રમણીક સોમેશ્વરની કવિતા/સંતરું

Revision as of 15:19, 21 August 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૨૭. સંતરું

સામે પડ્યું છે સંતરું
એનો ચળકતો કેસરી રંગ
આકર્ષે મારી આંખોને
આંગળીઓ પહોંચી જાય એની પાસે
ટેરવાં
ફરતાં રહે
એની કરકરી-લિસ્સી સપાટી પર
હથેળીઓ
રમાડ્યા કરે સંતરાને
દડાની જેમ
પછી
આંગળીઓના નખ
હળવે રહીને
ઉખેડે એની છાલ
ફોયણાં
ખટમીઠી સુગંધે
ફૂલવા લાગે
રસગ્રંથિઓ
તરબતર
પરોવાય આંગળીઓ
સંતરાની માંસ-પેશીઓમાં
એકએક પેશી
એના ઝીણાઝીણા
રેષાઓ ઉખેડી
બનાવું વધુ ને વધુ લિસ્સી
પછી મૂકું
રસબસ થયેલા મોઢામાં
થઈ જાઉં
ખટમધુરો
ને પછી સ્પર્શું
શેષ વધેલી છાલને
અંદરની મખમલી ત્વચાને
બહારની બરછટ કેસરી સપાટીને
છાલના કરકરાપણાને
ઉતારું ભીતર
ધન્ય થઈ જાય
સંતરાનું અને મારું હોવું
અને –
સૂકવી મૂકું છાલને
અગાસી પર
ધીમેધીમે
છાલ બની જાય બરડ
એનું કરકરાપણું જાળવી રાખીને
હા, અડવા જતાં વાગે એની ધાર.

સંતરાની પેશીઓનો રસ
ચૂસતાં ચૂસતાં
ક્યારેક
યાદ આવી જાય
સુકાઈ ગયેલી બરડ છાલ

સંતરું
મારા હાથમાં
સાથમાં
બાથમાં
સંતરું આકાશમાં
સવારે ચળકતું સૂર્યમાં
સાંજે
છબ્બાક દરિયામાં
રાતે
મઘમઘતું
પ્રસરે
પિંડમાં...