ભારતીય કાવ્યસિદ્ધાંત/રીતિ અને વૃત્તિ

Revision as of 02:02, 29 August 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
રીતિ અને વૃત્તિ :

વામન વગેરે કેટલાક આલંકારિકો દસ કાવ્યગુણો ગણાવે છે અને એનાં ભિન્ન ભિન્ન પ્રકારનાં સંયોજનોને ‘રીતિ’ એવું નામ આપે ‘રીતિ’ની વ્યાક્યા આપતાં વામન કહે છે : विशिष्टा पदरचना रीतिः । (વિશિષ્ટ પ્રકારની પદરચના એટલે રીતિ.) પણ પદરચનાની આ વિશેષતા તે શું, એ સમજાવતાં વામન કહે છે : विशेषो गुणात्मा । એટલે કે પદરચનામાં જે વિશેષતા છે તે એમાં રહેલા ગુણોને કારણે છે. આ સિદ્ધાંતને અનુસરીને વામન ત્રણ પ્રકારની રીતિ ગણાવે છે : વૈદર્ભી, ગૌડી અને પાંચાલી. બધા ગુણોથી યુક્ત પદરચના તે વૈદર્ભી રીતિ, ઓજસ્ અને કાન્તિ એ બે ગુણોથી યુક્ત પદરચના તે ગૌડી રીતિ અને માધુર્ય અને સૌકુમાર્ય ગુણોથી યુક્ત પદરચના તે પાંચાલી રીતિ. ત્રણે રીતિઓનાં નામો ભિન્ન ભિન્ન પ્રદેશની ભાષાકીય – સાહિત્યકીય વિશેષતાઓ દર્શાવવા યોજાયાં હોય, તો એનું મૂલ્ય વિશેષતઃ તો ભૌગૌલિક – ઐતિહાસિક ગણાય. તાત્ત્વિક દૃષ્ટિએ જોઈએ તો ગુણોનાં આ ત્રણ સિવાયના બીજા પ્રકારનાં સંયોજનો પણ હોઈ શકે. અને ઓજસ્૧[1], પ્રસાદ૨[2] જેવા એકમેકથી લગભગ ભિન્ન ગુણોના બાકીના ગુણો સાથેના સંયોજનરૂપ વૈદર્ભી રીતિ કલ્પવામાં કંઈક અસંગતિ જેવું કોઈકને લાગવા સંભવ છે. એટલે ગુણોને આધારે થયેલી આ રીતિવ્યવસ્થા બહુ તર્કસંગત નથી લાગતી. વામનની રીતિવિચારણામાં એક જાતની અવિશદતા પણ રહેલી છે. એમને મતે રીતિ એ કાવ્યનો આત્મા છે. પણ ગુણને તો તેમણે કાવ્યને શોભા આપનારા ધર્મો જ કહ્યા છે. એટલે કે ગુણ એ કાવ્યનું મૂળભૂત તત્ત્વ નહિ, એને શોભા આપનાર તત્ત્વ છે. આમ એમને મતે કાવ્યમાં રીતિ અને ગુણનું સ્થાન ભિન્ન ભિન્ન પ્રકારનું જણાય છે. પણ તાત્ત્વિક દૃષ્ટિએ જોતાં એ ભેદ નિરર્થક અને ભ્રામક લાગે છે. રીતિનું હાડ બંધાય છે ગુણોથી જ. હવે, જો કોઈ ગુણની ઉપસ્થિતિમાત્રથી જ કાવ્ય ન બનતું હોય, તો થોડા ગુણો એકત્ર થવાથી કાવ્યત્વ ક્યાંથી આવી જાય? એટલે કાવ્યમાં રીતિનું સ્થાન ગુણથી વિશેષ ન માની શકાય. મમ્મટે વામનસંમત રીતિવ્યવસ્થા સ્વીકારી નથી. તે ત્રણ પ્રકારની ‘વૃત્તિ’ ગણાવે છે. તેમણે વૃત્તિની વ્યાખ્યા આપી નથી. પણ આ ત્રણ વૃત્તિઓને કેટલાક વૈદર્ભી આદિ રીતિ માને છે એમ એ કહે છે, તે પરથી વામન આદિની રીતિના પર્યાયરૂપે એ ‘વૃત્તિ’ શબ્દ પ્રયોજે છે એમ ફલિત થાય. પણ આ ત્રણે વૃત્તિઓનું એનું સ્વરૂપલક્ષણ વામને આપ્યું છે તે કરતાં જુદું અને ઘણું સાદું છે. એમણે ગણાવેલી ત્રણ વૃત્તિઓ છે : ઉપનાગરિકા, પરુષા અને કોમલા. માધુર્યવ્યંજક વર્ણોથી સધાય તે ઉપનાગરિકા વૃત્તિ, ઓજસ્-વ્યંજક વર્ણોથી સધાય તે પરુષા અને બાકીના વર્ણોથી સધાય તે કોમલા. માધુર્યાદિ ગુણો અને આ વૃત્તિઓ વચ્ચેનો ભેદ બહુ ઓછો લાગે છે. માધુર્યાદિ ગુણોમાં એકને એક વર્ણનું પુનરાવર્તન જરૂરી નથી. વૃત્તિઓનું નિરૂપણ મમ્મટે વૃત્ત્યનુપ્રાસ અલંકારના પેટામાં કર્યું છે, તેથી એમ લાગે છે કે તેમાં માત્ર માધુર્યાદિવ્યંજક વર્ણો હોય એટલું જ નહિ, પણ એકને એક વર્ણનું પુનરાવર્તન પણ થવું જોઈએ, એમ એમને અભિપ્રેત હશે. (‘ક્લાન્તભ્રાન્ત’માં માધુર્ય ગુણ છે તેમ ઉપનાગરિકા વૃત્તિ પણ છે એમ કહી શકાય, પણ ‘ક્લાન્ત અંગ’માં માધુર્ય ગુણ છે, ઉપનાગરિકા વૃત્તિ નહિ.) આથી આચાર્ય અભિનવગુપ્ત તો વૃત્તિને સ્પષ્પપણે અનુપ્રાસજાતિ જ ગણે છે (अनुप्रासजातयः वृत्तय:), એટલે જ નહિ, રીતિ અને વૃત્તિ બંને અંગે એ કહે છે કે : वृत्तिरीतयः गुणालङ्कारव्यतिरिक्ताः । વૃત્તિ અને રીતિનો ગુણ અને અલંકારથી કશો ભેદ નથી. (૧૮) અને આપણે તો ગુણ અને અલંકાર વચ્ચે પણ બહુ ઓછો ભેદ છે એ જોયું છે, એટલે વ્યાપકપણે એમ કહી શકાય કે ગુણ, અલંકાર, રીતિ, વૃત્તિ—એ બધાં કાવ્યબાનીનાં સૌન્દર્યસાધક તત્ત્વો છે.


  1. ૧.पदन्यासस्य गाढत्वम् । (એટલે કે સમાસયુક્ત પદરચના)
  2. ૨.वन्धे पृथक् पदत्वम् । (એટલે કે સમાસરહિત પદરચના)