આપણા મનમાં ભાવની વાસના હોય છે – ભાવ વાસનારૂપે આપણા મનમાં પડેલો જ હોય છે. પણ કોઈ પણ ભાવ આપમેળે પ્રગટ કે જાગ્રત થતો નથી. એમ થવા માટે કોઈ નિમિત્ત હોવું જરૂરી છે. ઉદાહરણ તરીકે, રતિભાવ જાગવા માટે કોઈ સુદંર સ્ત્રી, તો હાસનો ભાવ જાગવા માટે કોઈ વિચિત્રવેશધારી વિદૂષકની ઉપસ્થિત આવશ્યક છે. લૌકિક વ્યવહારમાં આવી વસ્તુઓને આપણે રત્યાદિ ભાવો જગાડવાનાં કારણો કહીએ છીએ. પણ કાવ્યશાસ્ત્રમાં એમને ‘વિભાવ’ કહેવામાં આવે છે. વિભાવન એટલે આસ્વાદ્ય બનાવવું તે. લલનાદિ સામગ્રી હૃદયમાં વાસનારૂપે વિરાજમાન રત્યાદિ સ્થાયી ભાવોને જાગ્રત કરીને રસાસ્વાદના અંકુરનો જાણે કે પ્રાદુર્ભાવ કરે છે, તેથી તેમને ‘વિભાવો’ કહે છે. વિભાવોના બે પ્રકાર પાડવામાં આવે છે. જેને અવલંબીને ભાવ જાગ્રત થાય તે આલંબનવિભાવ; જેમ કે, સુંદર સ્ત્રી કે વિદૂષક. કેટલીક વસ્તુઓ એવી હોય છે કે જે જાગ્રત થયેલા ભાવનું ઉદ્દીપન કરે છે; જેમકે, જાગ્રત થયેલો રતિભાવ ચંદ્ર, ઉદ્યાન, સ્ત્રીના શારીરિક સૌન્દર્ય આદિથી ઉદ્દીપન પામે છે. આથી, એ બધાં ઉદ્દીપનવિભાવ ગણાય. ભાવ આસ્વાદ્યતા પ્રાપ્ત કરે તે માટે આલંબન અને ઉદ્દીપન બંને વિભાવો આવશ્યક છે. વિભાવોને આપણે રસનિષ્પત્તિનાં બાહ્ય ઉપાદાન કે objective conditions કહી શકીએ; જ્યારે ભાવો માનસિક ઉપાદાન છે.