રાજેન્દ્ર પટેલની કવિતા/ચાદર
૩. ચાદર
આડાઊભા તાંતણાઓ વચ્ચે
શોધું નિરાંત.
જીર્ણ ચાદરમાં
ચારેકોર ધૂળના થર
થકવી કાઢે શ્વાસ.
કિનારથી કેન્દ્ર સુધી ફરી વળું,
અનેક રંગ, અનેક છાપ
ખોવાઈ ગયો છું ક્યાંક.
ફેંકાઈ ગયો છું ઘેરાવા વચ્ચે
ભૂલી ગયો છું અસલ જાત.
ઊંડો શ્વાસ લઉં
ડૂબકી મારું
અંદર કૂદી પડું
તળિયું ને આકાશ બધું એક
છતાં ચારે દિશામાં શોધું.
અંતે
દેહ ઉપરની ચામડીની જેમ
જેવી મળી તેવી ચાદરની અંદર
સૂઈ જાઉં.