૪૬. ઢોલ
તાણેલી દોરી જેવી તંગ નસો કપાળની
વીજ સબાકે વીંઝાય દાંડી કે હાથ?
થરકતી જાંઘના વેરાનમાં ઊછળાટ
વાગે ઢાંકણી ગોઠણની કડેડાટ
રાંટા પગની પિંડલીઓ ફાટફાટ
ખાલી પેટનાં પોલાણે ગાજે ઘોર
...બાજે ઢોલી કે ઢોલ?
એક દાંડી વધુ પડે તો
સમજો સળગી દિશાઓ
પડું પડું થાતી દીવાલો
ઢસડી બસ એક થાપીએ
ઘમ્મઘમ્મઘમ્મઘમ્મ નાદે
કનડતા દિવસોની છાતી પર
...બાજે ઢોલી કે ઢોલ?