ભારતીય કાવ્યસિદ્ધાંત/કાવ્યદોષ

Revision as of 02:13, 29 August 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
કાવ્યદોષ

મમ્મટ દોષનો વિચાર સીધી રીતે તો રસના સંબંધમાં જ કરે છે, પણ એમની સૂક્ષ્મ દૃષ્ટિ એમને અનેક ગૌણ દોષોના વિવરણ તરફ દોરી જાય છે. એમની દોષની વ્યાખ્યા નીચે મુજબ છે.

मुख्यार्थहतिर्दोषो रसश्च मुख्यस्तदाश्रयाद् वाच्यः ।
उभयोपयोगिनः स्युः शब्दाद्यास्तेन तेष्वपि सः ।।

મુખ્ય અર્થને અપકર્ષક હોય તે દોષ. રસ કાવ્યનો મુખ્ય અર્થ છે. આથી રસને અપકર્ષક હોય તેને જ દોષ કહી શકાય. પણ રસ તો વ્યંગ્ય છે, એટલે એના આશ્રયરૂપ વાચ્ય અર્થના દોષોને જ આપણે દોષ ગણવા જોઈએ. આ વાય્ય અર્થને તે વિભાવાદિ. પદ, વાક્ય, અર્થ વગેરે રસ તેમજ વિભાવાદિને ઉપયોગી છે, એટલે તેમાં થતાં સ્ખલનોને પણ કાવ્યદોષમાં સ્થાન આપવું પડે. આથી મમ્મટ પદદોષ, વાક્યદોષ અને રસદોષ એવા વિભાગોમાં દોષોની ચર્ચા કરે છે. મમ્મટનું દોષનિરૂપણ સૂક્ષ્મ છે તેમ વિસ્તૃત પણ છે. એમણે ગણાવેલા અનેક પદગત, વાક્યગત અને અર્થગત દોષ અંતે તો શબ્દની કર્કશતા, ગ્રામ્યતા, નિરર્થકતા કે અશ્લીલતામાં, અર્થની સંદિગ્ધતા, અશ્લીલતા કે અસંગતિમાં અને અર્થપ્રતીતિમાં વિલંબ કે વૈષમ્યમાં પરિણમે છે. ભારતીય કાવ્યશાસ્ત્રીઓનો આદર્શ તો એ છે કે જે વાક્યાર્થથી સુંદર કાવ્ય થવાનું હોય, તે તો એવો હોવો જોઈએ કે તેમાં કોઈ પણ જાતનો ભાષાદોષ અથવા શબ્દવિન્યાસદોષ, છંદોવિધાનનો દોષ કે અનુચિત વર્ણનનો દોષ ન હોય. પણ દોષનો સાચો નિર્ણય તો સંદર્ભને અનુલક્ષીને જ થાય એ મમ્મટે યોગ્ય રીતે બતાવ્યું છે. એટલે જ દોષ દોષરૂપ ન રહે કે ગુણરૂપ બની જાય એવા સંભવોની ચર્ચા પણ એમણે કરી છે. ઉદાહરણ તરીકે, કોઈ ક્રિયા કે બનાવનું કારણ દર્શાવવામાં ન આવે તો, સામાન્ય રીતે, એ ‘નિર્હેતુ’ નામનો દોષ ગણાય; પણ અર્થ-વસ્તુ જ્યારે પ્રસિદ્ધ હોય, ત્યારે એ દોષ ન ગણાય. આ ઉપરાંત, અનુકરણના હેતુથી કરવામાં આવેલા દોષ દોષ ન ગણાણ, એટલું જ નહિ પણ વક્તા, વાચ્ય કે પ્રકરણની વિશિષ્ટતાને કારણે એ દોષ ગુણરૂપ પણ બની જાય. જેમ કે, વૈયાકરણની વાણીમાં કે રૌદ્ર રસના નિરૂપણમાં ‘કષ્ટત્વ’એ દોષ ગુણરૂપ બની જાય. આથી જ તો કેટલીક વાર ‘નિત્યદોષ’ અને ‘અનિત્યદોષ’ એવો ભેદ દોષને અંગે કરવામાં આવે છે. છતાં ગંભીર અને મહત્ત્વના દોષ તો રસદોષ જ છે. શબ્દથી રસ અથવા સ્થાયી ભાવનો નિર્દેશ, પ્રતિકૂળ વિભાવાદિ, વિભાવાદિની કિલ્ષ્ટ કલ્પના, વિભાવાદિનું અનૌચિત્ય, અસ્થાને રસભંગ, એક જ રસની પુનઃપુનઃ દીપ્તિ, પ્રકૃતિવિપર્યય આદિ રસદોષ મમ્મટ દર્શાવે છે. અલબત્ત, અહીં પણ એ કહે છે તેમ અમુક સંજોગોમાં અમુક દોષ નિર્વાહ્ય બને, આવશ્યક પણ બને. એટલે કાવ્યત્વનું સાચું તત્ત્વ અંતે તો, આચાર્ય આનંદવર્ધન જ કહે છે તેમ, ‘ઔચિત્ય’ જ બની રહે છે :

अनौचित्याहते नान्यद्रसभङ्गस्य कारणम् । औचित्योपनिबन्धस्तु रसस्योपनिषत्परा ।। ૧ [1]

આચાર્ય આનંદવર્ધન કાવ્યના દોષોમાં તારતમ્ય કરવાનું એક મૂળભૂત ધોરણ આપે છે. કાવ્યના દોષોને એ બે પ્રકારના ગણે છે : અવ્યુત્પત્તિ એટલે કે જ્ઞાનાનુભવની ઊણપને કારણે થયેલા અને અશક્તિ એટલે કે પ્રતિભાની ઊણપને કારણે થયેલા. નાની નાની અસંગતિઓ અને અનૌચિત્ય, ભાષાની કઠિનતા, વ્યાકરણના દોષો, છંદનું અલાલિત્ય, વગેરે કવિની અવ્યુત્પત્તિના દોષો છે. એ દોષો કાવ્યને માટે જીવલેણ નથી. કારણ કે

अव्युत्पत्तिकृतो दोषः शक्त्या संव्रियते कवेः ।
यस्त्वशक्तिकृतस्तस्य स झटित्यवभासते ।।

એટલે કે વ્યુત્પત્તિના અભાવને કારણે થયેલા દોષોને તો કવિની રસસર્જનની શક્તિ ઢાંકી દે છે. પણ કવિની અશક્તિ-પ્રતિભાની ઊણપમાંથી જે જન્મે છે તે દોષો તરત નજરે ચડે છે અને કાવ્યાસ્વાદમાં અંતરાય ઊભો કર્યા વિના રહેતા નથી.૨[2]


  1. ૧. અનૌચિત્ય સિવાય રસભંગનું બીજું કોઈ કારણ નથી. ઔચિત્યપૂર્વકનું નિબન્ધન-રચના એ જ રસનું મોટું ‘ઉપનિષદ’ – રહસ્ય- છે.
  2. ૨. દોષોમાં તારતમ્ય કરવાની આ જ દૃષ્ટિ એરિસ્ટોટલના નીચેના વિધાનમાં જોઈ શકાશે : ‘To be ignorant that a hind has no horns is a lesser error than to paint it badly.’