રમણીક સોમેશ્વરની કવિતા/ખારવણ માદળિયે દરિયાને –
૪૧. ખારવણ માદળિયે દરિયાને –
ખારવણ માદળિયે દરિયાને બાંધે
ખારવાની સાતસાત પેઢીનાં સપનાંઓ
સૂરજનાં કિરણોથી સાંધે
ખારવણ માદળિયે દરિયાને બાંધે
છાતી પર માદળિયું લટકાવી લહેરે
ભરતી ને ઓટના ઝાંઝરને પહેરે
માદળિયે બાંધેલા દરિયાને હેરે
કાછોટો વાળીને હલ્લેસાં જેમ રોજ
દરિયાને ઊંચકતી કાંધે
ખારવણ માદળિયે દરિયાને બાંધે
માદળિયે બાંધેલું પરદેશી પાન
માદળિયે ઓળઘોળ શાન અને ભાન
માદળિયું જીવતરને માથે વિતાન
કરગઠિયાં બાળીને દરિયાની દોણીમાં
વીતેલા દિવસોને રાંધે
ખારવણ માદળિયે દરિયાને બાંધે
માદળિયું ઉછળતા મોજાંનું નામ
માદળિયું સપનામાં આવેલું ગામ
માદળિયું ખારવો ને માદળિયું રામ
ધોધમાર વરસાદે ઉઘાડો ડિલ સાવ
માદળિયું ભીંજાતું યાદે
ખારવણ માદળિયે દરિયાને બાંધે