ભારતીય કાવ્યસિદ્ધાંત/રસાસ્વાદના પ્રકારો

Revision as of 14:17, 26 August 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
રસાસ્વાદના પ્રકારો :

અમુક વિભાવાદિ અમુક એક જ રસના અને બીજા રસના બીજા એવું નથી; એટલે કે રસ અને વિભાવાદિનો સંબંધ ઐકાન્તિક નથી. જેમ કે, વાઘ વગેરે વિભાવો જેમ ભયાનક રસના છે, તેમ વીર, અદ્ભુત અને રોદ્રના છે; અશ્રુપાત વગેરે અનુભાવો જેમ શૃંગારના, તેમ કરુણ અને ભયાનકના પણ છે; ચિંતા વગેરે વ્યભિચારી ભાવો શૃંગારના, તેમ વીર, કરુણ અને ભયાનકના પણ છે. આથી સામાન્ય રીતે રસનિર્ણય માટે વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવોનું સંયોજન જરૂરી બની રહે છે,૧ [1]નહિ તો કયા રસના વિભાવ, અનુભાવ કે વ્યભિચારી ભાવ કવિ આલેખી રહ્યા છે તેની કેટલીક વાર સમજ ન પડે. છતાં વિભાવ, અનુભઆવ અને વ્યભિચારી ભાવ એ બધાનું કાવ્યમાં નિરૂપણ થવું જ જોઈએ એવો જડ નિયમ નથી. એવું પણ બને કે કાવ્યમાં માત્ર વિભાવ, અનુભાવ કે વ્યભિચારી ભાવનું જ આલેખન હોય, પણ તે એવા અસાધારણ હોય કે બાકીના બેનું આક્ષેપથી સૂચન થઈ જાય અને એ અનૈકાન્તિક ન રહેતાં કોઈ ચોક્કસ રસને વ્યંજિત કરે.૨[2] પણ વિભાવાદિ સામગ્રીનું સંયોજન કે એમાંનું કોઈ એક તત્ત્વ જ ચમત્કારહેતુ હોય, ત્યારે આસ્વાદમાં ફેર પડવાનો. જ્યાં ભાવક વિભાવાદિ સામગ્રીના સંયોજનથી જાગતા સ્થાયીની પ્રતીતિ કરે છે અને એ સ્થાયીની ચર્વણા દ્વારા આસ્વાદપ્રકર્ષ પામે છે ત્યાં જ કાવ્યશાસ્ત્રીઓ ‘રસ’ કે ‘રસધ્વનિકાવ્ય’ની સંજ્ઞા આપે છે.૩[3] ઉદાહરણ તરીકે,

शून्यं वासगृहं विलोक्य शयनादुत्थाय किञ्चिच्छनै निंद्राव्याजमुपागतस्य सुचिरं निर्वर्ण्य पत्युर्मुखम् । विस्त्रब्धं परिचुम्ब्य जातपुलकामालोक्य गण्डस्थलीं लज्जानम्रमुखी प्रियेण हसता बाला चिरं चुम्बिता ।।

