ભારતીય કાવ્યસિદ્ધાંત/શય્યા અને પાક

Revision as of 02:05, 29 August 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
શય્યા અને પાક

ભારતીય કાવ્યશાસ્ત્રમાં કેટલીક વાર વિશિષ્ટ કાવ્યશૈલી દર્શાવવા ‘શય્યા’ અને ‘પાક’ જેવા શબ્દો યોજવામાં આવે છે. કાવ્યમાં શબ્દો એવા ઔચિત્યથી – રસદૃષ્ટિથી ગોઠવાયેલા હોય, પરસ્પર એવા અનુકૂળ સંબંધે જોડાયેલા હોય કે એક શબ્દનો પર્યાય મૂકવાથી કે શબ્દોની વ્યવસ્થા ફેરફાર કરવાથી કાવ્યના ભાવને — સૌન્દર્યને હાનિ પહોંચે એમ હોય, તો એ કાવ્યરચનાનો એક ઉત્કૃષ્ટ ગુણ ગણવો જોઈએ. ભારતીય કાવ્યશાસ્ત્રીઓએ કાવ્યરચનાના આ ગુણને પદમૈત્રી કે શય્યા કહેલ છે.૧ [1]સાચા કવિની રચનામાં આ ગુણ ઓછેવત્તે અંશે રહેલો હોય જ. આપણે ત્યાં કવિ ‘કાન્ત’નાં ‘વસંતવિજય’, ‘ઉદ્ગાર’ આદિ કેટલાંક કાવ્યો આ ગુણનાં ઉચિત ઉદાહરણ બની શકે.

‘પાક’ શબ્દના અર્થ પરત્વે સંદિગ્ધતા જણાય છે. વિદ્યાધર રસને ઉચિત એવા શબ્દ અને અર્થના નિબંધનને પાક કહે છે. પણ એ મમ્મટ આદિની ગુણવ્યવસ્થાને સ્પર્શતો એક વ્યાપક નિયમ જ ગણાય. કાનને અમૃતના જેવો આનંદ આપનાર પદોની રચના કરવાની નિપુણતાને ‘પાક’ કહેનારને એ દ્વારા માધુર્ય ગુણથી વિશેષ કંઈ અભિપ્રેત હશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે; પણ પદોને ફેરવી ન શકાય એવા કાવ્યરચના ગુણને ‘પાક’ કહેનાર એને શય્યા – પદમૈત્રીના અર્થમાં જ પ્રયોજે છે એ દેખીતું છે.૧[2] [3] પાકનું કાવ્યશૈલી તરીકેનું સ્વરૂપ આપણને વિદ્યાનાથ પાસેથી જ મળે છે. એ પાકનો અર્થ અર્થગાંભીર્ય કે અર્થની પરિપક્વતા એવો કરે છે અને એ બે પ્રકારે હૃદયંગમ બને એમ કહે છે. કેટલાંક કાવ્યોમાં અંદરથી અને બહારથી બધી તરફથી રસ સ્ફુરે, જેમ દ્રાક્ષમાંથી અપ્રયત્ને રસ સ્ફુરે છે તેમ. આ જાતની કાવ્યરચનાને દ્રાક્ષાપાક કહે છે. કાલિદાસનું ‘શાકુન્તલ’, મીરાંનાં પદો, દયારામની ગરબીઓ કે ન્હાનાલાલનાં કેટલાક ઊર્મિકાવ્યોને દ્રાક્ષાપાકનાં ઉદાહરણો તરીકે ગણાવી શકાય. કેટલાક કાવ્યોનો રસ નાળિયેરની જેમ અંતર્ગૂઢ હોય છે. જેમ નાળિયેરને ભાંગવાનો શ્રમ કર્યા પછી જ એના ગર્ભનો આસ્વાદ લઈ શકાય, તેમ આવાં કાવ્યોના રસાસ્વાદ માટે વાક્યોનો અન્વય, શબ્દોના અર્થ આદિ પરત્વે શ્રમ લેવો પડે છે. આ જાતની કાવ્યશૈલીને એ નારિકેલપાક કહે છે.૨ ભારવિનાં ‘કિરાતાર્જુનીયમ્’ને તથા અખાની અને બળવંતરાય ઠાકોરની કવિતાને નારિકેલપાકનાં ઉદાહરણ તરીકે ગણાવી શકાય.


  1. ૧. या पदानां परान्योन्यमैत्री शय्येति कथ्यते ।
    - विद्यानाथ (प्रतापरुद्रयशोभूषण)
    पदानां परिवृत्तिवैमुख्यं विनिमयासहिष्णुत्वम् । एतदेव मैत्री शय्येति आख्यायते । -मल्लिनाथ (एकावली પરની तरल ટીકા)
  2. ૧. આ ત્રણે મતોને માટે જુઓ વિદ્યાધરકૃત ‘एकावली’ :
    ‘पाकस्तु रसोचितशब्दार्थनिवन्धनम् । श्रवणरससुधास्यन्दिनी पदव्युत्पत्तिः पाक इत्यन्ये । पदानां परिवृत्तिवैमुख्यं पाक इत्यपरे ।’
  3. ૨.अर्थगम्भीरिमा पाकः स द्विधा हृदयंगमः ।
    द्राक्षापाको नारिकेलपाकश्च प्रस्फुटान्तरौ ।।
    द्राक्षापाको स कथितो बहिरन्तः स्फुरद्रसः ।
    स नारिकेलपाकः स्यादन्तर्गूढरसोदयः ।।
    (प्रतापरुद्रयशोभूषण)