ઈશ્વર પેટલીકર : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/સંપાદકીય

Revision as of 02:08, 14 August 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સંપાદકીય

‘ગુજરાતી ગ્રંથકાર શ્રેણી’ની આ છત્રીસમી પુસ્તિકા પ્રગટ કરતાં આનંદ થાય છે. ઈશ્વર પેટલીકરના અવસાન પછી તેમના વિશેની પુસ્તિકા સત્વરે તૈયાર કરવાનું ડૉ. મણિલાલ પટેલને સોંપેલું. તેમણે પેટલીકરની પ્રથમ પુણ્યતિથિએ પ્રગટ થઈ શકે એ રીતે સહૃદયતાપૂર્વક આ મોનોગ્રાફ તૈયાર કરી આપ્યો એ માટે તેમનો આભારી છું. ‘શ્રેણી’ની યોજના ૧૯૭૬માં કરી ત્યારે આપણા મુખ્ય મુખ્ય સર્જકો અને વિવેચકો વિશે પુસ્તિકાઓ તૈયાર કરવાનું લેખકમિત્રોને સોંપેલું. આજે આઠ વર્ષે પણ આપણા કેટલાક મૂર્ધન્ય સર્જકો-વિવેચકો વિશેની પુસ્તિકાઓ પ્રગટ થઈ શકી નથી એનું આ લખનારને દુઃખ છે. એટલું કહું કે આ દિશામાં હું ગંભીરતાથી વિચારી રહ્યો છું અને આ વિષયના જે પ્રસિદ્ધ અભ્યાસી વિદ્વાનોએ આ વિદ્યાકાર્ય સદ્‌ભાવપૂર્વક સ્વીકાર્યું છે અને એ પૂરું કરી આપવાની તેમની ભાવના છે તેઓ એ નહિ જ કરી શકે તો કાર્યની પુનઃ વહેંચણી કરી પુસ્તિકાઓ બનતી ત્વરાએ પ્રગટ કરવમાં આવશે. સદ્‌ગત ઈશ્વર પેટલીકરની સઘળી કૃતિઓનો સાંગોપાંગ અભ્યાસ કરી નવોદિત વિવેચક ડૉ. મણિલાલ પટેલે જે સમતોલ ચિત્ર આપ્યું છે તે પેટલીકરના અભ્યાસીઓને ઉપયોગી નીવડશે. ‘શ્રેણી’ના સૌ ચાહકોનો હૃદયપૂર્વક આભારી છું.

રમણલાલ જોશી

૨. અચલાયતન સોસાયટી
નવરંગપુરા, અમદાવાદ–૩૮૦ ૦૦૯
૧૬ ઑક્ટોબર ૧૯૮૪