રમણીક સોમેશ્વરની કવિતા/કોણે તોડ્યાં મેઘધનુષ્યો
૫૯. કોણે તોડ્યાં મેઘધનુષ્યો
ટીપેટીપે
સમુદ્રો ભરીને
અને પછી
ધીમી આંચે
એ સમુદ્રોને
આકાશે લઈ જઈને
વનરાજીના અંધારામાં
ઠાલવીને
પહાડોની ટોચે
ઘસી ઘસીને
આંસુ પ્રસ્વેદ અને
લોહીના રંગોમાં ઝબોળીને
રચ્યાં હતાં
જે અમે
એ મેઘધનુષ્યો
કોણે તોડ્યાં!