ગુજરાતી બાળવાર્તા સંપદા/છાનાં છાનાં પગલાં

Revision as of 03:05, 13 August 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અનિલ જોશી

છાનાં છાનાં પગલાં

છૂક છૂક છૂક ગાડીનાં પગલાં દેખાય નહીં. છાશવારે છાપરા પરથી ઊડી જતા કાગડાનાં પગલાં આકાશમાં દેખાય નહીં પણ છગનલાલે નવા બૂટ લીધા ત્યારે છગનનાં પગલાંથી રસ્તો ગાજવા લાગ્યો. છગનલાલ છાશ લેવા જતા ત્યારે છાશવાળો છગનલાલને પગલાં પરથી ઓળખી જતો. છગનની ચાલીના પાડોશીઓ છગનનાં પગલાંથી હેરાન-પરેશાન થઈ ગયા. ચાલીના બધા પાડોશીઓ છૂક છૂક છૂક કરતા છગનલાલ પાસે ગયા અને કહેવા લાગ્યા : “છગન, તારાં પગલાંનો બહુ ઘોંઘાટ થાય છે. તારા પગ બહુ બોલકણા છે.” છગન કહે : “પગ બોલે એમાં હું શું કરું ?” “છગન, તારા પગ નથી બોલતા પણ બૂટ બોલે છે. બૂટને શાંત રહેતાં શીખવ !” પાડોશીઓએ છગનને સલાહ આપી. પાડોશીઓની ફરિયાદ સાંભળીને છગનલાલ છૂક છૂક છૂક કરતા બૂટ પાસે ગયા અને નાક ઉપર આંગળી મૂકીને બૂટને કહ્યું : “ચૂપ !” બૂટ કહે : “અમે તો ચૂપ છીએ પણ તારા પગ બોલે છે.” હવે છગનલાલ ખરેખરા મૂંઝાઈ ગયા. છેવટે છગનલાલ છનિયારા સાહેબ પાસે ગયા અને કહ્યું : “સાહેબ, મારા બૂટને બોલતા બંધ કેમ કરવા ?” છનિયારાસાહેબે છાશિયું કરતા જવાબ દીધો : “તારા બૂટને કીડીના ટ્યૂશનની જરૂર છે. તું બૂટને લઈને કીડી પાસે જા.” છગનલાલ બીચારા બેઉ બૂટ હાથમાં ઊંચકીને કીડીના દર પાસે ગયા અને જોયું તો દરમાં એકેય કીડી મળે નહીં. છેવટે છગનલાલે કીડીના દર પાસે એક વીંછી જોયો. છગનલાલ વીંછી પાસે ગયા અને પૂછ્યું : “કીડીઓ ક્યાં ગઈ છે ?” વીંછીએ છીંકોટા નાખતા જવાબ દીધો : “તમને ખબર નથી ? કીડીઓ મોચીની દુકાને ગઈ છે.” “શું કામ ?” છગનલાલે નવાઈ પામતાં પૂછ્યું. “બૂટ લેવા.”