રમણીક સોમેશ્વરની કવિતા/રહ્યો હું યે ઊભો

Revision as of 16:04, 9 September 2024 by Meghdhanu (talk | contribs) (પ્રૂફ)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૪૯. રહ્યો હું યે ઊભો...

(શિખરિણી)

અજાણ્યું લાગે છે નભ સકળ, નીચે અજનબી
જણાતી આ કેવી નવલ-નવલી સાવ ધરણી!

જુઓ, આ ડોકાયાં ઝમ ઝમ થતાં શાંત ઝરણાં
રુંવાટાં શાં ફૂટ્યાં લહ લહ થતા ભોંય તરણાં

ઝરે માથે ઝીણાં ક્ષણ ઝળકતાં ઓસ ટપકાં
હજારો સૂર્યોની ચિર છવિ લઈ મંદ મલકે

મથું એને મારાં દૃગ ઉભય મધ્યે પકડવા
અને હું રેલાતો અરવ અણજાણી પળ વિશે
કશું ધીમે ધીમે વિકસિત થતું ને વિલસતું
વહે અંગાંગે કૈં અકળ, સમજાતું નવ મને

નિહાળું હું સામે પળ પળ નવા રૂપ ધરતી
નવી સૃષ્ટિ જાણે મુજ હૃદય માંહે ઊઘડતી

બધાયે આલાપો સમય-સ્થળના સાવ વિસરી
રહ્યો હું યે ઊભો, પવન-ઝૂલતા વૃક્ષ સરિખો