૬૯. વીતક
ખડકોમાં અથડાઈ અથડાઈ
ઉમળકાઓ ખરચી નાખ્યા નદીએ
રેતીમાં ગરક ધસમસ વેગ
ઊકળતા નિશ્વાસ જેવો પવન
પાડે છાતીમાં ફળફળતા છેદ
ખાબકે આર્દ્રાની વ્યાકુળ વીજ
ધરી રાખેલી આતુર હથેળીમાં
નિમાણો રસ્તો એકલો એકલો
સોરવાતો ઊતરી જાય સ્મરણોમાં
ફોદાફોદામાં વેરાયેલા આકાશની
માંડ માંડ ખૂલી રહેતી આંખમાં
ખટક્યા કરે રાતાબંબોળ સૂરજનું કણું