ગુજરાતી બાળવાર્તા સંપદા/ઢબુબહેનનો ઓઢણો

Revision as of 15:10, 12 August 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સાં. જે. પટેલ

ઢબુબહેનનો ઓઢણો

ઢબુબહેન નાનાં ને એમનો ઓઢણો મોટો. ઢબુબહેનની બહેનપણીઓ પણ ઓઢણીઓ ઓઢતી હતી. એમની ઓઢણીઓ ઝીણી-ઝીણી, મલમલની, રેશમની, હલકી-હલકી અને હવામાં ઊડી જાય એવી પાતળી-પાતળી હતી અને એ ઓઢણીઓના રંગો પણ મેઘધનુષ્ય જેવા ભાતભાતના હતા. ઢબુબહેનનો ઓઢણો તો એક જ રંગનો હતો. તે ઘેટાંબકરાંના ઊનમાંથી બનાવેલો હતો. ઓઢણો જાડો હતો અને લાંબો-પહોળો હતો. એટલે ઢબુબહેન તેને ચોવડ વાળીને ઓઢતાં હતાં. ઢબુબહેન નિશાળે પણ આ જ ઓઢણો ઓઢીને જાય. પિતાની સાથે ઘેટાંબકરાં ચરાવવા જાય તો પણ આ જ ઓઢણો અને ઘરનાં નાનાં-મોટાં કામ કરવાં હોય તોય આ જ ઓઢણો. ઓઢણો ઢબુબહેનનો સાથી ને ઢબુબહેન ઓઢણાનાં સાથી. ઢબુબહેન આખા ગામમાં “ઓઢણાવાળાં ઢબુબહેન”ને નામે ઓળખાતાં. ઢબુબહેન બીજા ધોરણમાં ભણે. પરી, કિન્નરી, યક્ષણી, ગંધર્વી, દેવી અને અપ્સરા એ ઢબુબહેનની બહેણપણીઓ. તેઓ પણ ઢબુબહેનની સાથે જ ભણે. રિસેસમાં બધી બહેનપણીઓ ઓટલા ઉપર બેસીને નાસ્તો કરતી હતી. કિન્નરી કહે : “મારે સાત ઓઢણીઓ છે !” પરી કહે : “મારે પણ સાત ઓઢણીઓ છે !” યક્ષણી કહે : “મારેય સાત ઓઢણીઓ છે !” ગંધર્વી કહે : “મારે પણ સાત છે !” દેવી કહે : “મારેય સાત ઓઢણીઓ છે !” અપ્સરા કહે : “મારે પણ સાત ઓઢણીઓ છે !” ઢબુબહેન બધાંની વાતો સાંભળતાં હતાં, પણ ચૂપ હતાં. કિન્નરીએ પૂછ્યું : “ઢબુબહેન, તારે કેટલી ઓઢણીઓ છે ?” ઢબુબહેન કહે : “મારે તો આ એક જ ઓઢણો છે !” “તે તારી મમ્મીને કહે ને, તને બીજી ઓઢણી લાવી આપે !” કિન્નરીએ કહ્યું. “હા, હું ઘેર જઈને મારી મમ્મીને કહીશ !” ઢબુબહેને કહ્યું. સાંજે ઘેર જઈને ઢબુબહેને મમ્મીને કહ્યું : “મમ્મી ! મારી સહેલીઓને તો સાત-સાત ઓઢણીઓ છે, મારે તો આ એક જ ઓઢણો છે, મને એક ઓઢણી લાવી દે ને !” મમ્મી કહે : “બેટી ! આપણે ભરવાડ છીએ...!” “તે શું થયું ? ભરવાડથી નવી ઓઢણી ન લવાય ?” “લવાય ને બેટી ! પણ જેવો દેશ એવો વેશ, એ પ્રમાણે આપણે રહેવું જોઈએ. તારો આ એક ઓઢણો તારી બહેનપણીઓની દસ ઓઢણીઓ બરાબર છે !” “એ કેવી રીતે, મમ્મી ?” “વખત આવશે એટલે તને એનો અનુભવ થશે.” મમ્મીએ પ્રેમથી ઢબુબહેનને સમજાવી લીધી. બીજે દિવસે વરસાદ પડ્યો. નિશાળે જતાં ઢબુબહેનનો ઓઢણો પલળી ગયો. ઢબુબહેને બહેનપણીઓને કહ્યું : “મને તમારી એક ઓઢણી આપો ને, મારો ઓઢણો સુકાય એટલે કાલે તમને એ પાછી આપી દઈશ ! મારે આજે શાળાનો દિવસ પડે છે !” કિન્નરી કહે : “મારે મારી મમ્મીને પૂછવું પડે !” પરી કહે : “મારી ઓઢણી મેલી થઈ જાય !” યક્ષણી કહે : “મારી ઓઢણીઓ ધોબીને ધોવા માટે આપી છે !” ગંધર્વી કહે : “તને તો ઓઢણો જ શોભે !” દેવી કહે : “મારે ઘેર તાળું મારેલું છે !” અપ્સરા કહે : “હું દિવસમાં સાત વખત ઓઢણી બદલું છું. મારી પાસે વધારાની ઓઢણી નથી !” એ દિવસે ઢબુબહેનને નિશાળમાંથી રજા લેવી પડી. થોડા દિવસો પછી શિયાળો શરૂ થયો. આકાશમાં ધુમ્મસ છવાયું હતું. હિમ પણ પડ્યું હતું. શરીર થીજી જાય એવી ઠંડી હતી. શનિવારની સવારની શાળા હતી. કિન્નરી, પરી, યક્ષણી, ગંધર્વી, દેવી અને અપ્સરા પાતળી ઓઢણીઓ ઓઢીને નિશાળમાં આવી હતી. હિમને લીધે એમનાં શરીર પાંદડાંની જેમ ધ્રૂજી રહ્યાં હતાં, અને દાંત કટ-કટ બોલી રહ્યા હતા. ઢબુબહેનની પાસે તો જાડો ઓઢણો હતો, એટલે એમને તો ઠંડી સલામ કરીને આઘી ઊભી રહી ગઈ અને બધી બહેનપણીઓ ઓટલા પર ઊભી-ઊભી થથરી રહી હતી. ઢબુબહેને એમની પાસે જઈ, ઓઢણો ખોલીને કહ્યું : “કિન્નરી, તું મારા ઓઢણામાં આવી જા !” “પરી, તું પણ આવી જા !” “અને યક્ષણી, તુંય આવી જા !” “ગંધર્વી, તું પણ ધ્રૂજે છે, તુંય આવી જા !” “દેવી, તારા દાંત પણ કટકટે છે, આવી જા, જલદી !” “અપ્સરા, તું પણ આવ ને !” સાતેય સખીઓ ઢબુબહેનના ઓઢણામાં ઢબુરાઈ ગઈ. હવે ટાઢની મગદૂર છે કે એમને ધ્રુજાવે ! ઘેર જતાં બધી બહેનપણીઓ કહે : “ઢબુબહેન, તમારે મારી ઓઢણી જોઈતી હોય તો લઈ જાઓ !” ઢબુબહેન મીઠું-મીઠું હસીને કહે છે : “ના રે સખી ! મારે તો આ ઓઢણો બરાબર છે !”