ભારતીય કાવ્યસિદ્ધાંત/રસનું સ્વરૂપ

Revision as of 03:36, 27 August 2024 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
રસનું સ્વરૂપ

આ રીતે, અભિનવગુપ્તના મતે, રસ એ એક વિલક્ષણ પ્રકારની પ્રતીતિ કે અનુભૂતિ છે. સામાન્ય લૌકિક પદાર્થોની પ્રતીતિ કાં તો આપણને કાર્યરૂપે થાય કે જ્ઞાપ્ય રૂપે થાય. રસને કાર્ય ગણી શકાય તેમ નથી, તેમ જ્ઞાપ્ય પણ ગણી શકાય તેમ નથી. કાર્યની બાબતમાં નિયમ એવો છે કે કારણ નાશ પામે તોયે કાર્ય નાશ પામે નહિ, જેમ કે કુંભાર મરી જતાં કંઈ ઘડો નાશ પામતો નથી. પણ અહીં તો વિભાવાદિ નાશ પામતાં રસાનુભવ પણ રહેતો નથી. તેથી રસને કાર્ય ન કહી શકાય. એ જ રીતે, કોઈ વસ્તુને જ્ઞાપ્ય ત્યારે જ કહી શકાય કે જ્યારે તે પહેલેથી જ સિદ્ધ હોય અને કોઈક કારણથી આપણને એનું જ્ઞાન થતું હોય, જેમ કે ઘડો અસ્તિત્વ ધરાવતો હોય તો દીવાથી એનું જ્ઞાન થાય, અહીં રસ પહેલેથી અસ્તિત્વ ધરાવતો હોય અને અને વિભાવાદિથી પ્રગટ થતો હોય એવું થતું નથી. માટે રસ જ્ઞાપ્ય છે એમ પણ કહી શકાશે નહિ. એટલે કે વિભાવાદિ રસના કારક હેતુ પણ નથી તેમ જ્ઞાપક હેતુ પણ નથી. વિભાવાદિથી રસ વ્યંજિત થાય છે અને ચર્વણીય બને છે; એ રીતે એમની વચ્ચે કાર્યકારણ કે જ્ઞાપ્યજ્ઞાપક-સંબંધથી ભિન્ન એક વિલક્ષણ સંબંધ છે. કારક પણ ન હોય અને જ્ઞાપક પણ ન હોય એવું તો ક્યાંયે જોયું નથી એમ કોઈ કહે તો એનો જવાબ એ છે કે એથી રસની અલૌકિકતા સિદ્ધ થાય છે અને માટે એ ભૂષણરૂપ છે, દૂષણરૂપ નહિ, છતાં ચર્વણાની નિષ્પત્તિ થાય છે એ અર્થમાં રસને કાર્ય કહેવો હોય તો કહી શકાય. તેમજ લૌકિક કે યૌગિક સંવેદનથી વિલક્ષણ એવા લોકોત્તર સંવેદનનો એ વિષય બને છે એ અર્થમાં એને જ્ઞાપ્ય ગણવો હોય તોપણ ગણી શકાય. રસની પ્રતીતિ લૌકિક કે યૌગિક પ્રતીતિથી આ રીતે વિલક્ષણ છે : સામાન્ય લૌકિક પ્રતીતિ પ્રત્યક્ષ, અનુમાન, સ્મૃતિ આદિ પ્રમાણોથી થતી હોય છે. રસપ્રતીતિ એવાં પ્રમાણોથી થતી નથી એ આગળ સ્ફુટ કર્યું છે. એટલે રસપ્રતીતિને સામાન્ય લૌકિક પ્રતીતિ ન કહી શકાય. યૌગિક જ્ઞાન બે પ્રકારનું હોય છે. એક મિતયોગીનું જ્ઞાન, જેમાં યોગી પોતે પ્રાપ્ત કરેલી શક્તિને કારણે, પોતે અળગો રહીને, બીજાના ચિત્તવ્યાપારો જાણી શકે છે. રસપ્રતીતિમાં સામાજિક આ રીતે તટસ્ય નથી હોતો એ આપણે જાણીએ છીએ. તેથી રસપ્રતીતિ મિતયોગીના યોગિપ્રત્યક્ષથી વિલક્ષણ છે એમ કહેવું જોઈએ. બીજું, પરયોગીનો યોગાનુભવ, જેમાં તે બીજ કશા સંવેદનના સ્પર્શ વિના કેવળ પોતાના આત્મામાં લીન થાય છે. રસપ્રતીતિમાં તો વિભાવાદિની વૈવિધ્યસભર સૃષ્ટિનો સ્પર્શ રહેલો હોય છે, તેથી તે પરયોગીના યોગાનુભવથી પણ વિલક્ષણ છે તે સ્પષ્ટ છે. રસને પ્રતીતિ (જ્ઞાન) કહી પણ એ પ્રતીતિ નિર્વિકલ્પક નથી, તેમ સવિકલ્પક પણ નથી. નિર્વિકલ્પક જ્ઞાનમાં વસ્તુ સંબંધશૂન્ય રૂપે પ્રતીત થાય છે. રસપ્રતીતિમાં વિભાવાદિનો પરામર્શ હોય છે. એટલે એને નિર્વિકલ્પક ન કહેવાય. (એને સવિકલ્પક કહેવી જોઈએ.) સવિકલ્પક જ્ઞાનમાં વસ્તુની નિશ્ચિત વર્ણનીય પ્રતીતિ હોય છે. રસપ્રતીતિમાં રસ આલૌકિક આનંદમય અને ચર્વણારૂપ છે અને એ કેવળ આપણા સંવેદનથી સિદ્ધ છે – અનુભવગમ્ય છે: એનું કથન કરી શકાય નહિ. તેથી એ પ્રતીતિ સવિકલ્પક નથી, નિર્વિકલ્પક છે એમ કહેવું જોઈએ. આ રીતે રસપ્રતીતિ નિર્વિકલ્પકેય નથી કે સવિકલ્પકેય નથી, અથવા તો સવિકલ્પક પણ છે અને નિર્વિકલ્પક પણ છે. આમાં પણ કંઈ વિરોધ છે એમ ગણવાની જરૂર નથી રસની લોકોત્તરતા જ એ દર્શાવે છે. આ રીતે અભિનવગુપ્ત રસને એક અનન્ય અનુભૂતિ તરીકે વર્ણવે છે.