રમણીક અગ્રાવતની કવિતા/ઘેર જતાં

Revision as of 03:22, 18 August 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૨૪. ઘેર જતાં

ગામના નિસ્તબ્ધ પડછાયા ઉપર
એકાકી પંખીની જેમ ઊડતું ગીત
સરુની ઝાડીમાં ગાજતો ડોળઘાલુ દરિયો
તડકાના લાંબા લાંબા સળિયા
ખખડયા વિના ખડકાતા
અદ્ધર પગે ઊભેલું ફળિયું
હજી પેસું ન પેસું ત્યાં
ઘેરી વળે
ગળું ખંખાળીને ઘરવાળીનાં હેતને
ઘટક ઘટક પીઉં છું એક શ્વાસે
અડધો થાક ગળે પરસાળનો હીંચકો
પડઘો થાક ગૂમ કાલીધેલી પૂછતાછમાં

વધ્યો ઘટયો થાક ભેગો આવે
સપનામાં.