ભારતીય કાવ્યસિદ્ધાંત/સાત્ત્વિક ભાવ

Revision as of 14:10, 26 August 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
સાત્ત્વિક ભાવ :

સત્ત્વ એટલે શરીર અને સાત્ત્વિક ભાવો એટલે શરીરની વિક્રિયાઓ. સાત્ત્વિક ભાવો આઠ છે : સ્તંભ, રોમાંચ, સ્વેદ, સ્વરભંગ, કંપ, વૈવર્ણ્ય, અશ્રુ અને મૂર્છા. અને કેટલાક આને અનુભાવોમાં જ સમાવી લે છે. જ્યારે કેટલાક એમને અલગ ગણે છે. જોકે બંનેના મતે એમનો વ્યાપાર તો અનુભાવનનો જ છે. આમ તો સાત્ત્વિક ભાવોને જુદા પાડવાની કોઈ જરૂર નથી. પણ સૂક્ષ્મ દૃષ્ટિએ જોઈએ તો આ સાત્ત્વિક ભાવો બીજા ભાવોથી જુદા તરી આવે છે. પાશ્ચાત્ય વિવેચકોએ પણ અનુભાવોના બે પ્રકારો માન્યા છે. એક તો એ કે જે બિલકુલ બાહ્ય અને પ્રત્યક્ષ ક્રિયાઓ સાથે સંબંધ ધરાવે છે—જેમકે, ભાગવું, આંખો ફાડવી, વગેરે. આનો અભિનય સહેલાઈથી થઈ શકે. બીજા તે કે જે શરીરના અંદરના અવયવો સાથે સંબંધ રાખે છે – જેમ કે, લોહીની ગ્રંથિઓના સંકોચાવાથી ચહેરો ફિક્કો પડી જવો, મોં સુકાઈ જવું, વગેરે. આ બધું પોતાની મેળે જ થાય છે, એના પર આપણું વિશેષ બળ નથી હોતું. આવા અનુભાવોને જ જુદા પાડીને તેમને સાત્ત્વિક ભાવોનું નામ આપવામાં આવ્યું છે. એટલે કે અન્ય અનુભાવો જ્યારે શરીરની ઈચ્છાધીન વિક્રિયાઓ છે, ત્યારે સાત્ત્વિક ભાવો એવી વિક્રિયાઓ છે જે આપણી ઈચ્છાને અધીન નથી. સત્ત્વ તે જીવશરીર અને એના ધર્મ તે સાત્ત્વિક ભાવ એવો ઉપર આપેલો અર્થ ‘રસતરંગિણી’ અનુસાર છે. ‘દશરૂપક’ અને ‘સાહિત્યદર્પણ’ બીજાના દુઃખ, હર્ષ આદિ ભાવોને અત્યંત અનુકૂળ અંતઃકરણ એટલે સત્ત્વ અને એ સત્ત્વમાંથી ઉત્પન્ન થતા ભાવો તે સાત્ત્વિક ભાવો, એવો અર્થ કરે છે. એટલે કે સાત્ત્વિક ભાવોની ઉત્પત્તિ પરહૃદય સાથેના અત્યંત સમભાવમાંથી થાય છે. સાત્ત્વિક ભાવોનો આ જાતનો અર્થ નાટ્યના અભિનયની દૃષ્ટિએ કરવામાં આવ્યો છે એ સ્પષ્ટ છે; કેમ કે નટ બીજા અનુભાવોનો અભિનય તો, પાત્રનો ભાવ પોતે ન અનુભવતો હોય તોપણ, કરી શકે, પણ સાત્ત્વિક ભાવનો અભિનય ત્યારે જ થાય, જ્યારે નટ પાત્રનો ભાવ ખરેખર અનુભવે.