૫૬. છાલક
આ સાંજે પાણી નકરું પાણી નથી.
બાને વહાલનો ઊભરો આવે
ને ઝૂકી વળતી એમ
હૂંફાળી ઓથ આપતું આ સાંજનું જળ...
ભૂરા વહેણમાં ઝીંકાયેલી પીળી આસમાની છાંટ
લીલી ચડઊતર છાયાઓ છલકતી
જાય વીંઝાતી મોઢામોઢ
ટપક્યો એક પંખીનો એમાં ઓચિન્તો કિલકાર...
આજ નક્કી આ પાણી ડુબાડશે
કોઈ નવીન પોલાણમાં
અને ભંડારી દેશે કચરી કચરીને,
કાં તારશે કોઈ નવીન કાંઠા લગી
ઉતારશે ખીચોખીચ આશ્ચર્યોમાં.