૨૩. ગામ
વયોવૃદ્ધ ગામ થયું ફરી સાઠ વરસનું
બજાર પાદર કૂવા વૃક્ષો બધાં પર ચઢી ગયાં
નવાં નવાં સાઠ વરસ
એકમેકને ભૂંસતાં એકમેકમાં ગૂંથાતાં વરસ
શેરી રસ્તાની પલટાતી બિડાતી જાળ અકબંધ
કોઈક રાતે જાગતી બોખી વાવની લોહિયાળ ભૂતાવળ
છાતીમાં ગામને ઝાલીને ઊભેલાં તળાવમાં
ઠર્યો છે સાઠ સાઠ વરસનો ઘોંઘાટ
કેવળ ફરફરતી શિવાલયની ધજા
પ્રલંબ પટે છવાયેલો ભાંગેલા પ્રહરોનો ઘંટનાદ
ઠર્યું છે હથેળીમાં સાચવેલા સ્વભાવ જેમ
આ ફૂલઝર કાંઠેનું ગામ.