૩૭. પ્રલય
પવનના માર્ગમાં
પર્વતો આવ્યા
એને ઉખેડીને એણે
વલોવ્યો સાગર
સાગરે
ઊછળી ઊછળીને
પાણીના પર્વત બનાવી
પાછા ફેંક્યા
પૃથ્વી પર
પવનચક્કીમાંથી
ઊર્જા મેળવવા મથતો માણસ
*[1]નોઆહની નાવમાં
બેઠો હોય એમ
થતો રહ્યો
તળેઉપર
બાંબેલી કહી
બાહુ ઉછાળનારા બધા
વહાણોના કાફલા સમેત
ઢબૂરાઈ ગયા તળિયે
જાળોનાં જાળાં ફેલાવી
કાંઠે બેઠા મલકે
તે પર
દાંતિયા કરતાં
તૂટી પડ્યાં
જળઘોડાનાં ઝૂંડ
કપાઈ ગયેલાં
વનોને વીંધતો
હજાર હજાર હાથીઓના
દળકટક જેવો પવન
ફરી વળ્યો બધે જ
- ↑ (* નોઆહ : પ્રલય-પૂરની વેળાએ નાવ બનાવી તારનાર ફરિસ્તો – બાઈબલ કથા)