રમણીક સોમેશ્વરની કવિતા/પારેવું તો ઊડી ગયું
૪૪. પંખી
પારેવું તો ઊડી ગયું
ને ફફડ્યા કરતું નેવું
ખિસકોલીને અડી ગઈ તે ભીંત હજીયે કંપે
પીંછા ભેળું ખરી ગયેલું આભ ડાળીએ જંપે
કરોળિયાના જાળા વચ્ચે કીડી ઝૂલે એવું!
ભમરો ગૂંજનમાં લઈ ઊડે મધુમાલતી આખી
મધપૂડાની વચ્ચે રોપે પરાગરજ મધમાખી;
ઝીણું ઝીણું ઝમ્યા કરે ચોમેર ચાંદની જેવું
પારેવું તો ઊડી ગયું
ને ફફડ્યા કરતું નેવું!