. એના હોઠ કંઈક કહેવા મથતા હતા. બાએ ધીરેથી એના ખભે હાથ મૂક્યો. ચંચળની આંખની ભીની ઝાંય ગાલ પર દડી ગઈ. (‘ગદ્યપર્વ’)