આ શ્લોકમાં નાયકનાયિકા પરસ્પર આલંબનવિભાવ છે, શૂન્ય વાસગૃહ ઉદ્દીપનવિભાવ છે; પતિનું મુખ જોવું, ચુંબન કરવું, મોં નીચું ઢાળી દેવું આદિ નાયિકાના, તો ઊંઘના બહાને પડ્યા રહેવું, રોમાંચ થવો, સ્મિત, ચુંબન, વગેરે નાયકના અનુભાવો છે; ઔત્સુક્ય, લજ્જા નાયિકાના અને હર્ષ નાયકનો વ્યભિચારી ભાવ છે. આ બધાનો એવો રાસાયણિક સંયોગ થાય છે કે એમાંથી સ્થાયી ભાવ રતિ વ્યંજિત થાય છે અને ભાવક શૃંગાર રસનો આસ્વાદ કરે છે. આ જાતનો ‘આસ્વાદપ્રકર્ષ’ જ્યાં નથી હોતો ત્યાં ‘રસધ્વનિ’નું ઉદાહરણ છે એમ ન કહી શકાય. ત્યાં આસ્વાદ્યતા તો હોય, સ્થાયી ભાવ પણ વ્યંજિત થતો હોય, પણ કાં તો એ સ્થાયી ભાવ એવા વિષય પ્રત્યેનો હોય જ્યાં આસ્વાદપ્રકર્ષને સ્થાન ન રહે, અથવા સ્થાયી ભાવ ચમત્કારહેતુ ન હોતાં વ્યભિચારી ભાવ ચમત્કારહેતુ હોય. આ જાતના કાવ્યને આલંકારિકો ‘ભાવધ્વનિકાવ્ય’ કહે છે. મમ્મટ દેવ, મુનિ, ગુરુ, રાજા, પુત્ર-આદિવિષયક રતિના આસ્વાદને રસધ્વનિ ન કહેતાં ભાવધ્વનિ કહે છે. તદુપરાંત જ્યાં વ્યભિચારી વ્યંજિત હોય અને ચમત્કાર હેતુ હોય, ત્યાં પણ ભાવધ્વનિકાવ્ય જ ગણાય છે. ઉદાહરણ તરીકે,

तिष्ठेत्कोपवशात्प्रभावपिहिता दीर्धं न सा कुप्यति
स्वर्गायोत्पतिता भवेन्मयि पुनर्भावार्द्र मस्या मनः ।
तां हर्तुं विबुधद्विषोऽपि न च मे शक्ता पुरोवतनीं
सा चात्यन्तमगोचरं नयनयोर्यातेति कोऽयं विधिः ।।1[4]
(विक्रमोर्वशीयम्)

આચાર્ય અભિનવગુપ્ત કહે છે તેમ, અહીં વિપ્રલંભ શૃંગાર રહેલો હોવા છતાં, આસ્વાદની જે વિશેષતા છે તે તો ‘વિતર્ક’ નામના વ્યભિચારીના ચમત્કારને કારણે છે. આમ, આ શ્લોક ભાવધ્વનિનું ઉદાહરણ બને છે.


  1. 1. व्याध्रादयो विभावा भयानकस्येव वीराद्भुतरौद्राणाम्, अश्रुपातादयोऽनुभावा शृङ्गारस्येव करुणभयानकयोः, चिन्तादयो व्यभिचारिणः शृङ्गारस्येव वीरकरुणभयानकानामिति पृथगनैकान्तिकत्वात् सूत्रे मिलिता निर्दिष्टाः। (काव्याप्रकाश, 4)
  2. 2. यधपि विभावानामनुभावानाम्... च व्याभिचारिणां केवलानामात्र स्थितिः तथाप्येतेषामसाधारणत्वमित्यन्यतमद्वद्याक्षेपकत्वे सति नानैकान्तिकत्वमिति । (काव्यप्रकाश)
  3. 3. रसध्वनिस्तु स एव योऽत्र मुख्यतया विभावानुभावव्यभिचारिसंयोजनोदितस्थायिप्रतिपत्तिकस्य प्रतिपत्तुः स्थाय्यंश चर्वणाप्रयुक्त एवास्वादप्रकर्षः। (ध्वन्यालोकलोचन)
  4. ૧. ઉર્વશી અદૃશ્ય થઈ જતાં પુરુરવા ભિન્ન ભિન્ન તર્કો કરે છે : ‘ગુસ્સે થઈ એ પોતાના પ્રભાવથી છુપાઈ ને ઊભી હોય – પણ એનો ક્રોધ લાંબો ટકતો નથી; કદાચ સ્વર્ગમાં ઊડી ગઈ હોય – પણ મારા પ્રત્યે તો એનું મન ભાવભીનું છે; વળી મારી સમક્ષ હોય ત્યારે એને ઉપાડી જવાની હિંમત રાક્ષસોમાં પણ નથી; આમ, આંખોથી અત્યંત દૂર દૂર એ ચાલી ગઈ છે એ તે કેવું નસીબ!’ આ તર્કો અને એનું સમાધાન એ જ આ શ્લોકની રમણીયતા છે.